કેનેડા ગયેલા 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અચાનક ગાયબ?:વિઝા એક્સપર્ટનો મોટો ખુલાસો, કોલેજો અને ફેક કન્સલ્ટન્ટ્સની ગોલમાલનો પણ પર્દાફાશ

Gujarat5/17/2026, 12:30:00 AM
કેનેડા ગયેલા 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અચાનક ગાયબ?:વિઝા એક્સપર્ટનો મોટો ખુલાસો, કોલેજો અને ફેક કન્સલ્ટન્ટ્સની ગોલમાલનો પણ પર્દાફાશ
કેનેડા ભણવા ગયેલા અંદાજે 20 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ 'નો શો' હોવાનો ચોંકાવનારો રિપોર્ટ થોડા સમય પહેલાં સામે આવ્યો છે. દર વર્ષે કેનેડા જતાં ભારતીય વિદ્યાર્થીઓમાં સામાન્ય રીતે 15% હિસ્સો ગુજરાતીઓનો હોય છે. તેવામાં આ આંકડો ચિંતાજનક લાગે તે સ્વભાવિક છે. હવે મહત્વનો સવાલ એ છે કે શું ખરેખર આ વિદ્યાર્થીઓ કેનેડામાં ક્યાંક ગાયબ થઇ ગયા છે? આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે વિઝા કન્સલ્ટન્ટ મૌલિક રાવલ આ મામલે શું કહી રહ્યાં છે? કેનેડા સરકારના સત્તાવાર આંકડા પાછળનું એક તદ્દન અલગ સત્ય સામે આવ્યું છે. સૌથી પહેલાં તો એ જાણો કે કેનેડા સરકારનો રિપોર્ટ શું હતો? ઇમિગ્રેશન, રેફ્યૂજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (આઇઆરસીસી)એ જાહેર કરેલા આંકડા પ્રમાણે માર્ચ-એપ્રિલ, 2024માં કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઝમાં અંદાજે 50 હજાર જેટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ 'નો શો' તરીકે નોંધાયા હતા. જેમાંથી લગભગ 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભારતીય હતા. આ વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યા પછી કોલેજ કે યુનિવર્સિટીઝમાં ગયા નહોતા. હવે નીચે આપેલા ગ્રાફિક્સની મદદથી એ સમજો કે 'નો શો' એટલે શું? વિદ્યાર્થીઓ ગાયબ નથી થયા વિઝા કન્સલ્ટન્ટ મૌલિક રાવલ 'નો શો' થવાનો અને ગાયબ થવાનો ભેદ સારી રીતે સમજાવતા કહે છે કે, સૌથી પહેલાં એક વસ્તુ સમજવી જરૂરી છે કે 'નો શો' થવું અને ગાયબ થવું કે બીજા દેશમાં માઇગ્રેટ થવું એ બન્ને અલગ વસ્તુ છે. અહીંયા સરકાર પાસે ફક્ત 'નો શો'ના આંકડા છે. આ 2024ના માર્ચ-એપ્રિલની વાત છે. આ ન્યૂઝ હમણાં વધારે ફેલાઇ રહ્યાં છે. ઇન્સ્ટિટ્યૂટમાં 'નો શો' થયા, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં નહીં આ વિદ્યાર્થીઓ 'નો શો' ઇન્સ્ટિટ્યૂટમાં 'નો શો' થયેલા છે. તે એનરોલ નથી થયા અથવા તો એટેન્ડન્સ નથી ભરી. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં 'નો શો' નથી થયા. તેઓ ઉમેરે છે કે, આ વિદ્યાર્થીઓ ભારત પાછા આવ્યા હોય તેવું બની શકે. સ્ટડી કરવા ન ગયા, કામ કરવાનો પ્રયત્ન કર્યો પણ ખર્ચો ન નીકળ્યો. કેમ કે એ સમયે જોબ ક્રાઇસિસ પણ એટલા હતા. બીજા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે કદાચ ત્યાં ગેરકાયદેસર રહીને કામ કરવાનો પ્રયત્ન કર્યો હોઇ શકે છે. ત્રીજા એવા હોઇ શકે કે જેમણે PR અથવા વર્ક પરમિટ ઓલરેડી મળી ગયા હોય. એટલે કે ઇન્સ્ટિટ્યૂટમાં નથી ગયા પણ ગેરકાયદે નથી. એ વર્ક પરમિટ કે PR લઇને આગળ વધી રહ્યાં છે. વિદ્યાર્થીઓનો એક વર્ગ એવો હોઇ શકે કે કદાચ ત્યાંથી અમેરિકા જતાં રહ્યા હોય. વિદ્યાર્થીઓ 'નો શો' થવા પાછળનું કારણ શું? આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ 'નો શો' થવા પાછળના ઘણા કારણો છે. જેમાં સરકારી નિયમો, વિદ્યાર્થી-વાલીઓમાં ચિંતા વગેરે છે. મૌલિક રાવલે કહ્યું કે, 'નો શો' માટેનું પહેલું કારણ એ છે કે 'નો શો' થયેલા મોટાભાગના સ્ટુડન્ટ્સ પ્રાઇવેટ ડિપ્લોમા કોલેજના સ્ટુડન્ટ્સ છે. સરકારે કડકાઇ દાખવતાં વિદ્યાર્થીએ સરળ રસ્તો અપનાવ્યો બીજું કારણ જણાવતાં તેમણે કહ્યું કે, 2024માં સરકાર ઓલરેડી સ્ટ્રીક્ટ થઇ ગઇ હતી. પ્રાઇવેટ ડિપ્લોમા કોલેજમાં ગયેલા સ્ટુડન્ટ્સ પાસેથી સરકાર વારંવાર તેના ફાયનાન્સ અને એકેડેમિક ડોક્યુમેન્ટ્સ માગતી હતી. જેથી એ સમયે ઘણા વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાઇ ગયા હતા. ઘણા વિદ્યાર્થીઓ પાસે ડોક્યુમેન્ટ્સ અવેલેબલ નહોતા. જેથી તેમણે એવો સરળ રસ્તો અપનાવ્યો કે હવે આપણે કોલેજ નથી જવું, ફક્ત કામ કરવું છે. જાન્યુઆરી, 2024 આસપાસ કેનેડાની સરકારે ઘણા નિયમોમાં સતત બદલાવ કર્યો. એક વખત નિયમ બદલાય તો વાંધો નથી પણ જ્યારે સતત નિયમ બદલાતા હોય તો વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને ચિંતા તો થવાની. વિદ્યાર્થીઓએ ભણવાને બદલે નોકરી તરફ વળ્યા આ અંગે તેમણે કહ્યું કે, 2023-24માં જે વિદ્યાર્થીઓ કેનેડા ગયા તે બધાને એમ થયું કે કદાચ અમારા PSW (પોસ્ટ સ્ટડી વર્ક)માં પ્રોબ્લેમ થઇ શકે છે અથવા અમને PR મળવામાં પ્રોબ્લેમ થઇ શકે તેમ છે. જેથી તેમને પહેલો પ્રશ્ન એ જ થયો કે અમે જે ફી ભરી તે કેવી રીતે કવર કરી શકીએ? આવા વિદ્યાર્થીઓએ સીધો રસ્તો અપનાવ્યો કે ઇન્સ્ટિટ્યૂટ જવાનું બંધ કરે અને ક્યાંક ફૂલ ટાઇમ જોબ કરે. આ કારણોસર પણ વિદ્યાર્થીઓ 'નો શો' થયા. ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ વર્ક પરમિટ અથવા PR પાથવે લઇને જ ગયા હતા. જેમનો સ્ટડી ગોલ પણ નહોતો. તેમણે જણાવ્યું કે, કેનેડામાં PR અને વર્ક વિઝામાં ઘણા લૂપ હોલ્સ છે. જેનો લાભ વિદ્યાર્થીઓ લે છે. જેમ કે સ્ટડી વિઝા પર કેનેડા જઇને LMI કરી લો કે એમ્પ્લોયર શોધી લો તો ડાયરેક્ટ PR અથવા વર્ક માટે એલીજિબલ થઇ જાઓ છો. ઘણાએ આ રસ્તો પણ અપનાવ્યો કે ભણવા કરતાં સીધા PR મળતા હોય તો એ લઇ લઇએ. આવા વિદ્યાર્થીઓ પણ 'નો શો' થઇ ગયા. વિદ્યાર્થીઓ કેવા પ્લાનિંગ સાથે આવે છે? અમૂક વિદ્યાર્થીઓ કેવા પ્લાનિંગ સાથે જતાં હોય છે તે પણ મૌલિક રાવલે જણાવ્યું. તેઓ કહે છે કે, જે વિદ્યાર્થીઓ 'નો શો' થયા કદાચ તે ભણવા જ આવ્યા હશે પણ પેનિક અથવા તો કોસ્ટ રિકવર કરવા માટે 'નો શો' થયા હશે. અમૂક વિદ્યાર્થીઓ એવા પણ હતા કે જે કોસ્ટ રિકવર કરવા માટે નહીં પણ પહેલેથી જ એવા પ્લાનિંગમાં ગયા હતા કે કેનેડા જઇને 'નો શો' થવાનું છે. લેટર ઓફ એક્સેપ્ટન્સ વિશે ચોંકાવનારો ખુલાસો કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટના ભારતીય માલિકો કેવી રીતે લેટર ઓફ એક્સેપ્ટન્સમાં ગોલમાલ કરે છે તેનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ મૌલિક રાવલે કર્યો. તેઓ કહે છે કે, ઘણી કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટના માલિક ભારતીય હોય છે. જે ભારતથી આખું ઓપરેશન ઓપરેટ કરે છે. આ લોકો કન્સલ્ટન્ટ સાથે મળીને ફી પે કર્યા વિના પણ લેટર ઓફ એક્સેપ્ટન્સ આપતા હતા. કારણ કે કેનેડામાં વિઝા એપ્લાય કરવા માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ હોવો જોઇએ. વિદ્યાર્થી જ્યારે ઇન્સ્ટિટ્યૂટમાં ફી ભરે ત્યારે જ એ લેટર મળે. આવા ઇન્સ્ટિટ્યૂટના માલિકો સાથે મળીને ફેક કે ફ્રોડ કન્સલ્ટન્ટ વિદ્યાર્થીઓની ફી પોતાની પાસે રાખતા હતા. પેમેન્ટની નકલી રિસીપ્ટ એમને એમ જનરેટ થતી હતી. અમૂક વિદ્યાર્થીઓ અમેરિકામાં ઘૂસવા કેનેડા જાય છે તેઓ આગળ કહે છે કે, લેટર ઓફ એક્સેપ્ટન્સ જેન્યુન હોય. આ જ બે ડોક્યુમેન્ટ પર વિઝા થતાં હતા. વિદ્યાર્થીઓને પણ આ બધી ખબર હતી પણ તેમનું પ્લાનિંગ ગમે તેમ કરીને કેનેડામાં ઘૂસવાનું જ હતું. કેનેડામાં ઘૂસીને અમેરિકાનો કોઇ રસ્તો મળી જાય તો ત્યાં જતાં રહેવું તેમનો ગોલ હતો. આવા વિદ્યાર્થીઓને ફેક કહી શકીએ. વર્ષ 2024 માં 3.27 લાખ વિદ્યાર્થીઓમાંથી 19,500 ભારતીય વિદ્યાર્થીઓ નો શોમાં ગયા હતા. સરકારે વિદ્યાર્થીઓની હાજરી અંગે જાણ કરવાનું ફરજિયાત કર્યું વર્ષ 2023 સુધી કેનેડાની સરકાર ઘણી લિબરલ હતી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી હતી. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ અને ફ્રોડ સરકારના ધ્યાનમાં આવ્યા. તેઓ કહે છે કે, કેનેડામાં ઇન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ નહીં પણ સ્ટેટ ગવર્નમેન્ટને રિપોર્ટ કરતી હોય છે. એટલે બને કે ઘણા ડેટા સેન્ટ્રલ ગવર્નમેન્ટ સુધી ન પણ પહોંચ્યા હોય. 'વર્ષ 2024માં સેન્ટ્રલ ગવર્નમેન્ટે દરેક સ્ટેટ અને ઇન્સ્ટિટ્યૂટને પ્રેશર આપીને ફરજિયાત કર્યું કે બધી જ ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીઓની હાજરી અંગે સરકારને જાણ કરવી પડશે. એ પણ વર્ષમાં બે વાર. જેના કારણે જે વિદ્યાર્થીએ એનરોલ નથી કર્યું અથવા જેમણે કમ્પ્લાયન્સ ફોલો નથી કર્યા એવા બંને પ્રકારના સ્ટુડન્ટ્સના રિપોર્ટ સરકારને રેગ્યુલર મળતા થઇ ગયા. એના પછી આપણી સામે પણ આવતા થઇ ગયા.' આ સ્થિતિ એ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન છે જે કોઇપણ પ્લાનિંગ વગર કે શોર્ટકટ અપનાવીને વિદેશ જવા માંગે છે.
Read Original Article →