17 બાળકોનો ક્રૂર હત્યારો દરબારા સિંહ:દરેક હત્યા પછી ‘સેલિબ્રેટ’ કરવા દારૂ પીતો, ઇન્ડિયન આર્મીનો સૈનિક સિરિયલ ‘બેબી કિલર’ કેવી રીતે બન્યો?
18 એપ્રિલ, 2004
જાલંધર, પંજાબ. બપોરનો સમય હતો. માથા પર આગ વરસાવતો સૂર્ય તપી રહ્યો હતો. શેરીઓ સૂમસામ હતી. મજૂરો કામ પર ગયા હતા, અને સ્ત્રીઓ ઘરે હતી. દસ વર્ષની ગુડિયા અને તેનો છ વર્ષનો ભાઈ, સતીશ, પડોશની ગલીમાં રમી રહ્યાં હતાં. ગુડિયા જમીન પર દસેક ચોરસ બનાવીને તેના પર એક નાનકડો પથ્થરનો ટુકડો ફેંકીને લંગડી કૂદવાની રમત રમી રહી હતી. ગુડિયાએ પથ્થરનો ટુકડો તો ફેંક્યો, પણ તે ઉઠાવવા જાય તે પહેલાં ત્યાં આવેલા એક આધેડ વયના માણસે તે પથ્થર ઉપાડી લીધો અને તે ગુડિયાની નજીક આવ્યો.
‘ત્વાડા નામ કી હૈ, પુત્તર?’ (તારું નામ શું છે, દીકરી?) તે પુરુષે મધઝરતા અવાજે પૂછ્યું.
‘ગુડિયા.’ ટબુડીએ જવાબ આપ્યો.
‘હૌર યે ત્વાડા છોટા પ્રા હૈ?’ (શું આ તારો નાનો ભાઈ છે?)
‘હાં જી’. ગુડિયાએ જવાબ આપ્યો.
‘વદિયા… વદિયા… એ લે…’ (સરસ… સરસ… આ લે…) કહીને તે માણસે પોતાના ખિસ્સામાંથી નારંગી રંગની બે પીપરમિન્ટ કાઢી અને ગુડિયા તથા તેના ભાઈ સતીશને આપી.
નાનકડા સતીશે હજુ ગઈકાલે જ તેના પિતા પાસે ચોકલેટ માગી હતી, જેના જવાબમાં એને એક થપ્પડ મળી હતી. જ્યારે આજે એક અજાણ્યો માણસ આવીને સામેથી તેને ચોકલેટ આપી રહ્યો હતો.
‘હૌર ચાહીંદી?’ (હજી વધુ જોઇએ છે?)
બંને બાળકો હસ્યાં, એટલે તે માણસ બંને બાળકોની આંગળી ઝાલીને પોતાની સાથે લઇ ગયો. પિપરમિન્ટની લાલચ આપીને બાળકોનાં ગળાં વેતરી નાખ્યાં
રસ્તામાં તેમને આઠ વર્ષનો શંકર નામનો એક છોકરો મળ્યો, તેને પણ પીપરમિન્ટની લાલચ આપીને પોતાની સાથે લઈ લીધો. જાણે આ માણસે કોઈ વશીકરણ કર્યું હોય તેમ આ ત્રણેય નાનકડાં બાળકો તે અજાણ્યા માણસની પાછળ પાછળ ચાલ્યે જતાં હતાં. થોડી વાર પછી તેઓ એક નિર્જન ખેતરમાં પહોંચ્યાં.
‘પિપરમિન્ટ કિથ્થે હૈ?’ ગુડિયાએ પૂછ્યું.
જવાબમાં તે માણસે એક પાશવી સ્મિત વેર્યું અને પોતાની પીઠ પાછળથી છરો કાઢીને પોતાની પાસે ઊભેલા નાનકડા સતીશનું ગળું કાપી નાખ્યું. હેબતાઈ ગયેલાં બંને બાળકો જીવ બચાવવા ત્યાંથી દોડ્યાં. શંકર તો લાંબા પગલે દોટ મૂકતો ત્યાંથી બચીને ભાગી નીકળ્યો, પરંતુ ગુડિયા તે અજાણ્યા રાક્ષસના હાથે ઝડપાઈ ગઈ. જાણે પારેવાને પીંખતો હોય તેમ છરાથી એણે ગુડિયાનું ગળું પણ ચીરી નાખ્યું.
***
ઇન્ડિયન આર્મીનો સૈનિક બન્યો સિરિયલ કિલર
ત્યારપછીના થોડા કલાકોમાં જ તે માણસે કુલ પાંચ બાળકોને પોતાની જાળમાં ફસાવ્યાં, તેમાંથી ત્રણની તેણે હત્યા કરી નાખી. એ માણસ નામે હેવાનનું નામ હતું દરબારા સિંહ. અને આ તો માત્ર એક જ દિવસની વાત હતી. તેની લોહિયાળ કુકર્મકથાઓનો ઇતિહાસ તો દાયકાઓ જૂનો હતો. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ ‘બેબી કિલર’ દરબારા સિંહની, જે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા સૈનિકમાંથી એક નૃશંસ સિરિયલ કિલર બન્યો હતો. તેણે 17થી વધુ બાળકોની ક્રૂર હત્યાઓ કરી હોવાનું કહેવાય છે.
*** મેજર સાથે માથાકૂટ થઈ, તો ઘર પર ગ્રેનેડ ફેંક્યો
દરબારા સિંહનો જન્મ અમૃતસર જિલ્લાના જલ્લુપુર ખૈરા ગામમાં થયો હતો. યુવાનીમાં તે ઇન્ડિયન આર્મીમાં જોડાયો, યુનિફોર્મ, સલામી અને દેશની સેવા કરવાની પ્રતિજ્ઞા સાથે. પરંતુ કોઇનેય ખબર નહોતી કે અંદરખાને તે એક વિકૃત માણસ હતો. 1975માં પઠાણકોટ એરફોર્સ બેઝ પર તૈનાત દરબારા સિંહનો મેજર વી.કે. શર્મા સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો. મેજરે તેને ચેતવણી આપી અને તેમને જવા દીધો. આ વાતે દરબારા સિંહ એવો ગુસ્સે ભરાયો કે તેણે શસ્ત્રોના ડેપોમાંથી એક હેન્ડગ્રેનેડ ચોરી લીધો અને તે જ રાત્રે મેજર શર્માના ઘર પર ફેંકી દીધો. કાયદાથી છટકીને કાળાં કામ કરવાનો સિલસિલો
આ વિસ્ફોટમાં મેજરની પત્ની અને કિશોર પુત્ર ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. બોર્ડરને અડીને આવેલા પઠાણકોટ બેઝમાં અંધાધૂંધી મચી ગઈ હતી. સૌને થયું કે પાકિસ્તાને કંઇક અટકચાળું કર્યું હશે, પરંતુ આ તો ઘરનો જ માણસ આડો ફાટ્યો હતો. તાત્કાલિક દરબારા સિંહની ધરપકડ કરવામાં આવી, પરંતુ પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે તેઓ કાયદાથી છટકી ગયો હતો. આગામી વર્ષો સુધી તે કાયદાને ડિંગો બતાવીને પોતાનાં કાળાં કામ કરતો રહેવાનો હતો. દરબારાની જાતીય વિકૃતિઓથી ત્રાસીને પત્નીએ કાઢી મૂક્યો
ઇન્ડિયન આર્મીમાંથી કાઢી મુકાયા બાદ દરબારાનું જીવન ઝડપભેર ભાંગવા માંડ્યું. એને દારૂની લત લાગી ગઈ, પત્ની સાથે મારપીટ અને જાતીય હિંસા એ રોજનો ક્રમ બની ગયો. એક દિવસ તેની પત્ની પોતાના પતિથી એવી ગળે આવી ગઈ કે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમને ત્રણ બાળકો હતાં. પરંતુ દરબારાએ ક્યારેય પાછળ વળીને ઘર તરફ જોયું નહીં. એક રખડુ, બેરોજગાર અને જાતીય રીતે હતાશ દરબારા સિંહ કપૂરથલામાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ભટકવા લાગ્યો. બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરોનાં બાળકો દિવસભર ત્યાં કોઈની દેખરેખ વિના રમતાં રહેતાં. તેમાંથી દરબારાએ પોતાનો પહેલો શિકાર પસંદ કર્યો. શ્રમિકોનાં માસૂમ બાળકોને ટાર્ગેટ બનાવ્યાં
1996માં કપૂરથલામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બે અઠવાડિયાંમાં આઠ અને દસ વર્ષની બે બાળકીઓ અર્ધબેભાન અને લોહીથી લથપથ હાલતમાં મળી આવી. મેડિકલ તપાસમાં બંને માસૂમ બાળકીઓ સાથે બળાત્કાર થયાની પુષ્ટિ થઈ. કામદારોમાં ગુસ્સો અને ગભરાટ ફેલાઇ ગયો. વાત પોલીસ ફરિયાદ સુધી જવી જોઇતી હતી. પરંતુ બાંધકામ કોન્ટ્રાક્ટરે કામદારોને ધમકી આપી, ‘જો તમે પોલીસને બોલાવશો તો હું બધાને કાઢી મૂકીશ.’ લાચાર કામદારો ચૂપ રહ્યા. આ ગતિવિધિઓથી દરબારાને ઓર જોમ ચડ્યું. બે હત્યાઓ છતાં છૂટી ગયો હત્યારો
એક અઠવાડિયા પછી ટીન શેડ પાછળથી એક છોકરીની ચીસો સંભળાઈ. કામદારો દોડી આવ્યા. દરબારા સિંહને રંગે હાથે પકડવામાં આવ્યો. કામદારોએ તેને માર મારવાનું શરૂ કર્યું. સુપરવાઇઝરે દરમિયાનગીરી કરી અને તેને પોલીસને સોંપી દીધો. બળાત્કાર, હત્યા તથા હત્યાના પ્રયાસના ત્રણ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો. 30 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. દરબારા સિંહને લુધિયાણા સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યો. સજા ત્રીસ વર્ષની હતી, પરંતુ સાત જ વર્ષમાં એટલે કે 2003માં ‘સારી વર્તણૂક’ને આધારે તેની દયા અરજી સ્વીકારી લેવામાં આવી અને તેની સજા સાવ ઘટાડીને તેને ડિસેમ્બર, 2003માં છોડી મૂકવામાં આવ્યો. સાત વર્ષ જેલમાં વીતાવીને આવેલો દરબારા નફરતથી ઓર ઝેરી બન્યો હતો. તેના મનમાં હવે વિકૃતિ અને બદલાની ભાવના સિવાય બીજું કશું નહોતું. ‘બાંધકામ મજૂરોનાં બાળકોને નહીં છોડું’
જાલંધર 2004
જલંધર આવ્યા પછી દરબારા સિંહે લેધર કોમ્પ્લેક્સમાં એક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે મોડેલ ટાઉન વિસ્તારમાં એક રૂમ ભાડે રાખ્યો. પોતાની ઓળખ તરીકે લખાવ્યું, ‘અમૃતસરનો છું.’ અહીં પણ તે શિકારની શોધમાં લાગી ગયો. આ વખતે પણ તે બીજે ઠેકાણેથી આવતા માઇગ્રન્ટ લેબરર્સનાં બાળકોને જ તેને ટાર્ગેટ બનાવ્યા. તેનો સીધો તર્ક હતોઃ ‘આ બાંધકામ મજૂરોએ જ મને જેલમાં મોકલ્યો, હવે હું એમનાં બાળકોને મારીને બદલો લઇશ.’ તેનો એક નિયમ હતોઃ ક્યારેય કોઈ પંજાબી બાળકને ન મારવો. તેની પદ્ધતિ સિમ્પલ અને ભયાનક હતી. તે તેની સાયકલ ચલાવતો ગલીઓમાંથી ફરતો, એરિયાને સ્કેન કરતો, માતા-પિતાથી દૂર એકલાં રમતાં બાળકોને ચોકલેટ, સમોસા અથવા નવાં ફ્રોકની લાલચ આપીને ભોળવતો, તેમને એકાંત જગ્યાએ લઈ જતો, અને પછી… એક જ દિવસમાં પાંચ શિકાર
18 એપ્રિલ, 2004
આ કાળમુખા દિવસની બપોરે દરબારાએ ગુડિયા અને સતીશની હત્યા કર્યા પછી તે રાસ્તા મોહલ્લા તરીકે ઓળખાતા વિસ્તારમાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું તો દીક્ષા (8 વર્ષ) અને તેની બહેન આશા (6 વર્ષ) બેડમિન્ટન રમી રહી હતી. તેણે તે બંનેને લાલચ આપી કે નવું નક્કોર બેડમિન્ટન રેકેટ જોઇતું હોય, તો ચાલો. બંને બહેનો પોતાની સાથે શું થવાનું છે તેનાથી બેખબર દરબારા સાથે ચાલી નીકળી. બંને બહેનોને તે એક નિર્જન ખેતરમાં લઇ ગયો. તેણે આશાને કહ્યું, ‘અહીં બેસ.’ ત્યાં બાજુમાં કૂવામાંથી પાણી ખેંચીને ખેતરમાં ઠાલવતી નાનકડી નહેર વહી રહી હતી. દરબારાએ દીક્ષાને કહ્યું, ‘જો, દુકાનદારને ગંદાં બાળકો પસંદ નથી. તું આ નહેરમાં ઊતર અને નહાઈ લે.’ બાળકીના માથા પર પથરો ઝીંકી દીધો
ભોળપણમાં આઠ વર્ષની આશા નહેરમાં ઊતરી અને હુંફાળા પાણીમાં પોતાનાં હાથ-મોં ધોવા લાગી. તેને ખબર નહોતી કે પાછળથી દરબારા એક મોટો પથ્થર હાથમાં લઇને તેની પાસે આવી રહ્યો છે. થોડે દૂર બેઠેલી તેની બહેન આશાએ આ જોયું, એટલે એણે પોતાની બહેનના નામની બૂમ પાડી. ત્યાં ચાલી રહેલા ડીઝલ વોટર પંપના અવાજમાં દીક્ષાએ સાંભળ્યું નહીં. જેવી તે પાણીમાં ઉપર આવી કે તરત જ એક મોટો પથ્થર જોશભેર તેના માથા પર ટીચાયો. આ જોઇને હેબતાઈ ગયેલી તેની બહેન આશા ત્યાંથી ભાગી. તે ખેતરોની વચ્ચેથી પડતી-આખડતી દોડતી રહી. તેનાં ઘૂંટણ છોલાઈ ગયા. નજીકની માનવવસ્તી આવી ત્યાં માલ્કિયત સિંહ નામનો એક માણસ કામેથી પાછો આવી રહ્યો હતો, તેણે રડતી અને ઘવાયેલી બાળકીને જોઇને તેને રોકી. નામ પૂછ્યું, પાણી આપ્યું. બાજુની દુકાનમાંથી બિસ્કિટનું પેકેટ લઈ આપ્યું અને પગ પર પાટો બાંધી આપ્યો. ‘બાળકી પર મૃત્યુ પહેલાં બળાત્કાર થયો છે’
આશા થોડી શાંત થઇ એટલે માલ્કિયત સિંહ તેને નજીકના પોલીસ સ્ટેશને લઇ ગયો. આશાનાં માતા-પિતાને બોલાવવામાં આવ્યાં. પોલીસની સાથે સૌ એ નિર્જન ખેતરના સ્થાને પહોંચ્યાં જ્યાં દરબારાએ નાનકડી દીક્ષા પર પથ્થરથી હુમલો કર્યો હતો. ત્યાં ઝાડી-ઝાંખરામાં દીક્ષાનો લોહી-લુહાણ દેહ પડ્યો હતો. પોતાની વહાલસોયી દીકરીને આ હાલતમાં જોઇને તેનાં માતા-પિતા પર આભ તૂટી પડ્યું, પરંતુ હકીકત સ્વીકાર્યા વિના છૂટકો નહોતો. પોસ્ટમોર્ટમ દરમિયાન ડૉ. શમશેર સિંહે જણાવ્યું કે આ બાળકી પર બળાત્કાર થયો છે અને માથા પરના હુમલાથી થયેલા ન્યૂરોજેનિક આઘાતથી બાળકીનું મૃત્યુ થયું હતું. તે એક જ દિવસમાં પાંચ બાળકોનું અપહરણ થયું, ત્રણનાં મોત થયાં અને હત્યારો દરબારા સિંહ જાણે કશું બન્યું જ નથી તેમ શાંતિથી ઘરે આવીને જમીને સૂઈ ગયો. બાળકો ગાયબ થતાં રહ્યાં, હત્યાઓનો સિલસિલો ચાલતો રહ્યો
એ પછી પણ ગરીબ શ્રમિકોનાં બાળકો ગાયબ થતાં રહ્યાં અને તેમની નિર્દય હત્યાઓ થતી હતી. પુરાવાનો અભાવ અને કંઇક તો ગરીબ હોવાને લીધે પોલીસની કાર્યવાહી ઢીલી રહી. તેમાં બાળકોની હત્યાઓનો સિલસિલો ચાલતો રહ્યો. 17 જૂન, 2004: નવ વર્ષના જતિન્દરને સમોસા આપીને લલચાવ્યો. તેનું જાતીય શોષણ કર્યું અને પછી તેની હત્યા કરી નાખી. પીડિત નંબર ચાર.
6 ઓગસ્ટ, 2004: સાત વર્ષની પૂનમને નવું ફ્રોક અપાવવાનું વચન આપ્યું. તે ચીસો ન પાડે તે માટે તેનું ગળું કાપી નાખ્યું.
15 ઓગસ્ટ, 2004: સ્વતંત્રતા દિવસ. સાયકલ ચલાવવા માટે ઉત્સુક પાંચ વર્ષની લક્ષ્મી તેની સાથે ગઈ. બે મહિના પછી, તેનો વિકૃત મૃતદેહ રાઇયા કેનાલમાંથી મળી આવ્યો. તેના પિતા રિપુદમન દીકરીનો મૃતદેહ જોઈને ભાંગી પડ્યા.
16 ઓગસ્ટ, 2004: બીજા દિવસે તેણે વધુ ત્રણ બાળકોને નિશાન બનાવ્યાં. અવતાર નગરમાં રહેતી દસ વર્ષની તજબીન અને તેની બહેન મુમતાઝ. બંનેને તેણે કાચની બ્લુ કલરની એક બોટલ બતાવીને કહ્યું કે આને આપણે વેચીશું તો પૈસા મળશે, જે હું તમને આપી દઇશ. પૈસાની લાલચમાં નાનકડી તજબીન તેની સાથે સાયકલ પર બેસી ગઈ. પરંતુ મુમતાઝ ડરી ગઈ અને ત્યાંથી દોડીને જતી રહી. જ્યારે તે પાછી આવી ત્યારે તેની દીદી ગાયબ હતી. એક અઠવાડિયા પછી જલંધર-ફગવાડા રોડ પર ઝાડીઓમાંથી દસ વર્ષની છોકરીનો મૃતદેહ મળી આવ્યો, તે તજબીન હતી.
24 ઓગસ્ટ: પાંચ વર્ષનો સંજુ કુમાર.
28 ઓગસ્ટ: સાત વર્ષનો રાજેશ અને પાંચ વર્ષની ગીતા.
25 ઓક્ટોબર: ખુર્શીદ અને તેના કાકાની દીકરી અને ખુર્શીદની પિતરાઈ બહેન રુકુ.
પછી આઠ વર્ષનાં ભાઈ-બહેન પૂજા અને દીપક, પછી અમૃત અને કરુ. બાળકોની હત્યાઓનો સિલસિલો ચાલતો રહ્યો. દરબારા નામનો એ હેવાન બેખોફ માસૂમ બાળકોની હત્યાઓ કરતો રહ્યો. ‘મેનુ મત મારો, મેનુ બક્ષ દો…’
જોકે આ વખતે કંઈક અલગ બન્યું. પૂજાએ હાથ જોડીને રડતાં રડતાં દરબારાને કહ્યું, ‘મેનુ મત મારો. મેનુ બક્ષ દો…’ એક સેકન્ડ માટે દરબારાના પગ ધ્રુજી ગયા. એણે છરો પકડેલા હાથે પરસેવો લૂછ્યો અને પૂજાને પૂછ્યું, ‘ત્વાડા નામ કી હૈ?’ ‘પૂજા કૌર…’ ફફડતી દીકરીએ જવાબ વાળ્યો. દરબારા જમીન પર બેઠો. રમની બોટલ કાઢી અને એક શ્વાસમાં લાંબો ઘૂંટડો ગળે ઉતારી ગયો. એણે સમ ખાધેલા કે પંજાબી બાળકોને નહીં મારું, પરંતુ આ વખતે પંજાબી બાળકીને માર્યા વિના છૂટકો નહોતો, કેમ કે જો તેને જીવતી છોડી દે તો પોતે પકડાયા વિના ન રહે. એણે છરા પરની પકડ તેજ કરી અને પૂજાને રહેંસી નાખી. રહી રહીને પોલીસ જાગી, કડક કાર્યવાહીની તૈયારી
જલંધર અને કપૂરથલાના રસ્તાઓ પર ભયનો માહોલ છવાઈ ગયો. સાત મહિનામાં કોઈ હેવાન પંદરથી વધુ બાળકોને ભરખી ગયો હતો. હવે મીડિયા પણ આ છૂટછવાઈ હત્યાઓની પેટર્ન નોંધીને તેને સિરિયલ કિલિંગ્સ તરીકે રિપોર્ટ કરવા લાગ્યું હતું. પોલીસે એક ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી. SSP ગુરપ્રીત સિંહ ભુલ્લરે કેસની તપાસ સંભાળી. જે બાળકો બચી ગયેલાં કે ગાયબ થનારાં બાળકોનાં સાક્ષી રહેલાં, તેમની સ્ટોરી પણ આવી જ હતીઃ એક આધેડ વયનો માણસ સાયકલ પર આવ્યો, કેન્ડી વગેરેની લાલચ આપીને બાળકોને સાઇકલ પર ગયો, અને પછી તેઓ ગાયબ થઈ ગયાં. આ સિરિયલ કિલરનું કામ છે કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ ગેંગનું?
બાળકોનાં વર્ણન પરથી પોલીસે સ્કેચ તૈયાર કરાવડાવ્યો. શરૂઆતમાં પોલીસને શંકા હતી કે આ બાળકોની તસ્કરીનો એટલે કે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો મામલો છે. પરંતુ તે તબક્કે પણ કોઇને કલ્પના નહોતી કે એક માનસિક રીતે વિકૃત માણસ આ હદનો વિનાશ વેરી શકે છે. 18 ઓક્ટોબર, 2004ના રોજ સાત વર્ષની નિશુનું એક સાયકલ સવાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું. બીજા દિવસે ખેડૂતો ભાના રામ અને ગુરદેવ સિંહે શેરડીના ખેતરમાંથી કોઈ છોકરીની ચીસો સાંભળી. તેઓ અવાજની દિશામાં દોડી આવ્યા. ગળું કપાયા છતાં બાળકીએ હુમલાખોરને ઓળખી બતાવ્યો
પગલાંનો અવાજ સાંભળીને દરબારા સિંહ ભાગી ગયો, પણ જતાં પહેલાં એણે નિશુના ગળે છરો ફેરવી દીધો હતો. નીશુને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. તેનું ગળું કપાઈ ગયું હોવાથી તે બોલી શકતી ન હતી. પરંતુ જ્યારે પોલીસે અખબારમાં દરબારા સિંહનો સ્કેચ બતાવ્યો, ત્યારે નિશુએ ઈશારો કર્યોઃ હા, આ એ જ માણસ હતો. ‘હત્યારાના સ્કેચ જેવો દેખાતો એક દાઢીવાળો માણસ દેખાયો છે’
29 ઓક્ટોબર, 2004
બસ્તિયાં તરીકે ઓળખાતા ઝૂંપડપટ્ટી એરિયામાં કોઇકે પોલીસને ફોન કર્યો, ‘સાહેબ, અહીં એક દાઢીવાળો માણસ સાઇકલ પર જતો દેખાયો છે, તેના ખભે એક થેલો છે. એ માણસનો ચહેરો ખૂનીના સ્કેચ સાથે મળતો આવે છે. સબ-ઇન્સ્પેક્ટર નિર્મલ સિંહને સમાચાર મળ્યા. તેમણે પ્રીતમ સિંહને ફોન કર્યો. ‘બસ્તિયાં પહોંચો.’ પોલીસે જરાય વખત ગુમાવ્યા વિના પોતાની જીપ મારી મૂકી. એક્ઝેક્ટ લોકેશન પર સાઇકલ પર એ જ માણસ જતો દેખાયો. પોલીસની જીપ આવતી જોઇને તે માણસે સાઇકલ મારી મૂકી, પણ નેચરલી જીપ તેને આંબી ગઈ. એ દરબારા સિંહ જ હતો. પોલીસને જોઇને સાઇકલ પડતી મૂકીને તે ભાગ્યો અને દોડતો દોડતો નજીકમાં આવેલા શેરડીના એક ખેતમાં ઘૂસી ગયો. શેરડીના ખેતરમાં વચ્ચેથી નીકળવું અઘરું હોય છે, પણ પોલીસ આ વખતે બરાબરની ધૂંધવાયેલી હતી. તેમણે કોઇપણ રીતે દરબારાને ઝડપી લીધો અને હાથકડી પહેરાવીને જીપમાં ઠૂંસ્યો. ‘મુઝે મત મારો… મૈં સબકુછ બતાતા હૂં’
દરબારાને જોઇને પોલીસને એવો ગુસ્સો ચડ્યો કે બે-ચાર બરાબરની ધોલ ફટકારી દીધી. માસૂમ બાળકોને ઠંડા કલેજે વેતરી નાખનારા દરબારાએ પોલીસના મારથી બચવા કરગરવા માંડ્યું, ‘મુઝે મત મારો… મૈં સબકુછ બતાતા હૂં.’ એ પછી પોલીસ સ્ટેશનમાં જમીન પર બેસીને હાથકડી પહેરેલો દરબારા સિંહ બોલતો ગયો. કોઇપણ જાતના ખચકાટ કે અફસોસ વગરઃ ‘મને એ માઇગ્રન્ટ મજૂરોનાં બાળકોને મારવાનો કોઈ અફસોસ નથી. તેમના કારણે જ મારે સાત વર્ષ જેલમાં રહેવું પડ્યું.’ જ્યારે SSP ભુલ્લરે પૂછ્યું, ‘કેટલાં બાળકો?’ ત્યારે દરબારાનો જવાબ હતો: ‘ત્રેવીસ પકડ્યાં. સત્તર માર્યાં.’ એક પછી એક સડેલા મૃતદેહો મળતા ગયા
બીજા દિવસે મેજિસ્ટ્રેટની હાજરીમાં દરબારા સિંહ પોલીસ ટીમને જલંધર-કલસાંઘિયા રોડ પરના શેરડીના ખેતરમાં લઈ ગયો. ટીમ મેદાનમાં પ્રવેશી. લાંબાં પાંદડાંઓની વચ્ચેથી રસ્તો કરતાં કરતાં તે એક ચોક્કસ જગ્યાએ લઈ ગયો. ‘યહાં’, તે જગ્યા તરફ આંગળી ચીંધીને દરબારા બોલ્યો. પોલીસે ઝાડી-ઝાંખરાં અને માટી હટાવી તો સડી રહેલા માંસની ભયાનક બદબૂ ચારેકોર ફેલાઈ ગઈ. ત્યાં એકથી વધુ બાળકોની લાશ અત્યંત સડી ગયેલી અને વિકૃત હાલતમાં પડી હતી. ગાયબ થયેલા ખુર્શીદનું શબ પીઠભર પડ્યું હતું. તેનું માથું કાટખૂણે વળી ગયું હતું. તેની બહેન રુકુનું માથું કપાયેલું હતું અને જરાસરખી ચામડીથી લટકી રહ્યું હતું. બંનેના હાથ-પગ પર મોટા ઘા હતા. આ વિકરાળ દૃશ્ય જોઇને SSP ભુલ્લરે પોતાની આંખો મીંચી દીધી. એમના હાથ તંગ થઈ ગયા, મુઠ્ઠીઓ વળી ગઈ. પરંતુ મેજિસ્ટ્રેટની હાજરીમાં તેમને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો પડે તેમ હતો. જ્યારે ખુર્શીદના પિતા મોહમ્મદ વકીલે સફેદ કફન હટાવીને નીચે રહેલા પોતાના દીકરાનો ચહેરો જોયો ત્યારે ‘યા અલ્લાહ…’ બોલતાં તેઓ જમીન પર ફસડાઈ પડ્યા. ત્યાંથી આગળ ચાંગી ગામ નજીક લાલુ નામના બાળકનો મૃતદેહ નગ્ન અને સડી ગયેલી હાલતમાં મળી આવ્યો. દરબારા સિંહના ચહેરા પર કોઈ જ હાવભાવ નહોતા. એ તો જાણે કોઇને સરનામું બતાવતો હોય એ રીતે બાળકોનાં મૃતદેહ ક્યાં નાખ્યા હતા તેનાં લોકેશન બતાવતો હતો. કેસ ચાલતો રહ્યો, હત્યારો ફાંસીથી બચતો રહ્યો
દરબારા સિંહ પર અપહરણ, બળાત્કાર અને હત્યાના અઢાર આરોપ મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ જે બન્યું તે પીડિતોના પરિવારો માટે બીજો આંચકો હતો.
7 જાન્યુઆરી, 2008: ન્યાયાધીશ ઇકબાલ સિંહ બાજવાએ ખુર્શીદ અને રુકુની હત્યાના આરોપસર દરબારા સિંહને મૃત્યુદંડની સજા ફટકારી. પટિયાલા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો. એપ્રિલ 2008: દીક્ષાની હત્યાના કેસમાં આશાએ કોર્ટમાં તેને ઓળખી કાઢ્યો. પરંતુ બચાવ પક્ષે દલીલ કરી કે આ સાક્ષીઓને શીખવીને મોકલવામાં આવ્યાં છે. ન્યાયાધીશ બી.કે. મહેતાએ તેને આજીવન કેદની સજા ફટકારી. 30 જુલાઈ, 2009: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ મહેતાબ સિંહ ગિલ અને જિતેન્દ્ર ચૌહાણે મૃત્યુદંડની સજાને રદ કરી. કારણ? પોલીસની બેદરકારી. 30 ઓક્ટોબરના રોજ મૃતદેહ પાસેથી મળી આવેલી દારૂની બોટલ અને કાચને છેક 11 નવેમ્બરના રોજ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. આટલા સમય સુધી પોલીસ સ્ટેશનમાં પડી રહ્યા. કોર્ટે કહ્યું કે 1997ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આ પુરાવા અસ્વીકાર્ય છે. હાઈકોર્ટે પોલીસને પૂછ્યું, 'DNA કેમ લેવામાં ન આવ્યા? વૈજ્ઞાનિક પદ્ધતિ કેમ અપનાવવામાં ન આવી?’ પોલીસ પાસે કોઈ જવાબ નહોતો. આખરે ખુર્શીદ-રુકુની હત્યાના કેસમાંથી દરબારા નિર્દોષ જાહેર થયો. 10 ડિસેમ્બર, 2010: ન્યાયાધીશ બી.એસ. સંધુએ પુરાવાના અભાવે તજબીનની હત્યાના કેસમાં પણ દરબારાને નિર્દોષ જાહેર કર્યો. કુલ મળીને અઢાર ગુનાઓમાંથી અનેક ગુનાઓમાંથી દરબારા નિર્દોષ છૂટી ગયો. પાંચ ગુનામાં તેને આજીવન કેદની સજા થઈ. પંજાબ સરકાર ફેબ્રુઆરી 2010માં સુપ્રીમ કોર્ટમાં ગઈ. પરંતુ કાયદાની ચક્કી તેની ટેવ પ્રમાણે ધીમું ધીમું દળતી રહી. આખરે દરબારા મૃત્યુ પામ્યો, કારણ શૉકિંગ હતું!
દરબારા સિંહને ફાંસી આપવામાં આવી ન હતી. કાયદામાં ખામીઓ, અપૂરતા પુરાવા, પોલીસની બેદરકારી અને અનેક કેસમાં નિર્દોષ છૂટકારાએ તેને જીવતો રાખ્યો. આટઆટલાં બાળકોને ભરખી જનારો આ રાક્ષસ આખરે 2018ની પાંચ જૂનના રોજ 75 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. કારણ? નેચરલ કોઝીસ, ઉંમરને કારણે થયેલી બીમારીઓને લીધે તેનું મૃત્યુ થયું! કોઈ તેનો મૃતદેહ લેવા આવ્યું નહીં. તેની પત્નીએ ના પાડી, તેનાં બાળકોએ પણ ના પાડી. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ રાજન કપૂરે જાલંધર પોલીસને કહીને પરિવારના સભ્યોને મૃતદેહ લઈ જવા કહ્યું, પરંતુ કોઈ દરબારાની લાશ પણ જોવા માગતું નહોતું. ચાર દિવસ સુધી તેનો મૃતદેહ શબઘરના કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો રહ્યો. અંતે, કોર્ટની પરવાનગીથી સરકારે અંતિમ સંસ્કાર કર્યા. આજેય પીડા સાથે જીવી રહ્યા છે પીડિત પરિવારો
મોહમ્મદ વકીલ, જેમના પુત્ર ખુર્શીદની હત્યા કરવામાં આવી હતી, તેમણે દીકરાની લાશ જોઈ એ દિવસે જ તેમનું મૃત્યુ થઈ ગયું. દીક્ષાની બહેન આશાએ કોર્ટમાં તે રાક્ષસને ઓળખી કાઢ્યો હતો, પરંતુ તેમને આંશિક ન્યાય જ મળ્યો. જેનું ગળું કાપીને દરબારા ભાગી ગયેલો તે નીશુ આજીવન બોલવાની ક્ષમતા ગુમાવી બેઠી. આ અને આ સિવાય અનેક પરિવારો પોતાનાં સંતાનોના વિયોગનાં દુઃખ સાથે આજે પણ જીવી રહ્યાં છે. દરબારા સિંહ માનસિક રીતે બીમાર અને વિકૃતિથી પીડાતો માણસ હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે દરેક બાળકને મારીને રાત્રે તે ‘સેલિબ્રેશન’ના ભાગરૂપે દારૂ પીતો હતો! ધરપકડ થઈ તે પછી તેણે પોલીસને અત્યંત નફ્ફટાઈથી કહેલું કે, ‘જો હું આટલી ઝડપથી પકડાયો ન હોત, તો હજી વધુ હત્યાઓ કરી શક્યો હોત.’ ભારતીય સેનામાં પોતાના સિનિયરના ઘરે હેન્ડ ગ્રેનેડ ફેંકવાથી લઇને અનેક માસૂમ બાળકોની શ્રેણીબદ્ધ હત્યાઓ કરનારા દરબારા સિંહને ફાંસી ન થઈ અને તે કુદરતી મોતને મર્યો તે આપણી ન્યાય વ્યવસ્થા સામે પણ એક પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરે છે.
Read Original Article →