18 મહિનામાં 72 લોકોને મારનાર ‘કનપટીમાર શંકરિયા’:પાંચ-પચીસ રૂપિયા માટે આખા પરિવારોને પતાવી નાખતો, નગ્ન થઇને હત્યાઓ કરતો
15 મે, 1979
સવારે 5:30 વાગ્યાનો સમય.
પિંક સિટી જયપુરમાં હજુ સવાર પડવાને વાર હતી, પરંતુ જયપુર સેન્ટ્રલ જેલની ઊંચી, ઠંડી દીવાલોની અંદર મોતના પડઘા સાફ સંભળાતા હતા. જેલની સૂમસામ ખામોશીમાં પોલીસ અધિકારીઓનાં ભારે બૂટનો અવાજ માહોલને ઓર ભયાનક બનાવી રહ્યા હતા. ફાંસી ખોલીના સળિયા પાછળ 33 વર્ષનો શંકરિયા ઊભો હતો, થોડાં વર્ષ પહેલાં સુધી આખું રાજસ્થાન જેના નામથી ધ્રૂજી ઊઠતું હતું, તે યુવાન અત્યારે સામે આવીને ઊભેલા મોતથી ફફડી રહ્યો હતો. પોતાના જેલવાસ દરમિયાન શંકરિયાએ છેલ્લાં ચાર વર્ષ સંપૂર્ણપણે એકલતામાં વિતાવ્યા હતા. તેના હાથ 72 નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલા હતા, છતાં આ ચાર વર્ષો દરમિયાન એક પણ સગા આ ગુનેગારને મળવા ગયા ન હતા. તેનો પોતાનો પરિવાર, જેમણે વર્ષો પહેલાં જ દીકરાના નામનું નાહી નાખ્યું હતું, તેમના સુધી સમાચાર પહોંચ્યા કે તેમના શંકરિયાને ફાંસીની સજા થઈ છે ત્યારે પણ તેમનું રૂંવાડુંય નહોતું ફરક્યું. તેમના માટે તેમનો પુત્ર 'શંકર' ઘણા સમય પહેલાં જ મરી પરવાર્યો હતો. ફાંસીના માંચડા પર સિરિયલ કિલરનો દેહ લટકી ગયો
શંકર ફાંસીના માંચડા તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે તેમના ચહેરા પર એ ક્રૂરતા નહોતી જે તેણે પોતાના પીડિતોના હૃદયમાં ભરી દીધી હતી. સમય આવી ગયો હતો. ફાંસીના માંચડા પર લઇ જઇને તેના અને પગ હાથ બાંધવામાં આવ્યા. માથા પર કાળું કપડું પહેરાવી દેવાયું. જલ્લાદે કાળજીપૂર્વક તેના ગળામાં ફાંસીનો ગાળિયો પહેરાવીને પાછળથી તેની ગાંઠ ટાઇટ કરી દીધી. શંકરિયાના શ્વાસ ઝડપી થઇ ગયા, જાણે એ પોતાના છેલ્લા વધ્યા ઘટ્યા શ્વાસ બને તેટલી ઝડપથી લઈ લેવા માગતો હોય. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટે પોતાની ઘડિયાળ તરફ જોયું અને પોતાના હાથમાં રહેલો રૂમાલ નીચો કરીને સંકેત આપ્યો. બીજી જ ક્ષણે જલ્લાદે પોતાની બધી શક્તિથી લિવર ખેંચ્યું. ભયાનક ‘ખચાક’ સાથે શંકરના પગ નીચે રહેલું પાટિયું ખૂલી ગયું અને શંકરિયાનું 35-37 કિલોગ્રામનું સાઠીકડા જેવું શરીર હવામાં લટકી ગયું. થોડીવાર માટે તે હવામાં તરફડીને શાંત થઇ ગયો.
***
ભારતનો સૌથી ખતરનાક સિરિયલ કિલર ‘કનપટીમાર શંકરિયા’ આજના ‘ખાખી કવર’માં વાત કરીએ ભારતના સૌથી ખતરનાક અને રહસ્યમયી સિરિયલ કિલર ‘કનપટીમાર શંકરિયા’ વિશે, જેણે માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં 72 હત્યાઓ કરીને ભયાનક આતંક મચાવી દીધો હતો. એનો ખોફ એવો હતો કે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા એમ ત્રણ રાજ્યોમાં એ અરસામાં લોકો રાત્રે બહાર ખુલ્લામાં સૂતાં પણ ડરવા લાગ્યા હતા. તેમને ડર હતો કે ગમે ત્યારે શંકરિયો ત્રાટકશે અને હથોડા જેવા કોઈ ભારેખમ હથિયારથી તેમની ખોપરી તોડીને તેમને મારી નાખશે. શું છે આ હેવાનની ‘ઓરિજિન સ્ટોરી’? આવો જાણીએ. *** જેને ભોળાનાથનો અવતાર માન્યો તે રાક્ષસ નીકળ્યો
રાજસ્થાનના આગની જેમ દઝાડતા રેતીના ઢૂવા અને પંજાબની સરહદો વચ્ચે 1946નું વર્ષ ભારતની સ્વતંત્રતાના ઉદયની છડી પોકારી રહ્યું હતું. પરંતુ શ્રીગંગાનગરના ખોબા જેવડા ગામ ‘કચ્ચી ઠેડી’માં એક બાળકનો જન્મ થયો. રજીરામ કુંભારની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. દીકરાને ભોળાનાથનો આશીર્વાદ માનીને પિતાએ તેનું નામ રાખ્યું શંકર. શંકરની માતા પોતાના દીકરાનું મોં ક્યારેય જોઈ શકવાની નહોતી, કારણ કે તે જન્મથી જ અંધ હતી. એક્ચ્યુઅલી, રજીરામ એટલો ગરીબ હતો કે કોઈ પિતા તેને પોતાની દીકરી દેવા તૈયાર નહોતો. આખરે એક અંધ દીકરીનો પિતા તેને પોતાની પુત્રી પરણાવવા તૈયાર થયો. શંકર તેમનું પહેલું સંતાન હતો. પરિવારમાં એટલી કારમી ગરીબી હતી કે બે ટંક ખાવાનાં પણ સાંસાં હતાં. ત્યારે બાળક માટે મોજ-શોખ કે રમકડાંની તો વાત જ ક્યાંથી થાય? પોતાના જ ઘરમાંથી ઘઉં ચોરીને બરફગોળા ખાતો
આવી અભાવની સ્થિતિ વચ્ચે મોટા થઈ રહેલા શંકરને આઇસક્રીમ ખાવાનો બહુ શોખ હતો. આઝાદી પછીના ગરીબ ભારતના છેવાડાના ગામમાં આઇસક્રીમ તો ભાગ્યે જ મળતો, પણ હા, એક બરફ ગોળાવાળો લારી લઇને નીકળતો ત્યારે શંકર પોતાની લાલચ રોકી શકતો નહીં. બરફ ગોળાવાળાની ઘંટડી સાંભળીને એ પોતાના ઘરના ડબામાં રાખેલા ઘઉં ચોરીને બરફ ગોળાવાળાને આપતો અને તેના બદલામાં જાતભાતની ફ્લેવરવાળા બરફ ગોળાની ચુસકીઓ લેતો. નાનપણમાં કરેલી એની આ મુઠ્ઠી ઘઉંની ચોરીને કોઇએ ગંભીરતાથી લીધી નહોતી, જે આગળ જતાં અનેક લોકોને બહુ ભારે પડી જવાની હતી. રામદેવપીરના મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી
જેમ જેમ શંકર મોટો થતો ગયો તેમ તેમ ગામમાં સૌ તેને શંકરમાંથી ‘શંકરિયા’ તરીકે બોલાવવા લાગ્યા. આમેય ગરીબનાં છોકરાંને તુચ્છકારવાળાં નામ મળતાં વાર નથી લાગતી. તેમના ગામમાં બાબા રામદેવપીરનું એક મંદિર હતું. એક દિવસ શંકરિયાની નજર મંદિરની દાનપેટી પર પડી. એણે જોયું કે લોકો પાવલી-આઠ આનાથી લઇને પૈસાની નોટો પેટીમાં સરકાવી રહ્યા હતા. એના મનમાં ભક્તિને બદલે લાલચ સળવળી ઊઠી. લાગ જોઇને એણે દાનપેટીમાં હાથ નાખ્યો અને મુઠ્ઠીમાં જેટલા રૂપિયા આવ્યા તેટલા સેરવી લીધા. પરંતુ પૂજારીની નજર તેના પર પડી ગઈ. એ કાન પકડીને શંકરિયાને તેના પિતા પાસે લઇ ગયો અને ચેતવણી આપી, ‘ઓ રજીરામ, તારા દીકરાનું ધ્યાન રાખ. અત્યારે મંદિરમાંથી ચોરી કરી છે, કાલે ઊઠીને લોકોનાં ઘરોમાં ધાડ પાડતાં વાર નહીં લાગે.’ બાળકની નાદાની સમજીને પોલીસ ફરિયાદ ન થઈ. પરંતુ શંકરિયાને આ સૂચનની કે પિતાના મારની કોઈ અસર નહોતી. તેને લાગ્યું કે ફટાફટ પૈસા કમાવાનો આ જ સૌથી આસાન રસ્તો છે. ***
28 રૂપિયા રોકડા અને 21 કિલો ઘઉંની ચોરી
3 જૂન 1964
આ દિવસે 18 વર્ષના શંકરિયાના જીવનમાં એવો વળાંક આવ્યો જ્યાંથી પાછા ફરવાનું એના પોતાના માટે પણ શક્ય નહોતું. એણે પોતાના પાડોશમાં રહેતા એક ગૃહસ્થના ઘરમાં ખાતર પાડ્યું અને 28 રૂપિયા રોકડા તથા 21 કિલોગ્રામ ઘઉં ચોરી લીધા. એ જમાનામાં જ્યારે રૂપિયો ગાડાના પૈડા જેવડો મોટો હતો ત્યારે આ ચોરી પણ સારી એવી મોટી ગણાતી. પરિવારના મોભીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને સત્તાવાર રીતે તેની પહેલી ધરપકડ થઈ. જોકે કોર્ટમાં મેજિસ્ટ્રેટે તેને નાની વયનો ગણીને તેના પ્રત્યે નરમાશ દાખવી અને તેને પ્રતીકરૂપે માત્ર એક જ દિવસની સજા કરી. પરંતુ જેલની હવા તથા કોર્ટમાં પડેલી ડાંટથી એ સુધરવાને બદલે વધુ બેદરકાર બની ગયો. જેલમાંથી બહાર નીકળ્યાના માત્ર બાર જ દિવસ પછી એણે ફરીથી ચોરી કરી. આ વખતે તેને એક મહિનાની સખત કેદની સજા ફટકારાવમાં આવી. ચોરી કરવાના ત્રણ ‘ગોલ્ડન રુલ’!
અહીંથી શંકરિયાની ગુનેગારથી રીઢો ગુનેગાર બનવાની સફર શરૂ થઈ. જેલમાં તે સુભાષ નામના એક કુખ્યાત ચોરને મળ્યો, જેણે તેને ચોરીના ત્રણ ‘ગોલ્ડન રુલ’ શીખવ્યા. સુભાષે તેને કહ્યું: ‘ચોરી એવી જગ્યાએ કરવી જ્યાં કોઈ સાક્ષી ન હોય. જ્વેલરી નહીં ફક્ત રોકડ રકમ જ ચોરવી, જેથી વેચવા જતી વખતે પકડાઈ જવાનો ડર ન રહે. અને સૌથી અગત્યનું, ચોરી કરતાં પહેલાં વ્યક્તિને બેભાન કરી નાખવી, જેથી તે સામો પ્રતિકાર ન કરે.’ કપૂતને કારણે પરિવારે ઘર અને ગામ છોડવાં પડ્યાં
શંકર જેલમાં હતો તે દરમિયાન તેના પિતા અને દાદા ગોવર્ધન કુમારે ગરીબી અને બદનામીથી ત્રાસીને તેને કાયમ માટે કાઢી મૂક્યો. એટલું જ નહીં, તેમણે પોતાનું ગામ છોડીને 100 કિલોમીટર દૂર રાવતસરમાં સ્થાયી થવું પડ્યું. તેના પરિવારે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા, સમાજે તેને દૂર રાખ્યો, અને આ એકલતાએ શંકરિયાને એવી ક્રૂરતા તરફ ધકેલી દીધો જે આગામી થોડાં વર્ષોમાં 72 લોકોના જીવ લેવાનો હતો. ‘ખૂન કરીને આવ, તો તારો વટ પડે’
જોધપુર સેન્ટ્રલ જેલમાં બનેલી આ ઘટનાથી શંકર અજાણતાં જ સિરિયલ કિલર બનવા તરફ ધકેલાવાનો હતો. નાની ચોરીઓ માટે અગાઉ જેલમાં સજા ભોગવી ચૂકેલો શંકર બિકાનેર અને અજમેર જેલમાં થઇને આખરે જોધપુર જેલ પહોંચ્યો, જ્યાં તેની મુલાકાત બુધરામ જાટ સાથે થઈ. બુધરામ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. જેલમાં બુધરામનો જબ્બર પ્રભાવ હતો. અન્ય કેદીઓ તેની સામે આવવાનું ટાળતા હતા, અને જેલમાં ફરજ બજાવતા સંત્રીઓ પણ અંદરખાને તેનાથી ડરતા. બુધરામના પ્રભાવથી શંકર ઇમ્પ્રેસ થઇ ગયો. એક દિવસ એણે સામેથી જ બુધરામને કહ્યું, ‘ભાઈ, જેલમાં તમારાં બહુ માન-પાન છે. એવો તે તમે કયો જાદુ કર્યો છે?’ બુધરામે તુચ્છકારથી શંકરને કહ્યું, ‘દેખ ભાઈ, અહીં ચિંદીચોર અને ખિસ્સાકાતરુઓની કોઇ ઇજ્જત નથી હોતી. જેલમાં માનપાન જોઇતા હોય, લોકો તમારા નામથી ધ્રૂજી ઊઠે એવો ખૌફ જોઇતો હોય તો ખૂન કર. જ્યાં સુધી તારા હાથ પર લોહી નહીં લાગેલું હોય, તને કોઈ ગણકારશે નહીં.’ શિકાર પર નીકળ્યો સિરિયલ કિલર
બુધરામની આ ઝેરી સલાહથી શંકરિયામાં ખ્યાતિની વિકૃત ભૂખ જાગી. જેલમાં તેને મળતો ‘આદર’ અને ‘ડર’થી તે એટલો આકર્ષાયેલો કે તેણે હત્યાને જ પોતાનું હથિયાર બનાવવાનું નક્કી કરી લીધું. સુભાષ પાસેથી શંકરે માણસને કાનની પાછળ મારવાની એવી ટ્રિક શીખી લીધેલી, જેનાથી માણસ મરે નહીં, પણ બેહોશ થઈ જાય. 1971માં જ્યારે તે જોધપુર જેલમાંથી છુટ્યો, ત્યારે તે ફક્ત ચોર નહોતો, હવે તે સિરિયલ કિલર બનવા નીકળેલો પોટેન્શિયલ હત્યારો હતો. આગામી દોઢ વર્ષમાં સિત્તેરથી વધુ હત્યાઓનો સિલસિલો શરૂ થવા જઈ રહ્યો હતો. રાયસિંગનગર: એક સાધુનો પહેલો બેનામી બલિ
ડિસેમ્બર 1972ની ઠંડીની રાત હતી. રાજસ્થાનના રાયસિંગનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરો પોતાની ચાદર નીચે ઠૂંઠવાઇને સૂઈ રહ્યા હતા. તેમની વચ્ચે એક અનામી સાધુ પણ ગાઢ નિદ્રામાં સૂતો હતો. સ્ટેશનના ઝાંખા-પાંખા અજવાળામાંથી એક પડછાયો તે સાધુની નજીક આવ્યો. બરાબર સાધુના માથા પાસે આવીને તેણે આજુબાજુ જોયું ને ખાતરી કરી કે તેને કોઈ જોઈ રહ્યું નથી. એણે બાજુમાં પડેલો સાધુનો લોઢાનો ચીપિયો ઉઠાવ્યો અને પૂરા જોરથી સાધુના માથા પર પ્રહાર કર્યો. ઊંઘમાં ને ઊંઘમાં જ સ્થિર થઇ ગયેલા સાધુના મોંમાંથી ચીસ પણ ન નીકળી શકી. તે મરી ગયો હતો કે માત્ર બેહોશ થયો હતો તે ચેક કરવાની પણ શંકરને પરવા નહોતી. તેણે સાધુની ઝોળીમાં હાથ નાખ્યો અને પૈસા માટે ફાંફા માર્યા. એના હાથમાં થોડાક પરચુરણ સિક્કા આવ્યા, તેને મુઠ્ઠીમાં લઇને શંકર ફરીપાછો રેલવે ટ્રેક પર ચાલતો અંધારામાં ઓગળી ગયો. તે સાધુ મૃત્યુ પામ્યો હતો. રેલવે પોલીસે સાધુના મૃત્યુને અકસ્માતે થયેલું મોત ગણીને કેસ નોંધ્યો. આમેય સાધુને કોઈ ઘરબાર તો હોય નહીં, એટલે બિનવારસી લાશ ગણીને તેનો નિકાલ કરી નાખ્યો અને કેસ બંધ કરી દીધો. આનાથી શંકરિયાની હિંમત ખૂલી. તેને ખાતરી થઈ ગઈ કે તે કાયદાથી બચી શકે છે. જેની સાથે રોટલા ખાધા તેને જ પતાવી નાખ્યા
18 ફેબ્રુઆરી 1973
પહેલી હત્યાના બરાબર બે મહિના પછી 18 ફેબ્રુઆરી, 1973ની સાંજે શંકરિયા શ્રી ગંગાનગરની બહારના ભાગે આવેલા એક પરબ પાસે પહોંચ્યો. ત્યાં ખુલ્લી જમીન પર ઝૂંપડી બાંધીને રહેતા 28 વર્ષીય બાબા પુરણનાથ પોતાના 12 વર્ષના ભત્રીજા કોનુ સાથે રહીને એક પરબ ચલાવતા. આવતા જતા વટેમાર્ગુઓને પાણી પીવડાવતા અને ત્યાં ચારેક ખાટલા પણ પાથર્યા હતા, જેના પર બેસીને મુસાફરો પોતાનો થાક ઉતારી શકે. આશ્ચર્યની વાત એ છે કે શંકરિયા અને પૂરણનાથ જૂના પરિચિતો હતા; તેઓ જેલમાં સાથે રહ્યા હતા. યાને કે બાબા પુરણનાથ પણ જૂનો ગુનેગાર હતો અને બહાર આવીને સાધુ બની ગયો હતો! સાંજના 7:30 વાગ્યા હતા. પૂરણનાથે પોતાના જૂના સાથીનું સ્મિત સાથે સ્વાગત કર્યું. કોનુએ પ્રેમથી રોટલા બનાવ્યા અને શંકરિયા, પૂરણનાથ તથા કોનુ સગા ભાઈઓની જેમ સાથે મળીને જમ્યા. રાત્રે લગભગ ત્રણ વાગ્યે જ્યારે બધા ગાઢ નિદ્રામાં હતા, ત્યારે શંકર જાગી ગયો. તેણે એ જ ચીપિયો ઉપાડી અને પહેલાં નિર્દોષ કોનુના માથા પર પ્રહાર કર્યો. પછી તે પૂરણનાથ તરફ વળ્યો અને તેના માથા પર એક પછી એક પ્રહાર કરવા લાગ્યો. અચાનક, પૂરણનાથની આંખો ખૂલી ગઈ અને લોહી નીંગળતી હાલતમાં તે ચીસો પાડવા લાગ્યો. આ જોઇને શંકર ત્યાંથી ડરીને ભાગી ગયો, પરંતુ નીકળતાં પહેલાં એણે પૂરણનાથના થેલામાંથી 12 રૂપિયા ચોરી લીધા! પોલીસની ભૂલ જેણે 72 લોકોના જીવ લીધા
પૂરણનાથ અને કોનુ આ હુમલામાં ચમત્કારિક રીતે બચી ગયા, પરંતુ પોલીસે એક ઐતિહાસિક ભૂલ કરી. હોસ્પિટલમાં પૂરણનાથે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખોટું નામ આપ્યું, કારણ કે તે પોતે ભૂતકાળમાં ચોર હતો અને પોલીસની પૂછપરછથી ડરતો હતો. પરંતુ તેનો ભત્રીજો કોનુ સાચું બોલી ગયો, ‘એ હુમલાખોર શંકરિયા હતો.’ પોલીસે આ સંકેતને ગંભીરતાથી ન લીધો. તેઓએ પૂરણનાથને હેરાન કરવાનું શરૂ કર્યું, અને આખરે તેણે કંટાળીને પોલીસને સહયોગ આપવાનું બંધ કરી દીધું. પોલીસે ફક્ત 6-7 મહિનામાં કેસ બંધ કરી દીધો. જો પોલીસે તે દિવસે શંકરિયા વિશેના તે નાના પુરાવાને અનુસરીને તેની તપાસ ચલાવી હોત તો આગામી 18 મહિનામાં થનારી 72 હત્યાઓને અટકાવી શકાઈ હોત. હરનેક સિંહ પરિવારનો હત્યાકાંડ: બદલો લેવાનું અધમ કૃત્ય
શંકરિયાની ક્રૂરતાનું સૌથી ભયાનક ઉદાહરણ હરનેક સિંહના પરિવારનો હત્યાકાંડ હતો. આ ઘટના ફક્ત ચોરીનો કેસ નહોતો, પરંતુ શુદ્ધ બદલો લેવાનો હતો. હરનેક સિંહે એક જૂના ચોરીના કેસમાં શંકરિયા વિરુદ્ધ જુબાની આપી હતી, અને શંકરિયાએ બદલો લેવા માટે આખા પરિવારને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ખાટલાના પાયાથી આખો પરિવાર સાફ કરી નાખ્યો
એક અંધારી રાત્રે જ્યારે શંકરિયા હરનેકના ઘરે પહોંચ્યો, ત્યારે હરનેકસિંહ પોતે ઘરે નહોતા; તેઓ લગભગ 200 મીટર દૂર તેમના ખેતરના કોઠારમાં સૂઈ રહ્યા હતા, કાપેલા પાકની રક્ષા કરી રહ્યા હતા. ઘરની અંદર તેમની પત્ની, નાની પુત્રી અને બે માસૂમ પુત્રો સૂઈ રહ્યાં હતાં, જેમાંથી સૌથી નાનો દીકરો તો ફક્ત 8 વર્ષનો હતો. શંકરિયાએ ખાટલાનો એક ભારે પાયો ઉપાડ્યો અને એક પછી એક દરેકના માથા પર ફટકારતો ગયો અને તેમને ખતમ કરતો ગયો. આ ઘટનામાં શંકરે હત્યાકાંડ આચર્યા પછી ઘરમાં પૈસાની શોધ કરી ત્યારે તેને માત્ર વીસ રૂપિયા મળ્યા હતા! બે કે વીસ રૂપિયા માટે હત્યાઓ કરી!
આ જ રીતે એણે મણિરામ મેઘવાલ નામના એક ગૃહસ્થના પણ પરિવારના ચાર સભ્યોની હત્યા કરી નાખી હતી. તે ઘરમાંથી તેને માત્ર બે રૂપિયા જ મળ્યા હતા. યાને કે શંકરિયા માટે માણસના જીવનની કિંમત બે રૂપિયા કરતાં પણ ઓછી હતી! 9 સપ્ટેમ્બર 1973
આ રાત્રે શંકરે શ્રીગંગાનગર જિલ્લાના તખત હઝારી ગામના એક ગુરુદ્વારામાં પણ હુમલો કરેલો, જ્યાં એણે ગુરુદ્વારાના સેવાદાર અને તેમના બે નેત્રહીન પુત્રોને મારી નાખ્યા હતા. એ ગુરુદ્વારામાંથી પણ તેને માત્ર 19 રૂપિયા જ મળ્યા હતા. લોકોએ સાંજ પછી ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું
1973નો માર્ચ મહિનો શ્રીગંગાનગરના ઇતિહાસમાં ભયનો પર્યાય બની ગયો. એક પછી એક પાંચ ક્રૂર હત્યાઓએ આખા જિલ્લામાં આતંકનું મોજું ફેલાવી દીધું. સાંજ પડતાંની સાથે જ બજારો અને રસ્તાઓ સૂમસામ થઈ જતા. લોકો રાતના શોમાં સિનેમા હૉલમાં જવાનું ટાળવા લાગ્યા. ગરમીની સીઝનમાં ઠંડક મેળવવા માટે લોકોએ ઘરની બહાર સૂવાનું પણ બંધ કરી દીધું. આ આતંક ફક્ત એક ગામ પૂરતો જ સીમિત નહોતો, બલકે આખા જિલ્લા અને નજીકના હનુમાનગઢમાં પણ આ આતંક ફેલાઈ ગયો હતો. લોકોનાં મનમાં ભય પેસી ગયો હતો કે રાત્રે કોઈ અજાણ્યો ખૂની કાનપટી એટલે કે કાનની આગળ-પાછળના ભાગમાં માથા પર બોથડ પદાર્થનો પ્રહાર કરીને હત્યા કરી નાખે છે. લોકોએ જાતે ચોકીપહેરો શરૂ કરી દીધો
માર્ચ મહિનામાં થયેલી પાંચ હત્યાઓમાં ત્રણ સાધુ અને બે નાગરિકોનો સમાવેશ થતો હતો. સાધુઓ ઘણીવાર નિર્જન મંદિરો અથવા રેલવે સ્ટેશનોમાં એકલા સૂતા હતા, જેના કારણે તેઓ શંકર માટે આસાન નિશાન બન્યા હતા. પોલીસ એટલી લાચાર હતી કે તેમની પાસે પેટ્રોલિંગ માટે વાહનો પણ નહોતાં. તેથી ગામના યુવાનોએ લાકડીઓ ઉપાડી અને રાત્રે જાગરણ કરવાનું શરૂ કર્યું. ઘણાં ગામોમાં તો લોકોએ નક્કી કર્યું કે અડધું રાત્રે જાગશે અને ચોકીપહેરો કરશે. 1973માં હત્યારા પર પાંચ હજારનું ઇનામ રખાયું
આ મામલો એટલો ગંભીર બની ગયો કે રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યોએ સરકારને આડેહાથ લીધી, જેના કારણે ભારે હોબાળો થયો. તત્કાલીન મુખ્યમંત્રી બરકતુલ્લાહ ખાન અને ગૃહમંત્રી કમલા બેનીવાલને ગૃહના ફ્લોર પર જવાબ આપવાની ફરજ પડી. સરકારે જાહેરાત કરી કે જયપુરથી એક ખાસ CID ટીમ મોકલવામાં આવશે અને રહસ્યમય હત્યારા સુધી માહિતી પહોંચાડનાર કોઈપણ વ્યક્તિને 5,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. 1973માં 10 ગ્રામ સોનાની કિંમત ફક્ત 250 રૂપિયા હતી, તેના પરથી સમજી શકાય છે કે 5 હજારની રકમ ત્યારે કેવડી મોટી હશે. ‘હથોડામાર’ નહીં, આ હત્યારો ‘કનપટીમાર’ છે
આ ક્રૂર હત્યારો પહેલાં ‘હથોડામાર’ તરીકે ઓળખાયો, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે તે હાજર સો હથિયારની નીતિને અનુસરીને પથ્થર, ચીપિયો, ખાટલાનો પાયો, નાની કોદાળી, લાકડી જે મળે તે માથા પર મારતો હતો. પરંતુ તેની હુમલો કરવાની જગ્યા એકસરખી રહેતી, કાનપટી પર. એટલે તેનું નામ અખબારોમાં ‘કનપટીમાર’ તરીકે છપાવા લાગ્યું. વક્રતા એ હતી કે શંકર એવું માનતો હતો કે તે શિકારને માત્ર બેહોશ કરી રહ્યો છે, પણ તેનો પ્રહાર એટલો સજ્જડ હતો કે ભોગ બનનાર વ્યક્તિ તરત જ મૃત્યુ પામતી હતી. નગ્ન થઇને હત્યાઓ કેમ કરતો આ સિરિયલ કિલર?
ગુનો કરતાં પહેલા તે પોતાનાં બધાં કપડાં ઉતારી નાખતો હતો, અને શરીરે પાણી કે તેલ ચોપડી દેતો હતો, જેથી જો પકડાઈ જાય તો તેનું નગ્ન અને ચીકણું હોવાને લીધે તે કોઇની પકડમાં ન આવે. એ વખતે રાજસ્થાન પોલીસ ચોર-હત્યારાઓનું પગેરું મેળવવા માટે ‘પગીઓ’ની મદદ લેતી હતી, જે લોકો પગલાંની છાપ પરથી માણસ ક્યાં ગયો હશે અને તે પગલાં કોનાં હશે તે જાણવામાં એક્સપર્ટ ગણાતા હતા. આ કળાથી વાકેફ શંકર ભાગતી વખતે હંમેશાં રેલવે ટ્રેકના કાંકરા પર ચાલતો, જેથી તેનાં પગલાંની છાપ ન પડે. આ બધી ચીવટને કારણે પોલીસને તેના સુધી પહોંચતાં નાકે દમ આવી ગયો હતો. અનેક સ્ત્રીઓને મારીને નગ્ન કરી!
અનેકવાર શંકર જે ઘર પર હુમલો કરતો તે ઘરમાં ભોગ બનનારી સ્ત્રીઓનાં શરીર પરથી બધાં જ કપડાં ઉતારી નાખતો. કેટલીયે ઘટનાઓમાં સ્ત્રીઓના નગ્ન મૃતદેહ મળી આવ્યા હતા. અલબત્ત, એકેય કેસમાં જાતીય હુમલો નોંધાયો નહોતો. ઘણીવાર તે ઘરમાં રહેલું ખાવાનું ખાઈ જતો, ઘરમાં બેસીને બીડી પીતો અને ઘરની બહાર જઇને તળાવ વગેરેમાં સ્નાન કરતો. પોતાના ગાઇડ સુભાષની સલાહને અનુસરીને એણે ક્યારેય જ્વેલરીને હાથ લગાડ્યો નહોતો. આ કોઈ વણઝારા ગેંગનું કામ હતું?
સિત્તેર સિરિયલ હત્યાઓના હાહાકાર વચ્ચે પોલીસ તદ્દન અંધારામાં તીર મારી રહી હતી. પોલીસ અને CID (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) એવી થિયરી પર કામ કરી રહ્યા હતા કે આ કોઈ વણઝારાની ગેંગનું કામ લાગે છે. આ થિયરીને આગળ ધપાવતાં તત્કાલીન ગૃહ સચિવે જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજીને દાવો કર્યો હતો કે તેમણે ‘કુબડી ડેરા ગેંગ’ના આઠ લોકોને પકડી પાડ્યા છે. ‘આ તો શંકરિયાનાં પગનાં નિશાન છે!’
પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેલા 28 વર્ષના નવાસવા સબ ઇન્સ્પેક્ટર જગમાલ રામ બિસુ સત્યની નજીક પહોંચી ગયા હતા. જ્યારે મણિરામ મેઘવાલના પરિવારની હત્યા થઈ ત્યારે બિસુએ એક પગીની મદદ લીધી હતી. તે પગીએ સોય ઝાટકીને કહી દીધું કે આ પગલાંનાં નિશાન રજીરામના પુત્ર શંકરિયાનાં છે. બિસુએ પોતાનો રિપોર્ટ પોતાના ઉપરી અધિકારીને સોંપ્યો ત્યારે તેઓ પોતાની બંજારા ગેંગની થિયરી પર ભારે અડગ હતા. તેમણે બિસુને ધમકાવી નાખ્યો અને તેની થિયરીને ફગાવી દીધી. આને કારણે શંકરને વધુ હત્યાઓ કરવાનો સમય મળી ગયો. રતન લાલ જ શંકરિયા હતો?
પરંતુ જ્યારે હરનેક સિંહના પરિવારનો નરસંહાર થયો, ત્યારે સરકાર જાગી ગઈ અને તપાસ CID ઇન્સ્પેક્ટર ઓ. પી. પુરીને સોંપવામાં આવી. પુરીએ ખૂબ મહેનતથી ડેટાનું વિશ્લેષણ કર્યું અને તે જ નિષ્કર્ષ પર પાછા ફર્યા જે બિસુ કહી રહ્યો હતોઃ શંકરિયા! આ સંકેત જોધપુર જેલમાં કેદી બુધરામ જાટ પાસેથી મળ્યો, જેને 'રતન લાલ' નામના વ્યક્તિ તરફથી ભટિંડાથી પત્રો મળ્યા હતા. પોલીસને ખાતરી થઈ ગઈ કે આ 'રતન લાલ' ખરેખર શંકરિયા હતો. 3 જૂન, 1974ના રોજ પોલીસ અધિક્ષક શ્યામ પ્રતાપ સિંહ રાઠોડે આ હત્યારાને પકડવા માટે એક ફિલ્મી યોજના બનાવી. પોલીસકર્મીઓ લગ્નના વરઘોડામાં વેશપલટો કરીને બે વાહનોમાં ભટિંડાની શેરીઓમાં પ્રવેશ્યા. શંકરિયાના જૂના મિત્ર સુભાષને સાક્ષી તરીકે સાથે લઈ જવામાં આવ્યો. ભટિંડામાં એક ગરમ બપોરે આઠ વર્ષની એક છોકરીએ બાતમી આપી કે ‘રતનિયો’ તો રિક્ષા ચલાવે છે અને આસપાસના ઢાબા પર મળી શકે છે. 37 કિલોગ્રામનો સાંઠીકડો સિરિયલ કિલર!
પોલીસ ટીમ શોધખોળ કરતી વખતે રેલવે સ્ટેશન નજીકના એક પાર્કમાં પહોંચી. જૂનની ગરમીમાં એક માણસ ધાબળો ઓઢીને સૂઈ રહ્યો હતો. એસ. પી. રાઠોડે તેને જોરથી લાત મારી અને જગાડીને પૂછ્યું, ‘કૌન હે બે તુ?’ તેણે ધાબળામાંથી માથું કાઢીને ધીમા અવાજે કહ્યું, ‘રતન લાલ.’ પોલીસને હતું કે કોઈ ખૂંખાર રાક્ષસ તેમના પર હુમલો કરશે, પરંતુ તેમની સામે માત્ર 37 કિલોગ્રામ વજનનો એક દૂબળો-પાતળો માણસ ઊભો હતો, જેણે કોઈ પ્રતિકાર કર્યા વિના આત્મસમર્પણ કરી લીધું. આખા દેશને હચમચાવી નાખનાર ‘કનપટીમાર’ આખરે પકડાઈ ગયો. હવે તે આખા નામથી ઓળખાવાનો હતો, ‘કનપટીમાર શંકરિયા’. તે સાંજે આખું ભટિંડા 5 ફૂટ 3 ઇંચના તે ‘વામન કિલર’ને જોવા માટે ઊમટી પડ્યું હતું. જેલમાં આ ‘શાપિત’ ખૂની સાથે કોઇ વાત ન કરતું
જયપુર સેન્ટ્રલ જેલના સળિયા પાછળ શંકરિયાએ પોતાના જીવનનાં છેલ્લાં ચાર વર્ષ પડછાયાની જેમ વિતાવ્યા, એક એવો પડછાયો જેને મૃત્યુ પણ સ્પર્શવા માટે તૈયાર નહોતું. જેલમાં તેનો ખોફ એટલો ઊંડો હતો કે કોઈ કેદી તેની સાથે વાત કરવા માગતો ન હતો, અને કોઈ ગાર્ડ તેની નજીક જવા માગતો ન હતો. તે જેલના આંગણામાં એકલો ફરતો હતો. આ ચાર વર્ષ દરમિયાન એક પણ સંબંધી તેને મળવા ગયો નહીં. પરિવારે આ ખૂનીને મળવાની પણ ના પાડી દીધી
15 મે, 1979ના રોજ જ્યારે તેની ફાંસી માટે ‘બ્લેક વોરંટ’ જારી કરવામાં આવ્યું, ત્યારે પોલીસે કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે તેના પરિવારની શોધ કરી. પરંતુ તેનાં માતાપિતા અને ભાઈ-બહેનોએ તેને મળવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું, ‘અમે વીસ વર્ષ પહેલાં જ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો; અમારે હવે તેની સાથે કોઈ લેવાદેવા નથી.’ આ એક ગુનેગાર માટે અંતિમ હાર હતી. મરતાં પહેલાં પોતાની કરતૂતોની માફી માગી
ફાંસી આપવાના ચાર દિવસ પહેલાં શંકરિયાએ ફક્ત એક જ વ્યક્તિને મળવાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી પોલીસ અધિક્ષક શ્યામ પ્રતાપ સિંહ રાઠોડ, જેમણે તેની ધરપકડ કરી હતી. જ્યારે રાઠોડ જેલમાં પહોંચ્યા, ત્યારે 72 નિર્દોષ લોકોની હત્યા કરનારો આ સાયકો કિલર રડી પડ્યો. હાથ જોડીને તેણે ધ્રૂજતા અવાજમાં વિનંતી કરી, ‘સાહેબ, કૃપા કરીને મને માફ કરો.’ તે પસ્તાવાનો અંતિમ પોકાર હતો, જેના પછી 15 મેના રોજ સવારે 5:30 વાગ્યે તેને ફાંસી આપવામાં આવી. છ દાયકા પછીયે કનપટીમાર શંકરિયાનો ખોફ અકબંધ છે!
આજે પણ, દાયકાઓ પછી પણ કનપટીમાર શંકરિયાનો ખોફ સંપૂર્ણપણે ઓસર્યો નથી. તેના પર પુસ્તક લખનારા લેખક રાકેશ ગોસ્વામીએ 2020માં શ્રી ગંગાનગરના તે ગામોની મુલાકાત લીધી, ત્યારે તેમણે જોયું કે શંકરિયાનો ભય હજુયે જીવંત છે. વૃદ્ધ ગ્રામજનો હજુ પણ તેમના નામનો ઉલ્લેખ કરતા જ ધ્રૂજી જાય છે અને રડી પડે છે. માત્ર 18 મહિનામાં 72 હત્યાઓ સાથે કનપટીમાર શંકરિયાને હજુ પણ ભારતની ક્રાઇમ હિસ્ટ્રીમાં સૌથી ઘાતક અને ભયાનક સિરિયલ કિલરોમાંનો એક માનવામાં આવે છે.
Read Original Article →