દૈત્યરાજ હિરણ્યકશિપુના વધ માટે થઈ હતી અધિક માસની રચના!:જાણો 'મલમાસ'ની 'પુરુષોત્તમ માસ' બનવાની કથા અને માંગલિક કાર્યો વર્જિત હોવાનું કારણ
હાલમાં અધિક માસ ચાલી રહ્યો છે. શ્રદ્ધાળુઓ ભાવ-ભક્તિથી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી રહ્યા છે. અધિક માસ પાછળ વૈજ્ઞાનિક કારણ તો જવાબદાર છે જ, સાથે જ કેટલીક પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે. અધિક માસનો પૌરાણિક આધાર શાસ્ત્રો, પુરાણો અને ખાસ કરીને 'પદ્મ પુરાણ' તથા ‘શ્રીમદ્ ભાગવત પુરાણ’માં ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. હિરણ્યકશિપુનો વધ અને અધિક માસ અધિક માસનો પૌરાણિક આધાર ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર અને દૈત્યરાજ હિરણ્યકશિપુના વધ સાથે જોડાયેલો છે. હિરણ્યકશિપુએ એકવાર બ્રહ્માજીને પોતાના કઠોર તપથી પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે અમર થવાનું વરદાન માંગ્યું. અમરત્વનું વરદાન માંગવું વર્જિત હોવાથી બ્રહ્માજીએ તેને અન્ય કોઈ પણ વરદાન માંગવા માટે કહ્યું. હિરણ્યકશિપુ ખૂબ હોંશિયાર અને બુદ્ધિશાળી હતો. તેણે વરદાન માંગ્યું કે, 'મને સંસારનો કોઈ નર, નારી, પશુ, દેવતા કે અસુર મારી ન શકે. ન દિવસે મરું કે ન રાત્રે, ન કોઈ અસ્ત્રથી મરું કે ન કોઈ શસ્ત્રથી, ન કોઈ ઘરમાં મારી શકે, ન કોઈ ઘરની બહાર મારી શકે. આ ઉપરાંત વર્ષના 12 મહિનાઓમાંથી કોઈપણ મહિનામાં મારું મૃત્યુ ન થાય.' વરદાન પ્રાપ્ત થતાં જ તે પોતાને અમર સમજીને અત્યાચારી બની ગયો. તેના પાપ અને ત્રાસ વધતા ભગવાન વિષ્ણુએ વધ કરવા માટે 'નરસિંહ અવતાર' (અડધા મનુષ્ય, અડધા સિંહ) લીધો, ત્યારે સમયની ગણતરી માટે બ્રહ્માજીએ વર્ષમાં 13મો મહિનો એટલે કે 'અધિક માસ' બનાવ્યો. ભગવાને હિરણ્યકશિપુનો વધ ઘરના ઉંબરા પર (ન અંદર, ન બહાર), સાંજના સમયે (ન દિવસ, ન રાત), પોતાના નખથી (ન અસ્ત્ર, ન શસ્ત્ર) અને આ જ અધિક માસ દરમિયાન કર્યો હતો. આ રીતે હિરણ્યકશિપુનું વરદાન પણ સાચું રહ્યું અને ભગવાનનો હેતુ પણ સિદ્ધ થયો. 'મલ માસ'ના 'પુરુષોત્તમ માસ' બનવાની કથા 'મલ' શબ્દનો સંસ્કૃતમાં અર્થ કચરો, ગંદકી અથવા અશુદ્ધિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હિન્દુ કેલેન્ડરમાં જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને 'સંક્રાંતિ' કહેવાય છે. દરેક સામાન્ય મહિનામાં સૂર્યનું સંક્રમણ (રાશિ પરિવર્તન) થતું હોય છે. પરંતુ, અધિક માસ દરમિયાન સૂર્ય કોઈ નવી રાશિમાં પ્રવેશ કરતો નથી, એટલે કે આખો મહિનો સૂર્ય સંક્રાંતિ વગરનો હોય છે. સૂર્ય સંક્રાંતિ ન થવાને કારણે આ મહિનાને જ્યોતિષમાં 'મલિન' (અશુદ્ધ) અથવા 'મલયુક્ત' માનવામાં આવ્યો છે. આથી તેનું નામ 'મલમાસ' પડ્યું. પૌરાણિક કથા અનુસાર, જ્યારે જ્યોતિષીય ગણતરી પ્રમાણે આ વધારાના મહિનાની ઉત્પત્તિ થઈ, ત્યારે સૂર્ય સંક્રાંતિ ન હોવાને કારણે તેને 'મલમાસ' (અશુદ્ધ મહિનો) કહેવામાં આવ્યો. આ મહિનાના કોઈ સ્વામી (દેવતા) નહોતા, તેથી દરેક વ્યક્તિ આ મહિનામાં શુભ કાર્યો કરવાનું ટાળતી અને તેની નિંદા કરતી હતી. પોતાની આવી સ્થિતિ જોઈને અધિક માસ ખૂબ દુઃખી થયો અને તે ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. તેણે પ્રભુ સમક્ષ રડતા રડતા પોતાની પીડા વ્યક્ત કરી કે, ‘હે પ્રભુ! સંસારમાં દરેક ક્ષણ, દિવસ અને મહિનાના કોઈ ને કોઈ સ્વામી છે, પણ મારો કોઈ સ્વામી નથી. લોકો મને અશુદ્ધ ગણીને મારી નિંદા કરે છે.’ અધિક માસની આ ગ્લાનિ જોઈને ભગવાન વિષ્ણુ તેને પોતાની સાથે ગોલોક લઈ ગયા અને શ્રીકૃષ્ણ સમક્ષ પ્રસ્તુત કર્યો. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણએ તેને આશીર્વાદ આપતા કહ્યું કે, ‘આજથી તું અશુદ્ધ કે નિંદનીય નહીં કહેવાય. હું તને મારું સૌથી ઉત્તમ નામ 'પુરુષોત્તમ આપું છું. આજથી હું પોતે તારો સ્વામી બનીશ. જે ગુણો મારામાં છે, તે બધા તારામાં સમાબિત થશે.' ભગવાને એવું પણ વરદાન આપ્યું કે, વર્ષના બાકીના મહિનાઓમાં પૂજા-પાઠ કરવાથી જે ફળ મળે છે, તેના કરતાં આ પુરુષોત્તમ માસમાં કરેલા જપ, તપ, દાન અને ભક્તિનું ફળ હજારો ગણું વધારે મળશે. અધિક માસમાં માંગલિક કાર્યો વર્જિત અધિક માસમાં સૂર્યની સંક્રાંતિ ન હોવાના લીધે આ સમયગાળાને આધ્યાત્મિક રીતે શુદ્ધ પણ ભૌતિક કાર્યો માટે યોગ્ય માનવામાં આવતો નથી. આ કારણે મલમાસ દરમિયાન લગ્ન, મુંડન સંસ્કાર, યજ્ઞોપવિત, વાસ્તુ પૂજન, ગૃહ પ્રવેશ, નવી મિલકત કે વાહનની ખરીદી સહિતના તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. શુભ કાર્યો ન થવાને કારણે અને આ સમયને માત્ર ધાર્મિક પૂજા-પાઠ માટે જ આરક્ષિત રાખવામાં આવ્યો હોવાથી તેને લોકબોલીમાં 'મલમાસ' કહેવામાં છે.
Read Original Article →