આજે મોહિની એકાદશી અને ધ્રુવ યોગનો શુભ સંયોગ:અસુરો પાસેથી અમૃત કળશ બચાવવા વિષ્ણુ ભગવાને લીધો 'મોહિની' અવતાર; જાણો પૂજા-વિધિ અને મહત્ત્વ
આજે (27 એપ્રિલ, 2026) ધ્રુવ યોગ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના શુભ સંયોગમાં મોહિની એકાદશીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભક્તિ, અનુશાસન અને શુભ કાર્યો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના એકમાત્ર સ્ત્રી અવતાર 'મોહિની'ના પૂજાનું વિધાન છે. આ પાવન પર્વે વ્રત રાખવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આ દિવસ આધ્યાત્મિક ઉન્નતિ અને પાપમાંથી મુક્તિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. મોહિની એકાદશીના શુભ મુહૂર્ત વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી 26 એપ્રિલ 2026ના રોજ સાંજે 06:07 વાગ્યાથી શરૂ થશે અને 27 એપ્રિલ સાંજે 06:16 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ બારસ તિથિ શરૂ થઈ જશે. આ દિવસે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. અગિયારસે અભિજિત મુહુર્ત બપોરે 12:11 વાગ્યાથી 01:02 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ બપોરે 02:40થી સાંજે 04:19 વાગ્યા સુધી અમૃત કાળ રહેશે. એકાદશી અને ધ્રુવ યોગનો સંયોગ હિન્દુ ધાર્મિક વર્ષમાં 24 એકાદશી હોય છે, આ વર્ષે અધિક માસના કારણે 26 અગિયારસ રહેશે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તેથી શ્રીહરિની પૂજા કરવામાં આવે છે. તેવામાં આ વર્ષે એકાદશી પર ધ્રુવ યોગનું હોવું એક દુર્લભ અને ફળદાયી સંયોગ છે. મોહિની એકાદશી વ્રતનો મુખ્ય હેતુ મનને મોહ-માયાથી દૂર કરી ભગવાનમાં સ્થિર કરવાનો છે. 'ધ્રુવ' યોગ આ માનસિક એકાગ્રતા અને ભક્તિમાં વધારો કરે છે, જેનાથી પૂજાનું ફળ અનેકગણું વધી જાય છે. ભગવાન વિષ્ણુએ અસુરોને મોહિત કરીને અમૃતને 'સ્થિર' (સુરક્ષિત) રાખવા માટે મોહિની સ્વરૂપ લીધું હતું. આ દિવસે ધ્રુવ યોગ હોવો એ એ વાતનું પ્રતીક છે કે, તમે જે પુણ્ય કમાશો તે તમારા જીવનમાં સ્થાયી રહેશે. જો તમે આ દિવસે કોઈ નવો ધાર્મિક સંકલ્પ કરો છો અથવા કોઈ વ્રતની શરૂઆત કરો છો, તો ધ્રુવ યોગને કારણે તે વ્રત નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને તેમાં સફળતા મળે છે. એકાદશીએ વિશેષ શું કરવું? મોહિની એકાદશીના દિવસે 'વિષ્ણુ સહસ્ત્રનામ' અને 'ॐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો પાઠ કરવો. શુભ યોગનો લાભ પ્રાપ્ત કરવા માટે અમૃત કાળ દરમિયાન શાંત મનથી બેસો અને ભગવાનનું ધ્યાન ધરો. ચંદ્રમા સિંહ રાશિમાં હોવાથી આજે પોતાની અંદરના ડરને છોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાથી સફળતા મળશે. ઉપરાંત જરૂરિયાત મંદોની મદદ કરો, ગરીબોને ભોજન કરાવો. પશુ-પક્ષીઓ માટે પાણી અને ચણ નાખવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. એકાદશીએ શું ન કરવું? મોહિની અવતારની પૌરાણિક કથા ભગવાન વિષ્ણુનો મોહિની અવતાર એ તેમનો એકમાત્ર સ્ત્રી અવતાર છે. આ અવતારની કથા સમુદ્ર મંથન અને દેવ-દાનવોના યુદ્ધ સાથે જોડાયેલી છે. જ્યારે દેવતાઓ અને અસુરોએ મળીને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું. ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા. અંતમાં ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા. અમૃત જોઈને અસુરોમાં અધીરાઈ વધી અને તેઓ દેવતાઓ પાસેથી કળશ છીનવીને ભાગી ગયા. જો અસુરો અમૃત પી લે તો તેઓ અમર થઈ જાય અને સૃષ્ટિ પર અધર્મનું શાસન સ્થાપિત થાય. આ ભયથી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને રક્ષણની માંગ કરી. દેવતાઓની પ્રાર્થના સાંભળીને વિષ્ણુ ભગવાને એક 'માયાવી' રૂપ ધારણ કર્યું. ભગવાન વિષ્ણુએ એક અત્યંત સુંદર અને મનમોહક સ્ત્રીનું રૂપ લીધું, જેનું નામ 'મોહિની' રાખવામાં આવ્યું. મોહિની એટલી સુંદર હતી કે, તેને જોતાં જ અસુરો પોતાની સુધ-બુધ ખોઈ બેઠા અને તેના મોહપાશમાં બંધાઈ ગયા. અસુરોએ મોહિની પર વિશ્વાસ કરીને તેને અમૃત વહેંચવાનું કામ સોંપ્યું. મોહિનીએ યુક્તિ વાપરીને દેવતાઓ અને અસુરોને અલગ-અલગ હરોળમાં બેસાડ્યા. તેણીએ અસુરોને પોતાની સુંદરતા અને વાતોમાં ગૂંચવી રાખ્યા. યુક્તિપૂર્વક બધું જ અમૃત દેવતાઓને પીવડાવી દીધું.
Read Original Article →