AI 2030 સુધીમાં માણસથી આગળ નીકળી શકે છે:ગૂગલ ડીપમાઇન્ડના COE હાસાબિસે કહ્યું- 'નવા યુગ'ની તૈયારી માટે હવે ઓછો સમય બચ્યો છે
ગૂગલ ડીપમાઇન્ડના સીઇઓ ડેમિસ હાસાબિસે તાજેતરમાં એક એવી વાત કહી જે સાંભળવામાં જેટલી રોમાંચક છે, તેટલી જ ડરામણી. તેમણે કહ્યું કે માણસ જેવી વિચારસરણી ધરાવતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AGI હવે માત્ર થોડા વર્ષો દૂર છે. સ્ટેનફર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, ‘કદાચ 2030, એક-બે વર્ષ ઓછા કે વધુ લાગી શકે છે.’ આ સાંભળીને તેમને પોતે પણ આશ્ચર્ય થાય છે. હાસાબિસે AGIની સરખામણી ‘સિંગ્યુલારિટી’ સાથે કરી, એટલે કે તે ક્ષણ જ્યાંથી પાછળ ફરીને જોવું શક્ય નહીં હોય. તેમના મતે આ ‘એક નવા માનવ યુગ’ની શરૂઆત હશે. અને એટલા માટે જ તેઓ વારંવાર કહે છે કે નવા યુગનો સામનો કરવાની તૈયારી અત્યારથી જ થવી જોઈએ કારણ કે સમય ઓછો બચ્યો છે. હાસાબિસ એકમાત્ર નથી જે આવી વાતો કરી રહ્યા છે. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે AIને કારણે લાખો નોકરીઓ જઈ શકે છે. એન્થ્રોપિકના સીઈઓ ડેરિયો અમોદેઈએ તો ત્યાં સુધી કહી દીધું છે કે આગામી પાંચ વર્ષમાં અડધા એન્ટ્રી-લેવલ વ્હાઇટ-કોલર કામ ગાયબ થઈ શકે છે. હા, એ પણ સાચું છે કે તાજેતરના દિવસોમાં આ તમામ દિગ્ગજોએ પોતાની ‘પ્રલયની ભાષા’માં થોડી નરમાઈ લાવી છે, પરંતુ મુખ્ય સંદેશ તે જ છે. હાસાબિસે એ પણ સ્વીકાર્યું કે તેમના કેટલાક સાથીઓ તેમની ભવિષ્યવાણીઓમાં ‘ખૂબ જ નિશ્ચિત’ થઈ જાય છે. આ યોગ્ય નથી. તેમણે AGIને માત્ર ખતરાનો પર્યાય નથી ગણાવ્યો. તેમના મતે, આ ટેકનોલોજી મેડિકલ સાયન્સમાં ક્રાંતિ લાવી શકે છે. આ આર્થિક પરિવર્તનનું કારણ બની શકે છે અને એક એવી દુનિયાનો પાયો નાખી શકે છે જ્યાં ‘અભાવ’ શબ્દનો અર્થ બદલાઈ જાય, જેને ભવિષ્યવાદીઓ ‘પોસ્ટ-સ્કાર્સિટી વર્લ્ડ’ કહે છે. યુવાનો અને વિદ્યાર્થીઓને તેમનો સીધો સંદેશ છે - ભલે તમે ‘હ્યુમેનિટીઝ’ ભણતા હો કે સાયન્સ-ટેકનોલોજીની તાલીમ લઈ રહ્યા હો, આ ટેકનોલોજીથી ભાગશો નહીં, તેને અપનાવો. તેમણે સૌથી રસપ્રદ વાત એ કહી કે, ‘ભવિષ્ય હજી લખાયું નથી, પરંતુ આગામી કેટલાક વર્ષો નક્કી કરશે કે તે ખરેખર કેવું દેખાશે.’ એજીઆઈ- જ્યારે મશીનો પણ માણસની જેમ દરેક કામમાં નિપુણ હશે એજીઆઈ એટલે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ. આ એઆઈનું એ સ્તર છે જ્યારે મશીન દરેક કામ માણસ જેટલી કે તેનાથી પણ સારી ક્ષમતાથી કરી શકે. અત્યારનું એઆઈ કોઈ એક કામમાં નિપુણ હોય છે, એજીઆઈ દરેક કામમાં નિપુણ હશે. હાસાબિસનું અનુમાન છે કે આ 2030 સુધીમાં વાસ્તવિકતા બની શકે છે. સેમ ઓલ્ટમેન અને ડેરિયો અમોદેઈ પણ આ જ સમયસીમાની આસપાસ ઈશારો કરી ચૂક્યા છે. એજીઆઈના સંભવિત ફાયદા - રોગોનો ઇલાજ, આર્થિક પરિવર્તન, અભાવમુક્ત દુનિયા. પરંતુ તેની સાથે નોકરીઓ ઘટવાના જોખમો, નિયંત્રણનો પ્રશ્ન, સમાજ પર અણધાર્યા પ્રભાવ જેવી આશંકાઓ પણ જોડાયેલી છે. દુનિયા પાસે તૈયારી માટે કદાચ પાંચ વર્ષ પણ નથી.
Read Original Article →