40 હજારમાં આખું હેલિકોપ્ટર પડાવી લીધું!:પ્રેમિકાની હત્યા કરાવી, પછી સ્મશાનમાં તેની લાશ સાથે લગ્ન કર્યાં; ડી-ગેંગના ઠગ-નેતા રોમેશ શર્માની ક્રાઇમ કથા
20 માર્ચ, 1999
‘જય માતા દી’ ફાર્મ હાઉસ, સાઉથ દિલ્હી. 29 વર્ષીય કુંજુમ બુદ્ધિરાજા નામની બેહદ ખૂબસૂરત ફેશન ડિઝાઇનર પોતાના પર આવનારા જોખમથી તદ્દન અજાણ ફાર્મ હાઉસ પર પહોંચી. રોમેશ શર્મા નામના અત્યંત પામતા પહોંચતા માણસના ભાણેજ સુરેન્દ્ર મિશ્રાએ કુંજુમને ચૈત્રી નવરાત્રિની પૂજાનું બહાનું આપીને સવારે ફાર્મ હાઉસ પર બોલાવી. ફાર્મ હાઉસમાં માતાજીની પૂજાની તૈયારીઓ થઈ ચૂકી હતી. કુંજુમે સેન્ડલ ઉતારીને દુપટ્ટો માથા પર ચડાવ્યો અને આંખો બંધ કરીને માતાજીની સન્મુખ હાથ જોડીને ઊભી રહી. ત્યાં જ પહેલેથી જ છુપાઈને રાહ જોઈ રહેલા ભાડુતી હત્યારાઓ બહાર ધસી આવ્યા. કુંજુમના માથા પર એક કાચની બોટલ ફોડી. એક ચિત્કાર સાથે કુંજુમ ત્યાં જ ફસડાઈ પડી. એના માથા પરથી લોહીની ધાર વહેવા લાગી. હજુ તે મદદ માટે કોઈ પોકાર કરે તે પહેલાં તો હત્યારાઓએ ધારદાર છરા કાઢીને કુંજુમ પર આડેધડ વાર કરવા માંડ્યા. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. કુંજુમનું શરીર થોડીવાર માટે તરફડીને કાયમ માટે શાંત થઇ ગયું. હુમલાખોરો કુંજુમનું પર્સ અને તેનો મોબાઇલ ફોન લઇને ત્યાંથી નૌ દો ગ્યારહ થઈ ગયા. ***
રોમેશ શર્માઃ દાઉદનો રાઇટ હેન્ડ, પ્રોપર્ટી માફિયા, પોલિટિશિયન, હત્યારો
આજના ‘ખાખી કવર’માં વાત કરીએ રોમેશ શર્મા નામના એવા શાતિર ગુનેગારની જેની પહોંચ દિલ્હીના હાઇ લેવલના રાજકારણીઓથી લઇને દાઉદ ઇબ્રાહિમ સુધી હતી. ભલભલા મિસ્ટર નટવરલાલે પણ જેની પાસે ટ્યૂશન લેવાં પડે તેવા આ ખંધા ગુનેગારે એક એવિએશન કંપની પાસેથી આખેઆખું હેલિકોપ્ટર ચોરી લીધેલું! અહીં ઉપર જે યુવતીની હત્યાની વાત કરી તે રોમેશ શર્માની પ્રેમિકા હતી અને આ ફાર્મ હાઉસ પણ રોમેશનું જ હતું. હત્યા થઈ તે વખતે રોમેશ પોતે દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો. પરંતુ હત્યા પછીના દિવસે જે થયું તેની નોંધ આખા દેશના મીડિયાએ લેવી પડી. રોમેશ શર્માએ પોતાની પ્રેમિકાના મૃતદેહ સાથે સ્મશાનમાં લગ્ન કર્યાં! ***
સ્મશાનમાં જઇને પ્રેમિકાની લાશ સાથે લગ્ન કર્યાં! 21 માર્ચ 1999.
તિહાર જેલની ગાડીઓ સ્મશાનમાં એન્ટર થઈ. આ સ્મશાનમાં રાખેલા કોફિનમાં કુંજુમ બુદ્ધિરાજાની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી હતી. પોલીસની ગાડીઓના દરવાજા ખૂલ્યા અને ધડાધડ સો પોલીસકર્મીઓ ઊતર્યા. તેમની પાછળ બંને હાથમાં હાથકડી અને તેની સાથે દોરડું બાંધેલો એક કેદી યાને કે રોમેશ શર્મા નીચે ઊતર્યો. કોર્ટને અરજ કરીને એણે પોતાની પ્રેમિકાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે એણે સ્પેશિયલ પેરોલ મેળવી હતી. એની આંખો રડેલી અને મોઢું ઊતરેલું હતું. એણે કુંજુમના ઠંડા શરીર પર લાલ સાડી ઓઢાડી. તેના સેંથામાં સિંદૂર પૂર્યું. ત્યાં પહેલેથી હાજર એક ગોર મહારાજે લગ્નના મંત્રોચ્ચાર કર્યા. નિર્જીવ અવસ્થામાં સૂતેલી પોતાની પ્રેમિકાને રોમેશે છેલ્લીવાર મન ભરીને જોઈ અને તેને વિધિવત્ અગ્નિને હવાલે કરી દેવામાં આવી. આંખોમાંથી ચોધાર આંસુ વહાવતો રોમેશ શર્મા જાતે જ પોલીસની ગાડીમાં ગોઠવાઈ ગયો. આ પ્રેમ હતો કે આંખમાં ધૂળ નાખવાનું નાટક?
ભારતના ઇતિહાસમાં કદાચ આ પ્રકારની આ પહેલી લગ્નવિધિ હશે, જે સ્મશાનમાં એક લાશ સાથે સંપન્ન થઈ હશે. જેમાં ‘નવોઢા’ના સેંથામાં સિંદૂર પૂરનારો મુરતિયો તિહાર જેલમાં હત્યાની સજા કાપી રહ્યો હતો. દેશનો કોઈ કાયદો, કોઈ ધર્મ આ પ્રકારનાં લગ્નને માન્યતા આપતો નથી. પરંતુ રોમેશનો હેતુ ક્લિયર હતોઃ એ કુંજુમની માતા અને પરિવારજનોને એ બતાવી આપવા માગતો હતો કે એ કુંજુમને કેટલો પ્રેમ કરતો હતો. અલબત્ત, દિલ્હી પોલીસ આ શાતિર મહાઠગની ચાલબાજી સમજતી હતી. એમને ખબર હતી કે આ એનું નિર્દોષતા સાબિત કરવાનું એક નાટક માત્ર હતું. ત્રણ દિવસ પછી રોમેશ શર્માનો ભાણેજ સુરેન્દ્ર શર્મા અમદાવાદથી પકડાયો. એણે પોલીસ સમક્ષ કબૂલ્યું કે જેલમાં બેઠેલા રોમેશ શર્માના કહેવાથી જ એણે કુંજુમની હત્યા કરાવી હતી. પરંતુ શા માટે? અને કોણ હતો આ શાતિર ઠગ રોમેશ શર્મા? આવો જાણીએ. ફૂટપાથ પર રૂમાલ વેચનારો મુંબઈ અન્ડરવર્લ્ડમાં ડોન બની ગયો
આ સ્ટોરીની શરૂઆત થાય છે ઉત્તર પ્રદેશના ફૂલપુર પાસે આવેલા અગ્રસેન નગરથી. એક સાધારણ પરિવારમાં જન્મેલો રોમેશ ચિક્કાર પૈસા કમાવાનું અને વૈભવી લાઇફ જીવવાનું સપનું આંખમાં આંજીને દિલ્હી આવ્યો. જુવાનીના ઉંબરે પગ મૂકનારા રોમેશે દિલ્હીના સદર બજારમાં ફૂટપાથ પર રૂમાલ વેચ્યા. પરંતુ આમાં એને પોતાનું કોઈ ભવિષ્ય ન દેખાયું. એટલે એણે મુંબઈની વાટ પકડી. 1972માં રોમેશ મુંબઈ આવ્યો. મુંબઈમાં ત્યારે ‘ભાઈલોગોં’નો ઉદય થવામાં હતો. એ મુંબઇના એ વખતના સૌથી પાવરફુલ માફિયા ડોન વરદરાજન મુદલિયાર ઉર્ફે ‘વર્દાભાઈ’ની ગેંગમાં સામેલ થઈ ગયો. થોડા સમયમાં જ એ વર્દાભાઈનો ખાસ માણસ બની ગયો. વર્દાભાઈની નિશ્રામાં જ રહીને એણે બીજાની પ્રોપર્ટી હડપતાં, નકલી દસ્તાવેજો બનાવતાં અને કોઇને મારવા-કિડનેપ કરવા કે કોન્ટ્રાક્ટ કિલિંગ કરવા જેવા ગુનાખોરીની ટેક્સ્ટબુકના બધા જ પાઠ બરાબર શીખી લીધા. વરદરાજન ગયો તો દાઉદ, છોટા શકીલ, અબુ સાલેમનો ખાસ બની ગયો
મુંબઈના અંડરવર્લ્ડમાં વરદરાજનનો સૂર્યાસ્ત થયો તે પછી દાઉદ ઇબ્રાહિમનો સૂર્ય ઊંચે જવા માંડ્યો. બદલાતા પવનની દિશા પારખીને રોમેશ શર્માએ દાઉદની ગેંગમાં ઘૂસ મારી. રોમેશે દાઉદ જ નહીં, તેના ભાઈઓ નૂરા, અનીસ અને પછી અબુ સાલેમ અને છોટા શકીલ સુધીના બધા જ કુખ્યાત માફિયાઓની નજદીકી કેળવી લીધી. 1986માં જ્યારે દાઉદ હજ કરીને પાછો મુંબઈ આવ્યો ત્યારે એરપોર્ટ પર તેનું સ્વાગત કરનારાઓમાં રોમેશ પણ હતો. ઘોંચમાં પડેલી પ્રોપર્ટી ખરીદો, અને પચાવી પાડો
મુંબઇમાં એનું ગુનાખોરીનું મોડેલ સિમ્પલ હતુંઃ ઘોંચમાં પડેલી પ્રોપર્ટી શોધો, બેમાંથી એક પાર્ટીને સમજાવીને કે ધમકાવીને તેનો હિસ્સો ખરીદી લો, અંડરવર્લ્ડનો ડર બતાવીને બીજી પાર્ટીને તે પ્રોપર્ટીમાંથી કાઢી મૂકો અને આખી પ્રોપર્ટી હડપી લો. 1980માં વર્દાભાઈની મદદથી એણે દરિયા કિનારે આવેલી ફેમસ ‘સન એન્ડ સેન્ડ હોટેલ’ની પાસે આવેલી વિશાળ જમીન માત્ર 21 લાખ રૂપિયા આપીને ‘ખરીદી’ હતી. આજે તે જમીનની કિંમત હજારો કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ રીતે રોમેશ શર્માએ બાંદ્રા, ચર્ચગેટ, જુહુ જેવા પ્રીમિયમ વિસ્તારોમાં ડઝનબંધ પ્રોપર્ટીઓ પોતાના નામે કરી લીધી. દિલ્હીમાં નેતાનો અંચળો, અપરાધીનો આત્મા
એક સમય આવ્યો જ્યારે રોમેશ શર્માને સમજાયું કે મુંબઈમાં લુખ્ખી ગુંડાગીરી કરવા કરતાં રાજકારણી બનવામાં વધુ પાવર મળે છે. નેતાઓ સુધીની પહોંચ હોય તો ભલભલી પોલીસ પણ સલામ ઠોકે છે. અને નેતાગીરીનું સેન્ટર હતું દિલ્હી. એટલે રોમેશે મુંબઈમાં ચિક્કાર પૈસા-પ્રોપર્ટી બનાવ્યા પછી દિલ્હીની વાટ પકડી. ચરણ સિંહથી મેનકા ગાંધી, દરેકની પાર્ટીમાં ઘૂસ્યો રોમેશ શર્મા
જે માણસ અંડરવર્લ્ડના ખૂંખાર ડોનની ગેંગમાં ઘૂસીને તેમની નજીક પહોંચી શકતો હોય તેને દિલ્હીના નેતાઓનાં સર્કલમાં ઘૂસ મારવામાં શું પ્રોબ્લેમ નડે! થોડા સમયમાં જ એણે એક પછી એક રાજકારણીઓ અને તેમની પાર્ટીઓમાં પગપેસારો કરવા માંડ્યો. ચૌધરી ચરણ સિંહની લોક દળ, મેનકા ગાંધીની ‘રાષ્ટ્રીય સંજય મંચ-કોંગ્રેસ’ બધે ઠેકાણે પોતાની જગ્યા બનાવી લીધી. આખરે પોતે પોતાની અલાયદી ‘ઓલ ઇન્ડિયા ભારતીય કોંગ્રેસ પાર્ટી’ (AIBCP) બનાવી. દિલ્હીના મહાદેવ રોડ વિસ્તારમાં એણે પોતાની શાનદાર પાર્ટી ઑફિસ પણ બનાવી. હવે રોમેશ શર્માએ પોતાનો હુલિયો પણ એક પ્રોફેશનલ નેતાને છાજે એવો કરી નાખ્યો હતો. ખાદીના કુરતા-પાયજામા, માથે ગાંધી ટોપી, કપાળે તિલક, કોલ્હાપુરી ચપ્પલ કે મોજડી જેવાં જૂતાં. બહારથી દેખાવ રીઢા રાજકારણીનો, જ્યારે અંદર ખબબદતો ખૂંખાર અપરાધીનો આત્મા. એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના ઘરે પણ આવ-જા કરતો!
CBIના તત્કાલીન ડાયરેક્ટર ટી. એન. મિશ્રાએ નોંધ્યું છે કે તેમણે પોતે રોમેશને કેટલાય મસમોટા નેતાઓ સાથે અને એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના ઘરે જોયો હતો. આ જ કારણ હતું કે દોઢ દાયકા સુધી કોઈ રોમેશ શર્માને આંગળી અડાડવાની હિંમત પણ કરી શક્યું નહીં. 40 હજારમાં આખેઆખું હેલિકોપ્ટર ખરીદી લીધું!
1996માં રોમેશ શર્માએ ફૂલપુર લોકસભા સીટ (ઉત્તર પ્રદેશ)થી લોકસભાની ચૂંટણી લડી. ચૂંટણીના પ્રચાર માટે મુંબઈની ‘પુષ્પક એવિએશન’ કંપનીના માલિક એચ. સુરેશ રાવ પાસેથી એક હેલિકોપ્ટર ભાડે લીધું. અહીં એણે ચાલાકી કરી. ચૂંટણી પંચને ઓછામાં ઓછો ખર્ચ બતાવી શકાય તે માટે એણે સુરેશ રાવને પ્રેશરાઇઝ કરીને એક ડોક્યુમેન્ટ પર લખાવી લીધું કે એમણે રોમેશ શર્માને આ હેલિકોપ્ટર વેચ્યું છે, માત્ર 40 હજાર રૂપિયામાં! હેલિકોપ્ટર પચાવી પાડ્યું, ને ફાર્મ હાઉસમાં પાર્ક કર્યું
ચૂંટણીનું પરિણામ આવ્યું. રોમેશ શર્મા બહુ ખરાબ રીતે ચૂંટણી હારી ગયો. સુરેશ રાવે પોતાનું હેલિકોપ્ટર પાછું માગ્યું તો રોમેશ શર્માએ નફ્ફટાઈથી હેલિકોપ્ટર પરત આપવાની ના પાડી દીધી. એટલું જ નહીં, એણે હેલિકોપ્ટરના અમુક પાર્ટ તોડાવી, એક ટ્રકમાં નખાવીને પોતાના છત્તરપુરમાં આવેલા ફાર્મ હાઉસમાં ‘પાર્ક’ કરી દીધું. રાવે આ વાતનો વિરોધ કર્યો તો તેને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો અને મારી નાખવાની ધમકી આપીને ભગાડી મૂક્યો. 2500 કરોડની પ્રોપર્ટીનો માલિક બન્યો
એ પછી દિલ્હીમાં પણ એણે પોતાનો મુંબઈવાળો ઓરિજિનલ ખેલ ચાલુ કર્યો, પ્રોપર્ટી હડપવાનો. એણે મેફેર ગાર્ડન, પંચશીલ પાર્ક, હૌઝ ખાસ જેવા વિસ્તારોમાં એક પછી એક પ્રોપર્ટી કબ્જે કરવા માંડી. CBIના ઇન્વેસ્ટિગેશન પ્રમાણે એ વખતે રોમેશ શર્માની સંપત્તિ અંદાજે 2,500 કરોડ રૂપિયા જેટલી થવા જતી હતી! કુંજુમની એન્ટ્રીઃ લવ, સેક્સ અને સિક્રેટનું કોમ્બિનેશન
આ બધાની સમાંતરે પર્સનલ લાઇફમાં રોમેશ શર્માની એક લવ સ્ટોરી પણ ચાલતી હતી. કુંજુમ બુદ્ધિરાજા નામની 29 વર્ષીય સુંદર ફેશન ડિઝાઇનર સાથે એનો પ્રેમસંબંધ પાંગર્યો હતો. રોમેશે કુંજુમના પરિવારને સાઉથ દિલ્હીમાં એક બંગલો પણ અપાવ્યો હતો. લાખો રૂપિયા કેશ, સોના-ચાંદીના દાગીના, લાખો રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ અને બિઝનેસમાં પાર્ટનરશિપ… કુંજુમ રોમેશ શર્માની જિંદગીનો એક મહત્ત્વનો હિસ્સો બની ગઈ હતી. બંને લિવઇનમાં પણ રહેતાં હતાં. એટલું જ નહીં, કુંજુમ રોમેશના બિઝનેસમાં પણ પાર્ટનર બની ચૂકી હતી. આખરે 1998માં રોમેશ શર્માના પાપનો ઘડો ફૂટ્યો. બેનામી સંપત્તિઓના કેસમાં CBI (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ રોમેશ શર્માની ધરપકડ કરી અને તિહાર જેલમાં નાખ્યો. આ ધરપકડથી કુંજુમ ભાંગી પડી. બંને વચ્ચે તિહાર જેલમાંથી પત્ર-વ્યવહાર ચાલતો રહ્યો. બંને એકબીજાને લાગણીથી નીતરતા પ્રેમપત્રો લખતાં. એક પ્રેમપત્રમાં કુંજુમે લખેલુંઃ ‘ડિયર, મને પારાવાર દુઃખ છે કે હું અહીં બહાર આઝાદ છું અને છતાં તમારા માટે કશું કરી શકું તેમ નથી. તમારી હિંમત અને અચીવમેન્ટ પર મને ગર્વ છે. હું દુનિયાની સૌથી ભાગ્યશાળી છોકરી છું કે મને તમારા જેવા લાઇફ પાર્ટનર મળ્યા..’ અમુક લેટર્સમાં કુંજુમ રોમેશ શર્માને સંજય દત્ત જેવો હેન્ડસમ કહેતી હતી. અફ કોર્સ, પ્રેમ આંધળો હોય છે! પોતાનાં તમામ સિક્રેટ જાણતી પ્રેમિકાને પતાવી નાખી
પરંતુ જેલમાં બેઠાં બેઠાં રોમેશ શર્માનું શેતાની દિમાગ બીજી દિશામાં કામ કરી રહ્યું હતું. ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઓના કહેવા પ્રમાણે કુંજુમ પાસે રોમેશ શર્માનાં તમામ બિઝનેસ સિક્રેટ હતાં. એની તમામ બેનામી સંપત્તિઓની રજેરજની માહિતી કુંજુમ પાસે હતી. જો પોતાને કંઈ થઈ જાય અથવા કુંજુમની દાઢ સળકે તો તેની તમામ સંપત્તિ કુંજુમના હાથમાં આવી જાય. એટલે ફેબ્રુઆરી, 1999માં એણે તિહારમાંથી પોતાના ભાણેજ સુરેન્દ્ર મિશ્રાને મેસેજ મોકલ્યોઃ ‘એલિમિનેટ કુંજુમ’ (‘કુંજુમનો કાંટો કાઢી નાખો’). માથા પર બોટલ ફોડી, ધડાધડ ચપ્પુના વાર થયા
20 માર્ચ, 1999ના રોજ સુરેન્દ્ર મિશ્રાએ કુંજુમ બુદ્ધિરાજાને ચૈત્રી નવરાત્રિની પૂજાના બહાનાથી ‘જય માતા દી’ ફાર્મ હાઉસમાં બોલાવી. તેના દોઢ મહિના પહેલાંથી જ એણે ચાર ભાડુતી હત્યારાને ત્યાં રાખ્યા હતા. હત્યાના દિવસે એણે અગાઉથી ફાર્મહાઉસના કર્મચારીઓને કહી રાખેલું કે ‘કુંજુમ મેડમ પૂજા કરવા આવવાનાં છે, સાફ-સફાઈ કરી રાખો.’ થોડીવાર પછી ફાર્મ હાઉસની બે સફાઈ કર્મચારીને પૂજાની સામગ્રી લેવાના બહાને બહાર મોકલી દેવાઈ. સવારે સાડા અગિયાર વાગ્યે કુંજુમ ફાર્મહાઉસમાં આવેલા માતાજીના મંદિરમાં પહોંચી. દીવો પ્રગટાવ્યો. માથે દુપટ્ટો ઓઢ્યો અને આંખો બંધ કરીને માતાજીને પ્રાર્થના કરવા લાગી. ત્યાં જ પાછળથી હત્યારાઓએ એના માથા પર કાચની બોટલ ફટકારી દીધી. એનું આખું શરીર ચપ્પુના વારથી પીંખી નાખ્યું. ત્યારબાદ હત્યારાઓ કુંજુમની હેન્ડબેગ અને મોબાઇલ ઉઠાવીને ભાગી ગયા. ખાસ્સા સમય પછી પોલીસ ફાર્મ હાઉસ પર પહોંચી ત્યારે ત્યાં જામી ગયેલા લોહીના ખાબોચિયામાં પડેલી કુંજુમની લાશ સિવાય કશું નહોતું. પ્રેમિકા કુંજુમનો વાંક એટલો જ કે તે બધું જ જાણતી હતી
બીજા દિવસે કુંજુમના અંતિમ સંસ્કારમાં રોમેશ શર્મા પેરોલ લઇને સ્મશાને પહોંચ્યો અને તેના મૃતદેહ સાથે લગ્ન કરવાનું નાટક કર્યું. સાઉથ દિલ્હીના તત્કાલીન DCP (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) પી. કે. શ્રીવાસ્તવે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘કુંજુમ રોમેશ વિશે બધું જ જાણતી હતી. આ માહિતી જ એના જીવની દુશ્મન બની ગઈ.’ ‘સાહેબ, એક ફાર્મ હાઉસમાં આખેઆખું હેલિકોપ્ટર પાર્ક થયેલું છે!’
રોમેશ ઘણા સમયથી CBIના રડારમાં હતો. ભૂતપૂર્વ IPS ઑફિસર નીરજ કુમાર પોતાના પુસ્તક ‘ડાયલ ડી ફોર ડોન’માં લખેલે છે કે 1998ના ઉનાળામાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની પત્રકાર સુપર્ણા શર્માએ નીરજ કુમારને માહિતી આપેલી કે દિલ્હીના છત્તરપુર વિસ્તારના એક ફાર્મહાઉસમાં એક સાચુકલું હેલિકોપ્ટર પાર્ક થયેલું છે. CBIની જાળમાં રોમેશ અબુ સાલેમ સાથે વાત કરતો પકડાયો
તપાસ શરૂ થઈ. હેલિકોપ્ટરનો નંબર ‘VT-EAP’ હતો. એરપોર્ટ ઓથોરિટીના કાર્ડમાં તેની કિંમત હતી માત્ર 40 હજાર રૂપિયા! જેટલી કિંમતમાં એક સેકન્ડ હેન્ડ કાર પણ ન આવે, તેટલામાં આખેઆખું હેલિકોપ્ટર! દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર ઇશ્વર સિંહે રોમેશેના ફોન ટેપ કરવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી વાતચીત સાંભળીને તેઓ પણ આંચકો ખાઈ ગયાઃ રોમેશ શર્મા ગેંગસ્ટર અબુ સાલેમ સાથે વાતો કરતો હતો! દાઉદના આ ખાસ માણસને રોમેશ સાઉથ દિલ્હીની એક પ્રોપર્ટી હડપવા માટે ધમકીના ફોન કરવાની વાત કરી રહ્યો હતો. આ રેકોર્ડિંગ CBIના ડાયરેક્ટર ટી. એન. મિશ્રાને સંભળાવવામાં આવ્યું. રોમેશ શર્મા પર ગાળિયો કસવાની મંજૂરી મળી ગઈ. આખરે રોમેશ શર્મા પાંજરે પુરાયો
20 ઓક્ટોબર 1998
નક્કી થયેલી યોજના પ્રમાણે હેલિકોપ્ટરના મૂળ માલિક એચ. સુરેશ રાવને રોમેશ શર્માના ઘરે જઇને હેલિકોપ્ટર પાછું માગવાનું હતું. સુરેશ રાવ અંદર ગયા. જેની અપેક્ષા હતી એવું જ થયું. થોડી મિનિટો બાદ રોમેશ શર્મા રાવને બોચીએથી પકડીને એમને ઘસડતો ઘસડતો બહાર લાવ્યો. પોતાની કારમાં ધકેલ્યો અને ત્યાંથી હંકારી ગયો. SPની ગાડી તેની પાછળ જ હતી. બંગલામાંથી ગુપ્ત દરવાજા અને ખૂફિયા રસ્તા મળ્યા
જેવી ગાડી ગઈ કે તરત જ DIG નીરજ કુમાર CBI અને પોલીસકર્મીઓના કાફલા સાથે રોમેશના બંગલામાં ઘુસ્યા. બંગલામાંથી મળી મોંઘાદાટ વિદેશી દારૂની બોટલો, પ્રાણીઓની સાચુકલી ચામડીઓ, ગાદલાં નીચે સંતાડેલાં જથ્થાબંધ પ્રોપર્ટીઓના દસ્તાવેજો, એક આખું જિમ્નેશિયમ અને ગુપ્ત દરવાજા તથા બંગલામાંથી ભાગી છૂટવાના ખૂફિયા રસ્તા… રોમેશની તૈયારી જોઇને પોલીસ પણ બે ઘડી ચોંકી ગઈ. પોલીસ હજી બંગલામાં ઇન્વેસ્ટિગેટ કરી રહી હતી ત્યારે રોમેશ અચાનક પાછો આવી ગયો. એણે પોતાના બંગલામાં પોલીસને જોઇને પોતાનો રોફ જમાવવાની કોશિશ કરી. ઊંચા અવાજે એણે પોલીસને ધમકાવવાનું શરૂ કર્યું, ત્યાં જ નીરજ કુમારે એને કચકચાવીને એક લાફો માર્યો. થપ્પડ એવી જબરદસ્ત હતી કે સુકલકડી રોમેશ જમીન પર ફસડાઈ પડ્યો. હવે રોમેશ શર્માનો ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. દિલ્હીના હૌઝ ખાસ પોલીસ સ્ટેશનમાં એની સામે FIR નોંધવામાં આવી અને પોલીસે એને બાકાયદા અરેસ્ટ કર્યો. તપાસમાં ખજાનાનાં રહસ્યો ખૂલ્યાં
રોમેશની પાસે મર્સિડિઝ, BMW, ઑડી સહિત એક ડઝનથી પણ વધુ લક્ઝુરિયસ ગાડીઓનો કાફલો, એક બેલ હેલિકોપ્ટર, મુંબઈ અને દિલ્હીમાં ડઝનબંધ પ્રોપર્ટીઓ… આ બધાનો સરવાળો અઢી હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે થવા જતો હતો. સાહેબોને ‘ખુશ’ કરવા માટેની છોકરીઓ પુરાયેલી મળી આવી
પોલીસે જ્યારે તેની પ્રોપર્ટીઓ પર દરોડા પાડ્યા ત્યારે વધુ શૉકિંગ તથ્યો સામે આવ્યાં. અમુક પ્રોપર્ટીઓમાંથી તો પૂરી રખાયેલી યુવતીઓ મળી, જેને નેતાઓ અને અધિકારીઓને ‘ખુશ’ કરવા માટે સેક્સ-સ્લેવ તરીકે પૂરી રાખવામાં આવી હતી. CBIએ કેટલીયે પીડિત મહિલાઓને શોધવાનો પ્રયાસ કર્યો, પણ રોમેશનો ખોફ એવો હતો કે કોઈ ફરિયાદ કરવા આગળ આવ્યું નહીં. ઇન્ટરોગેશનમાં એક મોટી રાજકીય પાર્ટીના સિનિયર નેતા અને દાઉદના રાઇટ હેન્ડ ગણાતા છોટા શકીલ વચ્ચેની વાતચીતનો તાગ પણ મળ્યો. રોમેશ એ બંને વચ્ચેના નેક્સસને જોડતી કડી હતો. 1993માં એન. એન. વોહરા કમિટીએ રોમેશ અને તેના નેક્સસને દેશની લોકશાહી માટે બહુ મોટો ખતરો ગણાવ્યો હતો. બેહિસાબ ગુના, પરંતુ અદાલતમાં શું થયું?
હેલિકોપ્ટર કેસમાં રોમેશ શર્માને 14 વર્ષની સજા થઈ. 1998થી 2011 સુધી એ દિલ્હીની તિહાર જેલમાં કેદ રહ્યો. ઑક્ટોબર 2011માં દિલ્હી હાઇકોર્ટે એને જામીન પર છોડી મૂક્યો. કુંજુમ બુદ્ધિરાજા હત્યાકેસમાં 15 ફેબ્રુઆરી 2008ના રોજ ટ્રાયલ કોર્ટે રોમેશ શર્મા, તેના ભાણેજ સુરેન્દ્ર મિશ્રા અને અન્ય ચાર ભાડુતી હત્યારાઓને IPCની કલમ 302 તથા અન્ય કલમો હેઠળ દોષી જાહેર કર્યા અને તમામને આજીવન કારાવાસની સજા ફટકારી. રોમેશને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારાયો. અલબત્ત, સરકારી વકીલે તો રોમેશ માટે મૃત્યુદંડની માગ કરી હતી, જે કોર્ટે માન્ય રાખી નહીં. અને કોર્ટે ગેંગસ્ટર રોમેશ શર્માને છોડી મૂક્યો!
પરંતુ દોઢ વર્ષ પછી 16 ડિસેમ્બર 2009ના રોજ દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેંચે રોમેશ શર્મા અને એક ભાડુતી હત્યારાને નિર્દોષ છોડી મૂક્યા. કોર્ટે નોંધ્યું કે, ‘રોમેશ અને કુંજુમ એકબીજાના પ્રેમમાં હતાં એ વાત સાચી, પણ પ્રોસેક્યુશન એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે રોમેશે તિહાર જેલમાં બેઠાં બેઠાં કુંજુમની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.’ તેના ભાણેજ સુરેન્દ્ર મિશ્રા અને અન્ય ત્રણ હત્યારાઓની આજીવન કેદની સજા બરકરાર રહી. યાને કે કુંજુમને ન્યાય મળ્યો નહીં. દાઉદ આજે પાકિસ્તાનમાં બેઠો બેઠો જલસા કરી રહ્યો છે. અબુ સાલેમને 2005માં પોર્ટુગલથી ભારત લાવવામાં આવ્યો અને 2017માં એને 25 વર્ષની કેદ થઈ, જે આજે પણ ચાલુ છે. આજે પણ જલસા કરે છે રોમેશ શર્મા
રોમેશ શર્માનો આજે મોટાભાગના કેસોમાંથી છૂટકારો થઈ ગયો છે અને સાઉથ દિલ્હીના પોતાના લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં નિરાંતની જિંદગી જીવી રહ્યો છે. એણે જે પરિવારોની સંપત્તિઓ હડપી લીધી એ લોકોએ અંડરવર્લ્ડનો ડર, ધીમો ન્યાય અને રાજકીય મિલીભગતથી ચુપ્પી સાધી લીધી છે. એણે પચાવી પાડેલી સંપત્તિ આજે પણ રોમેશ શર્માના જ કબ્જામાં છે. જે કુંજુમ બુદ્ધિરાજાએ રોમેશ શર્માને દિલોજાનથી પ્રેમ કર્યો હતો અને જેના વિશ્વાસઘાતથી તેની હત્યા થઈ તે રોમેશને તેના પાપની સજા ક્યારેય મળી નહીં.
Read Original Article →