પરિણામનો ડર અને ચિંતા કેવી રીતે છોડવી?:ગીતાના ત્રીજા અધ્યાયમાંથી શીખો નિર્ણય લેવાની કળા, દરેક નિર્ણય સચોટ સાબિત થશે
જ્યારે મન વિચારોના વમળમાં અટવાઈ જાય છે અને શું કરવું કે શું ન કરવું તેની મૂંઝવણ ઊભી થાય છે, ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય આપણને સાચો માર્ગ બતાવે છે. ગીતાના ત્રીજા અધ્યાયના 35મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्। स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।। અર્થાત્, બીજાના કાર્યો કે ધર્મ ગમે તેટલા આકર્ષક અને સરળ દેખાતા હોય, તેના કરતાં પોતાના સ્વભાવ અને ક્ષમતા મુજબના કાર્યો કરવા વધુ શ્રેષ્ઠ છે, ભલે તેમાં કોઈ ખામી રહી જાય. બીજાના માર્ગ પર ચાલીને સફળ થવા કરતાં પોતાના સાચા માર્ગ પર ચાલતા નિષ્ફળ થવું પણ સારું છે, કારણ કે પારકો માર્ગ હંમેશા ભય અને અસલામતી લાવે છે. જ્યારે મન અશાંત હોય ત્યારે "લોકો શું કહેશે?", "મારું શું થશે?" જેવા નકામા પ્રશ્નો આપણને ઘેરી લે છે. આવા સમયે યોગ્ય નિર્ણય પર પહોંચવા અને ઓવરથિંકિંગમાંથી બહાર આવવા માટે ગીતાની આ 5 વાતો જીવનમાં ઉતારવા જેવી છે: 1. મનનો સ્વભાવ ઓળખો અને અંતર જાળવો ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે મન અત્યંત ચંચળ છે, પણ તે અશક્ય નથી. નિયમિત અભ્યાસ (Practice) અને વૈરાગ્ય (Detachment) દ્વારા મનને કાબૂમાં લઈ શકાય છે. જ્યારે તમે વિચારો સાથે વહી જવાને બદલે એક સાક્ષી બનીને તેનું અવલોકન કરવાનું શરૂ કરો છો, ત્યારે તમારા અને નકામા વિચારો વચ્ચે એક દૂરી બને છે. આ માનસિક અંતર જ જીવનમાં સ્પષ્ટતા લાવે છે. 2. અનુકરણ છોડો, પોતાનો સાચો માર્ગ પસંદ કરો આજે મોટાભાગના લોકો મૂંઝવણમાં છે કારણ કે તેઓ સમાજ, સોશિયલ મીડિયા કે માતા-પિતાની અપેક્ષાઓ મુજબ જીવવાનો પ્રયત્ન કરે છે. ગીતા આપણને શીખવે છે કે બીજાની નકલ કરીને સફળ દેખાવા કરતાં પોતાની આંતરિક ક્ષમતા (સ્વધર્મ) ને ઓળખો. જ્યારે તમે તમારા મૂળ સ્વભાવ પ્રમાણે જીવવાનું શરૂ કરશો, ત્યારે બહારની અપેક્ષાઓ તૂટી જશે અને વધુ પડતા વિચારો આપોઆપ બંધ થઈ જશે. 3. માત્ર કર્તવ્ય પર ધ્યાન આપો, પરિણામ પર નહીં આપણે બધા જાણીએ છીએ: "કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન". ઓવરથિંકિંગનું મૂળ કારણ જ એ છે કે આપણે ભવિષ્યના પરિણામો અને નિષ્ફળતાના ડરમાં જીવીએ છીએ. કૃષ્ણ કહે છે કે પરિણામ તમારા હાથમાં નથી, માત્ર વર્તમાનમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જ તમારા નિયંત્રણમાં છે. પરિણામની ચિંતા છોડતા જ મન હળવું ફૂલ થઈ જાય છે. 4. સુખ-દુઃખ અને સફળતા-નિષ્ફળતામાં સ્થિર રહો જીવનમાં ઉતાર-ચઢાવ આવવા સ્વાભાવિક છે. પરંતુ જે વ્યક્તિ દરેક નાની સફળતામાં અહંકારી બની જાય છે અને નાની નિષ્ફળતામાં હતાશ થઈ જાય છે, તે વિચારોના દલદલમાં ડૂબી જાય છે. ગીતા અનુસાર, ખરી માનસિક શાંતિ 'સમત્વ' એટલે કે સંતુલનમાં છે. સફળતા અને નિષ્ફળતા બંનેને સમાન ભાવે સ્વીકારતા શીખો. 5. ઇન્દ્રિયોને વશમાં રાખી મનને અંતર્મુખી બનાવો આપણી ઇન્દ્રિયો સતત બહારની દુનિયામાંથી ઈચ્છાઓ, સરખામણીઓ અને અપેક્ષાઓ ખેંચી લાવે છે, જે મગજમાં વિચારોનું પૂર લાવે છે. ગીતા કહે છે કે આ ઇન્દ્રિયોને બળજબરીથી દબાવવાની નથી, પરંતુ જ્ઞાન અને વિવેકથી યોગ્ય દિશા આપવાની છે. ધીમે-ધીમે બહારની દુનિયામાંથી ધ્યાન હટાવી મનને અંદરની તરફ વાળવાથી જ અસલી શાંતિનો અનુભવ થાય છે. અંતિમ વિચાર: જ્યારે પણ જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, ત્યારે બહારની દોડધામ બંધ કરી ગીતાના આ જ્ઞાનનો આશરો લો. તમારો સ્વધર્મ જ તમને સાચો અને સ્પષ્ટ રસ્તો બતાવશે.
Read Original Article →