તમારા સુધી કેવી રીતે પહોંચે છે ગેસ અને પેટ્રોલ-ડીઝલ?:ગુજરાતના 3 પોર્ટ પર આવે છે ક્રૂડ ઓઇલ, વિદેશથી આયાતની આખી ચેઇન સમજો
ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર લડાઇ રહેલા ઇરાન V/S ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધના કારણે ગેસ અને ઇંધણ વારંવાર સમાચારોમાં ચમકતા રહે છે. થોડા દિવસો પહેલાં ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલ માટે લાગેલી લાંબી-લાંબી લાઇનના દ્રશ્યો હજુ તમે ભૂલ્યા નહીં હો. આ જ વાત એ સાબિત કરે છે કે સામાન્ય માણસની જિંદગીમાં ગેસ અને પેટ્રોલ-ડીઝલ કેટલી અસર કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિદેશથી આવતા આ ગેસ અને પેટ્રોલ-ડીઝલ તમારા સુધી કેવી રીતે પહોંચે છે? આ સવાલનો જવાબ મળશે આજની સન્ડે બિગ સ્ટોરીમાં. ગેસ અને પેટ્રોલ-ડીઝલ ક્યાંથી નીકળે છે? ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલા તબક્કામાંથી પસાર થાય છે? કયા તબક્કે એની ઉપર ચાર્જિસ લાગે છે? કેવી રીતે છેવટનો ભાવ નક્કી થાય છે? એ જાણવા દિવ્ય ભાસ્કરે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલ સાથે વાત કરી હતી. જેમણે આખી સપ્લાય ચેઇન વિશે માહિતી આપી હતી. અહીં 2 તબક્કામાં આખી વાત સમજો. પહેલાં ગેસની વાત કરીએ. ક્રૂડ ઓઇલ રિફાઇનરીમાં કેવી રીતે પહોંચે છે?
જ્યાં નક્કી થાય છે કે અહીં જમીન નીચે ક્રૂડ ઓઇલ છે ત્યાં સર્વે કરીને ડ્રિલિંગ કરાય છે અને ખનન થાય છે. જેના પછી ક્રૂડ ઓઇલને બહાર કઢાય છે. જે-તે દેશ જમીનમાંથી ક્રૂડ ઓઇલ કાઢીને તેને સ્ટોર કરે છે. ક્રૂડ ઓઇલને પાઇપલાઇનથી રિફાઇનરી કે ઓઇલ ફાર્મ્સમાં મોકલાય છે. જ્યાં તેનું સ્ટોરેજ થાય છે. ઘણી જગ્યાએ દરિયામાં પણ ડ્રિલિંગ કરાય છે. તેમાંથી નીકળતા ક્રૂડ ઓઇલને પાઇપલાઇનથી ટેન્કર્સમાં કલેક્ટ કરાય છે. જ્યાંથી તેને રિફાઇનરી અને ઓઇલ ફાર્મ્સમાં મોકલાય છે. ક્રૂડ ઓઇલમાંથી સૌથી પહેલાં LPG મળે
વિદેશમાંથી નીકળતા ક્રૂડ ઓઇલને ભારતમાં મોટા ટેન્કર્સથી ઇમ્પોર્ટ કરાય છે. ભારતમાં લાવીને ક્રૂડ બાસ્કેટમાં સ્ટોર કરવામાં આવે છે. એ પછી પાઇપલાઇન અને રેલવે વેગન દ્વારા અલગ અલગ રિફાઇનરીમાં પહોંચાડવામાં આવે છે. રિફાઇનરીમાં ફ્રેક્શનલ ડિસ્ટીલરી નામની પ્રોસેસ ચાલે છે. જેમાં ક્રૂડ ઓઇલને ફ્રેક્શનલ ડિસ્ટીલરી ટાવરમાં વિવિધ તાપમાન પર ગરમ કરવામાં આવે છે. તેમાંથી પહેલાં LPG, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ એમ જુદી જુદી પ્રોડકટ નીકળે છે. ટેમ્પરેચર ઓછું થતું જાય એમ છેલ્લે બિટુમીન નીકળે છે. ભારતમાં મોટાભાગે LPG અને CNG ઇમ્પોર્ટ થાય છે. ભારત કયા-કયા દેશો પાસેથી ગેસ ખરીદે છે?
CNG અને LNGનુ મોટાભાગે કતાર, અમેરિકા, યુનાઇટેડ આરબ અમીરાત અને અંગોલાથી ઇમ્પોર્ટ થાય છે. એ સિવાય ઓમાન, નાઈજીરિયા, ઇક્વિટોરિયલ ગિની, કેમેરુન અને મોઝામ્બિકથી પણ ઇમ્પોર્ટ થાય છે. એના પછી ઓસ્ટ્રેલિયા અને રશિયાનો વારો આવે છે. ગુજરાતમાં 3 પોર્ટ પર ક્રૂડ ઓઇલ આવે છે
ગુજરાતા 3 બંદર પર ઓઇલ મેસિવ ટેન્કર્સમાં ક્રૂડ આવે છે. જેને દરિયામાં જ નાની શિપમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યાંથી ઓઇલ ફાર્મ્સમાં અનલોડ કરવામાં આવે છે. ગુજરાતમાં આ જગ્યાએ ઓઇલ રિફાઇન થાય છે
ગુજરાતમાં કુલ 3 રિફાઇનરી છે. જામનગરમાં રિલાયન્સ ઉપરાંત નાયરા એનર્જીની રિફાઇનરી છે. વડોદરામાં ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરી છે. ગુજરાતમાં કાચો માલ (ક્રૂડ ઓઇલ) આવે છે એ પછી અહીં રિફાઇન થાય છે. જુદી-જુદી કંપનીઓ વચ્ચે સમજૂતી
રિલાયન્સ અને નાયરા સિવાય દરેક કંપની પાસે પોતાની ઓછામાં ઓછી 2 રિફાઇનરી આખા દેશમાં છે. રિલાયન્સ અને નાયરા પાસે 1-1 જ રિફાઇનરી છે. ભારતમાં જેટલી કંપનીઓ છે તેમની વચ્ચે એક સમજૂતી હોય છે. જેમ કે મુંબઇ રિફાઇનરી BPCL અને ગુજરાત રિફાઇનરી IOC હસ્તક છે. મુંબઇ રિફાઇનરી IOCને સપ્લાય કરે છે તો ગુજરાત રિફાઇનરી HPCL, BPCL, નાયરા જેવી કંપનીને સપ્લાય કરે છે. રિફાઇનરીમાં ક્રૂડમાંથી ગેસ, પેટ્રોલ, ડીઝલ જેવી પ્રોડક્ટ અલગ પડે છે અને પછી ડિસ્ટ્રિબ્યૂશન ચેનલથી ગ્રાહકો સુધી પહોંચે છે. રિફાઇનરીથી ડિલર સુધી કેવી રીતે પહોંચે છે?
રિફાઇનરી પરથી પાઇપલાઇન દ્વારા કંપનીના સપ્લાય લોકેશન પર પ્રોડક્ટ મોકલાય છે. ઉદાહરણ તરીકે વડોદરામાં આવેલી IOCની રિફાઇનરી પરથી દુમાડમાં આવેલા IOC અને HPCLના સપ્લાય લોકેશન પર પ્રોડક્ટ મોકલાય છે. BPCLનું ઇન્સ્ટોલેશન કોયલીમાં છે. કંપની પોતાના સ્ટોરેજ ટેન્કમાં પ્રોડક્ટને શિફ્ટ કરે છે. જ્યાંથી તે ડિલર ચેનલ સુધી પહોંચે છે. ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી આ રીતે ગ્રાહકના ઘરે પહોંચે છે
LPG કોઇ દિવસ સીધો રિફાઇનરીમાંથી નથી જતો. કેપ્સ્યૂલ દ્વારા સપ્લાય ઇન્સ્ટોલેશન પર જાય છે. જ્યાં તે સ્ટોરેજ થાય છે. અહીં તેનું બોટલિંગ થાય છે. બોટલિંગ થયા પછી ડિસ્ટ્રીબ્યૂટર પાસે જાય છે. ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી ગ્રાહકના ઘર સુધી પહોંચે છે. દરેક ડિસ્ટ્રીબ્યૂટરને અમુક એલોટેડ કસ્ટમર હોય છે. એ ડિસ્ટ્રીબ્યુટર કસ્ટમર સિવાય બીજા કોઇને સિલિન્ડર વેચી ન શકે. ગુજરાતમાં જે કાચો માલ આવે છે એ ફક્ત ગુજરાત પૂરતો નથી હોતો. એ રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ડિસ્ટ્રિબ્યૂટ થાય છે. ભારત રિફાઇન પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ કરે છે. ગેસના ભાવનું ગણિત
ગેસની ગણતરી mmbtuમાં થાય છે. (1 mmbtu એટલે અંદાજે 21 કિલો LNG-LPG થાય). ગેસનો ભાવ સરકાર નક્કી કરે છે. સામાન્ય રીતે વાર્ષિક ભાવ નક્કી થાય છે પણ ક્યારેક ત્રિમાસિક કે છમાસિક ભાવ પણ નક્કી થાય છે. હાલ 1 mmbtuનો ભાવ આશરે 8.91 ડોલર છે. ગેસના ભાવ પર કસ્ટમ અને એક્સાઇઝ ડ્યૂટી લાગે. ટ્રાન્સપોર્ટ ખર્ચ, રિફાઇનિંગ ખર્ચ અને બોટલિંગ ખર્ચ પણ લગાવાય. જેના પછી વેટ, ડિલરનું માર્જિન ઉમેરાય અંતે ફાઇનલ ભાવ આવે છે. ગેસનો સ્ટોરેજ ખર્ચ સૌથી વધુ
પેટ્રોલિયમ પદાર્થોમાં સૌથી વધુ સ્ટોરેજ ખર્ચ ગેસનો હોય છે. ગેસને લિક્વીફાઇડ કર્યા પછી તે ઊડી ન જાય તે માટે અમુક તાપમાન રાખવું પડે છે. સ્ટોરેજ માટે મેક્સિમમ કોઇ ટાઇમ લિમિટ નથી. ગેસની સ્ટોરેજ કેપેસિટી પેટ્રોલ અને ડીઝલ કરતાં ઘણી ઓછી હોય છે. ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરમાં રોટેશન થતું હોય છે. જેથી લાંબો સમય સુધી સ્ટોરેજની જરૂર નથી પડતી. LPG ઘરેલુ વપરાશમાં જ વપરાઇ જાય છે. જેથી તેનું એક્સપોર્ટ નથી થતું. કેરોસીન, લુબ્રિકેટીંગ ઓઇલ, એવિએશન ફ્યૂલ પણ એક્સપોર્ટ થાય છે. PNG ભારતના જ ગેસ ફિલ્ડમાંથી ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. PNGનું ઇમ્પોર્ટ નથી થતું. LNG ગેસ ફાર્મમાં સ્ટોર થાય છે ત્યાંથી ડિસ્ટ્રીબ્યૂટ થાય છે. હવે વાત પેટ્રોલ-ડીઝલની. પેટ્રોલ-ડીઝલ ક્યારેય સીધા પોર્ટ પર નથી આવતા. પોર્ટ પર ફક્ત ક્રૂડ ઓઇલ આવે છે. જેને રિફાઇન કરાય છે. રિફાઇનરીમાં ફ્રેક્શન ડિસ્ટીલેશન (ક્રૂડ ઓઇલમાંથી ગેસ, પેટ્રોલ-ડીઝલ છૂટા પડે) થાય છે. એના પછી તેનું સ્ટોરેજ થાય છે અથવા એક્સપોર્ટ થાય છે. પેટ્રોલ-ડીઝલ આ રીતે વાહન સુધી પહોંચે છે
રિફાઇનરીમાં અમુક માત્રામાં સ્ટોરેજ થાય છે. જેને કુલિંગ પીરિયડ કહેવાય છે. પેટ્રોલ ડીઝલને ઓવરહેડ સ્ટોરેજ ટેન્કમાં રખાય છે. જેમાં ફ્લોટિંગ રૂફ હોય છે. પેટ્રોલ 0.6થી 0.7 % ઊડી જાય છે. ડીઝલ પણ ઊડી જાય છે. જેથી ખર્ચમાં તેની ગણતરી થાય છે. 1-2 દિવસ કુલિંગ થયા બાદ પાઇપલાઇનથી સપ્લાય ઇન્સ્ટોલેશન પર મોકલાય છે. જ્યાંથી ટેન્કર દ્વારા પેટ્રોલ પંપ ડિલર સુધી પહોંચે છે અને પેટ્રોલ પંપથી ગ્રાહકના વાહનમાં પહોંચે છે. પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રિફાઇનિંગનો ખર્ચ, કંપનીનું માર્જિન, એક્સાઇઝ, કસ્ટમ ડ્યૂટી, વેટ અને પછી ડિલર માર્જિન ઉમેરાય છે. જેના પછી રિટેલ સેલિંગ પ્રાઇઝ નક્કી થાય છે. સાદું અને પ્રીમિયમ પેટ્રોલ ડીઝલ
પેટ્રોલ અને ડીઝલ માટે BISના માપદંડ હોય છે. જેના પ્રમાણે દરેક કંપનીએ રિફાઇનિંગ કરવાનું હોય છે. રિફાઇનરીથી જે પેટ્રોલ ડીઝલ આવે તે સાદા હોય છે. જ્યારે સપ્લાય લોકેશન પર પેટ્રોલ ડીઝલમાં એડિટીવ એડ કરાય છે. જેમાં રસ્ટ રિમૂવર્સ અને ઓક્ટએન બુસ્ટર્સ એડ કરાય છે. જેનાથી એન્જિનની ક્ષમતા વધી જાય છે અને મેન્ટેનન્સ ઓછું આવે છે. જેને પ્રીમિયમ પેટ્રોલ કહેવાય છે. ગ્રાહકને જે લેવું હોય તે લઇ શકે છે. પેટ્રોલ-ડીઝલની 3 પબ્લિક લિમિટેડ કંપની
પેટ્રોલ ડીઝલ માટે 2 પ્રકારની કંપની હોય છે. એક પબ્લિક લિમિટેડ કંપની અને બીજી પ્રાઇવેટ કંપની. ભારતમાં પબ્લિક લિમિટેડ કંપની 3 છે. જે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL), ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) છે. આ સિવાય બીજી નાની આસામ ઓઇલ અને મેંગ્લોર રિફાઇનરી જેવી કંપની પણ છે. જેમ ક્રૂડ ઓઇલનો ભાવ વધઘટ થાય તેમ આ કંપનીઓના ભાવ વધઘટ થતાં હતા. પ્રાઇવેટ કંપનીઓમાં સરકારનો હસ્તક્ષેપ નથી હોતો. રિફાઇનિંગ લોસ કવર પ્રાઇવેટ કંપનીઓ ગમે ત્યારે ભાવ વધઘટ કરી શકે છે. એ ભાવ વધારી પણ શકે અને ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. પબ્લિક લિમિટેડ કંપનીઓ પેટ્રોલ ડીઝલ એક્સપોર્ટ નથી કરતી પણ નાયરા અને રિલાયન્સ જેવી પ્રાઇવેટ કંપનીઓ યુરોપિયન અને આફ્રિકન દેશોમાં પેટ્રોલ ડીઝલ એક્સપોર્ટ કરે છે.
Read Original Article →