બેવફા પત્નીના પ્રેમીને પતિએ ભડાકે દીધો:છતાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો, લોકોએ હીરો બનાવ્યો, નેહરુએ છોડી મૂક્યો, અક્ષય કુમારે તેના પર ફિલ્મ બનાવી

DvB Original5/3/2026, 12:30:00 AM
બેવફા પત્નીના પ્રેમીને પતિએ ભડાકે દીધો:છતાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો, લોકોએ હીરો બનાવ્યો, નેહરુએ છોડી મૂક્યો, અક્ષય કુમારે તેના પર ફિલ્મ બનાવી
27 એપ્રિલ, 1959 સાંજે 4:20 વાગ્યે, મુંબઈ મુંબઈના દરિયાકિનારા પર સૂરજ ડૂબવાને હજી થોડી વાર હતી. એકદમ પૉશ ગણાતા નેપિયન સી રોડ પાસેના ‘જીવન જ્યોત’ બિલ્ડિંગમાં એક નોર્મલ સાંજની જેમ જ રસોડામાં ચા ઊકળી રહી હતી. બારીમાંથી દરિયાનાં મોજાં દેખાઈ રહ્યાં હતાં, પડોશીઓ પોતપોતાની સાંજમાં વ્યસ્ત હતા. ત્યાં જ એક સફેદ એમ્બેસેડર કાર બિલ્ડિંગની બહાર આવી. છ ફૂટ ઊંચો એક અધિકારી બહાર નીકળ્યો, એકદમ સીધી ટટ્ટાર પીઠ, કોઇપણ જાતના હાવભાવ વિનાનો શાંત-ગંભીર ચહેરો અને હાથમાં બ્લુ કલરનું કવર. એ હતા કમાન્ડર કે. એમ. નાણાવટી. ભારતીય નૌકાદળનો એક ચમકતો સિતારો. પરંતુઆજે તે યુનિફોર્મમાં નહોતા, તેની છાતી પર કોઈ મેડલ નહોતો. આજે તે ફક્ત એક ભાંગી પડેલા, ડિપ્રેસ્ડ પતિ તરીકે આવ્યા હતા. ટુવાલ પહેરીને ફરતા પ્રેમીને ભડાકે દીધો તેઓ ઉપરના માળે લિફ્ટમાં ગયા. બેલ વગાડી. નોકર અંજનીએ દરવાજો ખોલ્યો. તેને કશું જ પૂછ્યા વિના, તેઓ સીધા બેડરૂમમાં પ્રવેશ્યા. બેડરૂમની અંદર પ્રેમ આહુજા નહાઈને બહાર નીકળ્યો હતો. પ્રેમ આહુજા એક શ્રીમંત 34 વર્ષીય સિંધી ઉદ્યોગપતિ હતો. કમરે ટુવાલ વીંટાળીને, અરીસા સામે વાળમાં કાંસકો ફેરવી રહેલા પ્રેમને આવનારા જોખમનો કોઈ જ અણસાર નહોતો. બંને વચ્ચે થોડા ગરમા ગરમ શબ્દોની આપ-લે થઈ. એ પછી થોડીક સેકન્ડનું મૌન પથરાયું. અને પછી ધડ... ધડ... ધડ. એક પછી એક ત્રણ ગોળીઓના અવાજથી તે લક્ઝુરિયસ ફ્લેટની દીવાલો ધ્રુજી ઊઠી. થોડી ક્ષણોમાં જ એ રૂમમાં એક લોહી નીંગળતી લાશ પડી હતી. *** એક કેસ ચાલ્યો ને દેશમાંથી જ્યુરી પ્રથા જ જતી રહી એ પછી મુંબઈની કોર્ટમાં એવો કેસ ચાલ્યો, જે ભારતીય ન્યાયિક વ્યવસ્થાને ધરમૂળથી બદલી નાખવાનો હતો. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ ભારતની અદાલતોમાંથી જ્યૂરી પ્રથાને કાયમ માટે દેશવટો આપી દેનારા લોહિયાળ અને અત્યંત ચર્ચાસ્પદ કિસ્સા ‘નાણાવટી કેસ’ની. કાવસ નાણાવટીઃ નખશિખ મિલિટરી મેન કે. એમ. નાણાવટી એટલે કે કાવસ માણેકશા નાણાવટીનો જન્મ 1 મે, 1922 ના રોજ એક પારસી પરિવારમાં થયો હતો. શિસ્ત તેમના લોહીમાં હતી. બ્રિટનની ડાર્ટમાઉથ નેવલ કોલેજમાં તાલીમ, બીજા વિશ્વયુદ્ધમાં સેવા અને પછી ભારતીય નૌકાદળમાં ઝડપથી ઊભરતી કારકિર્દી. તેઓ 1956 માં 34 વર્ષની ઉંમરે કમાન્ડર બન્યા, INS મૈસુરના સેકન્ડ-ઇન-કમાન્ડ હતા. કોઈ સામાન્ય સિદ્ધિ નહોતી. બ્રિટિશ મહિલા સાથે પ્રેમ થયો અને… ઇંગ્લેન્ડમાં ફરજ બજાવતી વખતે, તે પોર્ટ્સમાઉથની એક સુંદર, નાજુક બ્રિટિશ મહિલા સિલ્વિયા કિંગ સાથે તેની મુલાકાત થઈ. બંને પ્રેમમાં પડ્યાં, 1949માં લગ્ન કર્યાં. સિલ્વિયા ભારત આવી ગઈ અને બંને મુંબઈમાં સ્થાયી થયાં. કોઇને પણ અદેખાઈ આવે એવા આ દંપતીને ત્રણ બાળકો થયાં. બહારથી કોઇપણ વ્યક્તિ જુએ તો તેને એવું જ લાગે કે આનાથી પર્ફેક્ટ લાઇફ હોઈ જ ન શકે. હાઈ સોસાયટીની લાઇફ, નેવીમાં ઊંચા હોદ્દે બિરાજતો પતિ, સુંદર વિદેશી પત્ની, રૂપકડાં બાળકો, પાળેલો કૂતરો, નેવીનું આલિશાન ક્વાર્ટર, નોકર-ચાકર-ગાડીઓ… આઝાદી પછી જે સમયે મોટાભાગનું ભારત બે ટંક રોટલાં માટે તનતોડ મહેનત કરતું હતું, ત્યારે આ પરિવાર એક ડ્રીમ લાઇફ જીવી રહ્યો હતો. નૌકાદળની નોકરીમાં પત્ની એકલી પડી ગઈ પરંતુ નૌકાદળની નોકરીમાં થોડા ચેલેન્જિસ પણ હતા. કાવસને મહિનાઓ સુધી દરિયામાં ડિપ્લોયમેન્ટ માટે બહાર રહેવું પડતું. આ બાજુ સિલ્વિયા નાનકડાં બાળકો સાથે ઘરમાં એકલી રહેતી. મુંબઈ હજુ પણ તેના માટે અજાણ્યું હતું. આ એકલતામાં 1956 માં એન્ટ્રી થઈ પ્રેમ આહુજાની. એકલતામાં પત્ની અનૈતિક સંબંધમાં સરી પડી પ્રેમ, જેવું નામ એવું કામ. 34 વર્ષનો પૈસાદાર, કુંવારો અને દિલફેંક આશિક. નેપિયન સી રોડ પર એક બંગલો, મોંઘી કારો અને પાર્ટી કરવાનો શોખ. તેની બહેન મામી આહુજા મારફતે તેણે નાણાવટી પરિવાર સાથે મિત્રતા કરી. ચા, વાતચીત, સાંજની મુલાકાતો થવા લાગી. અને પછી જ્યારે નાણાવટી નૌકાદળમાં મધદરિયે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે સિલ્વિયા અને પ્રેમ વચ્ચે નિકટતા વધવા લાગી. એકલી યુવાન સ્ત્રી અને હેન્ડસમ યુવાન વચ્ચેની દોસ્તી, મૈત્રીથી આગળ વધીને અનૈતિક સંબંધોમાં પલટાઈ ગઈ. ‘મને તમારી પાસે આવતા કોઈ રોકી શકશે નહીં’ આ એક રાતની ભૂલ નહોતી. સતત ત્રણ વર્ષ સુધી આ સંબંધ ચાલતો રહ્યો. બંને વચ્ચે લવ લેટર્સની પણ આપ-લે થવા લાગી. સિલ્વિયાના પત્રો બંનેની રિલેશનશિપનું ઊંડાણ દર્શાવે છે. 24 મે, 1958 ના રોજ લખેલા પત્રમાં સિલ્વિયાએ લખ્યું, ‘જ્યારે તમે બીજા કોઈ સાથે લગ્ન કરવાની વાત કરી, ત્યારે મારી અંદર કંઈક તૂટી ગયું. હું તમને બીજા કોઈની નજીક જોઈ શકતી નથી.’ માર્ચ 1959 સુધીમાં તેણે નિર્ણય લઈ લીધો હતો. બીજા પત્રમાં સિલ્વિયાએ લખ્યું, ‘મને તમારી પાસે આવતા કંઈ રોકી શકશે નહીં.’ દેખીતી રીતે જ સિલ્વિયા પ્રેમ આહુજાના ગળાડૂબ પ્રેમમાં હતી. પણ પ્રેમ? શું તે પણ સિલ્વિયાને એટલો જ પ્રેમ કરતો હતો, કે પછી સિલ્વિયા તેના અગણિત ‘ટાઇમપાસ’માંની એક હતી? તે સોમવારે જ્યારે બધું બદલાઈ ગયું 27 એપ્રિલ, 1959. કાવસ નાણાવટી તે સવારે દરિયામાં પોતાના પોસ્ટિંગથી ઘરે પરત ફર્યા. ઘરમાં એક વિચિત્ર શાંતિ પથરાયેલી હતી. સિલ્વિયા જાણે કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં આવી હોય તે રીતે વર્તી રહી હતી. ‘તું હજુંયે મને પ્રેમ કરે છે, કે ત્રીજું કોઈ છે?’ તે દિવસે સવારે બંને પોતાના બીમાર કૂતરાને લઇને વેટરિનરી હોસ્પિટલ લઈ ગયા. પાછા ફરતી વખતે તેમણે પોતાનાં બાળકો માટે ‘મેટ્રો સિનેમા’માં ચાલી રહેલી ‘ટોમ થમ્બ’ નામની ફિલ્મની ટિકિટો ખરીદી. સાંજે તેઓ ઘરે પહોંચ્યાં. ડિનર પીરસાયું. નાણાવટીએ પ્રેમથી પત્નીના ખભે હાથ મૂક્યો. સિલ્વિયાએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ડિનર પછી તેઓ ડ્રોઇંગ રૂમમાં ગયાં. નાણાવટી તેમની પાછળ ગયા. થોડીવાર ચૂપ રહ્યા પછી તેણે કહ્યું, ‘સિલ્વિયા, મને લાગે છે કે આપણા સંબંધોમાં એક ગાંઠ આવી ગઈ છે, આપણે તેને ઊકેલવી પડશે. પણ પહેલાં મને એ જવાબ આપ કે શું તું હજીયે મને પ્રેમ કરે છે?’ સિલ્વિયા ચૂપ રહી. ‘શું આપણાં બંને વચ્ચે કોઈ ત્રીજું છે?’ આ સવાલના જવાબમાં પણ સિલ્વિયા ચૂપ રહી. ‘શું એ માણસ પ્રેમ આહુજા છે?’ આ વખતે સિલ્વિયાએ ધીમેથી માથું હલાવ્યું, ‘હા.’ ‘શું તું મારા પ્રત્યે વફાદાર રહી છો?’ નાણાવટીએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો. તેના આઘાત વચ્ચે સિલ્વિયાએ માથું હલાવ્યું, ‘ના’. ‘એ માણસ તમને ગોળી મારી દેશે’ બંનેનાં લગ્નમાં ક્યારેય ન પુરાય એવી તિરાડ આવી ગઈ હતી. આ સંવાદની આપ-લે પછીયે બંને વચ્ચે કોઈ ઝઘડો ન થયો. કાવસ નાણાવટીએ મનમાં કંઇક નક્કી કરી લીધું હતું. એણે માત્ર એટલું જ કહ્યું, ‘મારે પ્રેમ સાથે વાત કરીને આ વાતનો કાયમી ઊકેલ લાવવો પડશે.’ સિલ્વિયાએ એમને રોક્યા, ‘પ્લીઝ, તમે ત્યાં ન જાઓ. તે બહુ ખતરનાક માણસ છે. એ તમને ગોળી મારી શકે છે.’ સિલ્વિયાને ખબર નહોતી બહારથી કે શાંત દેખાતો એનો પતિ પણ અંદરથી ખતરનાક જ્વાળામુખી જેવો ખતરનાક હતો. છએ છ ગોળીઓ રિવોલ્વરમાં લોડ કરી અને… નાણાવટી બાળકોને મેટ્રો સિનેમા લઈ ગયા. પછી તે સીધા INS મૈસુરના શસ્ત્રાગારમાં ગયો. ત્યાં તેણે ખોટું બહાનું કાઢ્યું, ‘મારે રાત્રે એકલા અહમદનગર જવું પડશે. સલામતી માટે મને રિવોલ્વરની જરૂર છે.’ કેપ્ટને પરવાનગી આપી. હવે નાણાવટીના હાથમાં ‘સ્મિથ એન્ડ વેસન રિવોલ્વર’ હતી અને છ ગોળીઓ. નાણાવટીએ તાત્કાલિક છ એ છ ગોળી બંદૂકમાં લોડ કરી લીધી અને તેને એક બ્લુ કવરમાં મૂકી દીધી. પહેલાં તે પ્રેમ આહુજાની ઑફિસ ‘યુનિવર્સલ મોટર્સ’ ગયા, પણ પ્રેમ ત્યાં નહોતો. એ પછી નાણાવટી ‘જીવન જ્યોતિ બિલ્ડિંગ’માં ગયા અને થોડીવાર પછી બેડરૂમમાંથી ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરનો અવાજ સંભળાયો. બેડરૂમમાં પ્રેમ આહુજાની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી. ‘જે જે સ્ત્રીઓ સાથે સૂવાનો હોઉં, તેની સાથે લગ્ન થોડો કરવા બેસું?’ આહુજાના રૂમમાં એ સાંજે શું બન્યું તે ફક્ત નાણાવટી જ જાણતા હતા, કારણ કે બીજો સાક્ષી મૃત્યુ પામ્યો હતો. નાણાવટીનું નિવેદન હતુંઃ તેમણે કવર બાજુ પર મૂકીને પૂછ્યું: ‘શું તું સિલ્વિયા સાથે લગ્ન કરવાનો છો? મારાં બાળકોની જવાબદારી લઇશ?’ પ્રેમ આહુજાએ ખંધુ હસતાં કહ્યું, ‘હું જે જે સ્ત્રીઓ સાથે સૂવાનો હોઉં તેની સાથે લગ્ન કરવા થોડો બેસું?’ આ ઝપાઝપીમાં થયેલો ગોળીબાર હતો કે પછી? નાણાવટીના કહેવા મુજબ બંને વચ્ચે ઝપાઝપી થઈ. પ્રેમે તે કવરમાંથી રિવોલ્વર કાઢવા માટે હાથ લંબાવ્યો. પરંતુ નાણાવટીએ સ્ફૂર્તિથી રિવોલ્વર પોતાના હાથમાં લઇ લીધી. પ્રેમે તેનું કાંડું પકડી લીધું. આખરે રિવોલ્વરનું ટ્રિગર દબાયું, ગોળીબાર થયો. નાણાવટીએ કહ્યું કે કેટલી ગોળી ફાયર થઈ, તેની તેને ખબર નથી, પરંતુ ગોળીબાર એણે સ્વબચાવ માટે કર્યો હતો. પરંતુ પુરાવા કંઈક અલગ જ સ્ટોરી કહેતા હતા. પ્રેમ આહુજાનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો. ટુવાલ હજુ પણ તેની કમરની આસપાસ લપેટાયેલો હતો. તેનાં ચશ્માં આંખો પર જ હતાં. કોઈ તૂટેલી વસ્તુ નહોતી. કોઈ ઝપાઝપીનાં નિશાન નહોતાં, ફ્લોર પર લોહી નહોતું. પ્રેમ આહુજાના શરીરમાંથી એક ગોળી મળી આવી હતી. તો બાકીની બે ગોળીઓ ક્યાં ગઈ? અને જો બંને વચ્ચે કોઈ અથડામણ થઈ હોત, તો એક કુશળ નિશાનેબાજ નૌકાદળનો અધિકારી આટલી નજીકથી બે ગોળીઓ કેવી રીતે ચૂકી ગયો? ‘મને લાગે છે કે મેં એક માણસને ગોળી મારી દીધી છે’ ફાયર થયા પછી નાણાવટી પ્રેમના ઘરની બહાર આવ્યા. ત્યારે પણ તે એકદમ શાંત હતા. મકાનના ચોકીદાર પૂરણ સિંહે તેને રોક્યા: ‘આ તમે શું કરી નાખ્યું?’ નાણાવટીએ કહ્યું, ‘અમારી વચ્ચે ઝઘડો થયો હતો. તેનું મારી પત્ની સાથે અફેર હતું. તેથી જ મેં તેને મારી નાખ્યો.’ અને પછી તે એક પરિચિત નૌકાદળના પ્રોવોસ્ટ માર્શલ (સિનિયર મિલિટરી ઑફિસર) કમાન્ડર સેમ્યુઅલ પાસે ગયા. ત્યાંથી તે સ્વેચ્છાએ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા. ડેપ્યુટી કમિશનર જોન લોબોને તેણે ત્રણ ખાલી ચેમ્બર સાથેની રિવોલ્વર સોંપી દીધી, અને કહ્યું: ‘મને બરાબર ખબર નથી કે શું થયું, પણ મને લાગે છે કે મેં એક માણસને ગોળી મારી છે.’ ‘પ્રામાણિક હીરો’ વર્સિસ ‘ચરિત્રહીન વિલન’ આ કેસના સમાચાર એ વખતના મુંબઈમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. ત્યારબાદ જે બન્યું તેનાથી ન્યાયની વ્યાખ્યા પર જ પ્રશ્નાર્થ ઊભો થયો. એક બાજુ કાવસ માણેકશા નાનાવટી હતા, ઊંચા, ગોરા રંગના, સફેદ યુનિફોર્મમાં, ગંભીર પણ ચહેરા પર ગર્વની રેખાઓ હજુયે તરવરતી હતી. બીજી બાજુ મૃતક પ્રેમ આહુજાને એક શ્રીમંત, લંપટ, બેચલર નબીરા તરીકે રજૂ કરવામાં આવ્યો. મીડિયાએ આ આખી સ્ટોરીને એવી રીતે રજૂ કરી જાણે તે કોઈ ફિલ્મ હોયઃ ‘પ્રામાણિક હીરો’ વર્સિસ ‘ચરિત્રહીન ખલનાયક’. સ્ત્રીઓ લિપસ્ટિકવાળી ચલણી નોટો નાણાવટી પર વરસાવતી! ‘બ્લિટ્ઝ’ અખબારના સંપાદક રુસી કરંજિયા, નાણાવટીની દરેક કોર્ટ હાજરીને એવી રીતે કવર કરતા હતા જાણે કે તે કોઈ નાયકની જીત હોય. પારસી સમુદાયે નાણાવટીને પૂરેપૂરું સમર્થન આપ્યું. નાણાવટીની તરફેણમાં એવી પ્રચંડ લહેર ઊભી થઈ કે દરેક હિયરિંગ વખતે મોટી સંખ્યામાં મહિલાઓ કોર્ટની બહાર ઊભી રહેતી અને લિપસ્ટિકનાં નિશાનવાળી ચલણી નોટોનો નાણાવટી પર વરસાદ કરતી. લોકોની ભીડ નાણાવટીની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતી. સેંકડો લોકો નાણાવટીને છોડી મૂકવા માટે ટેલિગ્રામનો વરસાદ કરી રહ્યા હતા. ભારતીય નૌકાદળે નાણાવટીનું કોઈ કોર્ટ-માર્શલ કર્યું ન હતું. કોઈ સત્તાવાર તપાસ કરી ન હતી. આ મૌન પોતે જ એક સંદેશ હતો. નાણાવટી સામે કેસ લડતા હતા, યુવા રામ જેઠમલાણી નાણાવટીના વકીલ કાર્લ ખંડાલાવાલા હતા. કુશળ, ચાલાક અને જ્ઞાની. તેમણે એક બચાવ વ્યૂહરચના બનાવી જેમાં કાનૂની તથ્યોને બેકગ્રાઉન્ડમાં મૂકી દેવામાં આવ્યા અને લાગણીઓને સૌથી આગળ મૂકવામાં આવી. દલીલ એ હતી: આ પૂર્વયોજિત હત્યા નહોતી. તે ભગ્નહૃદયી પતિના ગુસ્સાનો અચાનક થયેલો ભડકો હતો. ફરિયાદ પક્ષની દલીલ સ્પષ્ટ હતીઃ નાણાવટીએ ખોટા બહાના હેઠળ હથિયાર મેળવ્યું, પછી પ્રેમની હત્યા કરવાના ઇરાદે તેની ઓફિસ ગયો, ત્યાં તે ન મળ્યો પછી તેના ઘરે ગયો, અને એક નિઃશસ્ત્ર માણસની હત્યા કરી. આ હત્યા હતી, ગુસ્સાનો ભાવ નહીં. પ્રેમ આહુજા માટે એક યુવા વકીલ કેસ લડી રહ્યો હતો, જેનું નામ હતુંઃ રામ જેઠમલાણી. જ્યુરીનો ચોંકાવનારો ચુકાદો તે સમયે આઝાદ ભારતમાં પણ બ્રિટિશ યુગના વારસા સમી જ્યુરી સિસ્ટમ ચાલતી હતી. નવ સામાન્ય નાગરિકો જેઓ કોર્ટની ભાષા સમજી શકતા ન હતા, પરંતુ લાગણીઓને સમજતા હતા, તેવા લોકો કેસની આખી પ્રોસીડિંગ જુએ, તમામ દલીલો-પ્રતિદલીલો શાંતિથી સાંભળે અને તે પૂરી થયે એક બંધ ઓરડામાં જઇને આરોપી દોષિત છે કે નિર્દોષ તેના ચુકાદા પર આવે, જે ચુકાદો જજ સંભળાવે. દેશની સૌથી પહેલી મીડિયા ટ્રાયલ નાણાવટી કેસની નવ સભ્યોની જ્યુરી તરીકે અખબાર વાંચતા મુંબઈના રહેવાસીઓ હતા. તેઓ અખબારો વાંચતા અને ખાસ કરીને ‘બ્લિટ્ઝ’ની નકલો તો તેમને ફ્રીમાં પૂરી પાડવામાં આવતી હતી. આ કારણે કાવસ નાણાવટીની જ્યુરી પણ તેને ‘હીરો’ માનવા લાગી હતી. સેશન્સ જજ આર. બી. મહેતાએ ટ્રાયલનું નેતૃત્વ કર્યું. અંતે જ્યારે જ્યુરીએ પોતાનો ચુકાદો આપ્યો ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. કાવસ નાણાવટી નિર્દોષ છે! 8 વિરુદ્ધ 1 મતથી કાવસ નાણાવટીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. યાને કે 8 જ્યુરી મેમ્બરે તેને નિર્દોષ માન્યા હતા, જ્યારે એક જ જ્યુરી મેમ્બરને લાગ્યું હતું કે તે દોષિત છે. ચુકાદામાં સ્પષ્ટપણે લખ્યું હતું કે કાવસ નાણાવટી IPC (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ 302 (હત્યા) કે કલમ 304 (બિનઇરાદે મનુષ્યવધ) હેઠળ દોષિત નથી. જેવો ચુકાદો જાહેર થયો કે કોર્ટની બહાર ઉજવણીનો માહોલ છવાઈ ગયો. પરંતુ એક માણસ ચૂપ રહ્યો. તે હતા જજ મહેતા. તેમણે ચુકાદાને ‘વિકૃત’ ગણાવ્યો. કાયદામાં એક દુર્લભ જોગવાઈ હતી - કલમ 307 CrPC, તે મુજબ જો ન્યાયાધીશને લાગતું હોય કે આ ચુકાદો કાયદાની વિરુદ્ધમાં છે, તો તેઓ જ્યુરીના ચુકાદાને પડકારીને ઉચ્ચ અદાલતમાં મોકલવાની મંજૂરી આપતો હતો. ન્યાયાધીશ મહેતાએ તે જ કર્યું. અને આ નિર્ણય, આ એક પગલાએ ભારતીય ન્યાયિક ઇતિહાસનો માર્ગ કાયમ માટે બદલી નાખ્યો. બોમ્બે હાઈકોર્ટે આ સમગ્ર કેસની નવેસરથી સમીક્ષા કરી. જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકે અલગ-અલગ પરંતુ સહમત મંતવ્યો આપ્યાં. ‘નિર્દોષ’ નાણાવટીને ફરીથી આજીવન કેદની સજા થઈ! ન્યાયાધીશ શેલતે કહ્યું, ‘જ્યુરીના નિર્દેશોમાં ઓછામાં ઓછી છ ગંભીર ભૂલો કરવામાં આવી હતી. સિલ્વિયાના પત્રોને યોગ્ય સંદર્ભમાં મૂકવામાં આવ્યા ન હતા. ‘ઉશ્કેરણી’ની કાનૂની વ્યાખ્યા યોગ્ય રીતે સમજાવવામાં આવી ન હતી. અને સૌથી અગત્યનું, કલમ 105 (પુરાવા અધિનિયમની) હેઠળ તે સ્વ-બચાવ હતો તે સાબિત કરવાનો બોજ નાણાવટી પર હતો, જે તેઓ કરવામાં નિષ્ફળ ગયા.’ બંને ન્યાયાધીશોએ તારણ કાઢ્યું કે જ્યુરીનો ચુકાદો ‘વિકૃત’ હતો. પુરાવાના આધારે તેને ટકાવી શકાય નહીં. 11 માર્ચ, 1960ના રોજ બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો: કમાન્ડર કે. એમ. નાણાવટી IPCની કલમ 302 હેઠળ હત્યાના દોષિત હતા. સજા આજીવન કેદની હતી. એ જ નાણાવટી જેમને મુંબઈ હીરો માનતું હતું, હવે તે કેદી નંબર 2621 બની ગયા હતા. કેદીઓ નાણાવટીને ‘સાહેબ’ કહેતા 8 સપ્ટેમ્બર, 1960ના રોજ નાણાવટીને નૌકાદળની કસ્ટડીમાંથી બહાર કાઢીને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા. જેલની અંદર તેમણે પોતાની સામાન્ય છબિ જાળવી રાખીઃ ક્લીન, શિસ્તબદ્ધ અને શાંત. કેદીઓ તેમને ‘સાહેબ’ કહેતા. તેઓ જેલના પુસ્તકાલયમાં કામ કરતા, કસરત કરતા, વાંચતા અને રાહ જોતા. સિલ્વિયા નિયમિતપણે તેમને મળવા જેલમાં જતી. ક્યારેક તે બાળકોને પણ સાથે લાવતી. નેહરુએ નાણાવટીને છોડાવ્યા, જે.આર.ડી. ટાટાએ કેનેડા મોકલ્યા આ દરમિયાન બહાર ફરી એક યુદ્ધ ચાલી રહ્યું હતું. પારસી પંચાયત સતત માફીની માગ કરી રહી હતી. નૌકાદળના રિટાયર્ડ અધિકારીઓ દિલ્હીમાં ‘કાન ભંભેરણી’ કરતા હતા. જૂના રિપોર્ટ્સ ફંફોસતાં માલુમ પડે છે કે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને સંરક્ષણ પ્રધાન વી.કે. કૃષ્ણ મેનન બંને નાણાવટીના પક્ષમાં હતા. વિખ્યાત પારસી ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટાએ પણ નાણાવટીને નોકરી અપાવવા અને કેનેડિયન વિઝા મેળવવામાં મદદ કરી હતી. નાણાવટીએ સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડી, પણ દરેક જગ્યાએ હારી ગયા. તમામ અદાલતોએ એકસૂરે કહ્યું કે પ્રેમ આહુજાનું મૃત્યુ હત્યા હતી અને તે હત્યા કાવસ નાણાવટીએ જ કરી હતી. આજીવન કેદની સજા પાંચ વર્ષમાં જ પૂરી થઈ ગઈ! અંતે, બંધારણની કલમ 161 મુજબ ઉપાય આવ્યો. રાજ્યપાલ કોઈપણ દોષિત વ્યક્તિને માફ કરી શકે છે. મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ વિજયલક્ષ્મી પંડિત હતાં, જવાહરલાલ નેહરુનાં બહેન. 1964માં હત્યાનાં પાંચ વર્ષ પછી રાજ્યપાલે નાણાવટીને માફ કરી દીધા. જે નાણાવટીને આજીવન કેદની સજા થઈ હતી, તે માત્ર પાંચ જ વર્ષમાં પૂરી થઈ ગઈ! બ્રિટિશ યુગની જ્યુરી સિસ્ટમનો અંત નાણાવટી કેસે માત્ર એક પરિવાર કે વ્યક્તિને જ નહીં, પરંતુ ભારતીય ન્યાયતંત્રને પણ હચમચાવી નાખ્યું હતું. બ્રિટિશ યુગથી ચાલી આવતી જ્યુરી સિસ્ટમ આ કેસમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ. એક ન્યાયાધીશે કહ્યું, ‘જ્યારે નવ સામાન્ય નાગરિકો અખબારો અને ટોળાંના પ્રભાવ હેઠળ નિર્ણયો લે છે, ત્યારે ન્યાય ક્યાં છે? લાગણીઓ એ પુરાવા નથી.’ આ વિચાર પાછળથી કાયદો બની ગયો. 1973માં ‘ક્રિમિનલ પ્રોસિજર કોડ’ (CrPC) લાગુ કરવામાં આવ્યો, જેનાથી જ્યુરી સિસ્ટમ સત્તાવાર રીતે નાબૂદ થઈ ગઈ. આજે ભારતમાં નિર્ણયો જ્યુરી દ્વારા નહીં, પણ ન્યાયાધીશો દ્વારા લેવામાં આવે છે. હજુ પણ એક અપવાદ છેઃ પારસી સમુદાયમાં વૈવાહિક વિવાદોમાં જ્યુરી સિસ્ટમ અમલમાં રહે છે. વક્રતાની વાત એ છે કે, જ્યુરી સિસ્ટમ તે સમુદાય માટે અમલમાં રહી છે જેના સભ્યો તેને નાબૂદ કરવા તરફ દોરી ગયા હતા. સિલ્વિયા નાણાવટીનું શું થયું? આ આખી વાર્તામાં સૌથી ઉપેક્ષિત પાત્ર હતુંઃ સિલ્વિયા નાણાવટી. કોર્ટે તેના વિશે કહ્યું, ‘તે એક સ્વ-કબૂલાત કરનારી પાપી છે, જેના શબ્દો પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેણે પોતાના પતિ સાથે દગો કર્યો.’ મુંબઈના રસ્તાઓ પર તેને ‘વિલન’ અને એક ભારતીયનું ઘર ભાંગનારી એક અંગ્રેજ મહિલા તરીકે ઉતારી પાડવામાં આવી હતી. અલબત્ત, બીજો એક દૃષ્ટિકોણ પણ છે. વરિષ્ઠ પત્રકાર અને લેખિકા બચી કરકરિયાએ તેમના પુસ્તક ‘ઇન હોટ બ્લડ’માં લખ્યું છે કે સિલ્વિયા એક મહિલા હતી જે તેના પતિની લાંબી ગેરહાજરી દરમિયાન એકલતાનો સામનો કરી રહી હતી. તેણે ભલે ભૂલથી, પણ પ્રેમ પામવા માટે આ પગલું ભર્યું હતું. તે વિલન નહોતી, બલકે પ્રેમ પામવા માટે ઝંખી રહેલી એક માણસ હતી. અને તેણે આખી જિંદગી તે ભૂલની કિંમત ચૂકવી. તેના પતિની ધરપકડ, કેસનું દુઃખ, તેનાં બાળકોનું કોલાબાથી ઊટીની શાળામાં ટ્રાન્સફર તેણે બધું ચૂપચાપ સહન કર્યું. અને છતાં, જ્યારે નાણાવટી જેલમાંથી મુક્ત થયા ત્યારે સિલ્વિયા તેની સાથે હતી. આ કોઈ રોમેન્ટિક ફિલ્મનો સુખદ અંત નહોતો. તે બે લોકોનું થાકેલું, પ્રામાણિક સમાધાન હતું. પ્રેમ આહુજાઃ ખલનાયક કે ફક્ત એક માણસ? ઇતિહાસે પ્રેમ ભગવાનદાસ આહુજાને ‘લૂંટારા પ્રેમી’, ‘કેરેક્ટરલેસ લોફર’ વગેરે જે ઉપમાઓ આપી છે તે પણ કદાચ સંપૂર્ણ સત્ય નથી. બચ્ચી કરકરિયાનું પુસ્તક જણાવે છે કે પ્રેમ એક જટિલ માણસ હતો. હા, તે એક પ્લેબોયની જેમ જીવતો હતો. પણ શું તે ફક્ત સિલ્વિયાનો પીછો કરતો હતો? કે પછી તે બંને એકબીજા પ્રત્યે આકર્ષાયાં હતાં અને તે સંબંધને અલગ રીતે સમજતાં હતાં? અને સૌથી અગત્યનું, તેને પોતાનો બચાવ કરવાનો મોકો પણ ન મળ્યો. તે મરી ગયો હતો. તેની બહેન મામી આહુજાએ કેસ લડ્યો, અને પ્રખ્યાત વકીલ રામ જેઠમલાણી તેમની સાથે જોડાયા. પરંતુ તે બંનેનો પ્રેમ પહેલેથી જ પબ્લિક ઓપિનિયનની અદાલતમાં હારી ગયો હતો. કેનેડામાં લાઇમલાઇટથી દૂર એક નવું જીવન 1965ની આસપાસ નાણાવટી પરિવારે શાંતિથી ભારત છોડી દીધું. મુંબઈને અલવિદા કહી દીધું, જે શહેરે તેમને હીરો બનાવ્યા હતા. નાણાવટી પત્ની સિલ્વિયા અને ત્રણ સંતાનો સાથે ઓન્ટારિયો (કેનેડા)ના બર્લિંગ્ટનમાં સ્થાયી થયા. જે.આર.ડી. ટાટાની મદદથી તેમને એક શિપિંગ કંપનીમાં નોકરી મળી. પારસી નેટવર્કે તેમનું કેનેડામાં સ્વાગત કર્યું. એક પરિચિતે પાછળથી યાદ કર્યું, ‘કેનેડામાં અમે જે પારસીઓને મળ્યા હતા તેઓ ખૂબ જ ખુલ્લા દિલના હતા. તેમણે નાણાવટીઓને પરિવારની જેમ દત્તક લીધા હતા. તેમનો ભારતીય ભૂતકાળ ક્યારેય ચર્ચામાં આવ્યો નહીં.’ નાણાવટીએ ક્યારેય ઇન્ટરવ્યુ આપ્યો નહીં. તેમણે કોઈ સંસ્મરણો લખ્યાં નહીં. એક એવું નામ જે સમગ્ર ભારતમાં ગુંજતું રહ્યું, છતાં તેઓ પોતે મૌન રહ્યા. આજે પણ સિલ્વિયા એકલતામાં જીવે છે કાવસ નાણાવટી: 24 જુલાઈ, 2003ના રોજ કેનેડામાં કાવસ નાણાવટીનું લગભગ 81 વર્ષની ઉંમરે અવસાન થયું. ભારતમાં થોડા સમાચાર આવ્યા, પછી શાંતિ છવાઈ ગઈ. તેમનાં અંતિમ વર્ષોમાં તેઓ જાહેર જીવનથી સંપૂર્ણપણે દૂર હતા. 2019ના રિપોર્ટ પ્રમાણે તેમનાં પત્ની સિલ્વિયા નાણાવટી આજે પણ કેનેડામાં જીવે છે. તેનાં ત્રણ સંતાન બે પુત્રો અને એક પુત્રી ટોરોન્ટો અને ઓન્ટારિયોમાં રહે છે અને તેમની નજીક છે. બાળકો ફાઇનાન્સ, શિક્ષણ અને રાઇટિંગમાં કારકિર્દી ધરાવે છે. તે સૌએ સંપૂર્ણ એકાંત જાળવી રાખ્યું છે. ક્યારેય કોઈ મીડિયા ઇન્ટરવ્યૂ કે કોઈ પબ્લિક સ્ટેટમેન્ટ નથી આપ્યાં. પ્રેમ આહુજા વતી તેનો કેસ લડનારી તેની બહેન મામી આહુજા વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. જ્યુરી સિસ્ટમનો સત્તાવાર રીતે 1973માં અંત આવ્યો. કે. એમ. નાણાવટી વિરુદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ કેસ હવે કાયદાનાં પુસ્તકોમાં એક સીમાચિહ્નરૂપ કેસ તરીકે ભણાવવામાં આવે છે. સુનીલ દત્તથી અક્ષય કુમારઃ ફિલ્મી પડદા પર નાણાવટીની સ્ટોરી કાવસ નાણાવટીની સ્ટોરીમાં એટલો બધો ‘મસાલો’ છે કે ફિલ્મ મેકર્સને તેમાં રસ ન પડે તો જ નવાઈ લાગે. 1963માં સુનીલ દત્ત અને લીલા નાયડુને લઇને ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ નામની ફિલ્મ બનેલી, જે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. એક દાયકા પછી 1973માં ગુલઝારે વિનોદ ખન્નાને લઇને ‘અચાનક’ નામની ફિલ્મ બનાવી, જેમાં તેમણે પાત્રોનાં નામ બદલી નાખ્યાં, પરંતુ મૂળ વાર્તા યથાવત રાખી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ થઈ હતી. ત્યારપછી 2016માં આવી ‘રુસ્તમ’. અક્ષય કુમારે તેમાં ‘રુસ્તમ પાવરી’ નામના ઇન્ડિયન નેવીના ઑફિસરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પણ નાણાવટી કેસ પર આધારિત હતી. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો, પરંતુ તેણે બિલકુલ નાણાવટીના પાત્રને હીરો તરીકે ચીતરીને આખી વાર્તા કહી હતી. 2019માં ‘ધ વર્ડિક્ટઃ સ્ટેટ વર્સિસ નાણાવટી’ નામે વેબ સિરીઝ પણ બની હતી. પરંતુ સૌથી અભ્યાપૂર્ણ કામ વરિષ્ઠ પત્રકાર અને લેખિકા બચી કરકરિયાએ ‘ઇન હોટ બ્લડ’ નામે પુસ્તક લખીને કર્યું. ઉકેલ માગતા સવાલો એક માણસે બીજા માણસને ગોળી મારી. તેણે સ્વેચ્છાએ હથિયાર રાખ્યું. તે જૂઠું બોલ્યો. અને છતાં જનતાએ તેને હીરો તરીકે આવકાર્યો. જ્યુરીએ તેને નિર્દોષ જાહેર કર્યો. રાજ્યપાલે તેને માફ કરી દીધો. અને તે પાંચ વર્ષમાં મુક્ત થઈ ગયો. દરમિયાન, પ્રેમ આહુજા, ભલે તે ગમે તે હોય, પરંતુ તેને એક જ દિવસમાં સજા ફટકારવામાં આવી, તેનું મૃત્યુ થયું, અને ઇતિહાસમાં ખલનાયક તરીકે દર્જ થઈ ગયો. તેને ક્યારેય પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી નહીં. અને સિલ્વિયા? તે ન તો નાયિકા હતી કે ન તો ખલનાયિકા. તે ફક્ત માણસ હતી. તેણે જે પીડા સહન કરી તેની ક્યારેય કોઇએ નોંધ ન લીધી. નાણાવટી કેસ ફક્ત હત્યાનો કેસ નહોતો. તે એક આયનો હતો, 1959માં ભારતીય સમાજમાં જોવા મળતી જાતિવાદ, વર્ગવિભાજન, મીડિયાની શક્તિ અને ન્યાયની નબળાઈઓનું પ્રતિબિંબ હતો. કદાચ એટલે જ આ વાર્તા આજે પણ પૂરી થતી નથી. કારણ કે તે પ્રશ્નો હજુ પણ જીવંત છે.
Read Original Article →