સૂર્ય પર શનિની સવારી:15 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે જન્મેલા જાતકો માટે જૂન 2027 સુધી 'રેડ એલર્ટ'; અવકાશી ગ્રહો કેવી રીતે કુંડળી ચલાવે છે જુઓ
કિં કરોતિ નરઃ પ્રાજ્ઞ: શૂરો વાપ્યથ પંડિતઃ દૈવ યસ્ય ફલાન્વેશી કરોતિ વિફ્લા:ક્રિયા: અર્થાત માણસ બુદ્ધિશાળી,પરાક્રમી કે પંડિત ભલે હોય પણ ફળને શોધી આપનાર નસીબ જ જયારે એની ક્રિયાઓને નિષ્ફળ બનાવતું હોય તો તે શું કરી શકે? બ્રહ્માંડમાં ત્રણ ગ્રહો અજીબોગરીબ અને અદ્દભુત છે. સમગ્ર જ્યોતિષશસ્ત્રનો સાર પણ તેમાં જ આવી જાય છે. આ ત્રણ ગ્રહો એટલે સૂર્ય, ચંદ્ર અને શનિ. શનિએ સૂર્ય અને ચંદ્રનો મહાશત્રુ ગ્રહ સૂર્ય એટલે આત્મા,ચંદ્ર એટલે મન અને શનિ એટલે આત્મા અને મનની મજાને સજા આપનારો ગ્રહ કારણ કે શનિએ સૂર્ય અને ચંદ્રનો મહાશત્રુ ગ્રહ છે. માનવ જીવનની પ્રગતિ અને અવગતિનો મૂળ આધાર ગ્રહોની ગતિ છે. ગ્રહો બગડે એટલે રાજાને પણ ગલીઓમાં વાજા વગાડવાનો વારો આવે. કુંડળીના મૂળ સૂર્ય પર જયારે જયારે શનિ ભ્રમણ કરે જો કુંડળીના ચંદ્રને પનોતીથી બાંધે ત્યારે ત્યારે જાતકની લાઈફના ભુક્કા બોલાવી નાખે. અવકાશી ગ્રહો કેવી રીતે કુંડળી ચલાવે છે જુઓ? એક ભાઈએ એક વર્ષ પેહલા સાઉથ બોપલ સિટીમાં 25 કરોડનો અદ્દભુત બંગલો બાંધ્યો અને વાજતે ગાજતે તેમાં રહેવા ગયા. તેમના આ શાહી મેહલાતમાં માંડ ઠરી ઠામ થવાની કોશીશ કરતા હતા અને અચાનક એક રાત્રે તેમના રહેઠાણે આયકર વિભાગ ત્રાટક્યો અને બસ શરુ થઇ તેમના જીવનમાં અશાંતિ અને અનિદ્રાની યાત્રા. આ ભાઈના હોશકોશ ઉડી ગયા. નવા બંગલાનો આનંદ નંદવાઈ ગયો. આ ભાઈને શક હતો કે નવું ઘર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કંઈક ગરબડ વાળું છે. તેમની કુંડળીનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે જે સંપત્તિના માનમાં આ ભાઈ આકાશમાં ઉડતા હતા તે અવકાશી ગ્રહો જ તેમની કુંડળીમાં અવળી ગતિએ ચાલતા હતા. કારણ કે આ ભાઈનો જન્મ 20 માર્ચ 1982ના રોજ થયેલો અને આથી તેઓ મીન રાશિના સૂર્યના જાતક હતા. અત્યારે માર્ચ 2025થી શનિ પણ મીન રાશિમાં ચાલે છે આથી જ્યોતિષની ભાષામાં એવું કેહવાય કે તેમની કુંડળીના મૂળ સૂર્ય પરથી શનિનું ગોચર ભ્રમણ થાય છે. તેમની જન્મકુંડળીના મૂળ સૂર્ય પર ગોચરના શનિનું ભ્રમણ હતું અને બસ આ વાત તેમની અશાંતિ-અનિદ્રા અને દુઃખોનું મૂળ કારણ હતી. આ ભાઈ તેમના તમામ દુઃખોનું મૂળ કારણ તેમના નવા ઘરને સમજતા હતા પણ તેમની પીડા અને દુ:ખ તેમની કુંડળીમાં દુષિત થતા સૂર્યના કારણે હતી. આમ તેમને સમજાવ્યા કે જ્યાં સુધી તમારા મૂળ સૂર્ય પર શનિનું ગોચર ભ્રમણ રહેશે ત્યાં સુધી અર્થાત જૂન 2027 સુધી તમારા જીવનમાં મુસીબતોની વણઝાર ચાલુ જ રહેશે. બે વર્ષ પહેલાનો તેજસ્વી તારલો અચાનક આથમી ગયો! એક બીજા કિસ્સાની વાત કરીએ, એક તેજસ્વી વિદ્યાર્થી કે જે બે વર્ષ પહેલા જ 10મા બોર્ડની પરીક્ષામાં પ્રથમ પાંચમાં પોતાનું સ્થાન મેળવે છે અને અચાનક જ બારમા ધોરણમાં તેની તેજસ્વીતા અને સિદ્ધિઓનું તેરમું થઇ જાય છે. બે વર્ષ પહેલાનો તેજસ્વી તારલો અચાનક જ તિમિરમાં જતો રહ્યો કેમ કે તેની કુંડળીના મૂળ સૂર્ય પર ગોચરનો શનિ ભ્રમણ કરતો હતો. સૂર્ય એટલે જ તેજસ્વીતા,પ્રસિદ્ધિ,સિદ્ધિ અને શાશ્વત સફળતા અને સૂર્ય પર શનિનું ભ્રમણ એટલે નિષ્ફળતા. આ વિદ્યાર્થીનો જન્મ પણ 2 એપ્રિલના રોજ થયેલો જ્યોતિષીય વ્યાખ્યા અનુસાર, આ વિદ્યાર્થી પણ મીનના સૂર્યનો જાતક જ ગણાય. આમ તેની કુંડળીના મૂળ સૂર્ય પર શનિના ભ્રમણના કારણે તેને ઘોર નિરાશા મળી. જીવનની પીડાનો નિબંધ કોણ લખે છે? બ્રહ્માંડમાં સૂર્ય અને શનિ આ બે ગ્રહોના સંબંધમાં જ મનુષ્યના જીવનની પીડાનો નિબંધ લખાઈ જાય છે. ભગવાન શ્રીરામની પીડા,દુ:ખ અને કુંડળીનો મર્મ તેમના કર્મ તેમની કુંડળીમાં સામસામે આવેલા સૂર્ય અને શનિમાં જ સમાયેલા છે. સૂર્ય એટલે તેજ અને શનિ એટલે અંધકાર. સૂર્ય એટલે સમગ્ર સૃષ્ટિની ગતિ અને શનિ અવગતિ. સૂર્ય એટલે સફળતાનો આકાર જયારે શનિ એટલે નિરાકારને આકાર તરફ લઇ જવાની મથામણ, મેહનત અને સંઘર્ષની પીડા. શનિ એ સૂર્યનું બળવાખોર વીર્ય બિંદુ છે કે જે સતત પોતાના પિતાને પીડા-દુખ-કષ્ટ આપી –સંઘર્ષ અને કસોટી દ્વારા જાગૃત રાખે છે.જન્મકુંડળીના મૂળ સૂર્ય પર જયારે શનિનું ભ્રમણ આવે ત્યારે અભિમાનના આકાશમાં ઉડતા જાતકોને શનિ જમીન પર પાછા લાવે છે જેને અંગ્રેજીમાં ડાઉન ટુ અર્થ કહે છે. જો ભૂલથી પણ તમને ભાગ્ય કરતાં વધારે મળી ગયું હોય તો તમે જે પ્રાપ્ત કર્યું છે તેના લાયક તમે ના હોવ તો સૂર્ય પર શનિના ભ્રમણ દરમિયાન તમારું ખાતું શનિ સરભર કરે છે. બ્રહ્માંડમાં સૂર્ય એ જીવન જીવવાનો અર્ક છે પરંતુ જો તમે જીવનના અર્કને સમજી ના શકો તો શનિ તમને સાચા રસ્તે વાળવા થોડોક સમય નર્કનો પરિચય કરાવે છે. સૂર્ય એ જીવનનું સત્વ છે પણ જો શનિને તમે સાથે ના રાખો તો જીવનનું તત્વ કે જેને આપણે ફિલસૂફી કહીએ છીએ તે આપણાથી જોજનો દૂર જતી રહે. સૂર્ય જીવનનો મર્મ હોય તો શનિ કર્મ છે. જયારે મર્મ પર કર્મ હાવી થાય ત્યારે જાતકનો રસ્તો બદલાય અને ધડમૂળથી કાયાપલટ થાય છે. સૂર્ય એ શિક્ષણ અને સંસ્કાર છે તો શનિ તેનો શિક્ષક અને શિસ્ત છે અને એક વાત નિર્વિવાદ છે કે શિક્ષક અને શિસ્ત સિવાય જીવન નિરાકાર અને નીરસ બને છે. શાસ્ત્રોમાં શનિને રવિ (સૂર્ય) પુત્ર કહ્યો છે અને સાથે-સાથે તેને યમાગ્રજમ્ પણ કહ્યો છે. જયારે કર્મ-સત્યમાર્ગ અને ન્યાયની વાત આવે ત્યારે આ પુત્ર પોતાના સૂર્યને પણ છોડતો નથી અને પોતાનું યમ સ્વરૂપ પ્રગટ કરે છે. તો તમારા મારા જેવા પામર મનુષ્યોની શું હેસિયત? લગભગ 27 વર્ષે તમારી કુંડળીના મૂળ સૂર્ય પર શનિનું ભ્રમણ થાય અને આ ભ્રમણ દરેક જાતકના જીવનમાં ફેરફાર લાવે છે. સૂર્ય પર શનિના ભ્રમણ દરમિયાન આવનારી મુસીબતોની વણઝારને મહેમાનની જેમ આવકારશો–સાચવશો તો તમે પણ સચવાઈ જશો તેમાં કોઈ શક નથી. ક્યારેક પ્રતિકૂળતા અને પડકાર જીવનને નવો આકાર આપે છે અને સ્વપ્નોને સાકાર કરે છે. કારણ કે સૂર્ય શનિની પ્રતિયુતિ જો રામને ભગવાન બનાવે અને એક સામાન્ય માનવીને જન્મ કુંડળીના પાંચમા સ્થાનમાં સાથે બેસી બીલ ગેટ્સ બનાવે તો એક વાત નક્કી છે કે પ્રતિકૂળ ગ્રહોના સંબંધમાં પણ કયાંક ઉન્નતિનો અર્ક હોઈ શકે. એક વાત યાદ રાખજો તમારા સ્વર્ગ અને નર્કના અર્કનો ફર્ક તમારી કુંડળીમાં આવેલા ગ્રહોની મિત્રતા અને શત્રુતા પર રહેલો છે. અત્યારે જૂન 2027 સુધી એવા જાતકોએ તન-મન અને ધનથી સાવધાન રેહવાનું છે કે જેમનો જન્મ કોઈ પણ વર્ષની 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન થયો હોય. મુશ્કેલી સામે લડવા જાતકોએ શું કરવું? (માહિતી સૌજન્યઃ ડો.પંકજ નાગર, drpanckaj@gmail.com)
Read Original Article →