ટાઈમ મેગેઝીનના ટોપ 100 દાનવીરોમાં ભારતીય અને ભારતીય મૂળના:ગરીબ બાળકોનું ભવિષ્ય ઉજળું કરી રહ્યા છે નાદર; બાળકોને કુપોષણમાંથી બહાર લાવ્યા ટોરેન્ટ ગ્રુપના મહેતા બંધુ

National5/16/2026, 11:21:10 AM
ટાઈમ મેગેઝીનના ટોપ 100 દાનવીરોમાં ભારતીય અને ભારતીય મૂળના:ગરીબ બાળકોનું ભવિષ્ય ઉજળું કરી રહ્યા છે નાદર; બાળકોને કુપોષણમાંથી બહાર લાવ્યા ટોરેન્ટ ગ્રુપના મહેતા બંધુ
ટાઇમ મેગેઝિને 2026ની ટાઇમ 100 ફિલેન્થ્રોપી લિસ્ટ જાહેર કર્યુ છે. તે મુજબ દાનવીરો હવે પરંપરાગત સમાજ સેવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેઓ પોતાની અપાર સંપત્તિથી સમાજ અને વ્યવસ્થાનું સ્વરૂપ બદલી રહ્યા છે. આમાં ભારતીયો અને ભારતીય મૂળના લોકો પણ છે. મહેતા બંધુઓ સ્વાસ્થ્ય સેવાઓ સાથે તળાવો-પ્રકૃતિનું સંરક્ષણ કરી રહ્યા છે, તો નાદર જરૂરિયાતમંદ બાળકોને ભણાવીને અમેરિકા સુધી મોકલી રહ્યા છે. ભારતીય મૂળના રાજીવ શાહ બાળકોને પોષ્ટિક ભોજન અપાવવાનું વચન લઈ ચૂક્યા છે, તો દીપક ભાર્ગવ મૂળભૂત અધિકારોનો માર્ગ મજબૂત કરી રહ્યા છે. જાણો તેમને... શિવ નાડર- ખેડૂતો અને મજૂરોના બાળકોને મફતમાં ભણાવી રહ્યા છે HCL ટેક્નોલોજીસના 80 વર્ષીય સ્થાપકનું વિઝન ‘ક્રિએટિવ ફિલાન્થ્રોપી’ પર આધારિત છે, જ્યાં પારદર્શિતા સૌથી મહત્વપૂર્ણ છે. શિક્ષણને પરિવર્તનની ચાવી માનતા નાદર ‘વિદ્યાજ્ઞાન’ બોર્ડિંગ સ્કૂલો દ્વારા યુપીના ગ્રામીણ વિસ્તારોમાંથી ગરીબ ખેડૂતો-મજૂરોના હોશિયાર બાળકોને પસંદ કરીને મફત ભણાવે છે. આ વર્ષે બે બાળકોને અમેરિકા મોકલ્યા. છેલ્લા 5 વર્ષમાં 4 વખત દેશના ‘ટોચના દાતા’ રહ્યા. 2025માં એકલા રૂ.2660 કરોડ આપ્યા. યુનિવર્સિટીઓ, મ્યુઝિયમો અને હોસ્પિટલોને અત્યાર સુધીમાં ₹14,000 કરોડ આપી ચૂક્યા છે. સુધીર-સમીર મહેતા - પોણા બે લાખ બાળકોનું હેલ્થ ચેકઅપ કરાવી ચૂક્યા છે 1.17 લાખ કરોડથી મોટું સામ્રાજ્ય ધરાવતા ‘ટોરેન્ટ ગ્રુપ’ના માલિક મહેતા બંધુઓએ 2024માં પિતા ઉત્તમભાઈ નથ્થુલાલ મહેતાની જન્મશતાબ્દી પર રૂ.5 હજાર કરોડ દાન કરવાનો મહા-સંકલ્પ લીધો હતો. આ જ ઝુંબેશ હેઠળ અમદાવાદમાં 30 હજાર ચોરસ ફૂટનું ન્યુરો-રિહેબિલિટેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તેમના ‘યુએનએમ ફાઉન્ડેશન’એ 10 વર્ષમાં પોણા બે લાખ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરી, 70 હજાર બાળકોને કુપોષણમાંથી મુક્તિ અપાવી છે. બાળકો માટે હોસ્પિટલ પણ ખોલી છે. રાજીવ શાહ - 30 કરોડ આફ્રિકનોને વીજળીથી જોડવાનું મિશન ચલાવી રહ્યા છે રાજીવ જે. શાહ ભારતીય મૂળના અમેરિકી નેતા છે, જે 2017 થી 5.5 લાખ કરોડના રોકફેલર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે. યુટ્યુબર મિ. બીસ્ટ સાથે મળીને કેન્યામાં સ્કૂલ કિચન ખોલ્યું. 1 લાખ ભોજન થાળીનું લક્ષ્ય છે. ફાઉન્ડેશને મિશન 300 શરૂ કર્યું છે, જેમાં 2030 સુધીમાં 30 કરોડ આફ્રિકનોને વીજળીથી જોડવા અને બાળકો માટે 8 હજાર કરોડની રકમથી પૌષ્ટિક અને શુદ્ધ ભોજન ઉપલબ્ધ કરાવવાનું છે. બરાક ઓબામા પ્રશાસનમાં યુએસએઆઈડીના પ્રમુખ રહેલા શાહ કહે છે,‘દરેક જીવન કિંમતી છે. દીપક ભાર્ગવ- દુનિયાભરમાં પરોપકારથી લોકશાહીને મજબૂત બનાવવામાં વ્યસ્ત લાંબા સમય સુધી એક્ટિવિસ્ટ રહ્યા. 2024માં ‘ફ્રીડમ ટુગેધર ફાઉન્ડેશન’ની કમાન સંભાળી. ભારતીય મૂળના ભાર્ગવ માને છે કે મૂળભૂત અધિકારો અને લોકશાહી પર તોળાતા જોખમોના આ સમયમાં પરોપકારની રીત પણ અસાધારણ હોવી જોઈએ. સામાન્ય રીતે ટ્રસ્ટ સંપત્તિના 5% જ દાન કરે છે, પરંતુ ભાર્ગવે તેને 10% સુધી પહોંચાડ્યું. 2025માં સંસ્થાએ ₹3,300 કરોડ આપ્યા, જેમાંથી 70% લોકશાહીને મજબૂત કરવામાં લાગ્યા. મેકઆર્થર ફાઉન્ડેશન સાથે મળીને વિશ્વભરમાં ‘દાનની સ્વતંત્રતા’ની હિમાયત કરી રહ્યા છે.
Read Original Article →