સફળતાનો પત્ર અને સિદ્ધિઓનું છત્ર એટલે નક્ષત્ર:ભાગ્ય બદલવાની અમોઘ ચાવી અને સફળતાનું આકાશ, જાણો રોહિણી-પુનર્વસુની શક્તિ

Dharm Darshan4/9/2026, 12:30:00 AM
સફળતાનો પત્ર અને સિદ્ધિઓનું છત્ર એટલે નક્ષત્ર:ભાગ્ય બદલવાની અમોઘ ચાવી અને સફળતાનું આકાશ, જાણો રોહિણી-પુનર્વસુની શક્તિ
બ્રહ્માંડના 27 નક્ષત્રમાં અમુક નક્ષત્રો પર 33 કોટી દેવના આશીર્વાદ અને પક્ષપાત હોય છે. જેમ કે રાહુના ત્રણ નક્ષત્ર આર્દ્રા, સ્વાતિ અને શતભિષા નક્ષત્ર માનવ માટે આશીર્વાદ છે. રોહિણી અને પુષ્ય તો લાજવાબ નક્ષત્રો છે. જયારે કેટલાક નક્ષત્ર, વિશેષ રૂપે મૂળ, જયેષ્ઠા અને આશ્લેષા નક્ષત્રો જ્યોતિષની દુનિયામાં કમાઉ દીકરા જેવા છે, કારણ કે આ નક્ષત્રો અતિ ભડકાઉ, ડરાવનારા અને બદનામ થયેલા નક્ષત્રો છે. અલબત્ત તેની પાછળ દંત કથાઓ જોડાયેલી છે કે જેની ચર્ચા ક્યારેક કરીશું. નક્ષત્ર એટલે શું? નક્ષત્રની વાત નીકળે ત્યારે કેટલાક વિશેષ નક્ષત્ર તમારી આંખને ઉડીને વળગે અને તમારા જીવનપથની યાત્રાના સાગરની નૈયાને વધુ સુપેરે પાર પાડે ત્યારે તેવા અનોખા નક્ષત્ર વિષે જાણવાની જીજ્ઞાશા દરેકમાં હોય તે સ્વાભાવિક બાબત છે. આપણે સૌ જાણીએ છીએ કે રોહિણી નક્ષત્ર ભગવાન શ્રીકૃષ્ણનું અને પુનર્વસુ નક્ષત્ર કશ્યપની પત્ની અદિતિનું છે. હિંદુ સંસ્કૃતિ અને સંસ્કારના આ બે અદ્દભુત નક્ષત્ર તમને કેટલા ભાગ્યવાન બનાવે તેની તલસ્પર્શી માહિતી તરફ આગળ વધીએ. જે સદાય અખંડ અને અક્ષત છે તેનું નામ જ નક્ષત્ર છે. નક્ષત્ર એટલે વેદ અને જ્યોતિષનું છત્ર અને છાયા.27 નક્ષત્રની ઉપરછલ્લી અને ક્યારેક તલસ્પર્શી માહિતી પુસ્તક, ગ્રંથ અને હવે તો ગુગલ પરથી પણ મળી રહે છે. પરંતુ અવશેષ મેળવવા પૃથ્વીના પેટાળ સુધી અને વિશેષની પ્રાપ્તિ માટે ગ્રંથોના પાનેપાનાં સુધી પહોંચવું પડે. એકાદ નાની છત્રી વ્યક્તિને વરસાદથી પલળતા બચાવે છે પરંતુ 27 નક્ષત્રોની છત્રી એટલે આખેઆખું આસમાન(બ્રહ્માંડ) જેના વડે આપણે પૃથ્વીવાસીઓ સુરક્ષિત છીએ. નક્ષત્ર ફલતિ સર્વત્રમ્ દરેક જાતક પ્રાતઃકાળે ઈશ્વરને યાદ કરી પોતાના દૈનિક કાર્યોની માનસિક ડાયરી તૈયાર કરી લે છે.પરંતુ જરૂરી નથી કે નક્કી કરેલા કાર્યો સફળ થાય અને જાતકની કિસ્મત ખુલી જાય. કહેવત છે તક ગઈ તકદીર ગઈ. દરેક તકને જો તકદીરમાં ફેરવવી હોય તો તેના માટે જ્યોતિષશાસ્ત્ર જેવું કોઈ અમોઘ શાસ્ત્ર અને શસ્ત્ર નથી. જ્યોતિષશાસ્ત્ર પાસે તકને શોધવા જ્યોતિ એટલે કે પ્રકાશ છે. ગ્રહ સ્થિતિ અને ગોચરના આધારે જાતકનો દિવસ કેવો જશે? તેનું અનુમાન આસાનીથી કરી શકાય છે પરંતુ ગોચર કરતાં પણ વધુ સુક્ષ્મ પદ્ધતિ નક્ષત્ર પદ્ધતિ છે કે જેના દ્વારા તમારા કોઈ પણ પેન્ડીંગ કાર્યનું આયોજન ખુબજ સીફત અને સરળતાથી પાર પાડી શકાય છે. નક્ષત્ર પદ્ધતિ કોઈ નવીન પદ્ધિત નથી પરંતુ કયા પ્રકારનું કામ કયા નક્ષત્રમાં હાથ પર લઇ સફળતા મેળવી શકાય તે રહસ્ય જો હાથવગું થઇ જાય તો જીવન સરળ બની જાય. જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રો છે. આ 27 નક્ષત્રોમાં ગણ્યા ગાંઠ્યા 5 કે 6 એવા નક્ષત્રો છે કે જેમાં ચોક્કસ કાર્ય આરંભ કરવામાં આવે તો તેની સફળતાના પરિણામ અને પરિમાણનો આંક અણધાર્યા શિખરો સર કરે છે. આ અદ્દભુત નક્ષત્રોના નામ રોહિણી અને પુનર્વસુ છે. આ તમામ નક્ષત્રો જીવનમાં કોઈને કોઈ સફળતા અને સિદ્ધિને વરેલા છે. ઉપરોક્ત નક્ષત્રોનો કેવા કાર્યમાં કયા સમયે ઉપયોગ કરવો તેની માહિતી અહી આપી છે. 1. રોહિણી નક્ષત્ર સર્વ પ્રથમ રોહિણી નક્ષત્રની વાત કરીએ તો આ નક્ષત્રનો સ્વામી દેવ બ્રહ્મા છે. બ્રહ્મા એટલે શ્રુષ્ટિના જન્મદાતા. સમગ્ર બ્રહ્માંડના માલિક બ્રહ્માનું નક્ષત્ર રોહિણી છે તો સાથે સાથે જ્યોતિષશાસ્ત્રમાં રોહિણી નક્ષત્રનો માલિક અતિ સૌમ્ય ગ્રહ ચંદ્ર છે. આ નક્ષત્રની અદ્દભુત અને નોખી વાત કરીએ તો રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયેલો અને જગતગુરુ શ્રીકૃષ્ણની વાત આવે ત્યારે રોહિણી નક્ષત્રની મહત્તા આપોઆપ વધી જાય. શાસ્ત્રો મુજબ તમામ 27 નક્ષત્ર ચંદ્રની પત્નીઓ છે પણ રોહિણી એ ચંદ્રની અતિ વહાલી અને સુંદર પત્ની છે.આથી જ રોહિણી નક્ષત્રમાં કરેલા દરેક કાર્ય સફળતાને વરે છે. રોહિણી નક્ષત્રમાં નવી ફિલ્મ રીલીઝ કરવી, પ્રેમનો પ્રસ્તાવ મુકવો અગર વૈવાહિક કાર્ય કરવામાં આવે તો સફળતા તમારા ચરણમાં અને શરણમાં આવે છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણના જીવનના ત્રણ મહત્ત્વના સ્ત્રી પાત્રો પત્ની, સખી અને પ્રિયતમા અર્થાત રુક્મિણી-દ્રૌપદી અને રાધાએ કૃષ્ણને આત્મિય ઋણ ચુકવવા રોહિણી નક્ષત્રમાં નક્ષત્રના દેવ સ્વયં બ્રહ્મા અને નક્ષત્રના અધિપતિ ગ્રહ ચંદ્રની ધ્યાન આરાધના કરેલી. ચમત્કાર ચિંતામણી ગ્રંથ અનુસાર જો સોમવાર કે શુક્રવારે પૂર્ણિમા હોય અને રોહિણી નક્ષત્ર ઉદિત થતું હોય તો શ્રીસુક્તમના 108 પાઠનું અનુષ્ઠાન જાતકને શ્રીમંત બનાવે છે. 2. પુનર્વસુ નક્ષત્ર બીજું મહત્ત્વનું નક્ષત્ર પુનર્વસુ છે. આ નક્ષત્રની સ્વામીની અદિતિ છે. અદિતિ કશ્યપની પત્ની છે. પુનર્વસુ નક્ષત્રના માતાપિતા અદિતિ અને કશ્યપ ગણાય. શાસ્ત્રોક્ત દ્રષ્ટીએ સૂર્ય અને ઇન્દ્ર બંને અદિતિ અને કશ્યપના સંતાન છે. ટૂંકી અને ટચ વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યનું તેજ-તંદુરસ્તી અને ઇન્દ્રની વિજયગાથાનાં ગાન આન બાન અને શાન છે. તબીબો અને વૈધ પણ પોતાની સંસ્થાના કે પોતાના ઉપનામ પુનર્વસુ તરીકે રાખતા હોય છે કારણ કે પુનર્વસુ શબ્દનો અર્થ પુનર વસવાટ કે નવજીવન એવો થાય. અંગ્રેજીમાં રીજુનુવેટ શબ્દનું ટ્રાન્સલેસન પુન:સંચાર એવો થાય. જ્યાં નવજીવનનો સંચાર અને ધબકાર છે,જ્યાં નાદુરસ્તીથી તંદુરસ્તીની એક જબરદસ્ત યાત્રા છે તે નક્ષત્ર એટલે પુનર્વસુ નક્ષત્ર. આ નક્ષત્રમાં અસાધ્ય અને રીઢા રોગની નવી દવા સાથે શરૂઆત થાય તો રોગીને રાહત મળે છે. રોગી ખૂબ જ ઝડપથી સાજો થવા લાગે છે. ધનવંતરી સંહિતામાં ભગવાન ધનવંતરી ઉવાચ પ્રકરણમાં પુનર્વસુ નક્ષત્ર અને પુનર્નવા ઔષધના સમન્વયનો ઉલ્લેખ છે. ભગવાન ધનવંતરી ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને જાતકની તંદુરસ્તી સાથે ધનવંતરી દેવનું પ્રત્યક્ષ સંકલન છે. કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં પુનર્નવા ઔષધનું સેવન અને તે પણ ગુરુવારના દિને જે માંદો જાતક કરે તે પુન: નવજીવન પ્રાપ્ત કરે છે. પુનર્વસુ નક્ષત્રનો સ્વામી ગ્રહ ગુરુ છે. ગ્રહમાળાનો અતિ પવિત્ર અને વંદનીય કોઈ ગ્રહ હોય તો તેનું નામ ગુરુ છે. આમ ગુરુવાર + પુનર્વસુ નક્ષત્ર + પુનર્નવા ઔષધ = જીવન સંજીવની અને આપ સૌ જાણો છો કે મૂર્છિત ને સજીવન કરે અને શિખંડીને અભિમન્યુ બનાવે તેનું નામ સંજીવની. વિશેષરૂપે જયારે પુનર્વસુ નક્ષત્ર ગુરુવારે આવે અગર તો રવિવારે આવે તો જે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ અભ્યાસમાં નિર્બળ હોય તેઓએ ગુરુવાર અને પુનર્વસુ નક્ષત્રના સમન્વયમાં ગુરુની હોરામાં માં સરવસ્તીનું અનુષ્ઠાન કરવામાં આવે તો પરિક્ષામાં નિર્વિઘ્ન સફળતા મળે છે તેવું મારું અવલોકન છે. આ નક્ષત્રમાં ધાર્મિક આધ્યાત્મિક કાર્ય પણ સફળતાપૂર્વક પાર પાડી શકાય છે. ક્ષત વિક્ષત થયેલા કાર્યોમાં નક્ષત્ર તમને અદ્દભુત સફળતા બક્ષે છે. તમારા કપરા કાળમાં છત્ર બનીને જો કોઈ રક્ષણ આપે તો તેનું નામ નક્ષત્ર. અત્ર-તત્ર-સર્વત્ર નક્ષત્ર, સફળતાનો પત્ર એટલે નક્ષત્ર અને સિદ્ધિઓનું છત્ર એટલે નક્ષત્ર. (ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ.પંકજ ય. નાગર) drpanckaj@gmail.com
Read Original Article →