11 જૂને પરમા એકાદશી:3 વર્ષે આવતી અગિયારસ પર બે શુભ યોગ, જાણો પૂજા-વિધિ અને મહત્ત્વ
હાલમાં પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની અગિયારસને 'પરમા એકાદશી' કહેવામાં આવે છે. આ વર્ષે પરમાદશી પર બે શુભ યોગ બની રહ્યા છે. તેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને શોભન યોગ આખો દિવસ રહેશે. વ્રતના દિવસે રેવતી નક્ષત્ર અને અશ્વિની નક્ષત્ર છે. પરમા એકાદશી દર 3 વર્ષે એકવાર આવે છે. આ દિવસે કરેલા વ્રતથી પાપનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. તિથિ અને શુભ મુહૂર્ત વૈદિક પંચાંગ અનુસાર, જેઠ અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 11 જૂનના રોજ રાત્રે 12:57 વાગ્યે થશે. આ તિથિ 11 જૂનના રોજ જ રાત્રે 10:36એ પૂર્ણ થશે. તેથી, ઉદયાતિથિના આધાર પર પરમા એકાદશીનું વ્રત 11 જૂનના રોજ છે. પરમા એકાદશી પર બે શુભ યોગ બનશે. પરમા એકાદશી પર આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જ્યારે શોભન યોગ વહેલી સવારથી લઈને 12 જૂનના રોજ રાત્રે 01:00 વાગ્યા સુધી છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલા કાર્યો સફળ સિદ્ધ થાય છે, જ્યારે શોભન યોગ શુભ કાર્યો માટે સારો માનવામાં આવે છે. વ્રતની પૂજા-વિધિ પરમા એકાદશીના દિવસે બાજોઠ પર વિષ્ણુ ભગવાનની કે બાળગોપાલની મૂર્તિ કે છબી રાખવી. ત્યારબાદ આગળ એક ત્રાંબાનો કળશ રાખી કળશમાં જળ તથા સોપારી, રૂપિયો, અબીલ-ગુલાલ-કંકુ પધરાવું. આસોપાલવના પાંચ પાન પધરાવવા. તેના ઉપર તરભાણું રાખી બાજુમાં ઘીનો દીવો કરવો, ભગવાનની છબીને ચાંદલો-ચોખા કરવા, ભગવાનને ફૂલ, અબીલ-ગુલાલ-કંકુ પધરાવા. ભગવાનને સાકર ધરાવી ભગવાનની આરતી કરવી. અગિયારસથી અમાસ સુધી પાંચ દિવસ સુધી ઉપવાસ કરવાથી આર્થિક સમૃદ્ધતામાં વધારો થાય છે. ઉપવાસ દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું, એકાદશીના દિવસે આખી રાતનું પણ જાગરણ કરી શકાય બપોરના સૂવું નહીં. પરમા એકાદશીનું મહત્ત્વ
પરમા એકાદશીનું વ્રત હંમેશા 3 વર્ષમાં એક વાર આવે છે. આ વ્રત અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે અને આ મહિનો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જે લોકો અધિક માસની પરમા એકાદશીનું વ્રત રાખે છે, તેમના પાપો નષ્ટ થઈ જાય છે, યશ, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Read Original Article →