એક યુવકના 500 મહિલાઓ સાથે સંબંધ!:એકસ્ટ્રા મેરિટલ અફેર્સના 5 ચોંકાવનારા કિસ્સા, સેક્સોલોજિસ્ટે જણાવ્યું સોશિયલ મીડિયાથી કેવી રીતે શરૂ થાય છે ચક્કર?

Gujarat5/24/2026, 12:30:00 AM
એક યુવકના 500 મહિલાઓ સાથે સંબંધ!:એકસ્ટ્રા મેરિટલ અફેર્સના 5 ચોંકાવનારા કિસ્સા, સેક્સોલોજિસ્ટે જણાવ્યું સોશિયલ મીડિયાથી કેવી રીતે શરૂ થાય છે ચક્કર?
હજુ 3-4 દિવસ પહેલાં જ રાજકોટની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં 15 વર્ષની સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને તેને પ્રેમજાળમાં ફસાવી ગેંગરેપનો આરોપ લાગ્યો હતો. આ કંઇ પહેલી ઘટના નથી. અગાઉ પણ છાશવારે આવી ઘટનાઓ બનતી રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ છે સોશિયલ મીડિયા. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કારણે આવી ઘટનામાં વધારો થયો છે. સાથે જ એકસ્ટ્રા મેરિટલ અફેર્સના કિસ્સા પણ વધ્યા છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો સોશિયલ મીડિયાના કારણે વધતાં એકસ્ટ્રા મેરિટલ અફેર્સ વિશે. સેક્સોલોજિસ્ટ ડૉ.પારસ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કેવી રીતે શરૂ થાય છે, તેની પાછળના કારણો શું છે અને તેની કેવી અસર થાય છે તે અંગે માહિતી આપી હતી. તેમણે એકથી વધુ પાર્ટર્નસ સાથે સંબંધોના કિસ્સા પણ જણાવ્યા હતા. પહેલાના સમયમાં લોકો સંયુક્ત પરિવારોમાં રહેતા હતા. જેના કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેરની શક્યતા બહુ ઓછી હતી પરંતુ આજે સોશિયલ મીડિયાએ કોઇ મર્યાદા રહેવા દીધી નથી. પ્રાઇવસી વધતા લોકો આવા સંબંધોમાં સાવ બિન્દાસ્ત થઇ ગયા છે. આમાં ઉંમરનો પણ કોઇ બાધ રહ્યો નથી. 18 વર્ષના છોકરાથી લઇને 70 વર્ષના કાકા પણ આવા સંબંધો બાંધે છે. જેને પણ અનુકૂળ તક મળી એ સંબંધ બાંધે છે. યંગ છોકરાઓ પોતાની ઉંમર કરતાં મોટી સ્ત્રીઓ પસંદ કરે છે 30થી 35 વર્ષની ઉંમરના યુવાનો પોતાનાથી 5-10 વર્ષ મોટી સ્ત્રીઓ સાથે સંબંધ રાખવાનું વધુ પસંદ કરે છે. ડૉ. પારસ શાહે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારી પાસે જે દર્દીઓ આવે છે એમના અનુભવો પરથી કહું તો, અનમેરિડ અથવા લગ્ન થયાને માંડ પાંચેક વર્ષ થયા હોય એવા યંગ છોકરાઓ મતલબ કે 30થી 35 વર્ષની નીચેની ઉંમરના છોકરાઓ હોય એ તેમનાથી ઉંમરમાં 5થી 10 વર્ષ મોટી સ્ત્રીઓ સાથે સંબંધ રાખવાનું વધુ પસંદ કરે છે. ‘સ્ત્રીને ઘણા પુરુષો સાથે અફેર હોય છે અને પુરુષ હંમેશા તકની રાહમાં જ હોય છે’ આજના સમયમાં એકસ્ટ્રા મેરિટલ અફેર્સની સંખ્યા વધતી જઇ રહી છે. ડૉ. શાહે આ અંગે જણાવ્યું કે, એક સ્ત્રીને ઘણા પુરુષો સાથે અફેર હોય છે અને પુરુષ હંમેશા તકની રાહમાં જ હોય છે. 100માંથી 70% પુરુષ એવા હોય છે જેમને લગ્ન પહેલા કે પછી અન્ય સ્ત્રી સાથે સંબંધ બંધાયેલો હોય છે. હવે જો પુરુષ બહાર સંબંધ બાંધે, તો તે કોઇ સ્ત્રી સાથે જ સંબંધ બાંધશે. એટલે કે એટલા જ પ્રમાણમાં સ્ત્રીઓ પણ આમાં ઇન્વોલ્વ હોય જ. પુરુષોનું પ્રમાણ જો 70% હોય તો સ્ત્રીઓનું પ્રમાણ પણ આમાં આશરે 30% હોવાની પૂરેપૂરી શક્યતા છે. તેમણે આગળ કહ્યું કે, હું માનું છું કે આજે 70% એક્સ્ટ્રા મેરિટલ અફેર આ સોશિયલ મીડિયાને કારણે જ થતાં હશે. સોશિયલ મીડિયાના કારણે કેટલા એક્સ્ટ્રા મેરિટલ અફેર થાય છે એનું પ્રમાણ કોઇ ચોક્કસ આંકડામાં માપી શકે એમ નથી.આનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ડૉ. પારસ શાહ સોશિયલ મીડિયાથી શરૂ થતાં સંબંધોની આખી ઇન્ટરેસ્ટિંગ પેટર્ન સમજાવે છે. સ્ત્રીઓ મોનોગામીથી પોલીગામી તરફ આવા સંબંધોમાં લોકો હવે કોઇ એક સંબંધથી અટકી નથી જતાં પરંતુ એક કરતાં વધુ સંબંધો બાંધે છે. તેઓ કહે છે કે, ખાલી એક જ સ્ત્રી અને એક જ પુરુષના સંબંધ હોય એવું હવે રહ્યું નથી. આજના સમયમાં એક પુરુષને ઘણી બધી સ્ત્રી સાથે અને એક સ્ત્રીને ઘણા બધા પુરુષ સાથે સંબંધ હોવાનું મોટેભાગે જોવા મળે છે. 'પહેલાના સમયમાં એમ કહેવાતું હતું કે પુરુષ પોલીગામી અને સ્ત્રી મોનોગામી છે. મતલબ કે પુરુષ મલ્ટિપલ સ્ત્રીઓ સાથે જ્યારે સ્ત્રી માત્ર એક જ પુરુષ સાથે સંબંધ રાખે છે પણ આજની તારીખે આ વસ્તુ રહી નથી. સ્ત્રીઓ પણ મોટા પાયે પોલીગામી થઇ છે એટલે કે તેઓ પણ એક કરતાં વધુ પુરુષો સાથે સંબંધ રાખતી થઇ છે.' પુરુષોને કારણે જ મહિલાઓ આવા સંબંધો તરફ ધકેલાય છે ડૉ. શાહના મતે, મહિલાઓ આવા સંબંધમાં આવવાના ઘણા બધા કારણો હોય છે. તેઓ કહે છે કે, મને વ્યક્તિગત રીતે લાગે છે કે ઘણીવાર પતિ પોતે જ પત્નીના આવા એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે જવાબદાર હોય છે. કારણ કે પતિ પોતાની પત્નીને પૂરતા પૈસા આપશે, મનગમતી વસ્તુઓ ખરીદીને આપશે, બધી જ વસ્તુની છૂટ આપશે, નવી ગાડી લાવીને આપશે પણ એની પત્ની જ્યારે બ્યુટી પાર્લરમાં જઇને આવે છે, નવી હેરસ્ટાઇલ કરીને આવે છે કે ફેસિયલ કરાવે છે ત્યારે સાંજે એનો પતિ એ નોટિસ જ નથી કરી શકતો કે આજે મારી પત્નીમાં કઇંક અલગ કે નવું લાગી રહ્યું છે. 'બીજો પુરુષ સ્ત્રીઓને પૂરતો સમય આપે છે' આ વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે, આવા સમયે પત્નીને મનમાં એમ થાય કે હું આટલી તૈયાર કોના માટે થઇ છું? આ નવો ડ્રેસ મેં કોના માટે પહેર્યો છે? મારા પતિને તો કોઇ ફરક જ નથી પડતો. એણે મારા તરફ જોયું પણ નથી. જ્યારે પતિ પત્નીને પૂરતો સમય નથી આપતો, એના કારણે ઘણીવાર સ્ત્રીઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે. કારણ કે બહારનો બીજો પુરુષ એને પૂરતો સમય આપે છે. દિવસમાં ચાર વાર ફોન કરીને પૂછે છે કે તું આજે કેમ છે? મજામાં છે ને? જમી કે ન જમી? વળી તે તેના દેખાવના વખાણ કરે છે. આવું બધું બહારથી મળવા લાગે એટલે સ્ત્રી ધીમે ધીમે એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં લપસી જતી હોય છે. બ્લેકમેલિંગ કે કાયદાકીય આક્ષેપોનો ડર નહીં પરીણિત સ્ત્રી સાથેના સંબંધમાં પુરૂષને બ્લેકમેલિંગનો કોઇ ડર નથી રહેતો. તેઓ કહે છે કે, આ પાછળ ઘણા બધા મનોવૈજ્ઞાનિક અને વ્યાવહારિક કારણો જવાબદાર હોય છે. જેમ કે અનમેરિડ છોકરી સાથે સંબંધ રાખવામાં પાછળથી લગ્ન માટે તકલીફ થઇ શકે છે. ઘણીવાર આપણે જોઇએ છીએ કે રિલેશનને 2 વર્ષ બાદ છોકરી આરોપ મૂકે છે કે આ છોકરાએ મને લગ્નનું પ્રોમિસ આપીને મારુ જાતીય શોષણ કર્યું. ભલે તે સંબંધ બંનેની પરસ્પર મરજીથી જ થયો હોય પણ પાછળથી એવો આરોપ મૂકવામાં આવતો હોય છે. 'જ્યારે બીજી તરફ લગ્ન કરેલી સ્ત્રીએ પોતાનું ઘર પણ સાચવવાનું હોય છે. તેને સામાજિક જવાબદારીઓ હોય છે અને સમાજમાં એનું એક ચોક્કસ સ્થાન છે. તેના મનમાં હંમેશાં એક ડર હોય છે કે જો કોઇ આ સંબંધો વિષે જાણી જશે તો મારુ ફેમિલી બરબાદ થઇ જશે અને મારા છોકરાઓ રખડી પડશે. આ ડરના કારણે પરીણિત સ્ત્રીઓ આવા કોઇ બ્લેકમેલિંગ નથી કરતી.' પરફોર્મન્સ એન્ઝાયટીથી મુક્તિ પરિણીત સ્ત્રી જાતીય બાબતોમાં અનુભવ ધરાવતી હોય છે. જેથી તે સામેવાળા પુરુષને કોઇ પર્ફોર્મન્સ એન્ઝાયટી નથી આપતી. જો કોઇ વાર પુરુષ સરખું પર્ફોર્મ ન કરી શકે તો તે પ્રેમથી કહે છે કે વાંધો નહીં, આજે નથી થયું તો કાલે થઇ જશે. તું ચિંતા ન કર. જ્યારે કુંવારી છોકરીને આ બાબતનો કોઇ અનુભવ નથી હોતો. જેના કારણે તેની અપેક્ષાઓ ઘણી વધી જાય છે. આવા માનસિક તણાવથી બચવા માટે પણ પુરુષો મેરિડ સ્ત્રીઓને વધારે પસંદ કરે છે. એકબીજાની જરૂરિયાત પૂરી કરે છે થોડા સમયથી શરૂ થયેલા નવા ટ્રેન્ડની વાત કરતા તેઓ કહે છે કે, મોટી ઉંમરની આર્થિક રીતે સક્ષમ સ્ત્રીઓને પોતાની સાથે રાખવા માટે યંગ છોકરાઓ જોઇતા હોય છે. ઘણા યંગ છોકરાઓને મોંઘા ફોન જોઇએ, નવા કપડાં જોઇએ કે પૈસાની શૉર્ટેજ હોય છે. આ બધી જ આર્થિક ડિમાન્ડ મોટી ઉંમરની સ્ત્રીઓ પૂરી કરતી હોય છે. એના કારણે યંગ છોકરાઓ તેમની સાથે રિલેશનમાં રહેતા હોય છે. 'એ જ રીતે યંગ છોકરીઓની પોતાની મોંઘી જરૂરિયાતો હોય કાં તો નોકરી ન હોય અથવા નોકરી હોય પણ પૈસા પૂરા ન થતાં હોય ત્યારે તેઓ મોટી ઉંમરના એવા પુરુષોને શોધે છે જેની પાસે પુષ્કળ પૈસા છે પણ ઘરમાં કોઇ પાત્ર નથી. આમ બંને એકબીજાની જરૂરિયાત પૂર્ણ કરે છે.' તેમણે 5 ચોંકાવનારા કિસ્સા પણ કહ્યાં કિસ્સો-1 39 વર્ષનો યુવાન અને 500થી વધુ મહિલાઓ સાથે સંબંધ ડૉ. પારસ શાહ જણાવે છે કે મારી પાસે એક એવો કિસ્સો છે જેમાં લગભગ 39 વર્ષના એક યુવાને અત્યાર સુધીમાં 500થી વધુ મહિલાઓ સાથે સંબંધ રાખ્યા છે. હું તેને છેલ્લા 10 વર્ષથી ઓળખું છું કારણ કે તે અવારનવાર સારવાર લેવા માટે મારી પાસે આવે છે. મેં તેને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ તે કહે છે કે મારાથી આ આદત છૂટતી જ નથી. મને એટલું બધું આકર્ષણ થઇ જાય છે અને ભગવાને મને એવો બનાવ્યો છે કે સ્ત્રીઓને પણ મારી સામે આકર્ષણ થઇ જાય છે અને સંબંધ થઇ જાય છે. આ 500માંથી મોટાભાગની સ્ત્રીઓ પરીણિત છે. કિસ્સો-2 70 વર્ષના વૃદ્ધ અને યુવતી વચ્ચે શારીરિક સંબંધ બીજા કિસ્સાની વાત કરતાં તેમણે કહ્યું કે, હમણાં જ મારી પાસે 70 વર્ષના એક વૃદ્ધ આવ્યા હતા. તેમના પત્ની 10 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. તેમનો કામધંધો ઘણો સારો છે અને તેમની પાસે પૈસા બહુ છે પણ તેમની પાસે કોઇ પાત્ર નથી. તેમને ફક્ત સેક્સ્યુઅલ સંતોષ જ નહીં પણ કોઇ પ્રેમથી વાત કરે અને કંપની આપે તેવું પાત્ર જોઇતું હતું. તેમને એક યંગ ફિમેલનો સાથ મળી ગયો. કાકા એ છોકરીની આર્થિક જરૂરિયાત પૂર્ણ કરે છે અને તે છોકરી કાકાની સેક્સ્યુઅલ નીડ પૂરી કરે છે અને કંપની પણ આપે છે. આવા કિસ્સાઓ પણ સમાજમાં જોવા મળે છે. કિસ્સો-3 ક્લાસ-1 ઓફિસરની બહેનને મલ્ટિપલ એક્સ્ટ્રા મેરિટલ રિલેશન ડૉ. શાહે જે ત્રીજો કિસ્સો કહ્યો તે ઘણો નવાઇ પમાડે તેવો છે. બહેનના એકસ્ટ્રા મેરિટલ અફેરના કારણે તેનો ક્લાસ-1 અધિકારી ભાઇ રડી પડ્યો હતો. આ અંગે વાત કરતાં ડૉ. પારસ શાહે કહ્યું કે, હમણાં એક સરકારી અધિકારી તેમની બહેનને લઇને આવ્યા. એ બહેન પરીણિત હોવા છતાં મલ્ટિપલ લોકો સાથે એક્સ્ટ્રા મેરિટલ રિલેશન રાખે છે. આખરે એના પતિને ખબર પડી ગઇ. જેથી તેમના લગ્નજીવનમાં ભંગાણ થવાની પૂરી તૈયારી છે. તેઓ મારી પાસે તેમને લઇને આવ્યા કે આમને ગમે તેમ કરીને સમજાવો. 'એ બહેનનો છોકરો 19 વર્ષનો છે. મેં તેમને સમજાવતા કહ્યું કે તમે આ ઉંમરે આવા સંબંધો બાંધો છો, એની તમારા છોકરા પર શું અસર થશે? તમારું આખું ફેમિલી તૂટી જશે. તે બહેનનો સગો ભાઇ ગુજરાત સરકારમાં મોટો ક્લાસ-1 અધિકારી છે. તે ભાઇ રડતાં-રડતાં કહેતો હતો કે સાહેબ, તમે મારું તો વિચારો કે હું ક્યાં જઇશ? લોકો મારી પાસે સલાહ લેવા આવતા હોય છે. હું લોકોને નિયમો બતાવતો હોઉં છું અને જો મારા જ ઘરમાં આવું થતું હોય તો હું સમાજને શું મોઢું બતાવીશ?' કિસ્સો-4 અનેક યુવતીઓ સાથે પ્રોટેક્શન વિના સંબંધ બાંધતા ગુપ્તાંગ પર મસા ચોથો કિસ્સો મલ્ટિપલ પાર્ટનરના કારણે થયેલી બીમારીનો છે. આની વાત કરતાં ડૉ. શાહે કહ્યું કે, એક યંગ છોકરાને મલ્ટિપલ પાર્ટનર હતા. યંગ છોકરીઓથી માંડીને ઉંમરલાયક સ્ત્રીઓ સાથે એના શારીરિક સંબંધો હતા. તેના કારણે તેને ગુપ્તાંગ પર જેનિટલ વોટ્સ એટલે કે મસા થઇ ગયા હતા. મેં તેને પૂછ્યું તો તેણે સ્વીકાર્યું કે, મેં અઠવાડિયા પહેલાં મારા એક જૂના પાર્ટનર સાથે સંબંધ રાખેલો પણ કોઇ પ્રોટેક્શન વાપર્યું નહોતું, એના કારણે એને આ મસા થયા હતા. એક જ અઠવાડિયામાં આ મસા ઘણા વધી ગયા હતા. કિસ્સો-5 અલગ-અલગ સ્ત્રીઓ સાથે રિલેશન હોવાથી યુવકને સિફિલિસ થયો અન્ય એક કિસ્સો પણ થોડા સમય પહેલાંનો જ છે. તેમણે કહ્યું કે, એક દર્દીને સિફિલિસ (ગંભીર જાતીય રોગ) થઇ ગયો હતો. આ રોગ તો પહેલા ટ્રીટ કરવો ઘણો મુશ્કેલ હતો. જોકે હવે આધુનિક દવાઓના કારણે તેની ટ્રીટમેન્ટ થઇ શકે છે પણ એ પેશન્ટની હિસ્ટ્રી જાણીને મારે તેને ગંભીરતાથી કહેવું પડ્યું કે તને તો આ રોગ થયો જ છે પણ તારી વાઇફ અને તે જે જે સ્ત્રી સાથે સંબંધ રાખ્યા છે એ બધાનું પણ ટેસ્ટિંગ કરાવજે. એ બધા પણ પોઝિટિવ હોવાની પૂરેપૂરી શક્યતા છે. મલ્ટિપલ પાર્ટનર્સ રાખવાથી આવતી શારીરિક અને ગુપ્ત સમસ્યાઓ ઘણીવાર આવા લોકોને મલ્ટિપલ પાર્ટનર હોય છે એટલે કે એકસાથે એક જ સમયગાળામાં તેઓ એક નહીં પણ બે પુરુષ કે બે સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા હોય છે. આના કારણે એમને પરફોર્મન્સ એન્ઝાયટી આવે છે કે હું સામેવાળાને પૂરતો સંતોષ આપી શકીશ કે નહીં? આ અંગે ડૉ. શાહ કહે છે કે, આ ડરના કારણે આવા લોકો ડૉક્ટર પાસે આવીને એવી માગણી કરે છે કે સાહેબ, મારો સમયગાળો વધી જાય એવી કોઈ દવા, ગોળી કે ઇન્જેકશન આપો, અથવા કલાક સુધી ચાલે એવી કોઈ દવા આપો. આવી સમસ્યાઓ લઈને લોકો આવતા હોય છે. ઘણીવાર દર્દી ગંભીર ઇન્ફેકશન લઇને આવે છે. એવા પણ કિસ્સા આવે છે કે જેમને લગ્નેત્તર સંબંધોના કારણે પ્રેગ્નન્સી રહી ગઇ હોય અને પછી તેઓ પૂછે છે કે હવે અમારે શું કરવું? જ્યારે ડૉક્ટર તેમની ડિટેલ હિસ્ટ્રી લે છે કે વાસ્તવમાં શું હતું ત્યારે ખબર પડે છે કે આ મહિલાને પતિ સિવાય અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતો અને તેના કારણે આ મુશ્કેલી ઊભી થઇ છે. 'સ્ત્રી નવી હોય એટલે એને એક્સાઇટમેન્ટ બહુ થતું હોય' અન્ય કેટલાક અનુભવોની વાત કરતાં ડૉ. શાહે કહ્યું કે, ઘણીવાર પુરુષો આવીને કહે છે કે, સાહેબ, મને ઘરે પત્ની સાથે કોઇ જ તકલીફ નથી પડતી. જે કંઇ પણ પ્રોબ્લેમ થાય છે તે બહાર જ થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે વ્યક્તિ બહાર અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે છે ત્યારે એના મનમાં એક સતત ડર હોય છે કે કોઇ અચાનક આવી જશે તો? કે કોઇ અમને જોઇ જશે તો? આ પકડાઇ જવાના ડર અને ટેન્શનના કારણે જ્યારે બીજી સ્ત્રી સાથે સંબંધ બંધાય છે ત્યારે પુરૂષને સમયસર ઉત્તેજના આવતી નથી અથવા તે ક્ષણિક નપુંસકતાનો અનુભવ કરતો હોય એવું બને છે. અથવા તો સામેવાળી સ્ત્રી નવી હોય એટલે એને એક્સાઇટમેન્ટ બહુ થતું હોય તો એના કારણે એને ડિસ્ચાર્જ જલ્દી થઈ જવાની શક્યતા પણ વધારે જોવા મળે છે. બાકી એ ઘરે પોતાની પત્ની સાથે એકદમ પરફેક્ટ હોય છે. પ્રોટેક્શન વિના સંબંધ રાખવાથી જીવલેણ બીમારી થઇ શકે આવા ગુપ્ત સંબંધોની પારિવારિક સ્તરે આડઅસરો બહુ ગંભીર થતી હોય છે. તેમણે જણાવ્યું કે, જ્યારે પતિ કે પત્નીને ખબર પડે છે કે એમના પાર્ટનર લગ્નેત્તર સંબંધમાં છે તો સુખી લગ્નજીવનમાં મોટો ખચકાટ ઊભો થાય છે અને અંતે લગ્નજીવન તૂટી જાય છે. આના કારણે નિર્દોષ બાળકોને પણ ભારે મુશ્કેલી પડે છે. 'જો આવી વાતો સમાજમાં બહાર આવી જાય અને બાળકો લગ્ન લાયક ઉંમરના હોય તો ઘણીવાર તેમના લગ્ન થવામાં પણ ભારે તકલીફ પડતી હોય છે. આ સોશિયલ નુકસાનની વાત થઇ પણ તેની સાથે પ્રોટેક્શન વિના સંબંધ રાખવાથી સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીસીઝ અને એચઆઇવી એઇડ્સ જેવી જીવલેણ બીમારીઓ પણ થઇ શકે છે. આથી પ્રિકોશન રાખવું અત્યંત જરૂરી છે.' તેમણે વધુમાં કહ્યું કે, ઘણીવાર પરીણિત મહિલાઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે નોકરી કે અન્ય કામનું બહાનું કાઢીને બહાર જાય છે અને પોતાના પુરુષ પાર્ટનર સાથે ફરે છે. કેટલીકવાર બે મિત્રો પોતાની આવી મહિલા મિત્રોને સાથે લઈને ફરવા નીકળે છે. આવી પરિસ્થિતિમાં બંને પરીણિત મહિલાઓ એકબીજાને મળતી હોવા છતાં હવે તેમના મનમાં કોઇ ડર કે શરમ રહી નથી. તેમને એ વાતની પણ ચિંતા નથી હોતી કે જો કોઇને આ વાતની ખબર પડી જશે, કોઇ ઘરે કહી દેશે અથવા લોકોને ખબર પડશે કે આ પરણિત છે તો શું થશે? એ યાદ રાખવું જરૂરી છે કે આ સંબંધો ક્યારેય લાંબા સમય સુધી ટકવા માટેના હોતા નથી, તે માત્ર જરૂરિયાત પ્રમાણેના જ હોય છે. જ્યાં સુધી જેવી અને જેટલી જરૂરિયાત હોય ત્યાં સુધી જ લોકો એકબીજા સાથે રહે છે. જો કોઇ નવું કે બીજું પાર્ટનર મળી જાય તો તેઓ જૂના પાર્ટનરને કદાચ આસાનીથી છોડી પણ દે છે અથવા અવગણના પણ કરી દે છે.
Read Original Article →