પ્રમોદ મહાજનને તેના જ ભાઇએ ગોળીએ દીધા:સંપત્તિ વિવાદ કે આડાસંબંધો, આ BJP નેતાનો કોણે ભોગ લીધો? ભાઇની ‘અશ્લીલ’, ‘વિસ્ફોટક’ જુબાનીમાં શું છે?

DvB Original4/12/2026, 12:30:00 AM
પ્રમોદ મહાજનને તેના જ ભાઇએ ગોળીએ દીધા:સંપત્તિ વિવાદ કે આડાસંબંધો, આ BJP નેતાનો કોણે ભોગ લીધો? ભાઇની ‘અશ્લીલ’, ‘વિસ્ફોટક’ જુબાનીમાં શું છે?
22 એપ્રિલ, 2006. શનિવાર. સવારના લગભગ 7:30 વાગ્યા હતા. પ્રમોદ મહાજન મુંબઈના વરલી વિસ્તારમાં આવેલી પૂર્ણા બિલ્ડિંગના પંદરમા માળે એક આલીશાન ફ્લેટમાં અખબાર વાંચતાં બેધ્યાન બેઠા હતા. ભારતની સૌથી મોટી પાર્ટી BJP પાછળનું બ્રેઇન, દેશને ડિજિટલ યુગમાં લઈ જવા માટે તૈયાર અને પોલિટિકલ ચર્ચાઓમાં જેમનું નામ આગામી પ્રધાનમંત્રી તરીકે ગંભીરતાથી ચર્ચાતું હતું તે પ્રમોદ મહાજન અત્યારે એક સામાન્ય સદગૃહસ્થની જેમ શાંતિથી બેઠા હતા. ત્યાં જ તેમના ઘરની ઘંટડી વાગી. ઘરનોકરે દરવાજો ખોલ્યો. દરવાજા પર તેમનો નાનો ભાઈ પ્રવીણ મહાજન ઊભો હતો. પ્રવીણ અંદર આવ્યો. પ્રમોદે તેને સોફા પર બેસાડ્યો. ચા ઑફર થઈ. પ્રવીણે શાંતિથી ચા પીધી. બંને ભાઈ કંઇક વાતો કરતા રહ્યા. પ્રમોદ મહાજન પર બંદૂકમાંથી ધડાધડ ચાર ગોળીઓ છૂટી અને ત્યાં જ… એક અવાજ આવ્યો. આ અવાજ બંદૂકમાંથી વછૂટેલી ગોળીનો હતો. એક પછી બીજી, ત્રીજી અને ચોથી ગોળી ધડાધડ છૂટી. પ્રવીણ મહાજનની બંદૂકમાંથી વછૂટેલી ગોળીઓએ પ્રમોદ મહાજનને કશું રિએક્ટ કરવાનો સમય ન આપ્યો. છૂટેલી ચાર ગોળીમાંથી એક લીવરમાં, એક સ્વાદુપિંડમાં અને ત્રીજી પેટમાં આંતરડાંના ભાગને ચીરીને નીકળી ગઈ હતી. ચોથી ગોળી છૂટે તે પહેલાં ઘરની અંદર ગોળીબારનો અવાજ સાંભળીને બીજા રૂમમાં રહેલી પ્રમોદ મહાજનની પત્ની રેખા દોડતી આવી. એણે જોયું તો તેના પગ તળેથી જમીન ખસકી ગઈ. તેના પતિ લોહીલુહાણ પડ્યા હતા અને પ્રવીણ ચોથી ગોળી છોડવાની તૈયારીમાં હતો. રેખા દોડીને પ્રમોદ અને બંદૂકની વચ્ચે આવી ગઈ, એ ઝપાઝપીમાં ચોથી ગોળી પ્રમોદને મિસ કરીને ઘરમાં ક્યાંક બીજે ફંટાઈ ગઈ. ‘મેં એવો કયો ગુનો કર્યો, કે પ્રવીણે મને ગોળી મારી?’ પ્રમોદ મહાજનની પત્ની રેખાએ પાછળથી કોર્ટમાં આપેલી જુબાની પ્રમાણે તેણે પ્રમોદનું માથું પોતાના ખોળામાં લીધું ત્યારે પ્રમોદ ભાનમાં હતા અને એમણે મોબાઇલથી સ્પીડ ડાયલમાં રહેલો પોતાના બનેવી અને રાજકારણી ગોપીનાથ મુંડેને કૉલ કર્યો. મુંડે અને પ્રમોદ મહાજન ત્યારે વરલીમાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ફોન પર પ્રમોદ મહાજને મરાઠીમાં તૂટતા અવાજમાં એક જ સવાલ કર્યો, ‘મેં એવો કયો ગુનો કર્યો હતો કે પ્રવીણે મને ગોળી મારી?’ *** ભારતના ભાવિ PMનો અકાળે અંત થયો આજના ‘ખાખી કવર’માં વાત કરીએ ભાજપના ઓરિજિનલ ચાણક્ય કહેવાતા પ્રમોદ મહાજનની હત્યા વિશે, જેને આવતા મહિને એક્ઝેક્ટ વીસ વર્ષ પૂરાં થાય છે. આજથી બે દાયકા પહેલાંના ભાજપના સૌથી તેજસ્વી નેતા તરીકે જેમની ગણના થતી હતી તેવા પ્રમોદ મહાજન પોતાના જ સગા ભાઈના હાથે અકાળે અવસાન પામ્યા. પ્રવીણે તેમની હત્યા શા માટે કરી તેના એક્ઝેક્ટ જવાબોના નામે આજે પણ આપણી પાસે માત્ર થિયરીઓ જ છે. પરંતુ પ્રમોદ મહાજનનો ઉદય, ઉજ્જ્વળ પ્રગતિ અને અકાળે અસ્ત થવાની સ્ટોરી કોઈ થ્રિલર ફિલ્મથી કમ નથી. *** ‘મારું માન્યું નહીં, હવે પરિણામ ભોગવો’ પોતાના મા જણ્યા સગા મોટા ભાઈ પર ધડાધડ ચાર ગોળીઓ છોડીને પ્રવીણ મહાજન ત્યાંથી નીકળી ગયો. જતાં જતાં એણે મોટાભાઈની પત્ની રેખા મહાજન તરફ ફરીને કહ્યું, ‘તમે મારી વાત ન માની, હવે પરિણામ ભોગવો.’ આ કોઈ ગુસ્સામાં આંધળા બનેલા અને ક્રાઇમ ઑફ પેશન કરી બેઠેલા માણસના શબ્દો નહોતા, બલકે પહેલાં ચેતવણી આપીને પછી પોતાના કૃત્યને અંજામ આપનારા કોલ્ડ બ્લડેડ મર્ડરરના શબ્દો હતા. *** ‘મેં પ્રમોદ મહાજનને ગોળી મારી દીધી છે’ પ્રમોદ મહાજન પર ગોળીબાર થયાની પંદર મિનિટ પછી, એટલે કે 7:45 વાગ્યે એક માણસ નજીકના વરલી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો. એના ચહેરા પર એકદમ શાંતિ હતી. કહો કે મુર્દા ખામોશી હતી. અંદર પ્રવેશીને એણે ડ્યુટી પર હાજર પોલીસ ઑફિસર સમક્ષ બે હાથ હવામાં ઊંચા કરીને પોતાની સેમિઑટોમેટિક બ્રાઉનિંગ હાઈ પાવર પિસ્તોલ બતાવી અને કહ્યું, ‘મારું નામ પ્રવીણ મહાજન છે. મેં મારા ભાઈ પ્રમોદ મહાજનને ગોળી મારી દીધી છે.’ કોઈ હો-હલ્લા, વકીલનો તામઝામ કે હાઈ પ્રોફાઇલ વ્યક્તિ હોવાનો ડોળ કર્યા વિના ઠંડા કલેજે કહેવાયેલા આ શબ્દોથી ત્યાં હાજર પોલીસ અધિકારીઓ ધ્રુજી ઊઠ્યા. હિન્દુજા હોસ્પિટલમાં જીવન-મૃત્યુ વચ્ચેના અગિયાર દિવસો પ્રમોદ મહાજનનો પોતાને ગોળી વાગ્યાનો કૉલ આવતાં જ તેમના બનેવી ગોપીનાથ મુંડે દોડતા આવ્યા. લોહીના ખાબોચિયામાં પડેલા પ્રમોદને જોઇને ગોપીનાથ મુંડેને સમજાઈ ગયું કે એમ્બ્યુલન્સની રાહ જોવી જીવલેણ બની શકે તેમ છે. તેમણે ફટાફટ અન્ય માણસોની મદદથી પ્રમોદને ઉપાડ્યા અને પોતાની કારમાં માહિમની હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. પ્રમોદ મહાજનનાં લિવર, આંતરડાં, પેન્ક્રિયાસ ફાટી ગયાં હતાં ઇમર્જન્સીમાં પ્રમોદ મહાજનને ઑપરેશન થિયેટરમાં લેવામાં આવ્યા. એમના શરીરમાં ઘૂસી ગયેલી ગોળીઓ કાઢવા અને ઇન્ટર્નલ બ્લીડિંગ બંધ કરવા માટેની સર્જરી ચાર કલાક ચાલી. એમનું ચોથા ભાગનું લિવર નાશ પામ્યું હતું. લિવર શરીરનું એવું અંગ છે જેમાંથી ભરચક લોહી પસાર થાય છે. કોઇપણ ક્ષણે શરીરમાં રહેલા કુલ લોહીનો 13% હિસ્સો લિવરમાં જ હોય છે. એટલે લિવરમાંથી ગોળી વગેરેના ઘાથી લોહી વહેવું શરૂ થાય એટલે તેને બંધ કરવું અતિશય મુશ્કેલ હોય છે. તેની અડખે-પડખે આવેલાં સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) અને આંતરડાં પણ ગોળીના ઘાને લીધે ફાટી ગયાં હતાં. પ્રમોદ મહાજનની હાલત અત્યંત ક્રિટિકલ હતી. ગોળીઓના ઘામાંથી શરીરને રિકવર થવામાં અતિશય કષ્ટ પડી રહ્યું હતું. તેમને ICU-વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં. ‘પ્રમોદ મહાજન ક્રિટિકલ, બટ સ્ટેબલ’ પ્રમોદ મહાજન રાજ્યસભાના સાંસદ હતા; ભાજપના જનરલ સેક્રેટરી હતા; મહારાષ્ટ્ર, ગોવા અને ઉત્તરાખંડ (તે વખતે ઉત્તરાંચલ)માં ભાજપ સંગઠનની જવાબદારી એમના શિરે હતી. એટલે ભાજપના ટોચના નેતાઓ, કેન્દ્રિય મંત્રીઓ, મુખ્યમંત્રી તમામ હાઈ-પ્રોફાઇલ લોકો હિન્દુજા હોસ્પિટલે ધસી આવ્યા. હોસ્પિટલની બહાર ચેનલોનાં ધાડાં ઊમટી પડ્યાં. ટીવી ચેનલો પર સતત બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થતા રહ્યાઃ ‘પ્રમોદ મહાજન ક્રિટિકલ, બટ સ્ટેબલ’ (પ્રમોદ મહાજનની હાલત ગંભીર, પરંતુ સ્થિર છે). એક પછી એક દિવસો પસાર થતા ગયા. પ્રમોદની હાલતમાં સુધાર ન થતાં લંડનથી એક લિવર સ્પેશિયાલિસ્ટને બોલાવવામાં આવ્યા. તબીબોએ આકાશ-પાતાળ એક કરી નાખ્યાં. જ્યારે લિવર ફેલ થાય છે, ત્યારે કિડની પણ દગો દેવા માંડે છે, જેની અસર શરીરનાં બાકીનાં અંગો પર થવા માંડે છે. 1 મે, 2006નો દિવસ આવ્યો. પ્રમોદ મહાજનનાં શરીરનાં મહત્ત્વનાં અંગોની સક્રિયતા ઓછી થવા માંડી. હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવતાં હેલ્થ બુલેટિનમાંથી ‘સ્ટેબલ’ શબ્દ ગાયબ થઈ ગયો અને ‘ક્રિટિકલ’માંથી ‘વેરી ક્રિટિકલ’ પર આવી ગયા. ‘પ્રમોદ મહાજન ઇઝ નો મોર’ તેના 48 કલાક પછી 3 મે, 2006ના રોજ સાંજે 4:10 વાગ્યે જાહેર કરવામાં આવ્યું, ‘પ્રમોદ મહાજન ઇઝ નો મોર.’ ગોળીઓએ કરેલાં નુકસાનને કારણે થયેલાં મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરથી પ્રમોદ મહાજનનું મૃત્યુ થયું હતું. તે વખતે પ્રમોદ મહાજનની ઉંમર હતી માત્ર 56 વર્ષ. તેમની હત્યા કરનારો એમનો ભાઈ પ્રમોદ કરતાં 11 વર્ષ નાનો હતો. પ્રમોદ મહાજનના અવસાન પર ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કેઃ ‘દેશે એક કુશળ ઓર્ગેનાઇઝર, એક શક્તિશાળી વક્તા અને યુવાનોના ગતિશીલ પ્રતિનિધિ ગુમાવ્યા છે.’ દાદરના શિવાજી પાર્ક મેદાનમાં પ્રમોદ મહાજનના વિધિવત્ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ એ જ ગ્રાઉન્ડ હતું જ્યાં પ્રમોદ મહાજને ભાજપ માટે અનેક વિશાળ રેલીઓનું આયોજન કર્યું હતું. સાયન્સ, પત્રકારત્વ, રાજ્યશાસ્ત્રઃ બહુમુખી પ્રતિભા પ્રમોદ મહાજન પ્રમોદ વેંકટેશ મહાજન. જન્મ 30 ઓક્ટોબર, 1949. મહબૂબનગર, તેલંગણા. સ્કૂલ ટીચરના ઘરે જન્મેલા પ્રમોદ બાળપણમાં જ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈ ગયા હતા. તેઓ પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરના હતા. તેમણે ભૌતિકશાસ્ત્રમાં બીએસસી, પત્રકારત્વમાં ડિપ્લોમા અને પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. અભ્યાસમાં પ્રમોદ હંમેશાં તેજસ્વી વિદ્યાર્થી રહ્યા હતા. તેમણે બાળપણથી જ RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની શાખાઓમાં જવાનું શરૂ કર્યું. પછી તેઓ ‘તરુણ ભારત’માં સબ-એડિટર બન્યા. તેમણે 1971 થી 1974 સુધી અંબાજોગાઈમાં અંગ્રેજી શીખવ્યું. અને પછી, 1974 માં તેમણે એક એવો નિર્ણય લીધો જેણે તેમનું જીવન બદલી નાખ્યું. તેઓ RSS ફુલ ટાઇમ પ્રચારક બની ગયા. ઇમર્જન્સી આવી ને ઇન્દિરા ગાંધીએ જેલમાં પૂર્યા 1975નું વર્ષ હતું. ઇન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટી લાદી. RSS પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સંઘના પ્રચારક તરીકે 25 વર્ષના પ્રમોદ મહાજનની ધરપકડ કરીને તેમને નાસિક સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા. પરંતુ દેશના સંખ્યાબંધ નેતાઓની બાબતમાં થાય છે તેવું જ પ્રમોદ મહાજનની બાબતમાં પણ થયું. જેલની કાળમીંઢ દીવાલો માણસને કેદ કરી શકે, તેના વિચારોને નહીં. પ્રમોદ મહાજને જેલમાં બેઠાં બેઠાં જ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. 1997માં જ્યારે કટોકટી ઉઠાવી લેવાઈ ત્યારે પ્રમોદ મહાજન એક અડીખમ નેતા તરીકે ઊભરી આવ્યા. અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રાના શિલ્પી 1980માં ‘જનસંઘ’માંથી ‘ભાજપ’ની સ્થાપના થઈ. પ્રમોદ તેના એક ઉભરતા સ્ટાર બન્યા. 1990માં લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા નીકળી, જેનું તમામ માઇક્રોમેનેજમેન્ટ પ્રમોદ મહાજને સફળતાપૂર્વક કરી બતાવ્યું. પ્રમોદ મહાજને અડવાણી માટે એક વિશાળ એર કન્ડિશન્ડ રથ તૈયાર કરાવ્યો, જે વાહન કમ સભાનું સંચાલન કરવા માટેનું સ્ટેજ કમ પ્રમોશનલ વ્હિકલ હતું. એકદમ મિનિટ ટુ મિનિટ ડિટેલિંગ સાથેની પ્રેસ રિલીઝ જારી કરતા રહ્યા. આ સાથે દેશના દરેક ખૂણામાં લાલકૃષ્ણ અડવાણીને નેશનલ લીડર તરીકે પ્રસ્થાપિત કર્યા. લાખો લોકોના ખિસ્સામાં મોબાઈલ ફોન મૂકનાર વ્યક્તિ 2001માં અટલ બિહારી વાજપેયી સરકારે તેમને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય આપ્યું. અને ત્યાંથી ભારતનું પરિવર્તન થયું. મોબાઇલ કનેક્શન સસ્તાં થયાં. નવી ટેલિફોન નીતિઓ રજૂ કરવામાં આવી. SMS ઝુંબેશ શરૂ થઈ. એક એવા દેશમાં જ્યાં ફોન રાખવો એ એક લક્ઝરી બાબત હતી, પ્રમોદ મહાજને તેને જરૂરિયાત બનાવી દીધી. ‘પ્રમોદ મહાજન વિના ભાજપ સરકાર બનાવી જ ન શકે’ તેઓ એક બાજુ મુંબઈના ઉદ્યોગપતિઓ સાથે ભંડોળ માટે વાટાઘાટો કરતા અને બીજી બાજુ એક અસંતુષ્ટ સાંસદને મંત્રી પદની ઓફર કરતા. દિલ્હીનાં પોલિટિકલ સર્કલ્સમાં ચર્ચાવા લાગ્યું કે, ‘પ્રમોદ મહાજન વિના ભાજપ માટે સરકાર બનાવવી અશક્ય છે.’ એપ્રિલ 2006 સુધીમાં, દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે પ્રમોદ મહાજન આગામી વડા પ્રધાન પદ માટે મુખ્ય દાવેદાર હતા. પક્ષનું વૃદ્ધ નેતૃત્વ પીછેહઠ કરી રહ્યું હતું. અને મહાજન ત્યારે ફક્ત 56 વર્ષના હતા. પ્રવીણઃ જે નાના ભાઈને દીકરો માન્યો, તે પોતાને પાલતુ કૂતરો સમજતો હતો! હવે વાત કરીએ પ્રવીણ મહાજનની. પ્રમોદ કરતા 11 વર્ષ નાના. આ બંને ભાઇઓના પિતાનું અવસાન થયું ત્યારે પ્રમોદની ઉંમર હતી 21 વર્ષ અને પ્રવીણની ઉંમર હતી માત્ર 10 વર્ષ. પિતા ગયા તે ક્ષણથી જ પ્રમોદે પ્રવીણના મોટાભાઈની નહીં, બલકે પિતાની ભૂમિકા ભજવવી શરૂ કરી દીધી. મોટા થઇને પ્રવીણે મુંબઈમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો, પણ નસીબ તેના પક્ષમાં નહોતું. જમીનના કેટલાક સોદામાં ઊંધું વાગ્યું અને તેમના પર દેવું વધી ગયું. ધીમે ધીમે સ્થિતિ એવી આવી ગઈ કે પ્રવીણ, તેની પત્ની સારંગી અને બંને જોડિયાં બાળકો કપિલ અને વૈશાલી-એમ પ્રવીણનો આખો પરિવાર સંપૂર્ણપણે પ્રમોદ મહાજન પર નિર્ભર થઈ ગયો. પ્રમોદ દર મહિને 75 હજાર રૂપિયા મોકલતા હતા. તે દિવસોમાં એક મધ્યમ વર્ગના પરિવાર માટે તે ખૂબ મોટી રકમ હતી, પણ તે 'પગાર' નહોતો. તે 'ભથ્થું' હતું. એક મોટા ભાઈએ તેના નાના ભાઈને આપેલી ‘પોકેટમની’ હતી. 40 વર્ષની ઉંમરના એક માણસને આ પૈસા દરરરોજ યાદ અપાવતા હતા કે તે પોતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ નથી. સગા ભાઇને મળવા માટે પણ અપોઇન્ટમેન્ટ લેવી પડે? પ્રવીણની પત્ની સારંગી મહાજને પાછળથી ‘મેટ્રોનોમ’ નામના મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહેલું: ‘ધીમે ધીમે અમને ખ્યાલ આવવા લાગ્યો કે અમે તેમના (પ્રમોદ મહાજન) અને તેમના પરિવારની સમકક્ષ નથી. પ્રવીણને તેમના ભાઈને મળવું હોય તો પણ તેમના પીએ પાસેથી અપોઇન્ટમેન્ટ લઇને સમય લેવો પડતો હતો. ઘણી વાર તો ફોનનો જવાબ પણ મળતો નહોતો.’ પ્રવીણ માટે આ બધું પોતાના સ્વમાન પર વાગતા ઊંડા ઘા જેવું હતું. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન એક વાક્ય પ્રકાશમાં આવ્યું જેણે બધાને હચમચાવી દીધા. પ્રવીણને લાગવા માંડ્યું કે પ્રમોદે તેને ‘પાલતુ કૂતરાની જેમ’ ઉછેર્યો છે: તેને ખવડાવ્યો છે, રાખ્યો છે, પરંતુ ક્યારેય તેની સાથે સમાન વર્તન નથી કર્યું. છેલ્લો SMS: ‘હવે યુદ્ધ થશે, કાં તો વિજય અથવા વિનાશ’ 15 એપ્રિલ, 2006 ના રોજ, યાને કે ગોળીબારના બરાબર સાત દિવસ પહેલાં પ્રવીણે એક SMS મોકલ્યો. તેમાં હિન્દીમાં લખ્યું હતું: ‘પ્રતના (પ્રમોદ), હવે કોઈ આજીજી નહીં, કોઈ ભીખ નહીં. હવે યુદ્ધ થશે, કાં તો વિજય, અથવા વિનાશ.’ આ સાથે પ્રવીણે માગ કરી કે તેનું માસિક ભથ્થું 75 હજાર રૂપિયાથી વધારીને સીધું 1 કરોડ રૂપિયા કરી દેવામાં આવે. પ્રમોદે ના પાડી. અને તે ઇનકારની કિંમત સાત દિવસ પછી મળી. પોતે ખરીદી આપેલી પિસ્તોલથી જ પ્રમોદ મરાયા આ આખી વાર્તાને વધુ દુ:ખદ બનાવતી એક હકીકત એ છે કે પ્રવીણે જે બેલ્જિયન બ્રાઉનિંગ 32-બોર પિસ્તોલથી પોતાના ભાઈ પર ગોળી ચલાવી હતી તે ગોપીનાથ મુંડે, પ્રમોદના બનેવીએ જ તેને 1996માં લાઇસન્સ લઇને અપાવી હતી. તે પહેલાં પોલીસે પ્રવીણની ગન લાઇસન્સ આપવા માટે ઇનકાર કરી દીધો હતો, અને ગોપીનાથ મુંડેએ પોતાનો પ્રભાવ વાપરીને પ્રવીણને પિસ્તોલ અપાવી હતી. આનો અર્થ એ થયો કે ખુદ ગોપીનાથ મુંડેએ પોતાના સાળાને મારવા માટેનું હથિયાર ઉપલબ્ધ કરાવી આપ્યું હતું. શું બંને ભાઈ વચ્ચેના ઝઘડાનું કારણ સારંગી મહાજન હતી? સારંગીનું સિક્રેટ. આ સમગ્ર કેસમાં એક પાસું એવું છે જેની ખુલ્લેઆમ ચર્ચા થતી નથી. સારંગી મહાજન, પ્રવીણની પત્નીને કોલેજના એક કાર્યક્રમમાં જોયા પછી પ્રમોદે પોતે પ્રવીણ માટે પસંદ કરી હતી. આનો અર્થ એ થયો કે પ્રવીણની પત્ની પણ તેના મોટા ભાઈની ‘પસંદગી’ હતી. વર્ષોથી લોકો એક વાત કહેતા હતા: જ્યારે પણ સારંગીને મદદની જરૂર પડે ત્યારે તે પ્રવીણ પાસે નહીં, પણ પ્રમોદ પાસે જતી. પ્રવીણના ઘરે પ્રમોદની વારંવારની મુલાકાત પ્રમોદનાં પત્ની રેખા મહાજનને વિચિત્ર લાગતી હતી. પ્રમોદ-સારંગી ભાઈ-ભાભી વચ્ચે અફેર હતું? ‘ઓપન’ ન્યૂઝ મેગેઝિને એક અહેવાલમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ‘સૂત્રો કહે છે કે બંને ભાઈઓ વચ્ચેના આ કડવા ઝઘડાનું કેન્દ્ર સારંગી હતી. એવું પણ કહેવાય છે કે પ્રવીણે ગોળીબાર કર્યો હતો કારણ કે તેને તેની પત્ની અને પ્રમોદ વચ્ચે અફેર હોવાની શંકા હતી. આ બધી અટકળો છે, પરંતુ પોલીસને આ દિશામાં વધુ તપાસ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.’ એ પણ નોંધનીય છે કે પ્રમોદ મહાજન જ્યારે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હતા, ત્યારે સારંગી પ્રમોદને મળવા માગતી હતી, પરંતુ બંને ભાઈઓની માતા પ્રભાવતીએ તેને રોકી હતી. બંધ બારણે અપાયેલી સ્ફોટક જુબાની, જે 2027 સુધી ખૂલશે નહીં 30 ઓક્ટોબર, 2007ના રોજ પ્રવીણ મહાજન કોર્ટમાં જુબાની આપવા માટે ઉભા થયા. તેમણે શરૂઆત એમ કહીને કરી કે અન્ય સાક્ષીઓએ ખોટું બોલ્યું છે. ત્યારે સરકારી વકીલ ઉજ્જવલ નિકમે દરમિયાનગીરી કરી. તેમણે પ્રવીણની જુબાનીને ‘અશ્લીલ અને વિસ્ફોટક’ ગણાવી અને તેને ઇન-કેમેરા રેકોર્ડ કરવાની માગ કરી. ન્યાયાધીશ એસ. પી. દાવરે સંમત થયા. કોર્ટરૂમ ખાલી થઈ ગયો. પ્રવીણે બંધ દરવાજા પાછળ કોર્ટને શું કહ્યું તે આજ સુધી બહાર આવ્યું નથી. પ્રવીણ મહાજનની તે જુબાની 2027 સુધી RTI પ્રતિબંધો હેઠળ સીલબંધ છે. કલ્પના કરો એક ખૂનીએ કોર્ટમાં એવું શું કહ્યું હશે જેને આજદિન સુધી દેશની સમક્ષ આવવા દેવાયું નથી? હત્યા થઈ, પણ કારણ બહાર ન આવ્યું મુંબઈ સેશન્સ કોર્ટ. જજ એસ. પી. દાવરે. 32 સાક્ષીઓ. ફરિયાદી પક્ષ: ઉજ્જવલ નિકમ, જે પાછળથી 26/11ના મુંબઈ પરના હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસીના માંચડે પહોંચાડવાના હતા. નિકમે કોર્ટમાં રજૂ કરેલી થિયરી સિમ્પલ હતીઃ પૈસાનો લોભ અને હીનતાની ભાવના. પ્રવીણે પૈસા માગ્યા, પ્રમોદે ના પાડી, અને પ્રવીણ ભાંગી પડ્યો. બચાવ પક્ષના વકીલ હર્ષદ પોંદાએ દલીલ કરી હતી કે આ ગોળીબાર 'અકસ્માત' હતો, 'ઈરાદાપૂર્વક' નહોતો. પરંતુ રેખા મહાજનની જુબાનીએ બધું ઊંધું કરી દીધું. ‘જેવી હું બેડરૂમમાં ગઈ, મને ડ્રોઈંગ રૂમમાંથી ‘ફટ્’ જેવો અવાજ સંભળાયો.’ આ અવાજ ગોળીબારનો હતો. અલબત્ત, તે ફિલ્મોમાં સાંભળવા મળે છે તેવો નહોતો, કારણ કે .32-કેલિબરની બ્રાઉનિંગ પિસ્તોલનો અવાજ એટલો ધીમો હોય છે કે તમને તે કોઈ બુલેટ મોટરસાઇકલના સાયલેન્સરમાંથી આવતા અવાજ જેવો જ લાગી શકે. જ્યારે પ્રમોદની દીકરી પૂનમ મહાજન સાક્ષીના કઠઘરામાં આવી ત્યારે તેણે સામે ઊભેલા પ્રવીણ તરફ ઇશારો કરીને કહ્યું, ‘આ માણસે મારા પિતાની હત્યા કરી છે, અને હું ન્યાય માગવા આવી છું.’ પ્રવીણ મહાજનને આજીવન કેદની સજા થઈ 17 ડિસેમ્બર 2007ના રોજ પ્રવીણ મહાજનને કોર્ટે ઇન્ડિયન પીનલ કોડની કલમ 302 હેઠળ હત્યાના આરોપમાં દોષિત જાહેર કર્યા. પરંતુ ન્યાયાધીશ દાવરેએ ફરિયાદ પક્ષની પૈસાના લોભ માટે થયેલી હત્યાના મોટિવની થિયરીને ફગાવી દીધી. કોર્ટે સ્વીકાર્યું કે આ હત્યા ઇરાદાપૂર્વક થઈ હતી, પણ રજૂ કરાયેલા પુરાવા પરથી કોર્ટ હત્યાનો અસલી મોટિવ નક્કી કરવામાં અસમર્થ છે. આનો અર્થ સ્પષ્ટ છે: પ્રમોદ મહાજનની હત્યા પાછળનો કાયદેસર રીતે સ્થાપિત 'હેતુ' આજે પણ એક મોટો ક્વેશ્ચન માર્ક છે. ફરિયાદ પક્ષે મૃત્યુદંડની માગણી કરી. ન્યાયાધીશે તેને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટની દલીલ આ હતી: ‘આ કોઈ 'રેરેસ્ટ ઑફ ધ રેર' કિસ્સો નથી.’ જેલમાંથી પ્રવીણે સ્ફોટક પુસ્તક લખ્યું, ને હોબાળો થયો નાસિક સેન્ટ્રલ જેલ, એ જ જગ્યા જ્યાં ત્રણ દાયકા પહેલાં કટોકટી દરમિયાન યુવાન પ્રમોદ મહાજનને કેદ કરવામાં આવ્યા હતા. હવે, તેનો ખૂની ભાઈ પ્રવીણ એ જ જેલના સળિયા પાછળ હતો. જેલમાં રહ્યે રહ્યે પ્રવીણે એક મરાઠી પુસ્તક લખ્યુંઃ ‘માઝા આલ્બમ’ (મારું આલબમ). દોઢસો પાનાંનું આ પુસ્તક ઑગસ્ટ, 2009માં પ્રકાશિત થયું અને માર્કેટમાં આવ્યાના પહેલા જ દિવસે તેની 3,500 નકલો વેચાઈ ગઈ, તે પણ કોઈ સત્તાવાર લોકાર્પણ વિના. આ પુસ્તકમાં પ્રવીણે પ્રમોદના કથિત અફેરનું વર્ણન કર્યું હતું, તેમના પર રાજકીય અપ્રમાણિકતાનો આરોપ લગાવ્યો હતો, અને ગોપીનાથ મુંડે વિશે સનસનાટીભર્યા દાવા પણ કર્યા હતા. આનાથી મહાજન પરિવાર અને ભાજપમાં હોબાળો મચી ગયો. પ્રમોદના ભાઈ પ્રકાશ મહાજને એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને દરેક દાવાને ખોટો ગણાવ્યો. પૂનમ મહાજને પણ પુસ્તકને ‘પાયાવિહોણું’ ગણાવ્યું. પ્રવીણ પેરોલ પર બહાર આવ્યો અને ક્યારેય પાછો ફર્યો નહીં નવેમ્બર 2009માં પ્રવીણને તેની પત્ની સારંગીની બીમારીને કારણે 14 દિવસના પેરોલ આપવાવામાં આવ્યા. આ પેરોલ દરમિયાન તેણે એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો. પત્રકારે પૂછ્યું, ‘શું તમે તમારા ભાઈને મારી નાખ્યા?’ પ્રવીણનો જવાબ હતો: ‘મૈંને પ્રમોદ કો નહીં મારા. યે બસ હો ગયા. ઔર જો હુઆ વો 15 મિનટ મેં હો ગયા.’ પછી તેણે કહ્યું, ‘પ્રમોદ જન્મજાત પ્રતિભાશાળી હતો. બીજો કોઈ પ્રમોદ હોઈ શકે નહીં. પરંતુ ખલીલ જિબ્રાને કહ્યું તેમ જેની હત્યા થાય છે તે પણ તેના માટે જવાબદાર હોય છે.’ 11 ડિસેમ્બર, 2009 ના રોજ તેના પેરોલની મુદત પૂરી થવાના એક દિવસ પહેલાં પ્રવીણને અચાનક માથાનો દુખાવો, ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગયો. તેને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પ્રવીણને બ્રેઇન હેમરેજ થયું, 83 દિવસ કોમામાં રહ્યો ડૉક્ટરોએ નિદાન કર્યું કે પ્રવીણ મહાજનને બ્રેઇન હેમરેજ થયું છે. તેમના માથામાં બ્લડ ક્લોટ જામી ગયો છે અને તે કોમામાં જતા રહ્યા છે. સતત 83 દિવસ સુધી પ્રવીણ મહાજન કોમામાં રહ્યો. 3 માર્ચ, 2010ના રોજ પ્રવીણ મહાજનનું પણ મલ્ટિપલ ઑર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું. પરિવારમાંથી કોઈ પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજર નહોતું. તેમની બહેન, ભાભી, ભત્રીજી કે ભત્રીજો રાહુલ નહીં. ફક્ત તેમના વચલા ભાઈ પ્રકાશ જ હાજર રહ્યા. એક તરફ પ્રમોદના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં હજારો લોકોની હાજરીમાં કરવામાં આવ્યા હતા, બીજી તરફ પ્રવીણ એકલો હતો, હોસ્પિટલના બિછાનાથી લઇને ચિતા સુધી. તેના પરિવાર દ્વારા તેને ત્યજી દેવામાં આવ્યો હતો. ‘મારા પિતાની હત્યા એક મોટું ષડ્યંત્ર હતું’ આ ટ્રેજિક ઘટનાક્રમનાં 18 વર્ષ પછી નવેમ્બર 2024માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજન એક મરાઠી ન્યૂઝ ચેનલ પર દેખાઈ અને એવું સ્ફોટક નિવેદન આપ્યું જેણે ફરી નવેસરથી એક રાજકીય ભૂકંપ સર્જ્યો. પૂનમ મહાજન બોલીઃ ‘મારા પિતાની હત્યા એક મોટા ષડયંત્રનો ભાગ હતી. તે ગોળીબાર ફક્ત એક માણસના ગુસ્સાનું પરિણામ નહોતું. તે બંદૂક, ગોળી મારા પિતાના પૈસે ખરીદાઈ હતી, હત્યારાના કપડાં પણ મારા પિતાએ જ પૂરાં પાડ્યાં હશે, પરંતુ આ બધા પાછળ કોઈ બીજું હતું, જે તેને અંજામ આપી રહ્યું હતું.’ તેણે આગળ કહ્યુંઃ ‘બંને ભાઈઓ વચ્ચે કોઈ ઝઘડો નહોતો. જ્યારે એક આપે છે અને બીજો લે છે, ત્યારે કોઈ ઝઘડો નથી હોતો. પરંતુ પ્રમોદ મહાજનની રાજકીય સફરને રોકવા માટે એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું.’ પૂનમે એમ પણ કહ્યું કે તે ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને નવેસરથી તપાસની માગ કરશે. પૂનમના આરોપો પર ભૂતપૂર્વ મંત્રી એકનાથ ખડસેએ કહ્યું: ‘જો પૂનમ મહાજન આવું કહી રહી છે, તો સરકારે તેની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.’ ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું: ‘જો તેમની પાસે પુરાવા હોય, તો તેમણે સરકારને આપવા જોઈએ અને તેની તપાસ કરવામાં આવશે." પરંતુ પૂનમના દાવાઓને કોઈ દસ્તાવેજો, સાક્ષીઓ કે પુરાવાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. જ્યારે આ નિવેદનો બહાર આવ્યાં ત્યારે તે પોતાની લોકસભા બેઠક ગુમાવી ચૂકી હતી કારણ કે ભાજપે પૂનમના સ્થાને તેના પિતાનો કેસ લડનારા વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપી હતી, જે હારી ગયા હતા. પ્રકાશ મહાજનઃ હંમેશાં એકલો રહેલો ત્રીજો ભાઈ શું છુપાવે છે? બંનેના 'વચ્ચેના' ભાઈ અને મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના નેતા પ્રકાશ મહાજને નવેમ્બર 2024 માં કહ્યું હતું: ‘જો આ કોઈ ષડ્યંત્ર છે, તો તે પરિવાર માટે મોટું નુકસાન છે. ભાજપ સરકારે સત્ય શોધવું જોઈએ. આની પાછળ જે કોઈ પણ હશે, હું તેમને છોડીશ નહીં.’ પરંતુ તેમણે એ પણ સ્વીકાર્યું કે પ્રવીણે ‘ઈર્ષ્યા અને નાણાકીય વિવાદ’માં આ કૃત્ય કર્યું હતું. તેમણે કહ્યું કે તેમાં અન્ય એક વ્યક્તિ પણ સામેલ હતી, પરંતુ તેઓ ‘કાનૂની કારણોસર’ તેનું નામ આપી શકશે નહીં. સારંગી મહાજનઃ હજુ પણ યુદ્ધ ચાલુ જ છે પ્રવીણની પત્ની સારંગી મહાજન, આજે થાણેમાં રહે છે. તેમનાં જોડિયાં બાળકો કપિલ અને વૈશાલી મોટાં થઈ ગયાં છે. પરંતુ તેમનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી. સારંગી જાન્યુઆરી 2025માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યાં અને એક નવો આરોપ લગાવ્યો બીડ જિલ્લામાં તેમની 3.5 કરોડ રૂપિયાની જમીન ધનંજય મુંડે અને પંકજા મુંડેના માણસોએ માત્ર 21 લાખ રૂપિયામાં હડપ કરી લીધી. સારંગીનો આરોપ હતો કે, ‘મને ધમકી આપીને પરલી બોલાવવામાં આવી અને કોરા કાગળો પર સહી કરવાની ફરજ પાડવામાં આવી. મને કહેવામાં આવ્યું, કે જ્યાં સુધી તું સહી નહીં કરે ત્યાં સુધી હું તને જવા નહીં દઉં. આના ત્રણ દિવસમાં જ જમીન ટ્રાન્સફર થઈ ગઈ.’ તેણે અંબાજોગાઈ જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તે મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અજિત પવારને પણ મળ્યા, જેમણે ન્યાયની ખાતરી આપી હતી. અત્યારે હવે અજિત પવાર પણ હયાત નથી, ત્રણ મહિના પહેલાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. પ્રમોદપુત્ર રાહુલ મહાજનઃ દીવા તળે અંધારું પ્રમોદ મહાજનનો પુત્ર રાહુલ મહાજન એક સમયે બિગ બોસ અને રિયાલિટી શો ‘રાહુલ દુલ્હનિયા લે જાયેગા’માં દેખાયો હતો. તેણે ભાજપમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નીતિન ગડકરીએ તેમને રોકી દીધો હતો. 2009માં પણ તેને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આજે તે પબ્લિક લાઇફથી ક્યાંય દૂર છે. શું 2027માં પ્રવીણ મહાજનની સ્ફોટક ફાઇલ ખૂલશે? 30 ઑક્ટોબર 2007ના રોજ કોર્ટમાં ઇન કેમેરા રેકોર્ડ થયેલી પ્રવીણ મહાજનની સ્ફોટક જુબાની આવતા વર્ષ સુધી સીલબંધ રહેવાની છે. જેને સરકારે ‘અશ્લીલ’ અને ‘વિસ્ફોટક’ ગણાવી હતી, શું તે દુનિયાની સામે આવશે? આ ગુપ્તતા ઘણા સવાલો ઊભા કરે છેઃ જેમ કે, શું પ્રવીણના આક્ષેપ પ્રમાણે પ્રમોદ અને સારંગી વચ્ચે ખરેખર કોઈ સંબંધ હતો ખરો? શું કોઈ ત્રીજી વ્યક્તિએ પ્રવીણનો ઉપયોગ કર્યો હતો? પ્રમોદ મહાજનની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આ હત્યા કરાઈ હતી? કે પછી આ એક નિષ્ફળ ભાઈની હતાશા માત્ર હતી? જો આજે પ્રમોદ મહાજન જીવિત હોત તો… આ સવાલોના જવાબો આજે પણ વણઉકલ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આજે પણ એક વાક્ય બોલાય છે કે, ‘જો આજે પ્રમોદ મહાજન જીવિત હોત તો ભાજપનું ચિત્ર કંઇક જુદું જ હોત.’ પરંતુ જ્યાં સુધી પ્રવીણ મહાજનની ફાઇલ ખૂલશે નહીં ત્યાં સુધી પ્રમોદ મહાજનના છેલ્લા શબ્દો હવામાં તરતા રહેશેઃ ‘મેં શું ગુનો કર્યો હતો?’
Read Original Article →