ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ:દલાલ સ્ટ્રીટ પર ‘બ્લેક ટ્યૂઝડે’ જેવો માહોલ સર્જાયો

Business5/12/2026, 8:07:22 PM
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ:દલાલ સ્ટ્રીટ પર ‘બ્લેક ટ્યૂઝડે’ જેવો માહોલ સર્જાયો
ભારતીય શેરબજારના ઇતિહાસમાં 12 મે, 2026નો મંગળવાર રોકાણકારો માટે ક્યારેય ન ભૂલી શકાય તેવો ‘અમંગળ’ સાબિત થયો છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જે રીતે કડાકા જોવા મળ્યા, તેણે દલાલ સ્ટ્રીટ પર જાણે ‘બ્લેક ટ્યૂઝડે’ જેવો માહોલ સર્જી દીધો છે. આજના આ ઐતિહાસિક ઘટાડા પાછળ દેશના આર્થિક સમીકરણોમાં આવેલા ધરખમ ફેરફારો અને વૈશ્વિક યુદ્ધની ગંભીર પરિસ્થિતિઓ મુખ્ય જવાબદાર છે. પીએમ મોદીની આર્થિક સંકટની ચેતવણી : આજના બજારમાં ગભરાટ ફેલાવવાનું સૌથી મોટું અને સ્થાનિક કારણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દેશવાસીઓને કરેલી ભાવુક પરંતુ કડક અપીલ રહી છે. ભારતમાં ઈંધણ પુરવઠાની અસાધારણ કટોકટી સર્જાઈ રહી છે. ક્રૂડ ઓઈલ, સોના-ચાંદી અને હીરા-ઝવેરાતની અવિરત આયાતને કારણે ભારતનું આયાત બિલ ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. વડાપ્રધાને દેશના અર્થતંત્રને બચાવવા માટે દેશવાસીઓને એક વર્ષ માટે સોનાની આયાત ન કરવા અને ઈંધણનો વપરાશ ઘટાડવા જેવી આકરી સલાહ આપી છે. આ નિવેદને બજારને એવો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત એક મોટી આર્થિક કટોકટીમાં ધકેલાઈ રહ્યું છે. પરિણામે, ફંડો અને મોટા ખેલંદાઓએ શરૂઆતથી જ ઈન્ડેક્સ બેઝડ શેરોમાં ભારે વેચવાલી શરૂ કરી દીધી હતી. વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક મોરચે, ઈરાન અને અમેરિકા વચ્ચેની ન્યુક્લિયર સમજૂતી માટેની વાટાઘાટો નિષ્ફળ જતાં યુદ્ધના નગારા વાગવા લાગ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ‘નો કોમ્પ્રોમાઈઝ’ પ્લાને ઈરાનના શાંતિ પ્રસ્તાવને "કચરો" ગણાવી ફગાવી દીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધવિરામ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. ટ્રમ્પની આ આક્રમક ધમકી બાદ મધ્ય પૂર્વના અન્ય દેશો પણ આ આગની લપેટમાં આવવાની દહેશત વધી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યાંથી દુનિયાનો 20% ઓઈલ સપ્લાય પસાર થાય છે તે બંધ થવાના ડરે બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરની સપાટી વટાવી ચૂક્યું છે. ભારત જેવા આયાત-નિર્ભર દેશ માટે આ ફુગાવાનો મોટો ફટકો છે. આ ઉપરાંત ચલણ અને બોન્ડ માર્કેટની અસરે ભારતીય રૂપિયો આજે રેકોર્ડબ્રેક નીચી સપાટીએ ટ્રેડ થયો હતો. રૂપિયો 95.55ના અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે આયાત મોંઘી થાય છે અને વિદેશી સંસ્થાગત રોકાણકારો બજારમાંથી નાણાં પાછા ખેંચવા લાગે છે સાથે જ, અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ વધીને 4.423% થઈ ગયા છે. આર્થિક અસ્થિરતાના સમયમાં જ્યારે બોન્ડ યીલ્ડ વધે છે, ત્યારે રોકાણકારો ઈક્વિટી માર્કેટ માંથી પૈસા કાઢીને બોન્ડમાં રોકાણ કરવું વધુ સુરક્ષિત માને છે. સેક્ટર મુજબ વેચવાલીનું દબાણ :બજારમાં આજે સૌથી વધુ માર આઈટી અને બેંકિંગ શેરોને પડ્યો છે. વિદેશી સંસ્થાઓ સતત પાંચમા દિવસે વેચવાલ રહી છે. સોમવારે જ તેમણે રૂ. 8,438 કરોડના શેર વેચી નાખ્યા હતા, જેનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો. બજારમાં સર્વાંગી ઘટાડા છતાં ફાર્મા, એફએમસીજી, પસંદગીયુક્ત પાવર અને યુટિલિટી શેરોમાં મર્યાદિત મજબૂતી જોવા મળી હતી. રોકાણકારોએ પોર્ટફોલિયોને બચાવવા માટે આ રક્ષણાત્મક શેરોમાં આશરો લીધો હતો. આજે નિફ્ટી ફ્યુચરની એક્સપાયરી હોવાથી માર્કેટમાં ભારે વોલેટિલિટી (અસ્થિરતા) જોવા મળી હતી. ટેકનિકલ ચાર્ટ પર બજાર ‘લોઅર ટોપ અને લોઅર બોટમ’ની પેટર્ન બનાવી રહ્યું છે, જે ટૂંકા ગાળાની તીવ્ર નબળાઈ સૂચવે છે. મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તૂટતા મંદીવાળાઓનું પ્રભુત્વ આખા દિવસ દરમિયાન સ્પષ્ટપણે વર્તાતું હતું. કોમોડિટી અને કરન્સીની અસરો : સોનાના ભાવમાં આજે મજબૂતી જોવા મળી છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સોનાને ‘સેફ હેવન’ ગણી રહ્યા છે. બીજી તરફ, ઔદ્યોગિક માંગ નબળી રહેતા ચાંદી પર દબાણ રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત બનતા ભારતીય અર્થતંત્ર પર દબાણ વધ્યું છે. ભાવિ દિશા :બજાર અત્યારે અત્યંત નાજુક તબક્કે છે. આગામી સમયમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિ, ક્રૂડ ઓઈલની દિશા અને ભારત સરકારના આર્થિક પગલાં બજારનું ભાવિ નક્કી કરશે. અત્યારે ‘કેશ ઇઝ કિંગ’નો મંત્ર અપનાવો. બજારની વ્યાપકતા સુધરે ત્યાં સુધી મોટી ખરીદી ટાળવી યોગ્ય રહેશે. ફાર્મા અને એફએમસીજી જેવા સેક્ટર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકા ગાળાના ટ્રેડર્સે વોલેટિલિટીને ધ્યાને રાખી કડક સ્ટોપ લોસ જાળવવો. વ્યાજ દરો અને આર્થિક અનિશ્ચિતતા જોતા વધુ ઉધાર લઈને ટ્રેડિંગ કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આજનું ટ્રેડિંગ સેશન માત્ર મંદીનું સંકેત નથી, પરંતુ એક મોટા આર્થિક પરિવર્તનની ચેતવણી છે. રોકાણકારોએ ગભરાયા વગર, પોતાની રોકડ અનામત વધારીને સાવચેતીપૂર્વક ચાલવું જોઈએ. ઉછાળા પર વેચવાલીનો અભિગમ અત્યારે સૌથી શ્રેષ્ઠ રણનીતિ સાબિત થઈ શકે છે. તા. 13.05.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 12.05.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23470 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23303 પોઈન્ટના પ્રથમ અને 23232 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23505 પોઈન્ટ થી 23575 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23606 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ અદાની પોર્ટસ ( 1698 ) :- પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1680 નો પ્રથમ તેમજ રૂ. 1664 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1717 થી રૂ. 1723 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1730 ઉપર તેજી તરફી ધ્યાન...!! ઓબેરોઈ રિયલ્ટી ( 1632 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1606 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1588 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1647 થી રૂ. 1660 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. એક્સીસ બેંક ( 1263 ) :- રૂ. 1244 નો પ્રથમ તેમજ રૂ. 1230 ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1278 થી રૂ. 1285 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! એસબીઆઈ લાઈફ ( 1838 ) :- લાઈફ ઈન્શ્યોરન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1854 થી રૂ. 1860 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1790 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. એચડીએફસી બેંક ( 756 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઈવેટ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 730 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 767 થી રૂ. 775 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
Read Original Article →