સંપત્તિ માટે પ્લેગની સોય ખૂંચાડીને ભાઇને મારી નાખ્યો:મુંબઈથી પ્લેગના જંતુઓ ચોર્યા, આંદામાનમાં કાળા પાણીની સજા પછી હત્યારો પાગલ થઇ ગયો
26 નવેમ્બર, 1933
હાવડા રેલવે સ્ટેશન, કલકત્તા બપોરનો સમય હતો. આઝાદીને હજુ ચૌદ વર્ષના વનવાસ જેટલો સમય બાકી હતો. કલકત્તાનું હાવડા રેલવે સ્ટેશન આજની જેમ ત્યારના બ્રિટિશ ભારત વખતે પણ દેશનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન હતું. હાવડા સ્ટેશનની રચના એ રીતે છે કે તેમાં વાહનો સીધા જ ટ્રેનની પાસે આવી શકે અને તેમાંથી પ્રવાસીઓ ઊતરીને સીધા જ ટ્રેનમાં ચડી શકે. એકબીજાની સમાંતરે ઊભેલી ટ્રેન, લોખંડના મોટા-મોટા થાંભલા અને છાપરાં નીચે ઊભેલાં ટ્રેનનાં એન્જિનોમાંથી નીકળતા ધુમાડાનાં વાદળો, કોલસાની ગંધ, ઊપડતી ટ્રેનોની તીણી વ્હિસલ, કૂલીઓના હાલકા પડકારા, પ્લેટફોર્મ પર પોતાની ટ્રેનની રાહ જોઇને બેઠેલા સામાન સાચવીને બેઠેલા મુસાફરો… અને કલ્પી શકો તેવી તમામ ધમાલ સાથેનો આ એક નોર્મલ દિવસ હતો. આ જ ભીડભાડમાં એક 20 વર્ષીય યુવક પોતાના પરિવાર સાથે જઈ રહ્યો હતો. નામ હતું અમરેન્દ્ર ચંદ્ર પાંડે. પાકુર રાજનો વારસદાર. તત્કાલીન બંગાળ પ્રેસિડેન્સીની (અને હાલના ઝારખંડમાં આવેલી) સૌથી સમૃદ્ધ જમીનદારીઓમાંની એકનો ઉત્તરાધિકારી. તેની સાથે તેની બહેન બનાબાલા, પિતરાઈ બહેન, અને કેટલાક સંબંધીઓ હતા. તેઓ બધા કલકત્તાથી તેમના પાકુર સ્થિત રાજમહેલ તરફ પાછા ફરી રહ્યાં હતાં. મોતની સોય ભોંકાઈ
ત્યારે ભીડમાં એક ઠીંગણા કદનો, ખાદીનાં કપડાં પહેરેલો, ગરમ શાલમાં પોતાનું મોઢું ઢાંકીને ફરતો એક અજાણ્યો વ્યક્તિ અમરેન્દ્ર સાથે અથડાયો.બસ એક ક્ષણનો સ્પર્શ. પરંતુ એ જ વખતે અમરેન્દ્રને કંઇક સોય ભોંકાઈ હોય એવી તીવ્ર વેદના થઈ. એક ઝાટકા સાથે અમરેન્દ્ર અટકી ગયો. જમણા હાથના બાવડા પર એને જ્યાં વેદના થઈ હતી ત્યાં હાથ ફેરવ્યો. પોતાની બાંય ઊંચી કરીને જોયું તો એના આશ્ચર્ય વચ્ચે સોય ભોંકાયાનું એક સાવ બારીક છિદ્ર પડી ગયું હતું. શર્ટની બાંય પર કેટલાક રંગહીન પ્રવાહીના છાંટા પણ હતા. ‘કોઇએ મને સોય ભોંકી છે’, અમરેન્દ્રના મોંમાંથી શબ્દો નીકળ્યા. તેની સાથે ભટકાયેલો માણસ પળવારમાં માણસોના મહાસાગર જેવી આ ભીડમાં ગાયબ થઇ ગયો. કોઇએ તેનો ચહેરો જોયો નહોતો. એક ક્ષણની તે તીક્ષ્ણ પીડામાં અમરેન્દ્રનાં મોતનાં બીજ રોપાઈ ગયાં હતાં. *** એક સૈકા પહેલાં બાયોલોજિકલ વેપનથી હત્યા!
આઝાદી પહેલાંના ભારતમાં પણ એવા ક્રાઇમ થતા હતા, જેના વિશે આજે જાણીએ તો આશ્ચર્યથી આપણી આંખો પહોળી થઈ જાય. અત્યારે સમયની ધૂળ હેઠળ દફન થઈ ગયેલા એવા જ એક અત્યંત વિચિત્ર અને ડરામણા કેસ વિશે વાત કરીશું આજના ‘ખાખી કવર’માં. આજે કલ્પના કરીએ તો પણ આશ્ચર્ય થાય કે આજથી 93 વર્ષ પહેલાં કોઇએ બાયોલોજિકલ વેપનથી હત્યા કરી હશે! નવ દાયકા પહેલાં આખી દુનિયામાં ચકચાર જગાવનારા આ રસપ્રદ કેસ વિશે જાણીએ. *** પાકુર જમીનદારી: વૈભવ, વારસો અને વેરઝેર
આજના ઝારખંડ રાજ્યમાં આવેલું પાકુર ટેકરીઓની તળેટીમાં આવેલું લીલુંછમ ગામ છે. છેક સોળમી સદીથી તે પાંડે પરિવારની જમીનદારીમાં હતો, જે બંગાળ પ્રેસિડેન્સીની સૌથી સમૃદ્ધ અને અત્યંત પ્રતિષ્ઠિત જમીનદારી હતી. આજે પણ પાકુર જઇએ તો ‘પાકુર રાજબાડી’ તરીકે ઓળખાતો પેલેસ જોઇને આપણી આંખો પહોળી થઈ જાય. અહીંના રાજ પરિવાર પાસે હજારો એકર જમીન, ભવ્ય રાજમહેલ અને પેઢીઓથી ચાલી આવતી સત્તાનો વારસો હતો. 1929માં આ પરિવારના વડાનું અવસાન થયું. તેમના પછી બે ઉત્તરાધિકારી હતા, 30 વર્ષીય મોટા પુત્ર બિનોયેન્દ્ર ચંદ્ર પાંડે (જેમને પરિવારમાં સૌ 'બિનોરા' કહેતા હતા), અને 16 વર્ષીય નાના ભાઈ અમરેન્દ્ર ચંદ્ર પાંડે. બંને સાવકા ભાઈઓ હતા. પિતા એક, માતા અલગ. પિતાનું અવસાન થયું ત્યારે અમરેન્દ્ર હજુ સગીર હતો, તેથી બિનોયેન્દ્રએ સંપત્તિના 'વહીવટદાર'ની ભૂમિકા સંભાળી લીધી. એટલે કે પરિવારનો વડો અને સંપત્તિનો મેનેજર. પરંતુ તેનું આ મેનેજમેન્ટ હકીકતમાં એકાધિકાર હતું. તે પોતે તો મોજ-શોખમાં ડૂબેલો રહ્યો, પણ અમરેન્દ્રને તેના ભણતર માટે પણ પૈસા મળ્યા નહીં. દારૂ અને વેશ્યાઓના નશામાં ડૂબેલો નબીરો
બિનોયેન્દ્રનું જીવન કોઈ નવલકથાના ખલનાયક જેવું હતું. કલકત્તાનાં સોનાગાછી જેવાં વેશ્યાવાડાઓ અને કોઠાઓમાં તેની અવર-જવર લગભગ રોજિંદી બની ગઈ હતી. ઉપરથી દારૂ, જુગારની લત, ઘોડાદોડની રેસના સટ્ટા આ બધું તેની દિનચર્યાનો ભાગ હતો. પરંતુ જે બાબત પરિવારને સૌથી વધુ ખટકતી હતી, તે હતી બાલિકાબાલા નામની એક નૃત્યાંગના સાથે તેની ઘનિષ્ઠતા. આ સંબંધે પરિવારની વડીલ કાકી રાણી સૂર્યાવતીને ખૂબ ચિંતિત કરી મૂકી હતી. બિનોયેન્દ્ર જો આ જ રીતે સંપત્તિ ઉડાવતો રહેશે તો થોડા સમયમાં જ બધું ધૂળધાણી થઈ જશે. લાખવાર ટોકવા છતાં બિનોયેન્દ્ર એસ્ટેટના પૈસા ચાર હાથે ઉડાવતો રહ્યો. સામે પક્ષે અમરેન્દ્રને ફૂટી કોડી મળતી નહીં. ન ભણતરનો ખર્ચ, ન ખિસ્સાખર્ચ, ન જમીનદારીમાં કોઈ ભાગીદારી. અમરેન્દ્રનો સંઘર્ષ: કાયદાનો માર્ગ છે સાવકાનો
1931માં અમરેન્દ્ર 18 વર્ષનો થયો. પુખ્ત વયનો થતાં જ તેણે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. 1932 સુધીમાં તે ખુલ્લેઆમ બિનોયેન્દ્રના નિયંત્રણને પડકારવા લાગ્યો હતો. મે 1932માં તેણે એક વકીલની મદદથી અલગ 'પાવર ઓફ એટર્ની' બનાવી, જેથી તેના મામલા બિનોયેન્દ્રના નિયંત્રણની બહાર રહે. રાણી સૂર્યાવતી અને પિતરાઈ ભાઈઓ રબીન્દ્ર અને બેદીનાથનો સાથ તેને મળ્યો. આ એક સાહસિક પગલું હતું. પરંતુ બિનોયેન્દ્રએ સામું દબાણ કર્યું, ક્યારેક ધાક-ધમકીથી, તો ક્યારેક વચનોથી. ત્યારના 13 હજાર રૂપિયા એટલે આજના 4 કરોડ રૂપિયા!
અમરેન્દ્ર યુવાન હતો, ભોળો હતો. તેને હજી પણ લાગતું હતું કે કદાચ ભાઈ સુધરી જશે. બે મહિના પછી, 6 જુલાઈ 1932ના રોજ તેણે તે પાવર ઓફ એટર્ની પાછી ખેંચી લીધી. પરંતુ બંને વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ ગઈ હતી. નવેમ્બર 1932માં બિનોયેન્દ્રએ અલ્લાહાબાદ અને અન્ય બેંકોમાંથી 13,000 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો, જે આજના હિસાબે લગભગ 4 કરોડ રૂપિયા બરાબર હતા. જૂન 1933માં તેને 'ઉત્તરાધિકાર પ્રમાણપત્ર' પણ મળી ગયું, જેનાથી તે સંયુક્ત રીતે રાજ્યના લોકો પાસેથી ટેક્સની વસૂલાત કરી શકતો હતો. પરંતુ અમરેન્દ્રને જેવી આ વાતની જાણ થઈ, કે તરત જ તેણે ઓક્ટોબર 1933માં પાકુર કોર્ટમાં જમા 17,000 રૂપિયાના ઉપાડ પર વાંધો નોંધાવ્યો. ઉપાડ અટકી ગયો. બિનોયેન્દ્ર માટે આ એક મોટો આઘાત હતો. કદાચ અહીંથી જ તેના મગજમાં એક ડેન્જરસ પ્લાનનો જન્મ થયો. કમ્પાઉન્ડર તરીકે ઓળખાતો એ માણસ કોણ હતો?
અમરેન્દ્ર તેની કાકી રાણી સૂર્યાવતી સાથે દેવઘરમાં દુર્ગા પૂજાની રજાઓ ગાળી રહ્યો હતો. ત્યારે બિનોયેન્દ્ર અચાનક પ્રગટ થયો. તે પોતાની સાથે એક અજાણ્યા માણસને લઈને આવ્યો હતો, જેની ઓળખ તેણે ‘કમ્પાઉન્ડર’ તરીકે આપી. તે વ્યક્તિ શાંત હતો, કોઈની સાથે વધારે વાત કરતો ન હતો. બંને ભાઈઓ તે દિવસે એક સાથે ફરવા પણ ગયા. દેખીતી રીતે બધું સામાન્ય લાગતું હતું. કોઈ ઇજા વગર ટિટનેસની આંચકીઓ કેવી રીતે આવવા લાગી?
પરંતુ બિનોયેન્દ્રના ગયાના થોડા દિવસો પછી અમરેન્દ્ર ખૂબ બીમાર પડી ગયો. લક્ષણો હતાંઃ ટિટનેસ (ધનૂર) જેવી આંચકી અને તાવ. સ્થાનિક ડોક્ટર સુરેન્દ્ર નાથ મુખર્જીએ ટિટનેસની સારવાર શરૂ કરી. પરંતુ ત્યારે બિનોયેન્દ્ર ફરી પ્રગટ થયો, આ વખતે તેની સાથે તારાનાથ ભટ્ટાચાર્ય નામનો એક માણસ હતો. તારાનાથે ડોક્ટર સુરેન્દ્ર પર દબાણ કર્યું કે તેઓ સીરમ ઉપચાર બંધ કરીને 'મોર્ફિયા' આપે. ડોક્ટરે ઇનકાર કર્યો, તેમને શંકા પણ ગઈ કે આ માણસ અચાનક ઉપચાર બદલવાનું પ્રેશર શા માટે કરી રહ્યો છે? પછી બિનોયેન્દ્ર બીજા એક ડોક્ટર દુર્ગા રતન ધરને લઈને આવ્યો, જેમણે એક 'નવું સીરમ' લગાવ્યું, અને આ પછી ઇન્જેક્શનની જગ્યાએ ફોલ્લો થઈ ગયો. અમરેન્દ્ર બચી ગયો, પરંતુ તેનું હૃદય નબળું પડી ગયું હતું. પરિવારને તે 'કમ્પાઉન્ડર'નું નામ પણ ખબર ન હતી. તે પડછાયાની જેમ આવ્યો અને પડછાયાની જેમ જતો રહ્યો. દેખીતી રીતે જ આ અમરેન્દ્રની હત્યા કરવાનો પ્રથમ પ્રયાસ હતો, જે નિષ્ફળ રહ્યો. પરંતુ ષડ્યંત્રકર્તાએ હાર ન માની. કલકત્તા આવવાનો એ ટેલિગ્રામ કોણે મોકલ્યો હતો?
નવેમ્બર 1933માં અમરેન્દ્ર પાસે એક ટેલિગ્રામ આવ્યો. નામ હતું રાણી સૂર્યાવતીનુંઃ 'તરત કલકત્તા આવો.' અમરેન્દ્રએ જ્યારે કાકીને પૂછ્યું, ત્યારે તે ચોંકી ઊઠ્યો, કાકીએ તો કોઈ તાર મોકલ્યો જ નહોતો. બિનોયેન્દ્રએ પહેલાં સૂર્યાવતીને અમરેન્દ્રને બોલાવવા માટે તૈયાર કરવાની કોશિશ કરી હતી, પણ તેમણે ના પાડી દીધી. ત્યારે તેણે તેમના નામથી જ નકલી તાર મોકલી દીધો. 19 નવેમ્બર 1933ના રોજ અમરેન્દ્ર કલકત્તા પહોંચ્યો. ત્યાં ભાઈઓની બેઠક થઈ. સંપત્તિના ભાગલા પાડવાના મુદ્દે વાત થઈ. અમરેન્દ્ર ઈચ્છતો હતો કે સમજૂતી પાકુરમાં થાય, જ્યાં તે સુરક્ષિત અનુભવતો હતો. બિનોયેન્દ્ર ઈચ્છતો હતો કે કલકત્તામાં થાય. બંને વચ્ચે વાત જામી નહીં. લુચ્ચો બિનોયેન્દ્ર સ્ટેશન પર કેમ આવ્યો?
26 નવેમ્બરના રોજ પરિવાર પાછા જવાની તૈયારીમાં હતો. ત્યારે જ હાવડા સ્ટેશન પર બિનોયેન્દ્ર અણધાર્યો તેમને વિદાય આપવા આવી ગયો. પરિવારના લોકો આશ્ચર્યચકિત હતા. બિનોયેન્દ્ર ઇમોશનલ થઇને કોઇને સ્ટેશન પર વિદાય આપવા આવે, ખાસ કરીને સંપત્તિના આવા વિખવાદ વચ્ચે, તે માન્યામાં આવે તેવું નહોતું. છતાં તે ત્યાં હતો. તેના ચહેરા પર હાસ્ય હતું, હૃદયમાંથી પ્રેમ અને ઉષ્મા ઊછળી ઊછળીને બહાર આવી રહી હતી. પરિવારનો કોઈ સભ્ય તેના આ બદલાયેલા વર્તનનું કારણ સમજી શક્યો નહીં. પરંતુ પછીથી, અદાલતી જુબાનીઓમાં, બધાએ એક જ વાત કહી તે દિવસે હાવડા સ્ટેશન પર બિનોયેન્દ્રની હાજરી 'બનાવટી' અને 'વિચિત્ર' લાગી હતી. એક ક્ષણનો ડંખ અને મોતનો ઘંટારવ
26 નવેમ્બર, 1933.
બપોર પછીનો સમય. હાવડા સ્ટેશનનું વિશાળ પ્રાંગણ જ્યાં માણસોનો મહાસાગર હિલ્લોળા લઈ રહ્યો હતો. અમરેન્દ્ર અને તેનો પરિવાર ટિકિટ તપાસ્યા પછી સ્ટેશન હોલમાં દાખલ થયો. બિનોયેન્દ્ર પાછળ રહ્યો. તે કોઈ કર્મચારી સાથે વાત કરતો હતો. અચાનક ભીડમાંથી એક ઠીંગણા કદનો માણસ પ્રગટ થયો. ખાદીનાં કપડાં પર વીંટેલી શાલમાં પોતાનો ચહેરો છુપાવીને આવેલો આ માણસ અમરેન્દ્ર સાથે અથડાયો. જોરથી નહીં, બસ એક હળવો સ્પર્શ, પણ તે સ્પર્શ પૂરતો હતો. ‘મને કોઇએ સોય ભોંકી લાગે છે’
અમરેન્દ્રને જમણા હાથના બાવડા પર કશુંક ખૂંચ્યાની તીવ્ર લાગણી થઈ. તેણે હાથ ફેરવ્યો અને બોલ્યો, ‘કોઇએ મને સોય ભોંકી’. બાંય ઊંચી કરીને જોયું તો દુખાવાની જગ્યાએ એક બારીક છિદ્ર પડી ગયું હતું. બાંય પર કાંડા પાસે કોઈ રંગહીન પ્રવાહીના છાંટા હતા. તેની સાથે હાજર રહેલા કમલા પ્રસાદ પાંડે, અશોક પ્રકાશ મિત્રા અને બનાબાલા ગભરાઈ ગયાં. તેમણે કહ્યું, થોભો, આપણે હોસ્પિટલ જઇએ. પરંતુ બિનોયેન્દ્રએ હસતાં હસતાં કહ્યું, ‘બસ એક સોયના ડંખથી ગભરાઈ રહ્યા છો? આ તો પાકુરના યોદ્ધાઓનું લોહી છે. કંઈ ન થાય.’ અમરેન્દ્રએ કોઈની વાત માની. ટ્રેનમાં સવાર થઈ ગયો. તે અજાણ્યો માણસ ભીડમાં ગાયબ થઈ ગયો હતો. ન તો તે માણસ મળ્યો કે ન અમરેન્દ્રને ભોંકાયેલી સોય. રાતોરાત યુવાન માંદો પડ્યો, BP ઘટી ગયું
જ્યારે ટ્રેન પાકુર પહોંચી, અમરેન્દ્રને તાવ ચડી ગયો હતો. પરિવારે વિચાર્યું થાકને લીધે તાવ આવી ગયો હશે. પણ રાત થતાં થતાં જમણા હાથમાં સોજો આવી ગયો. સોજો એટલો ભયંકર હતો કે જોવું મુશ્કેલ હતું. હૃદયના ધબકારા અસામાન્ય થઈ ગયા. તેનું બ્લડ પ્રેશર ઘટવા લાગ્યું. સ્થાનિક ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. અમરેન્દ્રને અદૃશ્ય લોકો દેખાવા માંડેલા!
29 નવેમ્બરે જ અમરેન્દ્રને પાછો કલકત્તા લઈ જવામાં આવ્યો. કલકત્તામાં રાજ બિહારીના પરિવારના ગેસ્ટ હાઉસમાં ડોક્ટર નલિનીરંજન સિંહ ગુપ્તાને બોલાવવામાં આવ્યા. આ ડૉક્ટર શહેરના સૌથી પ્રતિષ્ઠિત તબીબોમાંના એક હતા. તેમણે હાથની તપાસ કરી. છિદ્ર જોયું. તેમણે કહ્યું, આ હાઈપોડર્મિક સોયનું નિશાન છે. તેમણે તાત્કાલિક બ્લડ કલ્ચર ટેસ્ટની સલાહ આપી. લોહીનોનમૂનો ટ્રોપિકલ મેડિસિન સ્કૂલના ડોક્ટર સંતોષ કુમાર ગુપ્તાને મોકલવામાં આવ્યો. પણ રિપોર્ટ આવે તે પહેલાં જ 3 ડિસેમ્બરે અમરેન્દ્ર બેહોશ થઈ ગયો. તેને ચિત્તભ્રમ થવા લાગ્યા. હૃદયના ધબકારા અનિયમિત થઇ ઘયા. આખરે 4 ડિસેમ્બર, 1933 ના રોજ માત્ર 20 વર્ષની ઉંમરે અમરેન્દ્ર ચંદ્ર પાંડેનું નિધન થયું. ડેથ સર્ટિફિકેટમાં લખાયુંઃ ‘સેપ્ટિક ન્યુમોનિયા’. મૃતદેહના તે જ દિવસે કાલી સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા. તેની તમામ વ્યવસ્થા સંભાળી હતી બિનોયેન્દ્રએ. બ્લડ ટેસ્ટમાં પ્લેગના બેક્ટેરિયા મળ્યા
થોડા દિવસ પછી બ્લડ કલ્ચરનો રિપોર્ટ આવ્યો. ડો. સંતોષ કુમાર ગુપ્તાનો રિપોર્ટ વાંચીને બધા સ્તબ્ધ થઈ ગયા. રિપોર્ટમાં લખ્યું હતું: ‘યેર્સિનિયા પેસ્ટિસ.’ યાને કે બ્યુબોનિક પ્લેગના બેક્ટેરિયા. એ જ બેક્ટેરિયા હતા, જેણે 14મી સદીમાં યુરોપની લગભગ 60% વસ્તી, એટલે કે લગભગ 5 કરોડ લોકોને મારી નાખ્યા હતા. એ જ 'બ્લેક ડેથ' જેનું નામ સાંભળીને લોકો ધ્રૂજી ઊઠતા હતા. અને 1933માં? કલકત્તામાં છેલ્લાં ત્રણ વર્ષથી પ્લેગનો એક પણ કેસ નહોતો નોંધાયો. આ સ્વાભાવિક ચેપ નહોતો. આ જાણી જોઈને ઇન્જેક્ટ કરવામાં આવ્યું હતું. આ બેક્ટેરિયાની પુષ્ટિ માટે અમરેન્દ્રના ચેપગ્રસ્ત લોહીમાંથી થોડું એક સફેદ ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવ્યું. ઉંદર મરી ગયો. પોસ્ટમોર્ટમમાં એ જ બેક્ટેરિયા મળ્યા. ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ વ્યક્તિની એક બાયોલોજિકલ વેપનથી હત્યા કરાયાનો આ પ્રૂવન કેસ હતો! બે મહિના સુધી પોલીસ ફરિયાદ જ ન નોંધાઈ!
પરિવારે તરત પોલીસમાં ફરિયાદ ન કરી. તેમને ડર હતો નામ, ઇજ્જત જવાનો, પાકુર રાજપરિવારમાં સંપત્તિના નામે થયેલું આ કૌભાંડ ઉઘાડું પડી જવાનો. પરંતુ પારિવારિક સલાહકાર ખલીદાસ ગુપ્તાએ તેમને સમજાવ્યા અને પોલીસ ફરિયાદ માટે તૈયાર કર્યા. આખરે અમરેન્દ્રના મૃત્યુના લગભગ બે મહિના બાદ 22 જાન્યુઆરી, 1934ના રોજ પિતરાઈ ભાઈ કમલા પ્રસાદ પાંડેએ કલકત્તાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને અરજી આપી. કોલકાતાના ટોલિગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ. કેસ બંગાળ ઇન્ટેલિજન્સ સર્વિસના સબ-ઇન્સ્પેક્ટર શરત ચંદ્ર મિત્રાને સોંપવામાં આવ્યો. તારાનાથ ભટ્ટાચાર્ય: નકલી ડોક્ટર, અસલી હત્યારો
તપાસમાં બે નામ તરત જ ઉભરી આવ્યાંઃ બિનોયેન્દ્ર ચંદ્ર પાંડે અને તારાનાથ ભટ્ટાચાર્ય. તારાનાથને પરિવાર 'ડોક્ટર' માનતો હતો. પરંતુ તેની પાસે કોઈ ડિગ્રી નહોતી. તે 'કલકત્તા મેડિકલ સપ્લાય કન્સર્ન'માં માત્ર એક લેબ આસિસ્ટન્ટ હતો. તે પોતાના નામની આગળ 'DMT' (ડિપ્લોમા ઇન ટ્રોપિકલ મેડિસિન) લખતો હતો, જે ડિપ્લોમા તેની પાસે હતો જ નહીં. પરંતુ તેને બેક્ટેરિયાની સારી જાણકારી હતી. અને તેની મહત્ત્વાકાંક્ષા? વિજ્ઞાનને હથિયાર બનાવવાની. બોમ્બે જઇને પ્લેગના બેક્ટેરિયા ચોરી લીધા
જુલાઈ 1933માં અમરેન્દ્રની હત્યાના માત્ર ચાર મહિના પહેલાં બિનોયેન્દ્ર અને તારાનાથ બોમ્બે ગયા હતા. તેમણે હોટલમાં પોતાનું સરનામું ખોટું નોંધાવ્યુંઃ 'ટેગોર કેસલ લેન, કલકત્તા.' ત્યાં તેમણે એક ગાઈડ રતન સાલારિયાને ભાડે રાખ્યો. અને પછી ગયા હાફકિન ઇન્સ્ટિટ્યૂટ અને આર્થર રોડ ઇન્ફેક્શિયસ ડિસીઝ હોસ્પિટલમાં. હાફકિન ઇન્સ્ટિટ્યૂટ એ જ સંસ્થા છે જે બ્રિટિશ ભારતમાં પ્લેગ સામે સૌથી અગ્રણી સંશોધન કરી રહી હતી. જ્યાં લાઇવ પ્લેગ કલ્ચર રાખવામાં આવતાં હતાં. બિનોયેન્દ્રએ હોસ્પિટલના અધિકારીઓને લાંચ આપીને તારાનાથને લેબમાં કામ કરવાની પરવાનગી અપાવી. બજારમાંથી ઉંદરો ખરીદવામાં આવ્યાં. 'પ્રયોગો' કરવામાં આવ્યા. પાંચ દિવસ તારાનાથ એકલો લેબમાં કામ કરતો રહ્યો, કોઈની દેખરેખ વિના. પાંચમી રાતે બંને ગાયબ થઈ ગયા. કોઈ પૂર્વસૂચના વિના. કોઈ સામગ્રી પાછી આપ્યા વિના. રતન સાલારિયાની જુબાની, હોટેલના રેકોર્ડ, ટેલિગ્રામની રસીદો, ઉંદર ખરીદવાની રસીદો બધું જ પોલીસને હાથ લાગ્યું. હકીકતમાં તેઓ પ્લેગનો અભ્યાસ કરવા ગયા નહોતા. તેઓ તેઓ પ્લેગના લાઇવ બેક્ટેરિયા ચોરવા ગયા હતા. લોભનું ગણિત: 51,000 રૂપિયાનો વીમો અને 25 કરોડનો વારસો
તે જ બોમ્બે યાત્રા દરમિયાન બિનોયેન્દ્રએ અમરેન્દ્રના જીવનનો વીમો કરાવવાનો પ્રયાસ કર્યોઃ 51,000 રૂપિયાનો. 1933ના હિસાબે આ રકમ આજના લગભગ 25 કરોડ રૂપિયા બરાબર છે. વીમામાં એક ખાસ શરત ઉમેરવા માગતો હતો કે અમરેન્દ્રના મૃત્યુ પછી દાવાને પડકારવામાં ન આવે. વીમા કંપનીએ ના પાડી દીધી. પરંતુ આ પ્રયાસ જ તેની ખોરી દાનતનો પુરાવો હતો. આ બાજુ પાકુરમાં લાખો રૂપિયાની સંપત્તિ અને જમીનદારીની વહેંચણી રોકાયેલી હતી. અમરેન્દ્ર જીવતો રહેત, તો બિનોયેન્દ્રની 'સંપત્તિના સંચાલક'ની ભૂમિકા હંમેશ માટે ખતરામાં રહેત. અમરેન્દ્ર મરી જાય તો બધું જ બિનોયેન્દ્રનું થઈ જાય. મોટિવ સ્પષ્ટ હતો. અદાલતમાં ન્યાયાધીશે કહ્યું, ‘આ ગુના માટેનો હેતુ એકદમ સ્પષ્ટ છે અને પુરતા પુરાવા છે જેને કોઈ વધુ સ્પષ્ટિકરણની જરૂર નથી.’ જ્યાં હુમલો કર્યો, ત્યાંથી જ પકડાયા
22 જાન્યુઆરી, 1934ના રોજ ફરિયાદ નોંધાયાના બરાબર 24 દિવસ પછી 16 ફેબ્રુઆરી, 1934ના રોજ બિનોયેન્દ્ર ચંદ્ર પાંડે ફરી એકવાર એ જ હાવડા સ્ટેશન પરથી બોમ્બે જવાની ટ્રેન પકડવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસે ઝડપી લીધો. પોલીસને પહેલેથી જ શંકા હતી કે તે ભાગી છૂટવાનો પ્રયાસ કરશે. ત્યારપછીના 48 કલાકમાં તારાનાથ ભટ્ટાચાર્યની પણ ધરપકડ થઇ ગઈ. ‘મૂળ માણસની તો હજી ધરપકડ થઈ જ નથી’
પૂછપરછમાં પહેલાં તો તારાનાથ ફરી ગયો. ન તો તેણે બોમ્બે જવાની કે ત્યાં હાફકિન ઇન્સ્ટિટ્યુટમાં જવાની વાત માની કે ઇવન બિનોયેન્દ્રને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો. જામીન મળતાં તેણે પોતાની સ્ટોરી બદલી નાખી. તેણે કહ્યું કે તેઓ અલગ-અલગ ગયા હતા. એ પછી તે એક રહસ્યમય વાક્ય બોલ્યો: ‘મેં જે થોડું કર્યું છે, તેનાથી વધુ કરનારાની હજુ સુધી ધરપકડ થઈ નથી.’ બિનોયેન્દ્રએ કહ્યું, આ બધું જૂઠ છે, પરિવારે તેને ફસાવ્યો છે. બોમ્બે તો તે ફિલ્મ ઉદ્યોગના કામ સંબંધે ગયો હતો. પરંતુ કોઈ પુરાવો મળ્યો નહીં. TIME મેગેઝિને પણ આ કેસની નોંધ લીધી
1935માં કેસ શરૂ થયો. આ કોઈ સામાન્ય કેસ નહોતો. કલકત્તાથી સિંગાપોર, લંડનથી ન્યૂ યોર્ક અખબારોએ તેને 'પ્લેગ નીડલ મર્ડર', 'મર્ડર વિથ જર્મ્સ' જેવાં મથાળાં સાથે છાપ્યો. 25 ફેબ્રુઆરી, 1935ના રોજ વિખ્યાત અમેરિકન મેગેઝિન TIMEએ આ કેસ પર લેખ છાપ્યોઃ 'મર્ડર વિથ જર્મ્સ', અને લખ્યું કે આ કેસ 'ભારતીય ગુનાહિત ઇતિહાસમાં આ પ્રકારનું પ્રથમ, સુનિયોજિત વૈજ્ઞાનિક ષડ્યંત્ર છે, જેની ભયાનકતા અદ્વિતીય છે.’ હત્યાના સજ્જડ પુરાવા
9 મહિનાની સુનાવણીમાં પ્રોસિક્યુશન પક્ષે આટલી બાબતો સાબિત કરી બતાવીઃ
બિનોયેન્દ્રનું નાણાકીય ષડયંત્ર: વીમો, બેંક ઉપાડ, ઉત્તરાધિકાર પ્રમાણપત્ર
દેવઘરમાં હત્યાનો પ્રથમ પ્રયાસ: ટિટનેસ દ્વારા હત્યાનો પ્રયાસ
નકલી તારથી અમરેન્દ્રને બોલાવવો
બોમ્બે યાત્રા: પ્લેગના બેક્ટેરિયાની ચોરી
હાવડા સ્ટેશન પર શંકાસ્પદ વર્તન અને અમરેન્દ્રને સોય ભોંકવાના પુરાવા
બ્લડ કલ્ચર: યર્સિનિયા પેસ્ટિસની પુષ્ટિ કપ્તાન પાસિચા (ટ્રોપિકલ મેડિસિન સ્કૂલ)નું નિવેદન: આ બેક્ટેરિયા કલકત્તામાં કુદરતી રીતે મળી શકતા નહોતા, બોમ્બેથી જ લાવવામાં આવ્યા હશે. ‘બ્લડ સેમ્પલમાં ભેળસેળ થઈ હતી?’
બચાવ પક્ષે કહ્યુંઃ કદાચ ચાંચડના કરડવાથી કે અન્ય કોઈ રીતે પ્લેગ થયો હશે. પરંતુ પ્રોસિક્યુશને વળતો પ્રહાર કર્યો, કલકત્તામાં ત્રણ વર્ષમાં પ્લેગનો એક પણ કેસ નહોતો. ફરી દલીલ થઇ કે બ્લડ સેમ્પલ્સ દૂષિત થયાં હશે, પણ નિષ્ણાતોએ પ્રમાણિત કર્યું કે પ્રક્રિયા પ્રમાણભૂત હતી, તેમાં કોઈ ભેળસેળની શક્યતા જ નહોતી. બચાવની દરેક દલીલનો જવાબ હતો. જ્યુરીને ખાતરી થઈ ગઈ. સર્વસંમત ચુકાદો આવ્યો: બંને આરોપીઓ દોષિત. સેશન્સ કોર્ટે બિનોયેન્દ્ર અને તારાનાથને મૃત્યુદંડ આપ્યો. હત્યારાને આંદામાનમાં કાળાપાણીની સજા થઈ
10 જાન્યુઆરી, 1936ના રોજ કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે અપીલ સાંભળી. અદાલતે માન્યું કે ષડ્યંત્ર રચાયું છે, તે પ્રમાણે હત્યા પણ થઈ છે, અને તેમાં બિનોયેન્દ્ર અને તારાનાથ દોષિત છે. પરંતુ એક અડચણ હતી, જે વ્યક્તિએ ખરેખર સોય ભોંકી હતી, તેની ઓળખ ક્યારેય થઈ શકી નહીં. તે હત્યારો ભાડે રાખેલો હતો, અને તે ક્યારેય પકડાયો નહીં. તેથી મૃત્યુદંડને આજીવન કેદમાં બદલી દેવામાં આવ્યો. ન્યાયાધીશે કહ્યું: ‘આ કેસ કદાચ ગુનાહિત ઇતિહાસના ઇતિહાસમાં પોતાની જાતનો અનોખો છે.’ બંને ગુનેગારોને આંદામાન-નિકોબારની સેલ્યુલર જેલમાં કાળા પાણીની સજામાં મોકલી દેવામાં આવ્યા. આ એ જ જેલ છે, જ્યાં અંગ્રેજોના સમયમાં ભારતના સૌથી ખતરનાક અપરાધીઓ અને ક્રાંતિકારીઓને મોકલવામાં આવતા હતા. સંપત્તિ માટે હત્યા કરી, છેવટે પાગલ થઇને મર્યો
બિનોયેન્દ્રઃ 1947માં ભારત આઝાદ થયું. નવી સરકારે સામાન્ય માફી આપી. રાજકીય અને ગુનાહિત બંને પ્રકારના હજારો કેદીઓને મુક્તિ મળી. અને આ જ માફીમાં 13 વર્ષની સજા ભોગવ્યા પછી બિનોયેન્દ્ર ચંદ્ર પાંડે પણ મુક્ત થયો. તે પાકુર પાછો ફર્યો. પરંતુ જે જમીનદારી તેણે હડપવા માટે તેણે પોતાના ભાઈનો જીવ લીધો હતો, તે હવે નહોતી. ભારતે 1950માં જમીનદારી પ્રથા નાબૂદ કરી દીધી હતી. 13 વર્ષની કેદ, કાળા પાણીની યાતના પછી બિનોયેન્દ્ર ભાંગી પડ્યો હતો. માનસિક રીતે તે પાગલ જેવો થઈ ગયો હતો. હવે તે આખો સમય હવેલીમાં પુરાયેલો રહેતો. જે લોકો અદાલતમાં તેની વિરુદ્ધ સાક્ષી બન્યા હતા, તેમને ધમકીઓ આપતો. બધાનાં નામ લેતો, બડબડાટ કરતો. પરિવારે પોલીસને જાણ કરી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. પોતાની જ બંદૂકથી આપઘાત કરી લીધો
પછી એક દિવસ બિનોયેન્દ્ર એક રૂમમાં પુરાઈ ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. તેના હાથમાં બંદૂક હતી. પોલીસને બોલાવાઈ, પોલીસે પણ પ્રયાસો કર્યા, પરંતુ તેણે દરવાજો ખોલ્યો જ નહીં. અચાનક અંદરથી ગનશોટના અવાજો સંભળાયા. પોલીસે બળજબરીથી દરવાજો તોડ્યો. અંદરનું દૃશ્ય ભયાનક હતું. આખી જમીનદારી હડપવા માટે જેણે પોતાના ભાઈને પ્લેગનું ઇન્જેક્શન આપીને મરાવી નાખેલો, તે પોતે લોહીના ખાબોચિયામાં નિષ્પ્રાણ હાલતમાં પડ્યો હતો. બંદૂકની ગોળીથી તેની ખોપરી ફાટી ગઈ હતી, અને તેનો દેહ વિકૃત થઈ ગયો હતો. તારાનાથ ભટ્ટાચાર્ય: આ હત્યામાં બિનોયેન્દ્રને સાથ આપનારા તારાનાથ ભટ્ટાચાર્ય વિશે વધુ માહિતી મળતી નથી. અમુક સ્રોતો કહે છે કે તે સેલ્યુલર જેલમાં જ પાગલ થઇને મરી ગયો હતો. જ્યારે અન્ય એક સ્રોત કહે છે કે તે ગુમનામીમાં મૃત્યુ પામ્યો હતો. એક સૈકા પછીયે ગૂંજે છે આ કેસના ભણકારા
1936માં ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય સાથે આ કેસ સત્તાવાર રીતે બંધ થઈ ગયો હતો. બંને આરોપીઓ બિનોયેન્દ્ર અને તારાનાથ મૃત્યુ પામ્યા છે. જેણે સોય ભોંકી હતી, તે અસલી હત્યારો આજે પણ અજ્ઞાત છે. તે ઇન્જેક્શન, સોય, મર્ડર વેપન ક્યારેય મળ્યું નહીં. પાકુર રાજની જમીનદારી 1950માં જમીનદારી નાબૂદી કાયદા સાથે સમાપ્ત થઈ ગઈ. પાંડે પરિવારના વંશજોનો આજે કોઈ સાર્વજનિક રેકોર્ડ નથી. આ સમગ્ર હત્યાકાંડની ચાડી ખાતી પાકુર રાજબાડી આજે એક હેરિટેજ હોટેલમાં પરિવર્તિત થઇને ઊભી છે. 2024માં અમેરિકન પત્રકાર અને લેખક ડેન મોરિસને એક કેસ પર પુષ્કળ રિસર્ચ કરીને 'The Poisoner of Bengal: The 1930s Murder That Shocked the World' નામનું પુસ્તક લખ્યું હતું. આ કિસ્સાને લગભગ એક સદી વીતી ગઈ છે. હાવડા સ્ટેશન આજે પણ એટલું જ વ્યસ્ત છે. દરરોજ લાખો લોકો ત્યાંથી પસાર થાય છે. ભીડમાં એકબીજા સાથે અથડાય છે. પરંતુ કોઇને સપનેય ખ્યાલ નથી કે 26 નવેમ્બર 1933 ના રોજ અહીં જે બન્યું હતું તે આજે પણ બની શકે છે!
Read Original Article →