ફર્ઝી વેબ સિરીઝ જોઇને ગોરખધંધા શીખ્યો:કોન્સ્ટેબલને મળેલી બાતમીએ 7 આરોપીના ઇરાદા પર પાણી ફેરવ્યું, કેવી રીતે પકડાઇ 2.20 કરોડની નકલી નોટ?

DvB Original3/31/2026, 12:30:00 AM
ફર્ઝી વેબ સિરીઝ જોઇને ગોરખધંધા શીખ્યો:કોન્સ્ટેબલને મળેલી બાતમીએ 7 આરોપીના ઇરાદા પર પાણી ફેરવ્યું, કેવી રીતે પકડાઇ 2.20 કરોડની નકલી નોટ?
પૈસો સે ખુશીયા નહીં ખરીદ સકતે..... યે ડાયલોગ સિર્ફ વો લોગ મારતે હૈ, જીન કે પાસ પૈસે હોતે હી નહીં.... વેબ સિરીઝ ફર્ઝીમાં એક્ટર શાહીદ કપૂરના મોંઢે બોલાયેલો આ ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો છે. આમ તો એવું કહેવાય છે કે ફિલ્મો અને વેબ સિરીઝ સમાજ જીવનનું પ્રતિબિંબ હોય છે, લોકો તેમાંથી જોઇને ઘણું શીખતા હોય છે. જો કે આપણી આસપાસમાં જ કેટલાક એવા લોકોય હોય છે જે તેમાંથી સારી બાબત શીખવાને બદલે ગોરખધંધા શીખે છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાંથી 2.20 કરોડની નકલી ચલણી નોટ સાથે ઝડપાયેલા પ્રદીપ ગુરૂ અને તેના સાગરિતોના કિસ્સામાં પણ આવું જ થયું છે. આ બનાવટી ચલણી નોટો છાપવાના માસ્ટર માઇન્ડ ગણાતાં મુકેશ ઠુમ્મરને શાહીદ કપૂરની ફિલ્મ ફર્ઝી જોઇને નકલી નોટ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ ફિલ્મ તેણે 1-2 વાર નહીં પણ 3 વખત જોઇ હતી. તેણે પોલીસને જણાવ્યું કે આ ફિલ્મ બનાવટી નોટ પર આધારિત છે. પ્રદીપના અંગત ખર્ચ માટે પૈસા વપરાવાના હતા પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યા મુજબ તેઓ પ્રદીપના ફાઉન્ડેશનના એકાઉન્ટમાં રકમ જમા કરાવવાના હતા પરંતુ આ બાબતે કોઇ સજ્જડ પુરાવો હાથ લાગ્યો નથી. આ રકમ સંસ્થાના એકાઉન્ટમાં નહીં પણ પ્રદીપ ગુરુના અંગત ખર્ચમાં વાપરવાની હોવાની હકીકત પોલીસને જાણવા મળી છે. એટલું જ નહીં પરંતુ પ્રદીપ પોતાને USA જવામાં સરળતા રહે તે માટે અન્ય દેશના પ્રવાસે ગયો હતો. હકીકતમાં પ્રિન્ટર મશીન ખરીદવા માટે પ્રદિપ ગુરુ ચીનમાં એજન્ટને મળવા ગયો હતો. 70 લાખમાં નકલી નોટ વેચવાના હતા આરોપીઓ 2.20 કરોડથી વધુની નકલી નોટો 70 લાખ રૂપિયામાં વેચી દેવાની પેરવીમાં હતા. આરોપીઓએ આ અગાઉ ચલણી નોટો બજારમાં ફરતી મૂકી છે કે નહીં તે દિશામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આરોપીઓએ અગાઉ 5 લાખની નકલી નોટ બજારમાં ફરતી મૂકી હતી. જો કે આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલા કાગળ તથા નકલી નોટોની સરખામણીનો તાળો બેસતો હોવાથી પોલીસ માથું ખંજવાળી રહી છે. શું બાતમી મળી હતી? કોન્સ્ટેબલ કૌશિકકુમાર કાંતિભાઇને બાતમી મળી હતી કે કેટલાક લોકો ભારતીય ચલણની બનાવટી નોટો લઇ સુરતથી આવી અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં કોઇની સાથે ડિલ કરવાના છે અથવા તો આ નોટો સગેવગે કરવા માટે ફરી રહ્યાં છે. પોલીસની જુદી-જુદી ટીમ અમરાઇવાડી પહોંચી આ બાતમી મળ્યા બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ સરકારી વાહન તેમજ ખાનગી વાહનમાં 18 માર્ચ, 2026ના રોજ બપોરે 2 વાગ્યે શહેર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા નીકળી હતી. પેટ્રોલિંગ ચાલુ હતું તે દરમિયાન બાતમીવાળી ફોર્ચ્યુનર કાર અમરાઇવાડી ટોરેન્ટ પાવર સામેના ભાગમાં મેટ્રો પિલ્લર નં. 29-30ની વચ્ચે દેખાઇ હતી. જેથી પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. જેમાં 5 પુરુષ અને 1 મહિલા હતી. તેમની પાસે બે બેગોમાં 500ના દરની નકલી નોટો મળી હતી. રસ્તા પર લોકોનું ટોળું ભેગું થઇ ગયું રસ્તા પર પોલીસ ફોર્ચ્યુનર કારને અટકાવીને તપાસ કરતી હતી એ સમયે કુતૂહલવશ રાહદારીઓ અને વાહનચાલકો ભેગાં થઇ ગયા હતા. જેથી પોલીસનો કાફલો આરોપીઓ અને તેમની કારને લઇ ત્યાંથી નીકળીને અમરાઇવાડી ન્યૂ કોટન મિલ ચોકી ખાતે પહોંચ્યો હતો પરંતુ ચોકીના દરવાજે તાળું હતું. નાગરવેલ પોલીસ ચોકી પહોંચ્યા પોલીસને નકલી નોટોની ગણતરી કરવાની હતી એટલે આખો કાફલો નાગરવેલ પોલીસ ચોકી પહોંચ્યો હતો. જ્યાં પ્રાથમિક ચકાસણી કરતાં કાળા રંગની બેગપેક તથા સફેદ રંગના મીણિયાના થેલામાં 500ના દરની નકલી નોટોના બંડલોની 24 રીમો હતી. એક રીમમાં કુલ 10 બંડલ હતા. એક બેગપેકમાં કુલ 240 બંડલ હતા. એક આરોપી રફૂચક્કર થઇ ગયો હતો એક આરોપી ભરત કાકડિયા લઘુશંકા કરવા ગયો હતો. દરમિયાનમાં પોલીસે છાપો મારીને બીજા આરોપીઓને ઝડપી લીધા હતા. આ સમયે ભરત પોલીસને જોઇ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો અને ફરતો ફરતો સીટીએમ ચાર રસ્તા બાજુ ગયો હતો. જો કે પોલીસને આરોપીઓની પૂછપરછમાં ભરત અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેને શોધવા નીકળ્યો હતો અને તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. કેમ આ કારસ્તાન કર્યું? પોલીસે આરોપીઓની ફેરવી-ફેરવીને પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે આ આરોપીઓ પૈકીનો પ્રદીપ જોટંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુ સુરતના કામરેજ-કીમ વચ્ચે આવેલા ટોલનાકા પાસે ધોરણ પારડી ગામે સત્યમ યોગ ફાઉન્ડેશનના નામથી NGO ચલાવે છે. જેમાં યોગ દ્રારા લોકોના અસાધ્ય રોગો દૂર થાય તે માટે કામ કરાય છે. આશ્રમમાં રોગ મટાડવા માટે આવતાં દર્દીઓ માટે રહેવાની કોઇ સગવડ નહોતી. તેમ જ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવતી આ કામગીરીમાં ભંડોળ ઓછું પડતું હતું. કડકાઇ દૂર કરવા નોટો છાપવાનું નક્કી કર્યું ફાઉન્ડેશનની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે આરોપી ભરત વાલજીભાઇ કાકડિયા તથા અન્ય આરોપીઓએ ત્રણેક મહિના પહેલા સાથે મળીને નકલી નોટો છાપવાનું નક્કી કર્યું હતું. મશીનરી ખરીદવા પ્રદીપ ગુરુ ચીન પહોંચ્યો બનાવટી ચલણી નોટો છાપવા માટે કલર પ્રિન્ટર મશીન, કટર મશીન, કાગળો ખરીદવા પડે તેમ હતા. જેના માટે તમામ આરોપીઓએ ભેગાં મળીને ભંડોળ ભેગું કર્યું. આ ભંડોળમાંથી RBI તથા ભારત લખેલા ગ્રીન કલરના સિક્યોરિટી થ્રેડ પેપર માટે વેબસાઇટ પર ચાઇનીઝ એજન્ટનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ અલી પે નામના પેમેન્ટ ગેટ વે મારફતે નાણાં મોકલી આ સિક્યોરિટી થ્રેડ પેપર મંગાવ્યા હતા. સાથે સાથે પોલીસને જાણવા મળ્યું હતું કે મશીનરી ખરીદવા માટે ચીન ગયેલા પ્રદીપ ગુરૂએ એજન્ટ સાથે બેઠક કરીને જુદા-જુદા 8 પાર્સલો એર કાર્ગો મારફતે ગુજરાત મંગાવ્યા હતા. જેથી આરોપીઓએ 8થી વધુ પાર્સલો મંગાવ્યા હતા કે નહીં તેની તપાસ કરવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ સત્તાવાળાઓ પાસે વિગતો માગવાની છે. મશીનો સહિતનું મટિરિયલ મુકેશ ઠુમ્મરને ત્યાં મૂકવાનું નક્કી કર્યું ચીનથી આવેલાં મશીન સહિતનું મટિરિયલ આરોપી મુકેશ ઠુમ્મરના સુરત સ્થિત ઘરે મૂકવામાં આવ્યું હતું અને ત્યાં જ નોટો છાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુકેશ પોતે ફોટોશોપ એડિટિંગનું કામ જાણતો હોવાથી તમામ આરોપીઓએ 3 મહિના સુધી આ કામગીરી કરીને 500ના દરની નકલી નોટો છાપી હતી. પોલીસ ગણતરી કરતાં થાકી ગઇ આટલાં મોટાં જથ્થામાં બનાવટી ચલણી ઝડપાઇ હતી. તેને સિરિયલ અને સિરીઝ પ્રમાણે વર્ણન કરી ગણતરી કરવામાં આવે તો ખૂબ જ સમય જાય. પોલીસ આ પ્રક્રિયામાં ઘણાં લાંબા સમયથી વ્યસ્ત હોવાથી થાકી ગઇ હતી. છેવટે મશીનથી નોટો ગણવામાં આવી હતી બાદમાં તમામ નોટોને પ્લાસ્ટિકના પારદર્શક ડબ્બામાં મૂકીને સીલ કરાઇ હતી. PSI ફરિયાદી બન્યાં આ અંગે સબ ઇન્સ્પેક્ટર ડી.એમ.સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા નાયબ પોલીસ કમિશનર અજિત રાજિયનના માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.જાડેજાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યાં હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો સુરતમાં બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →