Live Updates

ચહેરા પર લોહી ન ઊડે તો ચેન ન પડે!:30 મર્ડરનો આરોપી બંગાળનો ‘દાઉદ’ હુબ્બા શ્યામલ, મોબાઇલ પર હત્યાની લાઇવ કોમેન્ટરી આપતો

DvB Original4/26/2026, 12:30:00 AM
ચહેરા પર લોહી ન ઊડે તો ચેન ન પડે!:30 મર્ડરનો આરોપી બંગાળનો ‘દાઉદ’ હુબ્બા શ્યામલ, મોબાઇલ પર હત્યાની લાઇવ કોમેન્ટરી આપતો
એક સવાર, એક લાશ અને એક ટ્રેડમાર્ક 2011નું વર્ષ. જૂન મહિનાની એક ભેજવાળી સવાર. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના વૈદ્યબાટી વિસ્તારમાં એક નહેર પાસે કેટલાક માછીમારો સ્તબ્ધ હાલતમાં ઊભાં ઊભાં નહેરની અંદરે તાકી રહ્યા હતા. નહેરમાં એક ફૂલી ગયેલી લાશ તરતી હતી. મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. તેનો ચહેરો એટલો સડી ગયો હતો કે તેને ઓળખવો લગભગ અશક્ય હતો. પરંતુ પોલીસે મૃતદેહને ઓળખવાની જરૂર નહોતી, કારણ કે તેના પર 'સહી' હતી. મૃતદેહના ડાબા ખભાથી જમણી બાજુની કમર સુધી એક ઊંડો, ત્રાંસો, ભયાનક કટ હતો. બ્રાહ્મણો જે રીતે પોતાની જનોઈ પહેરે છે તે જ રીતે આખા ધડને આવરી લેતો જનોઈ વઢ ઘા લાશના શરીર પર હતો. બંગાળી ‘પોઇતે કટ’ કહેવામાં આવે છે. આ ‘પોઇતે કટ’ હુગલીના સૌથી ભયાનક ગુંડાનો ટ્રેડમાર્ક હતો. અત્યારે તે કોહવાયેલા મૃતદેહ તરીકે ગંદા પાણીમાં તરી રહ્યો હતો. *** ‘બંગાળનો દાઉદ’ હુબ્બા શ્યામલ આજના ‘ખાખી કવર’માં વાત કરીએ બંગાળની, જ્યાં અત્યારે વિધાનસભા ચૂંટણીના નગારાં ગાજી રહ્યાં છે. પરંતુ આજથી દોઢ દાયકા પહેલાં ત્યાંના ચાર-પાંચ જિલ્લામાં એક ગેંગસ્ટરનો આતંક ચરમસીમાએ હતો. તેનું નામ હતું શ્યામલ દાસ, ઉર્ફે ‘હુબ્બા શ્યામલ’. કોલકાતા, હુગલી કે બંગાળના ‘દાઉદ’ તરીકે ઓળખાતા ગેંગસ્ટરનો એની જ ટ્રેડમાર્ક સ્ટાઇલ એવા જનોઈવઢ ઘાથી અંત આવ્યો હતો. એક ગરીબ બાળકનો જન્મ, એક શેતાનનો ઉદય શ્યામલ દાસનો જન્મ 1966માં હુગલી જિલ્લાના કોન્નાગર શહેરના વોર્ડ નંબર ૨, ધર્મડાંગામાં ભાડાના ઘરમાં થયો હતો. તેમના પિતા શ્રી દુર્ગા કપાસની મિલમાં કામ કરતા હતા. પરિવાર ગરીબ હતો. દિવસમાં બે ટંકનું ભોજન ભાગ્યે જ મળતું હતું. આવા પરિવારમાં ઊછરતાં બાળકો નાની ઉંમરથી તડજોડ કરીને પોતાનો રસ્તો શોધવાની ક્વાયતમાં લાગી જતાં હોય છે. શ્યામલમાં પણ આવા જ ‘ગુણો’ હતા. એની અંદર એક વિચિત્ર બેચેની, એક જિદ્દ હતી, એની આંખોમાં એક ભેદી સ્પાર્ક હતો, જે આગળ ઉપર કેવો ટર્ન લેવાનો છે તેની કોઇને ખબર નહોતી. ‘હું મોટો થઇને હાજી મસ્તાન બનીશ’ તેને ધર્મદંગા પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવ્યો, પણ તેને ભણવાનું મન નહોતું. એકવાર શિક્ષકે મજાકમાં પૂછ્યું, ‘અરે શ્યામલ, તું ભણતો નથી. શું તું મોટો થઈને હાજી મસ્તાન બનીશ?’ પળવાર પણ વિચાર કર્યા વિના શ્યામલે જવાબ આપ્યો, ‘હા, હું હું હાજી મસ્તાન બનીશ.’ એ વખતે મુંબઈના અંડરવર્લ્ડમાં ગેંગસ્ટર-સ્મગલર હાજી મસ્તાનનો દબદબો હતો. તેનાથી સેંકડો કિલોમીટર દૂર એક બંગાળી ટેણિયો પોતાના સ્કૂલના ક્લાસમાં કહી રહ્યો હતો કે તે મોટો થઇને હાજી મસ્તાન બનશે. પોતાના વિશેની તેની આ ભવિષ્યવાણી ભેદી રીતે સાચી પડવાની હતી. અંધારામાં ટ્રેનના પંખાની ઉઠાંતરી, ફેક્ટરીઓમાં ચોરી માત્ર 14 વર્ષની ઉંમરે શ્યામલ બીડી, દારૂ, જુગાર અને ડ્રગ્સનો વ્યસની થઈ ગયો. તેને ડ્રગ્સ માટે પૈસાની જરૂર હતી, અને તે માટેનો શોર્ટ કટ હતો, ચોરી કરવાનો. સૌથી પહેલાં એણે ટાર્ગેટ બનાવી લોકલ ટ્રેનને. રાતના અંધકારમાં એ ટ્રેનમાં ચડીને તે છત પર લટકતા પંખાનાં કવર અને ક્યારેય પાંખિયાં ચોરી લેતો. દિવસના અજવાળામાં એ લોખંડનાં ફેન કવર તથા પાંખિયાં કાળા બજારમાં વેચી મારતો. ધીમે ધીમે તેની હિંમત વધતી ગઈ. આગળનું સ્ટેપ ફેક્ટરીઓમાંથી ચોરી કરવાનું હતું. કોનનગર, ઉત્તરપાડા અને રિસડા જેવા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં જથ્થાબંધ ફેક્ટરીઓ આવેલી હતી. રાતના અંધકારમાં ચોકીદારોની નજર ચૂકવીને ફેક્ટરીઓમાં ઘૂસ મારવાની અને ત્યાં જે કીમતી માલ દેખાય તે કોથળામાં ભરીને અંધારામાં ઓગળી જવાનું. પહેલી હત્યા અને લોહીનો સ્વાદ ચાખી ગયેલો વાઘ 1984નું વર્ષ હતું. જુગારના વ્યસનને પોષવા માટે શ્યામલ નાની ચોરીઓથી પણ આગળ નીકળી ગયો હતો. એક રાત્રે કોન્નાગરમાં એક ફેક્ટરી કામદાર તેનો માસિક પગાર લઇને સાયકલ પર ઘરે પાછો ફરી રહ્યો હતો. શ્યામલ રસ્તા પર રાહ જોઈને બેઠો હતો. તેણે કામદારને રોકીને તેનો થેલો પોતાને હવાલે કરવાનો આદેશ કર્યો. કામદારે ચોખ્ખી ના પાડી. એ સાથે જ શ્યામલે તેના પેટમાં છરો ભોંકી દીધો અને તેનો થેલો ઊંચકીને અંધારામાં ગાયબ થઈ ગયો. 18 વર્ષના છોકરડાની આ પહેલી હત્યા હતી. તેનો આઘાત કે પસ્તાવો થવાને બદલે આ વાઘ હવે લોહીનો સ્વાદ ચાખી ગયો હતો. હવે તેને કોઈ રોકી શકવાનું ન હતું. ‘તાપસી, આમી તોમાકે ભાલોબાશી’ જ્યારે તપાસ કરતી કરતી પોલીસ તેના ઘરે પહોંચી, તો તે ઘરેથી નાસી ગયો. પરંતુ જતા પહેલાં તેણે આઠમા ધોરણમાં ભણતી તાપસી નામની એક છોકરીને એક પત્ર લખ્યો. શ્યામલ તેના પ્રેમમાં હતો. થોડાં વર્ષો પછી એક રાત્રે શ્યામલ તાપસીને તેના જ ઘરેથી ઉપાડી ગયો અને મંદિરમાં તેની સાથે લગ્ન કરી લીધાં. આ સાથે તાપસી હુબ્બાની પહેલી પત્ની બની. ગેંગની રચના અને હુગલીના ડોનનો ઉદય 1980ના દાયકાના અંતમાં એની કરતૂતોથી ત્રાસીને બંગાળ પોલીસે શ્યામલની ધરપકડ કરી અને કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપમાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. જેલમાંથી છૂટ્યા પછી તેણે વિચાર્યું, ‘આ કામ મારા એકલાનું નથી. મારે એક આખી ટીમ જોઇશે.’ આ સાથે તેણે પોતાની ગેંગ બનાવી. તેની ગેંગનો પહેલો મેમ્બર હતો રમેશ મહતો, હાવડાના કુખ્યાત સટ્ટેબાજ રામ અવતારને ત્યાં સટ્ટો લખનારો બુકી. તે શ્યામલને જુગારના અડ્ડામાં મળ્યો હતો. ‘ચોર ચોર મૌસેરે ભાઈ’ એ ન્યાયે બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને ગેંગનો ‘નંબર ટુ’ બની ગયો. ત્રીજો મુખ્ય સભ્ય હતો બનારસી બાપી. નામ પ્રમાણે જ એ ઉત્તર પ્રદેશના બનારસનો રહેવાસી હતો, જે લીલુઆહમાં ગુનાખોરીના એક અડ્ડા પર શ્યામલને મળ્યો હતો. બનારસમાં એક ઓપરેશન દરમિયાન બાપીની ધરપકડ થઈ ત્યારથી બંને એકબીજાને ઓળખતા હતા. ‘પોઇતે કટ’: જનોઈવઢ ઘાનો ટ્રેડમાર્ક શ્યામલની ગેંગનો સૌથી ખતરનાક મેમ્બર હતો નેપુ ગિરિ. જન્મજાત ખૂની. શ્યામલે પોતે તેને ‘પોઇતે કટ’ ‘ટેક્નિક’ શીખવી હતી, કેવી રીતે છરો પકડવો, કેટલા ફોર્સથી વાર કરીને ડાબા ખભાથી જમણી બાજુ નાભિની પેલે પાર આખી છાતી ચીરી નાખવી અને એક જ ઝાટકે દુશ્મનનો ખાત્મો બોલાવી દેવો. જો ગુનાખોરી માટે પેટન્ટ મળતી હોત તો આ ‘પોઇતે કટ’ માટે શ્યામલને તેના કોપીરાઇટ મળી ગયા હોત! વક્રતા એ હતી કે આ નેપુ જ પાછળથી તેના મૃત્યુનું કારણ બન્યો હતો. શ્યામલની ગેંગમાં બન્ટુ, સત્યા, ચીકુઆ, જીતેન્દ્ર અને બીજા ડઝનબંધ લોકો પણ હતા. જ્યારે શ્યામલની ગેંગ મોટી થઈ, ત્યારે તે મહેશતલાથી તેના વતન કોન્નાગર પાછો ફર્યો. ગેંગ વોરઃ જ્યારે હુગલીમાં લોહીની નદીઓ વહી કોન્નાગરમાં બીજો એક ડોન હતો, ‘બાઘા’. તે મૂળ શ્યામલની ગેંગનો સભ્ય હતો, પરંતુ પછીથી તેણે શ્યામલથી અલગ થઇને પોતાનું રાજ્ય સ્થાપ્યું. દેખીતી રીતે જ એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. 1997થી 1999 સુધી હુગલીની ગલીઓ ગેંગ વોરથી સળગી રહી હતી. બંને ગેંગ એકબીજા પર હુમલો કરતી, એકબીજાના લોકોને મારી નાખતી, ધોળેદહાડે વહેતી આ લોહીની નદીઓ સામે બંગાળની પોલીસ મૂક પ્રેક્ષક બની રહી. એક દિવસ શ્યામલ અને તેની આખી ટોળકીએ બાઘાનાં છુપાં ઠેકાણાં પર હુમલો કર્યો. બાઘાના ચાર સાથીઓને લિટરલી કાપીને તળાવમાં ફેંકી દેવામાં આવ્યા. બાઘા કોઈક રીતે બચી ગયો. શ્યામલના ડરથી કોન્નાગર, રિસડા, શ્રીરામપુર, ઉત્તરપાડા એક પછી એક કારખાનાં ખાલી થવા લાગ્યાં. શ્યામલનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું. ‘પોઇતે કટ’, ‘બોટી કબાબ’: હત્યાની વિકૃત તરકીબો શ્યામલ માટે હત્યા ફક્ત એક કામ નહોતું, તે એક પેશન, એક વ્યસન, એક કારીગરી હતી. પોલીસે તેમની ફાઇલોમાં તેને ‘પેથોલોજિકલ કિલર’ તરીકે લેબલ કર્યો હતો. તેની હત્યાની ઘણી ‘સ્ટાઇલ’ હતી: 'પોઇતે કટ': ડાબા ખભાથી જમણી નાભિ સુધીનો ત્રાંસો ઊંડો જનોઈવઢ કાપો. 'ફૂટબોલ મૈદાન': લાશને ફૂટબોલની જેમ મારી મારીને અત્યંત વિકૃત કરી નાખવી. 'બોટી કબાબ': મૃતદેહના નાના નાના ટુકડા કરી નાખવા. ચહેરા પર લોહીના છાંટા ન ઊડે તો મજા ન આવે! સૌથી ભયાનક બાબત એ હતી કે કોઈને ગોળી મારીને મારી નાખવાનો હોય તો પણ શ્યામલ તેને છરા મારતો. તેણે કહ્યું કે જ્યાં સુધી તેના ચહેરા પર લોહીનો ફુવારો ન ઊડે ત્યાં સુધી તેને હત્યાનો ‘સંતોષ’ અનુભવાતો નહોતો. લોહી માટેની તેની તલબ એટલી બધી વિકૃત હતી કે જ્યારે એને કોઈ દુશ્મન હાથમાં ન આવે, તો તે પોતાની જ ગેંગના સભ્યને છરો મારી દેતો. મેઘનાદઃ જેને જોયો કોઇએ નહોતો, નામ બધાને ખબર હતી હુબ્બા શ્યામલ હુગલીનો ‘મેઘનાદ’ હતો. તેનું નામ દરેકના હોઠ પર હતું, પણ કોઈએ તેનો ચહેરો જોયો ન હતો. પોલીસ પાસે પણ તેનો કોઈ સ્પષ્ટ ફોટો નહોતો. તે એક દંતકથા, એક લેજન્ડ, એક અદૃશ્ય આતંક બની ગયો હતો. તેનું બાતમીદારનું ખૂફિયા નેટવર્ક એટલું મજબૂત હતું કે પોલીસનું વાહન તેના વિસ્તારથી 3-4 કિલોમીટર દૂર હોય ત્યારે પણ તેને ખબર પડી જતી. જ્યારે પોલીસ સાદાં કપડાંમાં આવતી ત્યારે પણ તેના વિસ્તારના સામાન્ય રહેવાસીઓ તેમને ઓળખી લેતા અને શ્યામલને જાણ કરી દેતા. વિસ્તારના દુકાનદારો, શાકભાજી વેચનારાઓ અને સાયકલ રિક્ષાચાલકો બધા જ શ્યામલની ‘આંખો’ હતા. એવું કહેવાય છે કે પોલીસ દળમાં પણ તેમના કેટલાક લોકો હતા. મોબાઇલ ફોન આવ્યા પછી પણ, તે ખૂબ જ સાવધ રહ્યો. તેની પાસે હંમેશાં બે ફોન રહેતા, અને તેના સાથીઓ પાસે ચાર ફોન હતા. દરેક ફોનનો ઉપયોગ બે કલાકથી વધુ સમય માટે થતો ન હતો. તે જાણતો હતો કે પોલીસ ટાવરના લોકેશન્સને ટ્રેક કરી શકે છે. ક્યારેક તે ગંગા નદીના કિનારે ઊભો રહેતો અને એવી જગ્યાએથી ફોન કરતો જ્યાં નેટવર્ક નદીની બીજી બાજુના ટાવરને પકડી લેતું, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. રોબિન હૂડની છબિ, ગલીએ ગલીમાં બાતમીદાર સામાન્ય લોકોમાં, શ્યામલ ‘રોબિન હૂડ’ તરીકે પ્રખ્યાત હતો. જ્યારે પણ કોઈ પાડોશની છોકરીનાં લગ્નમાં કોઈ સમસ્યા આવતી, ત્યારે શ્યામલ જાતે વરરાજાના ઘરે મીઠાઈઓ લઈને પહોંચતો અને બધું સંભાળી લેતો. ગરીબોને મદદ કરવા અને છોકરીઓનાં લગ્ન ગોઠવવાની તેની સ્ટોરીઝ જાણીતી હતી. પરંતુ વિકિપીડિયા અને સીઆઈડી તપાસ મુજબ આ મોટે ભાગે એક જાણી જોઈને કરવામાં આવેલું કાવતરું હતું. શ્યામલ ઇચ્છતો હતો કે લોકો તેના વિશે સારું બોલે જેથી તેઓ તેના માટે જાસૂસી કરે, અને પોલીસને તેના સુધી પહોંચતી અટકાવે. તેણે માહિતી પૂરી પાડવા માટે પૈસા ચૂકવવા માટે લોકોને રાખ્યા હતા. હા, એક વાત રસપ્રદ હતી, જો કોઈ શિક્ષિત, સક્ષમ યુવાન તેની ગેંગમાં જોડાવા માગતો, તો શ્યામલ તેને સ્પષ્ટપણે ના પાડતો. તે કહેતો, ‘આ રસ્તો તમારા માટે નથી. અભ્યાસ કરો અને નોકરી મેળવો.’ આ તેના કેરેક્ટરમાં એક વિચિત્ર વિરોધાભાસ હતો. ગેંગસ્ટર બન્યો ઇન્ડસ્ટ્રિયલિસ્ટઃ બંદૂકની અણીએ બિલ્ડિંગના સોદા 2002ની આસપાસ શ્યામલે પોતાનું બિઝનેસ મોડેલ બદલી નાખ્યું. તેણે ખુલ્લેઆમ ગુનાખોરી છોડી દીધી અને પ્રોપર્ટીનો બિઝનેસ શરૂ કર્યો. કોન્નાગર, રિસડા, ઉત્તરપાડાથી લઇને માનકુંડુ સુધી 90 ટકા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ તેની ગેંગના માલિકીના હતા. જે જમીનમાલિકો શ્યામલની કિંમત સ્વીકારવાનો ઇનકાર કરતા હતા તેમને પિસ્તોલ બતાવીને તે કિંમત પર સહમત થવાની ફરજ પાડવામાં આવતી. ફ્લેટ બનાવવા માગતી કોઈપણ વ્યક્તિએ શ્યામલને પ્રતિ ચોરસ ફૂટ 50 થી 70 રૂપિયા કમિશન પેટે ચૂકવવા પડતા હતા. બાંધકામ સામગ્રી તેના માણસો પાસેથી ખરીદવી પડતી હતી. તેણે જમીન માપવા અને હિસાબ રાખવા માટે વ્યક્તિગત રીતે એક એન્જિનિયર પણ રાખ્યો હતો. પૈસા આવતાં તેણે કોલકાતામાં ઘણા વૈભવી ફ્લેટ ભાડે રાખવાનું શરૂ કર્યું. સફેદ કુર્તા-પાયજામા, મોંઘાં જૂતાં, સનગ્લાસ ધારણ કરીને હુબ્બા શ્યામલ એક ‘રિસ્પેક્ટેડ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ’ જેવો દેખાવા લાગ્યો. તેને બે પુત્રીઓ હતીઃ એક, તેની પહેલી પત્ની તાપસીથી અને એક તેની બીજી પત્ની મિતાલીથી. તેણે બંનેને કોલકાતાની અભિજીત અંગ્રેજી માધ્યમ શાળામાં દાખલ કરાવી. ડોને ચૂંટણીમાં ઝંપલાવ્યું, દોઢસો વાહનો સાથે ઉમેદવારી નોંધાવી 2003માં કોન્નગર કોંગ્રેસના નેતા માનસ રોય ચૌધરીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે શંકાની સોય હુબ્બા સામે તાકવામાં આવી હતી. CID તપાસ મુજબ શ્યામલ, બનારસી બાપી અને અન્ય ઘણા ગુનેગારોએ કોન્નગર રેલ્વે સ્ટેશન નજીકના બજારમાં તેમની હત્યા કરી હતી. શ્યામલના CPI(M) નેતા શિશિર ચક્રવર્તી સાથે ગાઢ સંબંધો હતા અને માનસ રોય ચૌધરી તેમનો કોમન દુશ્મન હતો. આ હત્યા પછી શ્યામલના નામ પર ‘પોલિટિકલ આસાસિન’ (રાજકીય હત્યારો)નું ટેગ પણ લાગ્યું. 2009માં તેણે રિસડા નગરપાલિકાના વોર્ડ નંબર-2માંથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી. તેમની ઉમેદવારી નોંધાવવાનો આખો તમાશો કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મથી કમ નહોતો. એક પછી એક 50-60 સ્કોર્પિયો કાર, 100થી વધુ મોટરસાયકલ અને સફેદ કુર્તા પહેરેલો શ્યામલ. બાદમાં રાજકીય કારણોસર તેને ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. 'ઓપરેશન શ્યામલ': ઇમરાન હાશમીની ફિલ્મ જોઈ ને ડોન પકડાયો 2005માં એક પ્રમોટરના પરિવારની હત્યા બાદ CIDની સ્પેશિયલ બ્રાન્ચ સક્રિય થઈ હતી. તત્કાલીન CID અધિકારી હિમાદ્રી બંદોપાધ્યાય અને તેમની ટીમે એક બાતમીદારની મદદથી શ્યામલનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. તેનો નંબર મેળવવો એ પણ તેને પકડવા સમાન જ હતું. શ્યામલનું ફોન ટેપિંગ શરૂ થયું. પહેલા જ કોલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો, શ્યામલ ફોન પર તેના ભાઈ ‘બચુ’ને એક હત્યાની ‘લાઈવ કોમેન્ટરી’ આપી રહ્યો હતો. તે છરીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યો હતો તેનું વર્ણન કરી રહ્યો હતો. આ રેકોર્ડિંગે આખી CID ટીમને હચમચાવી નાખી. ‘ઓપરેશન શ્યામલ’ 21 ડિસેમ્બર, 2005ના રોજ શરૂ થયું. CID એ કોલકાતામાં ચાર ટીમો તૈનાત કરીઃ ઉલ્ટાડાંગા, કેસ્તોપુર, બાગુઆટી અને એરપોર્ટ નજીક. સવારથી જ તેના ફોનનાં ટાવર લોકેશન પર નજર રાખવામાં આવી રહી હતી. બપોરે એક્ઝેક્ટ સિગ્નલ આવ્યુંઃ સોલ્ટ લેકના સિટી સેન્ટરમાં 200 મીટરની અંદર. 'હાં, આમિ શ્યામોલ દા. એટા કી?’ ફોનમાં પાછળથી ગોળીબાર અને વિસ્ફોટના અવાજ સંભળાતા હતા. લાગતું હતું કે શ્યામલ કોઈ ફિલ્મ જોઈ રહ્યો હતો. ઓફિસર હિમાદ્રીએ તરત જ ઓળખી કાઢ્યુંઃ શ્યામલ સિનેમા હોલમાં બેઠો હતો. તે સમયે સિટી સેન્ટરમાં બે ફિલ્મો ચાલી રહી હતી. એક બાળકોની એનિમેટેડ ફિલ્મ હતી. બીજી હિંસક અને થ્રિલર ફિલ્મ ‘કલયુગ’ હતી. પોલીસને લાંબો સમય વિચારવાની જરૂર નહોતી, શ્યામલ જેવો માણસ બાળકોની ફિલ્મ ન જુએ. યાને કે તે ઇમરાન હાશમી સ્ટારર ‘કલયુગ’ ફિલ્મ જોઈ રહ્યો હતો. થિયેટરની બંને એક્ઝિટ પર સાત કે આઠ પોલીસ અધિકારીઓ હથિયાર સાથે સાદા પોશાકના તૈનાત હતા. ફિલ્મ પૂરી થઈ. ભીડ વિખેરાઈ ગઈ. ઓફિસર હિમાદ્રીએ એક મજબૂત બાંધાના, ટોપી પહેરેલા પુરુષને એક સ્ત્રી સાથે જોયો. એ હુબ્બા શ્યાલમ જ હતો. તેની સાથે રહેલી સ્ત્રી મિતાલી હોવાનું માલુમ પડ્યું. પોલીસ ઑફિસર હિમાદ્રીએ કન્ફર્મ કરવા માટે પાછળથી બૂમ પાડી, ‘ઓ શ્યામલદા!’ તે માણસ અટકી ગયો. પાછળ ફરીને બોલ્યો, 'હાં, આમિ શ્યામોલ દા. એટા કી?’ (હા, હું શ્યામલદા છું. શું છે?) બસ, મેઘનાદે પોતે જ પોતાનો માસ્ક ઉતારી નાખ્યો હતો. પોલીસે તેને ઘેરી લીધો હતો. જેવી પોલીસ બીજી કોઇ એક્શન લે તે પહેલાં જ ભીડમાંથી એક ઊંચો, ગોરો યુવાન ધસી આવ્યો અને એણે બરાડો પાડ્યો, ‘તમે લોકો કોણ છો? હું બાપી છું, બનારસી બાપી. દાદાને ક્યાં લઈ જાઓ છો?’ તેની વફાદારીનો પાર નહોતો. પોલીસે તેમને ઘેરી લીધા છે તે ખબર પડી ગઈ હોવા છતાં બાપી સામે ચાલીને આગળ આવ્યો, પોતાની ઓળખ આપી અને ધરપકડ વહોરી. ‘બંગાળના દાઉદ’ તરીકે ઓળખાતો ગેંગસ્ટર હુબ્બા શ્યામલ અને તેનો કોન્ટ્રાક્ટ કિલર બનારસી બાપી બંને હવે પોલીસ કસ્ટડીમાં હતા. તે જ રાત્રે શ્યામલના ભાઈ બચુ અને તેના સાત-આઠ સાથીઓની એક દરોડામાં ધરપકડ કરવામાં આવી. મોટી માત્રામાં શસ્ત્રો અને ડ્રગ્સ મળી આવ્યાં. 40 કેસ, 30 હત્યા, છતાં જામીન પર મુક્તિ જ્યારે પોલીસે ચાર્જશીટ તૈયાર કરી, ત્યારે એક તબક્કે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. શ્યામલની સામે 40થી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી 30થી વધુ તો હત્યાના કેસ હતા. શ્યામલને કુલ 52 આરોપોનો સામનો કરવો પડ્યો હતો. 2008માં તેની ટ્રાયલ શરૂ થઈ. પરંતુ શ્યામલ પાસે પૈસા હતા, ચિક્કાર પૈસા. તેણે કોલકાતા હાઈકોર્ટમાં ટોચના વકીલોને રાખ્યા. તેની વિરુદ્ધમાં જુબાની આપનારા સાક્ષીઓ એક પછી એક હોસ્ટાઇલ થવા માંડ્યા. કોર્ટમાં પોતાનાં નિવેદનો ફેરવી તોળવા લાગ્યા. ઓળખ પરેડમાં કોઈએ શ્યામલને ઓળખ્યો નહીં. આખરે 2010માં હાઈકોર્ટે શ્યામલને જામીન આપવા પડ્યા. શ્યામલ એક વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યો. તે હુગલી પાછો ફર્યો. પણ આ વખતે, તેની દુનિયા બદલાઈ ગઈ હતી. બીજી અને ત્રીજી ધરપકડઃ ગેંગસ્ટરે કાયદાને મજાક બનાવી દીધો 23 ઓક્ટોબર, 2008ના રોજ શ્યામલની બીજી વખત ઉત્તરપાડાના મકાલા રેલવે ક્રોસિંગ નજીક લાલદેવ ચૌધરી સાથે ધરપકડ કરવામાં આવી. તેના પર નવા વીસથી વધુ કેસ ચડી ગયા હતા. છતાં પૂરતા પુરાવાના અભાવે હાઈકોર્ટે ફરીથી તેને જામીન આપ્યા. 20 ફેબ્રુઆરી, 2011ના રોજ તેની ત્રીજીવાર ધરપકડ કરાઈ. તે જગન્નાથપુર, ડંકુનીમાં ગ્રાન્ડ ટ્રંક રોડ નજીક એક હોટેલની સામે મળી આવ્યો હતો. આ વખતે તેની પાસે એક રિવોલ્વર અને નવ ગોળીઓ મળી આવી હતી. 52 કેસ, 26 હત્યાના આરોપો, અને છતાં ત્રીજીવાર શ્યામલ જામીન પર છૂટી ગયો. આ દેખીતી રીતે જ કાયદાની મજાક હતી. વિશ્વાસઘાત અને ટ્રેડમાર્ક સ્ટાઇલમાં હત્યા જેલમાંથી બહાર નીકળ્યા પછી શ્યામલે તેની ગેંગમાં કેટલાક ફેરફારો જોયા. તેની ગેરહાજરીમાં રમેશ મહતોએ પોતાની ગેંગ બનાવી હતી. તેના ઘણા ભૂતપૂર્વ સાથીઓ હવે રમેશ સાથે હતા. 2007 અને 2010ની વચ્ચે બંને વચ્ચે ઘણી વખત તણાવ અને અથડામણો થઈ હતી. શ્યામલને શંકા થવા લાગી કે તેના કોઈ નજીકના વ્યક્તિએ તેના વિશે પોલીસને જાણ કરી છે. તેની શંકા એટલી મજબૂત થઈ ગઈ કે તે રાત્રે ક્યાં સૂવાનો છે તે પોતાની પત્નીને પણ કહેતો નહીં. તેનાં ત્રણ ઘર હતાં. સળંગ બે રાત તે ક્યારેય એક જ ઘરમાં વીતાવતો નહીં. 29 મે, 2011ના રોજ શ્યામલ જમીનના વિવાદનો ઉકેલ લાવવા માટે ઉત્તરપાડાના મકાલા સ્થિત રમેશ મહતોના ફ્લેટ પર ગયો હતો. રમેશ તેને ગાડીમાં લઈ ગયો. રસ્તામાં નેપુ ગિરી પણ કારમાં બેસી ગયો. ફ્લેટ પર પહોંચતાં પહેલાં શ્યામલે તેના સાથીઓને કહ્યું, ‘તમે લોકો અહીં રાહ જુઓ.’ ઓરડાની અંદર તેણે રમેશના માણસોને હાથમાં છરીઓ અને પિસ્તોલ સાથે ઉભા જોયા. નેપુ ગિરી પણ ત્યાં હતો. શ્યામલ તેની 9mm પિસ્તોલ સુધી પહોંચી શક્યો નહીં. રમેશે કહ્યું, ‘દેખો શ્યામલ, આપણે હવે સાથે કામ કરતા નથી. જો આપણે અલગ થઈશું, તો કાં તો તું મને મારી નાખીશ, અથવા હું તને મારી નાખીશ.’ પછી રમેશે નેપુને ઈશારો કર્યો અને રૂમમાંથી બહાર નીકળી ગયો. એ પછી એ બંધ ઓરડામાં જે થયું તેની સાક્ષી એ જર્જરિત દીવાલો જ હતી. ‘પોઇતે કટ’ સાથે ગેંગસ્ટરની સડી ગયેલી લાશ મળી ચાર દિવસ પછી 2 જૂન, 2011 ના રોજ બૈદ્યબાટીમાં એક નહેરમાંથી એક લાશ મળી આવી. તેના ચહેરા પર ઘા હતા, ગળા પર છરીના ઘા હતા અને પેટ અને મોં પર ઘા હતા. અને સૌથી મહત્ત્વનું, ડાબા ખભાથી નાભિની પેલે પાર જમણી બાજુ સુધી એ જ ત્રાંસો, ઊંડો જનોઈવઢ ઘા, ‘પોઇતે કટ’. હુબ્બા શ્યામલ, જેણે આ 'કલા'ની શોધ કરી હતી, જેણે આ રીતે હત્યા કરવાની ટ્રેડમાર્ક સ્ટાઇલ પોતાના સાગરીત નેપુ ગિરિને તે શીખવી હતી, તે જ ટ્રેડમાર્કથી એ માર્યો ગયો. દોઢ દાયકામાં આખી ગેંગ સાફ થઈ ગઈ! રમેશ મહતોઃ શ્યામલનો 'રાઇટ હેન્ડ મેન', જે પાછળથી તેનો ખૂની બન્યો. શ્યામલના મૃત્યુ પછી તે હુગલી, હાવડા અને બર્ધમાનમાં સૌથી શક્તિશાળી ગેંગસ્ટર બની ગયો. બાલી, બેલુર, ઉત્તરપાડા, આખું સાઉથ હુગલી તેના કંટ્રોલ હેઠળ હતું. 2016માં દાનકુનીમાં સુરજીત ગુપ્તા હત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ ત્રણ જિલ્લામાં 20 હત્યા અને ખંડણીના 50 કેસ નોંધાયેલા છે. હાલમાં તે ચિંસુરા કોર્ટમાં કેસનો સામનો કરી રહ્યો છે. તેને જામીન કે પેરોલ નથી મળ્યા. નેપુ ગિરીઃ શ્યામલનો ચેલો, જેના પર શ્યામલની હત્યાની શંકા છે. તે પણ પોલીસના જાપ્તા હેઠળ છે. રતન રાયઃ શ્યામલનો નજીકનો સાથી, જે રિસડા પોલીસ સ્ટેશન પાસે રહેતો હતો. તેણે હુગલી ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં પોતાની ગેંગ બનાવી હતી. 2012માં તેનો મૃતદેહ રિસડાના એક તળાવમાંથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે દારૂ પીતી વખતે તેના મિત્રોએ તેની હત્યા કરી હતી. બનારસી બાપીઃ સિનેમા થિયેટરની બહાર ભરચક સિટી સેન્ટરની વચ્ચે જેણે શ્યામલની સાથે સામે ચાલીને ધરપકડ વહોરી, તે છેલ્લા દોઢ દાયકાથી ગુમનામીના અંધારામાં ઓગળી ગયો છે. મૂવીઝ, વેબ સિરીઝ અને દંતકથાઓ 2024માં દિગ્દર્શક બ્રત્ય બાસુએ શ્યામલના જીવન પર આધારિત ‘હુબ્બા’ નામની ગેંગસ્ટર ફિલ્મ બનાવી હતી. તેમાં બાંગ્લાદેશી અભિનેતા મોશરફ કરીમે શ્યામલની ભૂમિકા ભજવી હતી, જ્યારે ઇન્દ્રનીલ સેનગુપ્તાએ સીઆઈડી અધિકારીની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે, શ્યામલના પડોશના રહેવાસીઓએ તેમના પડોશમાં ફિલ્મના પોસ્ટર લગાવવાની મંજૂરી આપી ન હતી. જોકે, તેનો બાળપણનો મિત્ર પલાશ મિત્રા તેના આખા પરિવાર સાથે ફિલ્મ જોવા ગયો હતો, કારણ કે તે તેના મિત્રની વાર્તા હતી. 2025માં ZEE5 પર ‘ગણશત્રુ’ નામની એક વેબ સિરીઝ રિલીઝ થઈ હતી, જેના પાંચ એપિસોડમાં પાંચ કુખ્યાત ગુનેગારોની વાત હતી. આ સિરીઝનો પાંચમો એપિસોડ રુદ્રનીલ ઘોષ દ્વારા ભજવાયેલ હુબ્બા શ્યામલની સ્ટોરી કહે છે. IPS અધિકારી સુપ્રતિમ સરકારે 2020માં ‘અબાર ગોયેંદપીઠ’ નામનું પુસ્તક લખ્યું, જેનું પહેલું ચેપ્ટર ‘શ્યામલદા, ભાલો અચેન?’ (‘શ્યામલદા, તમે કેમ છો?’) હુબ્બા શ્યામલ વિશે છે. આ પુસ્તક વાંચ્યા પછી જ બ્રત્ય બાસુએ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.
Read Original Article →