જીવનનું સરનામું: ચંદ્ર, શુક્ર અને શનિ...!:લગ્નજીવનમાં શારીરિક સુખ પાછળ ત્રણ ગ્રહોનો હાથ, જન્મકુંડળીનું ગણિત જ્યોતિષ સંશોધનની પાંખે, સુક્ષ્મ આંખે!
કયારેક માત્ર એક ગ્રહ જાતક માટે વરદાન બની જાય અને ક્યારેક શાપ! જેમ કે તુલાના શનિનો પ્લસ પોઈન્ટ નામ, દામ અને પ્રસિદ્ધિ તો માઈનસ પોઈન્ટ સાંસારિક શૂન્યતા છે. કર્કનો ગુરુ લગ્ન જીવન માટે નર્ક અને કર્મની વાત આવે તો જાતકના જીવનનો પોઝિટિવ અર્ક છે. જન્મકુંડળીના ત્રણ ગ્રહોનું જો તમને એનાલીસીસ ફાવી જાય તો તમે આગાહીના આ શાસ્ત્રના માસ્ટર બની જાવ તેમાં લેશમાત્ર શંકા નથી. આ ત્રણ ગ્રહો એટલે ચંદ્ર,સૂર્ય અને શનિ. બ્રહ્માંડના આ ત્રણ ગ્રહો તમારા સમગ્ર જીવનનો સાર, અણસાર અને સંસાર લઈને બેઠા છે. પંચમહાભૂત વડે બનેલો આપણો નશ્વર દેહ મગજ, હૃદય અર્થાત મન અને આત્મા વિના અપૂર્ણ,અધુરો અને અર્થવિહીન છે. મગજ અને હૃદય દ્વારા સમગ્ર શરીરનું સંચાલન અને જીવનનું નિર્માણ થાય છે. પરંતુ દેહનું નિર્વાણ કરનારો જો કોઈ ગ્રહ હોય તો તેનું નામ શનિ છે. આમ સૂર્ય,ચંદ્ર માનવ જીવનના નિર્માણ સાથે અને શનિ જીવનના નિર્વાણ સાથે જોડાયેલો ગ્રહ છે. મોટા ભાગની કુંડળીઓમાં જે જે કુંડળીઓમાં ચંદ્ર દુષિત થતો હોય તેવા જાતકો માનસિક રીતે દુ:ખી હોય છે. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર વૃશ્ચિક કે મકર રાશિમાં હોય તેવા જાતકોને અમે આજ દિવસ સુધી પ્રસન્ન મુદ્રામાં જોયા નથી. એમના જીવનમાં કંઈ ને કંઈ ફરિયાદો અને દુખની વાતો હોય છે. સમગ્ર જીવન તેમનું ટેન્સન અને માનસિક તાણમાં જ તેઓ વિતાવતા હોય છે અને એમાંય વળી ગોચર ભ્રમણ દરમિયાન જો આ ચંદ્ર શનિની પનોતીની અસરમાં કે રાહુની પક્કડમાં આવે ત્યારે આ બે રાશિના ચંદ્ર ધરાવતા જાતકો ડિપ્રેસન અને ભારે નિરાશાના ભોગ બનતા હોય છે. જાતકની મૂળભૂત કુંડળીમાં પણ જો વૃશ્ચિક કે મકરનો ચંદ્ર રાહુ, કેતુ જો શનિ સાથે યુતિ કરતો હોય ત્યારે માનસિક સ્થિરતા માટે આવા જાતકોને સમગ્ર જીવન એન્ટી ડિપ્રેસનની મેડિસીનનો સહારો લેવો પડતો હોય છે. કુંડળીનો ચંદ્ર દુષિત થાય ત્યારે જાતકનું મનોબળ તૂટે છે કારણ કે માનવ શરીરની સમગ્ર સાયકોલોજીકલ અરેન્જમેન્ટનો જવાબદાર ગ્રહ ચંદ્ર છે. ચંદ્ર દ્વારા જ માનવીનું ચેતન, અચેતન મન ચાલે છે. આનો અર્થ એવો થાય કે ચંદ્ર શરીરની નર્વ સિસ્ટમનો સંચાલક છે અને જયારે નબળા ચંદ્રના કારણે નર્વ સિસ્ટમ બ્રેક ડાઉન થઇ જાય ત્યારે શરીરના અન્ય અંગ પણ આપોઆપ ડાઉન થઇ જાય તે નિર્વિવાદિત બાબત છે. જાતિય સુખ માટે કયા યોગ હોય છે? એક અન્ય અવલોકનની વાત કરીએ, કુંડળીમાં એવા કયા યોગ હોય કે જેના કારણે જાતક જાતિય સુખમાં લઘુતાગ્રંથીથી પીડાતો હોય છે. આ પ્રશ્ન ખરેખર આધુનિક યુગમાં ચર્ચાની એરણે લેવો જરૂરી છે. અત્યાર સુધીના 42 વર્ષ દરમિયાન અમારા નિરીક્ષણમાં આવનારી કુંડળીઓમાં અમે જોઈ જોઈને જોયું છે કે જે જાતકોની કુંડળીમાં સૂર્ય-શુક્રની યુતિ હોય તેવા જાતકો સામે આવા પ્રકારનો પડકાર આવતો હોય છે. તેનું મૂળ કારણ અહીં તમને સમજાવીએ. સૂર્ય એક હાઈડ્રોજન(92%) અને હેલિયમ (8%) મિશ્રિત ધગધગતો અગનગોળો છે. આ અગનગોળાની નજીક જે જે ગ્રહ આવે તે સૂર્યની ગરમીના કારણે પોતાના ગુણ અને લક્ષણો ગુમાવે છે. ખાસ કરીને પુરુષોની કુંડળીમાં શુક્ર જયારે સૂર્યની નજીક જાય ત્યારે પોતાના નૈસર્ગિક ગુણ જેવા કે સ્પર્મ મોટીલીટી, ટેસ્ટોસ્ટેરોનની ઉણપ,ઓછપ અનુભવે છે, ફલસ્વરૂપ આવો જાતક જાતિય સુખમાં અક્ષમ બને છે. સ્ત્રીઓની કુંડળીમાં આવી યુતિ ફ્રીજીડીટી માટે જવાબદાર બને છે. નબળા શુક્રની શું અસર થાય છે? અમારી પાસે અવારનવાર આવનારી અસંખ્ય કુંડળીમાં જો સૂર્ય-શુક્રની યુતિ વૃશ્ચિક રાશિમાં જો મેષ કે કન્યા રાશિમાં થતી હોય ત્યારે શારીરિક અક્ષમતા અને માનસિક નપુંસકતા લાવે છે. કારણ કે કન્યા શુક્રની નીચ રાશિ છે. મેષ અને વૃશ્ચિક રાશિ શુક્રની અસ્તની રાશિ છે. કુંડળીમાં આ રાશિમાં આવેલા કે સ્થિત થયેલા શુક્ર પ્રાથમિક દ્રષ્ટિએ જ નબળા શુક્રની વ્યાખ્યામાં આવે છે અને જયારે આવા નબળા શુક્ર જન્મકુંડળીમાં સૂર્ય સાથે યુતિ કરે ત્યારે તેનો ભોગ બિચારો જાતક જ બનતો હોય છે. અમે એ પણ જોયું છે કે સૂર્ય શુક્રની યુતિવાળા જાતકો ભૌતિક સુખથી પણ વંચિત રેહતા હોય છે. સૂર્ય અને શુક્રની યુતિમાં શુક્ર આપોઆપ ઇન્ફીરીયર(લઘુતા ગ્રંથી પીડિત)બની જાય છે અને પરિણામ જાતકે ભોગવવું પડે છે. આપણે ખુલ્લા મનથી સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ કોઈ પણ જાતક માટે લગ્ન બાદ જાતિય સુખ એ પ્રાથમિક શર્ત અને જરૂરિયાત છે. શનિની યુતિ જાતિય સુખનો પડકાર ઊભો કરે છે જાતિય સુખ ઉણપ અને લઘુતાગ્રંથી બાબતે અમારા નિરીક્ષણમાં એક અન્ય યોગ પણ ધ્યાન પર આવ્યો છે. આ યોગ અને કુંડળીના સંજોગનું નામ છે બુધ અને શનિની યુતિ. જન્મકુંડળીની રચના અને જ્યોતિષશાસ્ત્રના બંધારણ દરમિયાન આપણા ઋષિમુનીઓ એ ગ્રહોને ત્રણ જાતિમાં વિભાજીત કરેલા. આ ત્રણ વિભાગ એટલે પુરુષ ગ્રહ, સ્ત્રી ગ્રહ અને નપુશંક ગ્રહ. સૂર્ય, મંગળ અને ગુરુને પુરુષ ગ્રહ ગણ્યા છે, ચંદ્ર-શુક્રને સ્ત્રી ગ્રહની વ્યાખ્યામાં મૂક્યા છે અને શનિ તેમજ બુધને નપુશંક ગ્રહમાં ગણ્યા છે. ખાસ કરીને જન્મકુંડળીના સાતમા કે આઠમા સ્થાનમાં આવી યુતિ સર્જાય ત્યારે જાતકને જાતિય સુખમાં અલ્પતા અને ઊણપ આપે છે. જન્મકુંડળીમાં સાતમું સ્થાન દાંપત્ય સુખ તેમજ ગુપ્તાંગોનું સ્થાન અને આઠમું સ્થાન પણ ગુપ્તાંગોનું ગણવામાં આવે છે અને આ સ્થાનમાં બુધ- શનિની યુતિ જાતક માટે જાતિય સુખનો પડકાર ઊભો કરે છે. આ યુતિ આવો પડકાર કેમ ઊભો કરે છે તેનું માનસિક-શારીરિક અને તાર્કિક કારણ સમજીએ. બે નપુંસક ગ્રહો મળે ત્યારે શું થાય છે? જ્યોતીષિક કારણ અને તારણના દ્રષ્ટિકોણથી આ યુતિનો વિચાર કરીએ તો શનિને મંદગતિનો ગ્રહ કહ્યો છે અને બુધને નર્વ સિસ્ટમ,વિચાર શક્તિ, બુદ્ધિ અને વિચારવાયુનો કારક ગ્રહ ગણ્યો છે. બુધ પ્રધાન જાતક એક તાર્કિક વિચારક, લેખક અને તત્વ ચિંતક હોય છે. આવા જાતકોનો બ્લડ સપ્લાય હંમેશા બ્રેઈન તરફ વધુ હોય છે અર્થાત શરીરના ઉપરના પાર્ટમાં લોહીનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય છે આવા સંજોગોમાં શરીરમાં નીચલા ભાગમાં આવેલા અંગ ઉપાંગોમાં લોહીનો જથ્થો અલ્પ રહે છે અને જયારે બુધ સાથે મંદ ગતિનો ગ્રહ શનિ જોડાય ત્યારે બે નપુંસક ગ્રહોનું સંમેલન જાતકને જાતિય સુખના સંકટમાં મૂકે તે સીધી સટ વાત છે. અહીં કરેલી વાતો કારકિર્દીના પ્રલંબ અનુભવના આધારે અને અસંખ્ય કુંડળીઓના નિરીક્ષણ બાદ રજુ કરી છે. અલબત્ત દરેક શાસ્ત્ર અને વિજ્ઞાનમાં અપવાદ કિસ્સાઓ પણ હોય છે. (માહિતી સૌજન્યઃ ડો.પંકજ નાગર, drpanckaj@gmail.com)
Read Original Article →