ત્રણ વર્ષ બાદ આજે 'પદ્મિની એકાદશી':પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની અગિયારસનું અનોખું મહત્ત્વ, વૈકુંઠધામમાં સ્થાન મેળવવા કરો આ ખાસ પૂજા-વિધિ
હાલમાં પુરુષોત્તમને પ્રિય એવો એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ માસમાં સુદ પક્ષમાં આવતી એકાદશીને 'પદ્મિની અગિયારસ' કહેવામાં આવે છે. અધિક માસ ત્રણ વર્ષમાં એકવાર આવે છે, તેથી પદ્મિની એકાદશી પણ ત્રણ વર્ષમાં એકવાર આવે છે. આ એકાદશીને 'કમલા એકાદશી' પણ કહેવામાં આવે છે. આ વ્રતને શાસ્ત્રોમાં સૌથી મોટું અને મહત્ત્વનું ગણાવ્યું છે. બ્રહ્માંડ પુરાણ અનુસાર, મલમાસની એકાદશી પર ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાની સાથે નિયમોનું પાલન અને ત્યાગ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ આ એકાદશીએ સાચા હૃદય અને પૂર્ણ ભક્તિથી વ્રત કરે છે, તેમને વૈકુંઠમાં સ્થાન મળે છે. શાસ્ત્રો મુજબ આ વ્રત કરવાથી વ્યક્તિને તપ અને યજ્ઞનું ફળ મળે છે. પદ્મિની એકાદશીની પૂજા વિધિ પદ્મિની એકાદશીએ સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ. શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા કે છબી (બાળ ગોપાલ)ને બાજોઠ પર સ્થાપિત કરો. ભગવાન શાલિગ્રામને દૂધ અને જળથી અભિષેક કરો. ભગવાનને કુમકુમથી તિલક કરો. અબીર, ગુલાલ, પાન, ફૂલ અને ચોખા અર્પણ કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ભગવાનને નૈવેદ્ય ધરાવ્યા બાદ આરતી કરો. આ સાથે જ તુલસીજીની પણ પૂજા કરો. જરૂરિયાતમંદોને યથાશક્તિ ભોજનનું દાન કરો. પશુ-પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા કરો. ભગવાન વિષ્ણુના નામનો જાપ કરો. અધિક માસની એકાદશીની કથા પ્રાચીન સમયમાં મહિષ્મતીનગરનો રાજા કૃતવીર્ય રહેતો હતો. તેને કોઇ સંતાન નહોતું. રાજાએ અનેક વ્રત-ઉપવાસ અને યજ્ઞ કર્યા, પણ કોઇ ફાયદો થયો નહીં. દુઃખી રાજા વનમાં જઇને તપસ્યા કરવા લાગ્યો. વર્ષો સુધી તપ કર્યા છતાં ભગવાને દર્શન આપ્યા નહી. જેથી તેની રાણી પ્રમદાએ અત્રિ ઋષિના પત્ની સતી અનસૂયાને પુત્ર પ્રાપ્તિનો ઉપાય પૂછ્યો. સતી અનસૂયાએ તેમને પદ્મિની એકાદશીનું વ્રત કરવા જણાવ્યું. આ વ્રત કરવાથી ભગવાન રાજા સમક્ષ પ્રકટ થયા અને તેને વરદાન આપ્યું કે તને એવો પુત્ર મળશે, જેને દરેક જગ્યાએ વિજય પ્રાપ્ત થશે. તેને દેવ અને દાનવ પણ હરાવી શકશે નહીં. તેના હજારો હાથ હશે એટલે તે પોતાની ઇચ્છાથી તેના હાથ વધારી શકશે. ત્યારબાદ રાજાના ઘરે પુત્ર થયો, જેણે ત્રણેય લોકને જીતીને રાવણને પણ હરાવ્યો અને બંદી બનાવી લીધો. રાવણના દરેક માથા ઉપર દીવો પ્રગટાવીને તેને ઊભો રાખ્યો. તે મહાબલીને જ સહસ્ત્રાઅર્જુનના નામે ઓળખવામાં આવે છે.
Read Original Article →