આજે પણ રામનવમી, સવારે 11:15 વાગ્યાથી પૂજાનું શુભ મુહૂર્ત:રામ મંદિરના મુખ્ય પૂજારી પાસેથી જાણો સરળ પૂજા વિધિ; અયોધ્યામાં મધ્યાહ્ન કાળે રામલલ્લાનું થશે 'સૂર્ય તિલક'
તિથિ વધઘટના લીધે આજે પણ રામનવમી છે. અયોધ્યામાં બપોરે 12 વાગ્યે રામલલ્લાનો સૂર્ય તિલક થશે. આ જ સમયે અભિજીત મુહૂર્ત રહેશે. વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન શ્રીરામનો જન્મ મધ્યાહન કાળમાં થયો હતો, તેથી રામનવમી પર બપોરનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ઘરમાં પૂજા માટે આજે સવારે 11:15 થી બપોરે 1:35 સુધી શુભ મુહૂર્ત રહેશે. રામનવમી પર વ્રત, પૂજન અને આરતીની પરંપરા છે. દિવ્ય ભાસ્કરે રામલલ્લાના પૂજારી પં. સંતોષ તિવારી પાસેથી ઘરમાં કરવામાં આવતી સરળ પૂજા વિધિ જાણી. તેમના જણાવ્યા અનુસાર તમે સરળ રીતે શ્રીરામની પૂજા, આરતી કરીને જન્મોત્સવ મનાવી શકો છો. પૂજા માટે જરૂરી વસ્તુઓ
જળ, પંચામૃત, ચંદન, રોલી, અક્ષત, ફૂલ, ધૂપ-દીપ, મોસમી ફળ, મીઠાઈ. રામલલ્લાની સરળ પૂજા-વિધિ ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિ પર જળાભિષેક કરો. પછી પંચામૃત અર્પણ કરો અને ફરી એકવાર જળ ચઢાવો. ભગવાનને અત્તર, હાર-ફૂલ અને વસ્ત્રો વગેરે પૂજન સામગ્રી ચઢાવો. સુંદર શૃંગાર કરો. મીઠાઈનો ભોગ લગાવો. ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. રામાયણના કેટલાક અધ્યાયોનો અથવા સુંદરકાંડનો પાઠ કરો. ભગવાન રામના જન્મની ચોપાઈ 'ભયે પ્રગટ કૃપાલા'નો પાઠ કરો. પૂજામાં શ્રીરામ નામનો અને 'રાં રામાય નમ:' મંત્રનો જાપ કરો. પૂજનના અંતમાં ભગવાન પાસે ક્ષમા યાચના કરો. પ્રસાદ વહેંચો અને પોતે પણ લો. અયોધ્યામાં 11:55 વાગ્યે આરતી અને સૂર્ય તિલક, ત્યારબાદ 56 ભોગ સવારે 4 વાગ્યે ઉત્થાન સાથે મંગળા આરતી: આમાં ભગવાનને જગાડીને તુલસીની ડાળીથી દાતણ કરાવીને મધુપર્કનો ભોગ ધરાવવામાં આવ્યો. ધૂપ-દીપ નૈવેદ્ય સાથે આરતી થઈ. સવારે 6:30 વાગ્યે શૃંગાર આરતી: ભગવાનને સરયૂ જળથી સ્નાન કરાવ્યા બાદ શૃંગાર કરાયો. ધૂપ-દીપ સાથે મીઠાઈ અને ફળોનો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 10:30 વાગ્યે વિશેષ પૂજા અને શૃંગાર: સાડા દસ વાગ્યે થોડા સમય માટે કપાટ બંધ થશે. આ દરમિયાન નાળિયેર પાણી, પંચામૃત, ઔષધિઓથી ભગવાનનો અભિષેક થશે. ભગવાનને પીતાંબર પહેરાવીને શૃંગાર થશે. સવારે 11:55 વાગ્યે આરતી અને સૂર્ય તિલક: સવારે 11:55 વાગ્યે આરતી શરૂ થશે અને આરતી ચાલતી હશે, ત્યારે જ બરાબર 12 વાગ્યે રામલલ્લાનો સૂર્ય તિલક થશે. આ પછી 56 ભોગનો નૈવેદ્ય ધરાવવામાં આવશે. મંદિરમાં વધામણાં ગવાશે. સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી: આ આરતીમાં ફળ, પેંડા અને મધુપર્કનો ભોગ ધરાવવામાં આવે છે. રાત્રે 10 વાગ્યે શયન આરતી: આ આરતીમાં ખીર-પૂરી અને શાકનો ભોગ ધરાવીને ભગવાનને શયન કરાવવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ: પુત્રકામેષ્ટિ યજ્ઞથી થયો રામનો જન્મ
વાલ્મીકિ રામાયણ મુજબ, દશરથ જ્યારે ખૂબ વૃદ્ધ થયા, ત્યારે સંતાન ન હોવાને કારણે ચિંતિત રહેવા લાગ્યા. ઋષિઓએ તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાની સલાહ આપી. મહર્ષિ વસિષ્ઠના કહેવાથી દશરથે ઋષિ શૃંગને આ યજ્ઞ માટે બોલાવ્યા. કથા મુજબ યજ્ઞ પૂરો થયા પછી અગ્નિદેવ પ્રગટ થયા. તેમણે ખીરથી ભરેલો સોનાનો ઘડો દશરથને આપ્યો અને રાણીઓને ખીર ખવડાવવા કહ્યું. દશરથે એમ જ કર્યું. એક વર્ષ પછી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના નવમા દિવસે કૌશલ્યાએ શ્રીરામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરત અને સુમિત્રાથી જોડિયા બાળકો લક્ષ્મણ અને શત્રુઘ્ન થયા.
Read Original Article →