શેરબજાર: તમારા માટે 'લેરબજાર' કે 'ઝેરબજાર'?:કુંડળીનું પાંચમું સ્થાન 'રંક'માંથી 'રાજા' બનવાનું રહસ્ચ; ગુરુ-રાહુનો 'ચાંડાળ યોગ' રોકાણનું ગણિત વીખી નાખશે

Dharm Darshan3/28/2026, 12:30:00 AM
શેરબજાર: તમારા માટે 'લેરબજાર' કે 'ઝેરબજાર'?:કુંડળીનું પાંચમું સ્થાન 'રંક'માંથી 'રાજા' બનવાનું રહસ્ચ; ગુરુ-રાહુનો 'ચાંડાળ યોગ' રોકાણનું ગણિત વીખી નાખશે
શેરબજાર તમારા માટે લેર(જલસા)બજાર બનશે કે ઝેરબજાર? જન્મકુંડળીના ગ્રહો શુભ હોય તો શેરબજારમાં લીલા લેર અને અશુભ હોય તો જીવન ઝેર અને કેહેર. શેરબજાર ધબકે તો હૃદય ધબકે. સટ્ટાખોરોનો કાર્ડીઓગ્રામ સીધો જ શેરબજારના ઇન્ડેક્ષ સાથે જોડાયેલો હોય છે. જન્મકુંડળીમાં કુલ બાર સ્થાન હોય છે અને બાર સ્થાન પૈકી પાંચમું સ્થાન શેરબજારનું સ્થાન કેહવાય. અલબત્ત, પાંચમા સ્થાન પરથી શેરબજાર સિવાય ઘણી બાબતો જેમ કે ઇષ્ટદેવ, પ્રણય, વિવાહ, સંતાન,સટ્ટો, રોકાણો અને ખાસ કરીને તમારા સંચિત કર્મ ઉપરાંત પૂર્વજન્મની માહિતી પણ મેળવી શકાય છે. આટઆટલી અદ્દભુત માહિતી સભર કુંડળીનું પાંચમું સ્થાન માનવીને માત્ર અને માત્ર એક જ બાબતમાં રસ લેવડાવે છે અને તે રસ એટલે શેર + સટ્ટો. કેહવાય છે કે શેરબજારનો રસ માનવીના નીરસ જીવનને ધબકતું બનાવે છે. આ શેરબજાર કોઈને લેહર(લેર)કરાવે તો કોઈને ઝેર પીવા મજબુર કરે છે. બહુજ જ ઓછા જાતકો શેરબજારમાં નામ અને દામ કમાય છે પરંતુ સટ્ટા દ્વારા કોઈને સત્તા મળી હોય તેવો દાખલો અમારી પાસે નથી, છેક યુધિષ્ઠિરના યુગથી હર્ષદ મેહતાના સમય સુધી સમ ખાવા પુરતું પણ કોઈ સટ્ટો કે જુગાર રમી સુખી થયું હોય તેવું એક પણ ઉદાહરણ નથી. જન્મકુંડળીના કેટલાક દુષ્ટ યોગો શેરબજારની મજા બગાડે છે! જંગલના સિંહને પણ જો કોઈ બકરી બનાવી શકતું હોય તો તેને શેરબજાર કહેવાય. બીઝી માણસો પણ આ ઇઝી મની પાછળ આંધળી દોટ મૂકે છે અને છેવટે છતી આંખે આંધળા બને છે. જાતકની જન્મકુંડળીના કેટલાક દુષ્ટ યોગો વ્યક્તિના જીવનમાં કેટલાક દરિદ્ર સંયોગો ઊભા કરે છે. ખાસ કરીને ચાંડાળ યોગ, સૂર્ય-શનિના વિપરીત સંબંધો ઉપરાંત જન્મકુંડળીમાં ગુરુ-શનિના સંબધો વ્યક્તિને શેરબજાર અગર આર્થિક ક્ષેત્રે મોટી પછડાટ આપે છે. જન્મકુંડળીના નિર્બળ અને અવળા યોગ જાતકને કંગાળ કરી મૂકે છે. ગુરુ-રાહુનો ખેલ જો આપની જન્મકુંડળીમાં ગુરુ-રાહુની યુતિ હોય અને આ યુતિ ગમે તે સ્થાનમાં હોય પરંતુ આ યુતિ આપને જીવનમાં એકાદવાર તો આર્થિક પછડાટ આપશે એમાં લેશમાત્ર શંકા નથી. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ-રાહુની યુતિને ચાંડાળ યોગ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ એટલે બ્રાહ્મણ અને રાહુ એટલે ચાંડાળ. બ્રાહ્મણ અને ચાંડાળનું મિલન બ્રાહ્મણના સંસ્કાર અને પવિત્રતાને અભડાવે છે. ગુરુ એટલે દૂધપાક અને રાહુ એટલે છાશનું ટીપું. દૂધપાક અને છાશનો સમન્વય એટલે વિપરીત આહાર. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને કુબેરભંડારી ગ્રહ કહેવામાં આવે છે. ગુરુ એટલે નાણાંનો સ્ત્રોત. ગુરુ અર્થ ઉપાર્જન અને અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલો ગ્રહ છે. જ્યારે રાહુ અર્થભંગ અને ધનનો વિનાશ કરે છે. ગુરુ-રાહુની યુતિ બાબતે આવું ખાસ બને છે કારણકે ગુરુ-રાહુના સંબંધોમાં પારાવાર શત્રુતા, દુશ્મનાવટ અને ઝેર ભરેલા છે. આથી જ્યારે જ્યારે જન્મકુંડળીમાં ગુરુ-રાહુ સાથે બેસે ત્યારે જાતકની આર્થિક વ્યવસ્થાને બરબાદ કરે છે. જાતકના ધનનો વિનાશ કરે છે. આવી યુતિ ધરાવનાર જાતકો શેરબજારમાં દરિદ્ર અને કંગાળ બને છે. આવી યુતિ જે જાતકોની કુંડળીમાં હોય તેવા જાતકો એ પોતાના ખિસ્સામાં પ્લાસ્ટિક બેગમાં એક હળદરનો ટુકડો, એક ફટકડીનો ટુકડો, એક કોલસાનો અને એક મીઠાનો ગાંગડો રાખવો. ગુરુ-શનિની યુતિ પણ નુકસાનકારક આ પ્રમાણે જો આપની જન્મકુંડળીમાં ગુરુ-શનિની યુતિ હોય અથવા ગુરુ પર શનિની દ્રષ્ટિ હોય તો જાતકને આર્થિક ક્ષેત્રે ખૂબ જ મોટી હાનિ અગર નુકસાન થવાના સંજોગો ઊભા થાય છે. એવી અસંખ્ય કુંડળીઓ છે, જેમાં તુલાનો શનિ અને કર્કનો ગુરુ હોય. તેવા જાતકોની આર્થિક સ્થિતિ અતિ નિર્બળ હોય છે. ખરેખર તો કર્કનો ગુરુ અને તુલાનો શનિ બંને ઉચ્ચના ગ્રહો થયા કહેવાય. આમ છતાં તુલાના શનિની દસમી દ્રષ્ટિ કર્કના ગુરુ પર પડવાથી ગુરુના શુભત્વનો નાશ થાય છે. ઉચ્ચના ગ્રહો જોઈ જ્યોતિષી આડેધડ આગાહીઓ કરતાં હોય છે. પરંતુ આવા ઉચ્ચના ગ્રહો વ્યક્તિને પાયમાલ પણ કરતાં હોય છે અને શેરબજારમાં જાતકને નપુંસક બનાવી દેતા હોય છે. આવા ગ્રહયોગ ધરાવતા જાતકોનો જન્મ તમને 1954ની સાલની અંતથી 1955ના અંત સુધીમાં જોવા મળે છે. 1980માં જન્મેલા જાતકોની કુંડળીમાં પણ ગુરુ શનિની યુતિ આવેલી છે. આવો યોગ ધરાવતા જાતકોએ પ્લાસ્ટિકની ઝીપ લોક બેગમાં પાંચ ગોમતી ચક્ર, 7 લાલ ચણોઠી, જુના લોખંડનો ટુકડો અને સિંદુર લગાવીને ઓફિસના ડ્રોવર અને રાત્રે તકિયા નીચે મુકવો.અલબત્ત આ સામગ્રીને બરોબર પેક કરવી જરૂરી છે. સૂર્ય-શનિની યુતિએ શ્રીરામને વનવાસ અપાવ્યો હતો શેરબજારમાં ખાનાખરાબી સર્જનારા અન્ય ગ્રહયોગમાં સૂર્ય-શનિના સંબંધોના પરિણામો અતિ આઘાતજનક જોવા મળ્યા છે. જે જાતકોની જન્મકુંડળીમાં સૂર્ય-શનિની યુતિ અથવા પ્રતિયુતિ (સામસામે) હોય તેવા જાતકો શેરબજારમાં ચડતી પડતીનો અનુભવ કરે છે. આવા જાતકો શેરબજારમાં લાખ કમાય અને સવા લાખનું નુકસાન કરે છે. સૂર્ય-શનિના સંબંધો, ગુરુ-રાહુની યુતિ, ગુરુ-શનિના સંબંધોવાળા જાતકો માટે શેરબજાર એક કુટેવ અને વ્યસન સમાન બની જાય છે અને આ કુટેવ અને વ્યસનમાંથી જાતકો ભિખારી બનીને જ બહાર નીકળે છે. સૂર્ય-શનિની પ્રતિયુતિએ ખુદ ભગવાન રામને વનવાસ અને કષ્ટ પીડા આપેલા ત્યાં મારા-તમારા જેવા સામાન્ય માનવીની શું વિસાત? જે જાતકોની કુંડળીમાં આવી યુતિ હોય તેવા જાતકોએ રોજ સવારે સૂર્યને જળનો અર્ક આપવો અને આદિત્ય સ્ત્રોતના પાઠ કરવા. જન્મકુંડળીમાં ગમે તેટલા સારા અને શુભ યોગ હોય પરંતુ અશુભ અને અનિષ્ટ યોગ આગળ ભાગ્યનું પાનું પલટાઈ જાય છે. જન્મકુંડળીમાં ગુરુ, સૂર્ય, શુક્ર, બુધ, ચંદ્ર જેવા શુભ ગ્રહોને કારણે ગમે તેટલા રાજયોગ અને સંયોગ પેદા થતા હોય પરંતુ શનિ-રાહુના અકળ, અગમનિગમ અને ગૂઢ સંબંધો મોટા મોટા રાજયોગને પણ વિયોગમાં બદલી નાખે છે. અહીં જણાવેલા તમામ યોગ અગર એકાદ યોગ પણ તમારી જન્મકુંડળીમાં હોય અથવા જન્મકુંડળીના પાંચમા સ્થાન જે શેરબજારનું સ્થાન છે તેને સ્પર્શતા હોય તો શેરબજાર તમારા માટે ઝેરબજાર બનશે તે વાત ચોક્કસ છે. શેરબજારમાં રોકાણ કરતાં જાતકોએ ગુરુનું પૂજન અર્ચન કાયમ કરવું કારણ કે ગુરુ પંચમ સ્થાનનો કારક ગ્રહ છે. શેરબજારનું કામ કરતા જાતકો એ નીચે જણાવેલો મંત્ર એક માળા દીવો કરી નિયમિત કરવો જોઈએ. “ઔમ શ્રીમ હ્રીમ કલીમ ત્રિભુવન મહાલક્ષ્મેય અસ્માંક દારિદ્રય નાશય પ્રચુર ધન દેહિ દેહિ કલીમ હ્રીમ શ્રીમ ઔમ” (માહિતી સૌજન્યઃ ડો.પંકજ નાગર, drpanckaj@gmail.com)
Read Original Article →