એકધારો 4-5 ઇંચ વરસાદ અને પછી બ્રેક!:ગુજરાતના ચોમાસામાં વિઘ્ન નાખશે અલનીનો, સાયલા જેવી ડસ્ટ ડેવિલની ઘટનાઓ ક્યા જિલ્લામાં થઇ શકે?
નૈઋત્યનું ચોમાસું કેરળથી આગળ વધીને હવે ગોવા સુધી પહોંચી ગયું છે. આવામાં ગરમી અને ઉકળાટથી ત્રસ્ત ગુજરાતીઓ વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. હવામાન વિભાગે આ વખતે અલનીનોના કારણે વરસાદની 8% ઘટ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ચિંતાજનક વાત તો એ છે કે અલનીનો મજબૂત થતાં મધ્ય ચોમાસા પર તેની ગંભીર અસર થઇ શકે છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે ગુજરાતના ચોમાસા પર અલનીનોની કેવી અસર થશે? સાથે જ એ પણ જાણો કે 3 જૂને સાયલામાં ડસ્ટ ડેવિલની જે ઘટના જોવા મળી હતી તેવી ઘટનાની દૃષ્ટિએ ગુજરાતના કયા વિસ્તારો સંવેદનશીલ છે અને આ ઘટના પાછળનું કારણ શું છે? ભારતીય હવામાન વિભાગે આ વખતે આખા ભારતમાં 92% વરસાદનું અનુમાન કર્યું છે. જેથી 8%ની ઘટ રહી શકે છે. આ ઘટમાંથી ગુજરાત પણ બાકાત નહીં રહે. મધ્ય ગુજરાત સહિત ઉત્તર ભારત અને ઉત્તર-પશ્વિમ ભારત પર તેની અસર જોવા મળી શકે છે. આ વર્ષે કેરલમમાં 4 જૂનના રોજ ચોમાસાનું આગમન થયું છે. ચોમાસાની ગતિ સામાન્ય ચાલી રહી છે પણ કેટલાક સંજોગોમાં એવું બનતું હોય છે અને બન્યું પણ છે કે ચોમાસું મુંબઇ કાંઠે આવીને અટકી જતું હોય છે. કોઇ વિધ્ન ન આવે તો ગુજરાતમાં ચોમાસાની સમયસર એન્ટ્રી
આણંદ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિયેટ ડૉ. મેહુલ વાસાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અત્યારની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ચોમાસું એક્ઝેટ ક્યારે પ્રવેશ કરશે તે કહેવું મુશ્કેલ છે. જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે તેમાં જો કોઇ ખલેલ નહીં આવે તો તે ગુજરાતમાં સમયસર પ્રવેશ કરશે. આ વખતે અલનીનોનો ડર
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રહી શકે છે. ડૉ.વાસાણી કહે છે કે, જૂન મહિનાનો વરસાદ ભલે સામાન્ય કરતાં થોડો ઓછો જોવા મળે પણ તેનું વિતરણ સારું થશે તો ખેડૂતોને ખેતીમાં પણ વાંધો નહીં આવે. વૈશ્વિક સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ વર્ષ અલનીનો રહી શકે છે. જેથી તેનો પણ ડર છે. મધ્ય ચોમાસું ચિંતા કરાવશે
ચોમાસાની શરૂઆત ભલે સામાન્ય રહી શકે પણ મધ્ય ચોમાસા અંગે તેમણે ચિંતાજનક વાત કહી છે. તેઓ કહે છે કે, જુલાઇ અને ઓગસ્ટ સુધીમાં અલનીનો મજબૂત બનવા સુધી આવી જશે. જેની સીધી અસર મધ્ય ચોમાસાના વરસાદમાં જોવા મળી શકે છે. આપણે છેલ્લા ઘણાં સમયથી જોઇ રહ્યાં છીએ કે ઓક્ટોબર, નવેમ્બર સુધી ચોમાસાનો અંતિમ તબક્કો જોવા મળતો હોય છે. આ વખતે પણ ચોમાસું લંબાવાનો ક્રમ ચાલુ જ રહેશે પણ વરસાદના વિતરણમાં અલનીનોની અસર રહી શકે છે.
પાછલા વર્ષોમાં આવેલા અલનીનોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું, સૌથી મજબૂત અલનીનો 2015ના ચોમાસામાં જોવા મળ્યો હતો. આ સમયે ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2019માં પણ અલનીનો આવ્યો હતો પણ તેની અસર એટલી તીવ્ર જોવા નહોતી મળી. એકધારો વરસાદ પડે અને પછી ખેંચાઇ જાય
સામાન્ય રીતે જ્યારે અલનીનોની અસર હોય છે ત્યારે કદાચ વરસાદ સારો થઇ શકે છે પણ આ દરમિયાન એવું થાય કે એક ધારો 4 થી 5 ઇંચ વરસાદ પડી જાય એ પછી થોડા દિવસો માટે વરસાદ ખેંચાઈ જાય ફરી પાછું એવું બને છે કે જ્યારે વરસાદ આવે ત્યારે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે. ગુજરાતના કયા ઝોનમાં અલનીનો અસર થઇ શકે છે તે અંગે પૂછતાં તેમણે કહ્યું, અત્યારથી ઝોન પ્રમાણે કહેવું થોડું મુશ્કેલ છે છતાં જોઇએ તો પહેલાંના સમયમાં દુષ્કાળગ્રસ્ત જે જિલ્લાઓ હતા તેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત, કચ્છના અમુક ભાગ અને મધ્ય ગુજરાતના ભાગમાં જોવા મળતા હતા. દરિયાકાંઠા પર વધુ ભેજ હોવાના કારણે ત્યાં વરસાદ પડતો હોય છે. અલનીનોના વર્ષમાં સામાન્ય કરતાં ઓછા વરસાદનું પ્રમાણ જોવા મળતું હોય છે.
વરસાદની 10%થી વધુ ઘટ પડશે તો નુકસાન
આ વખતે 8% વરસાદની ઘટ પડવાની શક્યતા છે. જેની અસર ખેતી પર જોવા મળશે. તેમણે કહ્યું, જો ઘટ હોય અને વરસાદ સારી માત્રામાં આવે તો ખેતીમાં એટલી બધી અસર રહેતી નથી. 10%થી વધારે ઘટ પડે ત્યારે તેનું સીધું નુકસાન તેની પછીની સિઝનને થાય છે કેમ કે એક બાજુ વરસાદ ઓછો આવે છે અને તેના કારણે નદી નાળાં પણ એટલા ભરાતાં નથી. એપ્રિલ સુધી અલનીનો ન્યૂટ્રલ કન્ડિશનમાં હતો પણ જૂન સુધીમાં તાપમાનમાં વધારો થતો ગયો. આ અંગે તેમણે જણાવ્યું, અરબી સમુદ્રની સપાટીના તાપમાનની વાત કરીએ તો માર્ચ મહિના દરમિયાન ઉત્તર અરબી સમુદ્રનું તાપમાન 26.5 ડિગ્રીથી 27 કે 28 ડિગ્રી સુધીનું હતું. જે ધીમે ધીમે એપ્રિલ અને મેમાં 29 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. સામાન્ય રીતે ઉત્તર અરબ સાગર કરતાં દક્ષિણનું તાપમાન 2 થી 3 ડિગ્રી વધારે જોવા મળતું હોય છે. ધીમે ધીમે આપણે જોઇ રહ્યાં છીએ તે પ્રમાણે એપ્રિલ સુધી અલનીનો ન્યૂટ્રલ કન્ડિશનમાં હતો એટલે સમુદ્રનું તાપમાન પણ સામાન્ય હતું પણ જૂન સુધીમાં તાપમાનમાં વધારો થતો ગયો. ચોમાસામાં ચક્રવાતની ઓછી શક્યતા
પાછલા કેટલાક વર્ષોથી વાવાઝોડા આવવાની સંખ્યા વધી રહી છે. વાવાઝોડું બનવા માટે સમુદ્રનું તાપમાન વધુ રહે તે જરૂરી નથી. તેની પાછળ અન્ય પરિબળો પણ જવાબદાર હોય છે. આવા ચક્રવાતો એપ્રિલ થી મે મહિનામાં પોસ્ટ મોન્સૂન સિઝનમાં બનતાં હોય છે એટલે ચોમાસામાં ચક્રવાત જોવા મળે તેવી શક્યતાં ઓછી છે. સમુદ્રનું તાપમાન વધે ત્યારે કેવી અસર થાય છે તે અંગે ડૉ. વાસાણીએ કહે છે કે, જ્યારે આ તાપમાનમાં વધારો આવે છે ત્યારે લોકલ સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમ વધુ બને છે. જેના કારણે દરિયાની સક્રિયતા થોડીક જળવાઇ રહેતી હોય છે. ચોમાસા માટે તે જરૂરી હોય છે. જો સમુદ્રનું તાપમાન નીચું હોય તો લો પ્રેશર બનવામાં મહદ અંશે ઘટાડો જોવા મળે છે. આ તો હતી ચોમાસાની વાત પણ 3 જૂને સાયલા પંથકમાં ડસ્ટ ડેવિલની જે ઘટના બની હતી તે પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો ભાગ હતી. ગુજરાતમાં આવી ઘટના બહુ ઓછી જોવા મળે છે. ડસ્ટ ડેવિલની ઘટના રણ જેવા વિસ્તારમાં વધુ જોવા મળે
હવે આવી કોઇ ઘટના બનવાની સંભાવના છે? તે અંગે ડૉ. વાસાણીનું માનવું છે કે, આવી ઘટનાઓ મોટા ભાગે ચોમાસાનો વરસાદ આવે તે પહેલાં થતી પ્રિ મોન્સૂન એક્ટિવિટી દરમિયાન જોવા મળે છે. આવી ઘટનાઓ રણ જેવા વિસ્તારમાં વધુ જોવા મળતી હોય છે. આવનારા દિવસોમાં આવું બનવાની શક્યતા નહીંવત છે. તેમણે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું કે, હમણાં જે વરસાદ આવ્યો તેને ચોમાસાનો વરસાદ સમજીને વાવણી શરૂ ન કરી દેતાં. જો પૂરતાં પ્રમાણમાં પિયતની સુવિધા હોય તો વાવણી કરી શકો છો. બાકી ચોમાસાનું આગમન થાય અને સારો વરસાદ પડે પછી જ વાવણી કરવી જોઇએ. સમુદ્રનું તાપમાન વધે ત્યારે જે લો પ્રેશર બને છે તેનાથી ઊંચા મોજા ઉછળે છે. આવા સંજોગોમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અસર થાય છે. વાવાઝોડાની સંખ્યા વધતા માછીમારોને વ્યવસાયથી લઇને તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં કેવી મુશ્કેલીઓ પડી રહી છે તે જાણવા માટે અમે છેલ્લા 26 વર્ષથી જખૌ માછીમાર અને બોટ એસોસિયેશનના પ્રમુખ રહેલા અબ્દુલશા પીરજાદા સાથે પણ વાતચીત કરી હતી. દરિયાના કરંટના આધારે ખબર પડી જાય કે કેવો વરસાદ આવશે
અબ્દુલશા પીરજાદાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, આ વખતે વરસાદ આવશે કે નહીં આવે એ તો કુદરતના હાથમાં છે. મારું કહેવાનું તો એટલું થાય છે કે વર્ષોથી માછીમારી કરતાં લોકોને દરિયામાં આવતાં કરંટના આધારે વરસાદ ક્યારે આવશે, કેવો પડશે તેની ખબર પડી જાય છે. બાકી તો વરસાદ આવે કે ન આવે એ કુદરતનો ખેલ છે. બોટને નુકસાન થતાં માછીમારોએ લારી ચાલુ કરી દીધી
તેમણે એ પણ કહ્યું કે,વાવાઝોડા અને કુદરતી આફતો દરમિયાન માણસોને જેટલી ખબર નથી પડતી તેના કરતાં વધારે ખબર માછલીઓને પડી જાય છે. જ્યારે જ્યારે ક્લાયમેટ ખરાબ થાય છે કે પછી વધારે ઠંડી પડે એટલે માછલીઓ ઊંડાં દરિયામાં જતી રહે છે. ઇંડા આપવા સમયે દરિયા કિનારાની નજીક આવે છે. બીજી બાજું વાવાઝોડાના કારણે બોટ માલિકો એટલે કે ટંડેલની બોટોને ભારે નુકસાન થાય છે. હાલમાં કેટલાક એવા માછીમારો છે જેમને વાવાઝોડામાં ભારે નુકસાન થયું હતું. જેના કારણે તેમણે પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે લારી શરૂ કરી દીધી છે તો કેટલાક કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં અને કારખાનામાં નોકરી કરી રહ્યાં છે. પહેલાં એવું હતું કે માછીમાર દરિયામાં સવારથી સાંજ સુધી રહે અને પાછો આવે તો 300 થી 400 કિલો માછલી લઇને આવતો હતો પણ આજના સમયે માત્ર તે 5 થી 10 કિલો જ માછલીઓ લાવી શકે છે. ચોમાસા અને વાવાઝોડાની સ્થિતિમાં માછીમારોને મહિના સુધી બેસી રહેવું પડે છે. નાની બોટોમાં 6 થી લઇને 10 જેટલા ખલાસીઓ હોય છે. તેમને વાવાઝોડા અને વરસાદના સમયે ઓનલાઇન ટોકન નથી મળતું. જેથી આર્થિક નુકસાન થાય છે. કુદરતના બદલાતા મિજાજ વચ્ચે હવે જોવાનું એ રહેશે કે આ ચોમાસું ગુજરાતના ખેડૂતો અને સાગરખેડુઓ માટે કેટલું આકરૂં સાબિત થાય છે. આ પણ વાંચો સાયલા હાઇવે પર ભયાનક 'ડસ્ટ ડેવિલે' મચાવી તબાહી
તોતિંગ ટ્રકને રમકડાંની જેમ પલટી નાખી, નજરે જોનારા બોલ્યા-આવું દ્રશ્ય ક્યારેય નથી જોયું, માટીનો મેક અપ કર્યો હોય તેવું લાગ્યું 3 જૂન, બુધવારને સાંજે અંદાજે 7 વાગ્યાનો સમય થયો હશે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાહનો પૂરપાટ ઝડપે દોડી રહ્યાં હતા. આ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં એક અચરજભરી ઘટના જોવા મળી. અહીં તીવ્ર ગતિએ વંટોળ ફૂંકાયો. તેના રસ્તામાં જે કંઇ આવ્યું તેને જડમૂળથી ઉખેડી ફેંક્યું. આ ઘટના બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે સાયલા પંથકમાં પહોંચી હતી. ઘટનાને નજરે જોનારા લોકોએ શું અનુભવ્યું, એ સમયે કેવી સ્થિતિ હતી, કેટલું નુકસાન થયું જેવી માહિતી મેળવી હતી. સામાન્ય રીતે વિદેશમાં આવા દૃશ્ય જોવા મળતા હોય છે. તેને ટોર્નેડો કહે છે. સાયલા પંથકમાં પણ જે જોવા મળ્યું તેને કોઇ ટોર્નેડો કહેતું હતું તો કોઇ વંટોળ કહેતું હતું. હવામાન નિષ્ણાત આને ડસ્ટ ડેવિલ કહે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →