ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત:આજના ટ્રેડિંગ સેશનમાં મિશ્ર પરંતુ મંદી તરફી ટ્રેન્ડ સાથે મૂવમેન્ટ જોવા મળી

Business4/20/2026, 2:53:08 PM
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત:આજના ટ્રેડિંગ સેશનમાં મિશ્ર પરંતુ મંદી તરફી ટ્રેન્ડ સાથે મૂવમેન્ટ જોવા મળી
આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મિશ્ર પરંતુ મંદી તરફી ટ્રેન્ડ સાથે મૂવમેન્ટ જોવા મળી હતી. શરૂઆતમાં વૈશ્વિક નકારાત્મક સંકેતો, જીઓ-પોલિટિકલ તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. બજારની અંદર મજબૂતી સ્પષ્ટ જોવા મળી રહી છે, કારણ કે ઘટાડા દરમિયાન પણ ખરીદદારો સ્ટોક સ્પેશિફીક સક્રિય રહ્યા હતા. ઈરાન અને લેબનોન વિરૂધ્ધ અમેરિકા અને ઈઝરાયલના યુદ્વ વિરામ છતાં બન્ને પક્ષો અત્યારે કિટ્ટાબિલ્લાની રમત ચાલુ રાખીને કભી હા કભી ના અને ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ પર રત્તિભરનો પણ ભરોસો નહીં હોઈ અમેરિકાની હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી અને એના વિરૂધ્ધ ઈરાનની નાકાબંધીનો ખેલ ખેલાતો રહી પળેપળે વિશ્વને અનિશ્ચિતતામાં ગરકાવ રાખવામાં આવી રહ્યું છે. યુદ્વ અને યુદ્વ વિરામના નામે વિશ્વના શેર બજારો અને ક્રુડ-કોમોડિટી બજારોમાં પણ અમુક વર્ગનો થઈ રહેલો ખેલો-ઉથલો પણ હવે વિશ્વને અચંબામાં મૂકી રહ્યો છે. ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવાના એનાઉસમેન્ટ પૂર્વે ક્રૂડ ઓઈલમાં કહેવાતાં થયેલા મંદીના મોટા વેપાર અને બીજી તરફ શેર બજારોમાં આગોતરો તેજીનો વેપાર ગોઠવીને થઈ રહેલા તોફાને રોકાણકારોને સતત અસમંજસમાં મૂકવાનું ચાલુ રાખ્યું છે. યુદ્વથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિથી કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ અણધાર્યા પડકારોનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઘણા ઉદ્યોગો માટે કાચામાલના પુરવઠાની ખેંચને કારણે અને ભાવો વધવાના કારણે બિઝનેસ વૃદ્વિ સાથે માર્જિન પર અસર દેખાવા લાગી છે. અલબત યુદ્વની પરિસ્થિતિ હળવી થવાની સાથે આગામી દિવસોમાં સ્થિતિ પૂર્વવત થવાની અપેક્ષા અને કંપનીઓની કામગીરીમાં સુધારાની અપેક્ષાએ ભારતીય શેર બજારોમાં પાછલા દોઢ મહિના પૂર્વે ઓવરવેલ્યુ ગણાતી ઘણી કંપનીઓના શેરો હવે આકર્ષક વેલ્યુએશને મળતાં થતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નીચા ભાવે મોટી ખરીદી કરવાની તક ઝડપવા માંડી છે. આ ખરીદી સાથે હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ પણ શેરોમાં પાછલા સપ્તાહમાં સળંગ ત્રણ દિવસ કેશમાં નેટ ખરીદદાર બન્યા છે. જે પોઝિટીવ સંકેત છે. અલબત હવે ઈરાન અને અમેરિકાની શાંતી મંત્રણાનો પ્રથમ દોર નિષ્ફળ રહ્યા બાદ બીજા દોરની મંત્રણામાં હકારાત્મક અભિગમ અપેક્ષિત હોઈ શકે છે જ્યારે વાટાઘાટ અણધારી નિષ્ફળ રહેવાના સંજોગોમાં બજારમાં તેજીને ફરી મોટી બ્રેક લાગી શકે છે એ પણ ના ભૂલવું જોઈએ. બીએસઇ સેન્સેક્સ:- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 78493 સામે 78203 પોઈન્ટના મથાળેથી ખુલીને 78632 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો. સરેરાશ 737 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 26 પોઈન્ટના ઉછાળા સાથે 78520 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24638 સામે 24419 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 24260 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો. સરેરાશ 230 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 56 પોઈન્ટના ઘટાડા સાથે 24312 પોઈન્ટ પર બંધ થયેલ. આજની બજાર મૂવમેન્ટમાં બુલિશ અને બેરિશ બંને પરિબળો સક્રિય રહ્યા હતા. એક તરફ વૈશ્વિક નકારાત્મક સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી બજાર પર દબાણ ઊભું કરી રહી હતી, જ્યારે બીજી તરફ સ્થાનિક રોકાણકારો અને ડીઆઈઆઈ દ્વારા મળતો સપોર્ટ બજારને સ્થિર રાખી રહ્યો હતો. તેજી માટેના મુખ્ય કારણો બજારમાં થયેલા તાજેતરના ઘટાડા બાદ સ્ટોક્સ આકર્ષક લેવલ પર આવી ગયા હતા, શોર્ટ કવરિંગના કારણે ઝડપી ઉછાળો આવ્યો. ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત આધાર બની રહી છે. વૈશ્વિક બજારોમાં મર્યાદિત સ્થિરતા સેન્ટિમેન્ટ સુધારવામાં મદદરૂપ બની. સ્થાનિક પરિબળો ભારતનું મજબૂત મેક્રો ઇકોનોમિક માળખું બજારને સપોર્ટ આપે છે. મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો અને એસઆઈપી દ્વારા સતત રોકાણ બજારને સ્થિરતા આપે છે. બેન્કિંગ સેક્ટરમાં મજબૂત ક્રેડિટ ગ્રોથ અને એસેટ ક્વોલિટી સુધારો પોઝિટિવ છે. વૈશ્વિક પરિબળો મધ્ય પૂર્વમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવ વૈશ્વિક બજારો માટે મુખ્ય જોખમ છે. ક્રૂડ ઓઈલના સપ્લાય અંગેની ચિંતાઓ મોંઘવારી વધારવાની શક્યતા ઉભી કરે છે. અમેરિકન ફેડની વ્યાજદર નીતિ અંગેની અનિશ્ચિતતા રોકાણકારોને સાવચેત રાખે છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની ભીતિ સેન્ટિમેન્ટને અસર કરે છે. સેક્ટર તરફી માહોલ બેન્કિંગ સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી હતી.ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. આઈટી સેક્ટર મિશ્ર રહ્યો હતો. મેટલ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી. એફેમ્સીજી અને ફાર્મા સેક્ટર સ્થિર રહ્યા હતા. મંદી તરફી કારણો એફઆઈઆઈ દ્વારા વેચવાલીનું દબાણ અને વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના વધતા ભાવો સાથે સાથે ઉંચા વેલ્યુએશનને કારણે દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ બજાર મંદી તરફી રૂખમાં પ્રવેશી શકે છે એ નક્કી. એફઆઈઆઈ / ડીઆઈઆઈ એફઆઈઆઈ મિશ્ર વલણ સાથે જોવા મળ્યા હતા, જ્યારે ડીઆઈઆઈ સતત નેટ બાયર્સ રહ્યા હતા.આ ટ્રેન્ડ બજાર માટે મજબૂત સપોર્ટ તરીકે કામ કરે છે. કોમોડિટી મૂવમેન્ટ કોમોડિટી બજારમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો.ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત રહી હતી. બેઝ મેટલ્સમાં નબળાઈ જોવા મળી હતી. ગોલ્ડ :- મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર ગોલ્ડમાં શરૂઆતમાં તેજી બાદ સ્થિરતા જોવા મળી હતી. સિલ્વર :- સિલ્વરમાં વધુ વોલેટિલિટી જોવા મળી હતી, જેમાં ઘટાડા બાદ મર્યાદિત સુધારો નોંધાયો હતો. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા.20-04-26 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24312 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24474 પોઈન્ટના પ્રથમ અને 24505 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24232 પોઈન્ટ થી 24180 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24088 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ભારતી ઐરટેલ (1847) :- હોલ્ડીંગ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.1818 નો પ્રથમ તેમજ રૂ.1808 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1864 થી રૂ.1875 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. રૂ.1880 ઉપર તેજી તરફી ધ્યાન. બજાજ ફીન્સેર્વ (1829) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1793 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1780 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1844 થી રૂ.1850 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. આઈસીઆઈસીઆઈ બેંક (1356) :- રૂ.1330 નો પ્રથમ તેમજ રૂ.1318 ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1373 થી રૂ.1380 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. જીન્દાલ સ્ટીલ (1288) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1303 થી રૂ.1313 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે. અંદાજીત રૂ.1288 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (1104) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા પેર્સનલ કેર સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1080 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1118 થી રૂ.1127 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે. ભાવિ દિશા :- આગામી દિવસોમાં બજાર પોઝિટિવ ઝુકાવ સાથે આગળ વધી શકે છે, પરંતુ વોલેટિલિટી ચાલુ રહેવાની શક્યતા છે. વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ પ્રવાહ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે. જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર રહેશે તો બજાર નવા ઉચ્ચ સ્તરો તરફ આગળ વધી શકે છે પરંતુ મારાં અંગત મત મુજબ આગામી દિવસોમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. બજાર સ્પષ્ટ દિશા માટે વૈશ્વિક સંકેતો અને એફઆઈઆઈપ્રવાહ પર નિર્ભર રહેશે. રોકાણકારોએ મજબૂત ફંડામેન્ટલ ધરાવતા સ્ટોક્સમાં તબક્કાવાર રોકાણ કરવું જોઈએ. વોલેટાઇલ બજારમાં રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના સેશનમાં બજારમાં બુલિશ અને બેરિશ બંને પરિબળો વચ્ચે સંતુલન જોવા મળ્યું છે, પરંતુ અંતે બેરિશ ટ્રેન્ડ બજાર ઉપર હાવી રહ્યો છે. બજારની અંદરની મજબૂતી યથાવત છે, જે લાંબા ગાળે પોઝિટિવ દિશામાં આગળ વધવાની સંભાવના દર્શાવે છે. રોકાણકારો માટે આ સમય સાવચેતી સાથે યોગ્ય સ્ટ્રેટેજી અપનાવીને રોકાણ કરવાની તક પૂરી પાડે છે.
Read Original Article →