મોદીની 'મેલોડી' મોમેન્ટ્સથી રોકાણકારો કન્ફ્યુઝ:ભૂલથી બીજી પારલેના શેર ખરીદી લીધા, રિયલ એસ્ટેટ કંપની થઈ માલામાલ; ટોફી બનાવતી પારલે માર્કેટમાં લિસ્ટેડ નથી

Business5/20/2026, 1:09:14 PM
મોદીની 'મેલોડી' મોમેન્ટ્સથી રોકાણકારો કન્ફ્યુઝ:ભૂલથી બીજી પારલેના શેર ખરીદી લીધા, રિયલ એસ્ટેટ કંપની થઈ માલામાલ; ટોફી બનાવતી પારલે માર્કેટમાં લિસ્ટેડ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને પારલે કંપનીની મેલોડી ટોફીનું પેકેટ ગિફ્ટ કર્યું. આનો વીડિયો ખુદ મેલોનીએ શેર કર્યો. વીડિયો વાયરલ થતાં જ રોકાણકારોએ નામના કન્ફ્યુઝનમાં પારલે ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદી લીધા, જેના કારણે મંગળવારે તેમાં 5%ની અપર સર્કિટ લાગી ગઈ. ખાસ વાત એ છે કે મેલોડી ટોફી બનાવતી કંપની પારલે પ્રોડક્ટ્સ છે, જે શેરબજારમાં લિસ્ટેડ જ નથી. રોકાણકારોએ ભૂલથી રિયલ એસ્ટેટ કંપની પારલે ઇન્ડસ્ટ્રીઝને મેલોડી બનાવતી કંપની સમજીને તેમાં રોકાણ કરી દીધું. શેર ₹5.25 પર પહોંચ્યો, રોકાણકારોએ કરી સટ્ટાકીય ખરીદી મંગળવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન BSE પર પારલે ઇન્ડસ્ટ્રીઝનો શેર 5% વધીને ₹5.25 પર પહોંચી ગયો અને ઉપલા સ્તરે લોક થઈ ગયો. ઇન્ટરનેટ પર PM મોદી અને મેલોનીની 'મેલોડી' મોમેન્ટ વાયરલ થયા પછી રોકાણકારોએ સંપૂર્ણ તપાસ કર્યા વિના આ પેની સ્ટોકમાં ખરીદી શરૂ કરી. સોશિયલ મીડિયા પર મેલોડી બ્રાન્ડની ભારે ચર્ચાને કારણે શેરબજારમાં આ ગેરસમજ થઈ. મેલોડી ટોફી પારલે પ્રોડક્ટ્સ કંપની દ્વારા બનાવવામાં આવે છે, જે પારલે-જી (Parle-G) બિસ્કિટ અને અન્ય ઘણી કન્ફેક્શનરી વસ્તુઓ માટે જાણીતી છે. બીજી તરફ, જે પારલે ઇન્ડસ્ટ્રીઝના શેર વધ્યા, તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને પેપર વેસ્ટ રિસાયક્લિંગના વ્યવસાયમાં કામ કરે છે. શેરબજારમાં આવેલા આ ઉછાળા પર પારલે ઇન્ડસ્ટ્રીઝ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ઇન્ટરનેટ પર 'મેલોડી' હિટ છે પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન તેમણે જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી અને સાથે ડિનર કર્યું. ત્યારબાદ બંને નેતાઓએ પ્રખ્યાત ઐતિહાસિક ઇમારત 'કોલોસિયમ'ની મુલાકાત પણ લીધી. મેલોનીએ બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાં ટ્વિટર) પર પીએમ મોદીનો આભાર માનતા મેલોડી ટોફીની ઇમેજ શેર કરી. છેલ્લા એક વર્ષથી ઇન્ટરનેટ પર બંને નેતાઓની મિત્રતાને લઈને 'મેલોડી' (મેલોની + મોદીના નામોને ભેળવીને બનેલો શબ્દ) ઘણી ચર્ચામાં છે. લોકો સોશિયલ મીડિયા પર તેને લઈને મીમ્સ પણ બનાવે છે. આ જ કારણ છે કે જ્યારે પીએમ મોદીએ ખરેખર મેલોનીને 'મેલોડી' ટોફી ગિફ્ટ કરી, ત્યારે તે તરત જ વાયરલ થઈ ગઈ. ભારત અને ઇટાલી વચ્ચે વધી રહ્યો છે વેપાર બંને દેશો વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, વર્ષ 2025માં ભારત અને ઇટાલી વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 16.77 અબજ ડોલર (લગભગ ₹1.40 લાખ કરોડ) સુધી પહોંચી ગયો છે. જ્યારે, એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2025ની વચ્ચે ભારતમાં 3.66 અબજ ડોલરનું ઇટાલિયન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે. બંને દેશો હાલમાં 'ભારત-ઇટાલી સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-2029' પર આગળ વધી રહ્યા છે, જે અંતર્ગત ક્લીન એનર્જી, સંરક્ષણ, વિજ્ઞાન-ટેકનોલોજી અને રોકાણના ક્ષેત્રોમાં સહયોગ વધારવામાં આવી રહ્યો છે.
Read Original Article →