ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- માર્કેટ માટે 'બ્લેક ફ્રાઈડે' રહ્યો:ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો

Business4/24/2026, 6:51:03 PM
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- માર્કેટ માટે 'બ્લેક ફ્રાઈડે' રહ્યો:ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો
ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટ માટે આજનો દિવસ 'બ્લેક ફ્રાઈડે' સાબિત થયો છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સ્પષ્ટ બેરિશ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. શરૂઆતથી જ બજારમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી અને દિવસ દરમિયાન કોઈ પણ મજબૂત રિકવરી જોવા મળી નહોતી. વૈશ્વિક દબાણ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી, સહિત સોના અને ચાંદીના ભાવમાં થયેલ ઘટાડા સાથે રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જેના પરિણામે ચારેબાજુ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામને ટ્રમ્પે બેમુદ્દત લંબાવ્યા છતાં હજુ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી બન્ને પક્ષોએ કાયમ રાખીને એકબીજાના જહાજોને અટકાવવાના પ્રયાસો કરતાં રહેતાં વિશ્વ પર હજુ ફયુલ અછતનું સંકટ કાયમ રહેતાં અને ફરી યુદ્વની સ્થિતિમાં પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે ક્રુડ ઓઈલના ભાવ વધતાં વૈશ્વિક બજારોમાં પણ નરમાઈ રહી હતી. વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ, ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતી અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત વેચવાલી બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા હતા. ટેકનિકલી પણ બજારે મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી નાખ્યા છે, જે ટૂંકા ગાળામાં વધુ નબળાઈના સંકેત આપે છે. ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાવાના સંજોગોમાં આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલમાં લીટર દીઠ રૂ. 25 સુધી ભાવ વધારો અનિવાર્ય બની જવાના અહેવાલો વહેતાં થતાં ઓટોમોબાઈલ શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. ઓટો શેરો સાથે બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ મોટું ધોવાણ નોતર્યું હતું. જો કે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ તેજી કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. રિયાલ્ટી શેરો અને આઈટી-સોફ્ટવેર શેરો પણ તૂટયા હતા. સેન્સેક્સ : સેન્સેક્સમાં દિવસ દરમિયાન સતત વેચવાલી જોવા મળી. બેન્કિંગ અને આઈટી સેક્ટરના હેવીવેઈટ સ્ટોક્સમાં ઘટાડો થતાં ઇન્ડેક્સ પર દબાણ વધ્યું હતું. દરેક નાના ઉછાળા પર વેચવાલી આવતી હોવાથી બજાર ઉપર જઈ શક્યું નહોતું. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 77664 સામે 77483 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 76403 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ 1307 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સેન્સેક્સ સરેરાશ 999 પોઈન્ટના ઘટાડા સાથે 76664 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર : નિફ્ટી ફ્યુચરમાં સ્પષ્ટ રીતે મંદી જોવા મળ્યો હતો. જે દર્શાવે છે કે ટ્રેડર્સ વધુ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે. અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટમાં ઘટાડો નોંધાયો હતો, જેનાથી વૈશ્વિક સેન્ટિમેન્ટ નબળું બન્યું હતું. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24163 સામે 24192 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 22834 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ 404 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 228 પોઈન્ટના ઘટાડા સાથે 23935 પોઈન્ટ બંધ થયેલ. વૈશ્વિક પરિબળો : મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષ અને ઊર્જા સપ્લાય અંગેની ચિંતાઓ વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમ બની રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી વૈશ્વિક મોંઘવારી વધવાની શક્યતા છે, જેનાથી વ્યાજદર ઊંચા રહેવાની સંભાવના છે. સ્થાનિક પરિબળો : સ્થાનિક સ્તરે બજાર પર નકારાત્મક અસર કરતી મુખ્ય બાબતોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત આઉટફ્લો નોંધાયો છે. રૂપિયામાં નબળાઈ પણ બજાર માટે ચિંતાનો વિષય બની છે. ઉંચા વેલ્યુએશનના કારણે પણ રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે. જો કે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા ખરીદી થતી રહી છે, પરંતુ તે બજારને સંપૂર્ણ રીતે સ્થિર રાખવામાં પૂરતી સાબિત થઈ નથી. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : આઈટી સેક્ટરમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું છે. મેટલ સેક્ટરમાં વૈશ્વિક માંગ ઘટતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. બેન્કિંગ સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. રિયલ્ટી સેક્ટરમાં વ્યાજદર વધવાની આશંકાને કારણે દબાણ જોવા મળ્યું છે. તેજી તરફી કારણો : સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા મર્યાદિત ખરીદી બજાર માટે થોડો સપોર્ટ પૂરું પાડે છે. ડિફેન્સિવ સ્ટોક્સમાં રોકાણકારોની રસદારી યથાવત રહે છે. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાને કારણે રોકાણકારોમાં વિશ્વાસ યથાવત રહ્યો છે. મંદી તરફી કારણો : વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ બની રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી ભારત માટે નકારાત્મક છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી બજાર પર દબાણ ઊભું કરી રહી છે. ટેકનિકલ દૃષ્ટિએ મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તૂટતા બજારમાં બેરિશ ટ્રેન્ડ વધુ મજબૂત બન્યો છે. એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ : મિત્રો, 23.04.2026 એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 3254.71 વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 941.35 ખરીદી જોવા મળી હતી. કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી છે, જે ભારત માટે નકારાત્મક છે. મેટલ્સમાં ઘટાડો નોંધાયો છે. ગોલ્ડ - મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર ગોલ્ડમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સિલ્વર - સિલ્વરમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. તા. 27.04.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 24.04.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23935 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઈન્ટના પ્રથમ અને 24202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23880 પોઈન્ટ થી 23808 આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23676 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ - અદાણી એનર્જી સોલ્યુશન્સ ( 1416 ) :- A/T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1388 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ...!! રૂ. 1373 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1434 થી રૂ. 1450 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! અદાણી ગ્રીન એનર્જી ( 1230 ) :- રૂ. 1208 નો પ્રથમ તેમજ રૂ. 1190 બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1247 થી રૂ. 1260 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ( 644 ) :- A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 616 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 606 ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 657 થી રૂ. 664 નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ. 670 ઉપર તેજી તરફી ધ્યાન...!!! સિન્જીન ઇન્ટરનેશનલ ( 421 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. 398 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ. 390 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 437 થી રૂ. 445 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! વરુણ બેવરેજીસ ( 485 ) :- રૂ. 470 નો પ્રથમ તેમજ રૂ. 464 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ. 497 થી રૂ. 510 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા....!!! ભાવિ દિશા :- પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. ગ્લોબલ સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ પ્રવૃત્તિ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે. જો વૈશ્વિક પરિસ્થિતિ સુધરે તો જ બજારમાં રિકવરી શક્ય છે. ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી અને નબળાઈ યથાવત રહેવાની શક્યતા છે, તેથી રોકાણકારોએ સાવચેતીપૂર્વક અને વ્યૂહાત્મક રીતે આગળ વધવું જરૂરી છે.
Read Original Article →