Editor's View: મિડલ ક્લાસ પર ‘ઈન્ટરનેશનલ સર્જિકલ સ્ટ્રાઈક’:મોંઘવારીની સુનામીની તૈયારીઓ? યુદ્ધથી થાળીમાં બોમ્બ ફૂટવાની ક્રોનોલોજી; ટ્રમ્પ-જિનપિંગની ડીલ ને ખેડૂતોની અગ્નિપરીક્ષા
28 ફેબ્રુઆરી, રાત્રે 2:17 વાગ્યાનો સમય… ઈરાનના આસમાનમાં ડઝનેક મિસાઈલોના લિસોટા ચમક્યાં અને પળભરમાં દુનિયાનો ઈતિહાસ બદલાઈ ગયો. અમેરિકા અને ઈઝરાયલના હુમલા થયાં, ઈરાનના પરમાણુ મથકો ધણધણી ઉઠ્યા, ખામેનીનો અંત આવ્યો, પણ સાથે જ એક એવી આગ સળગી જેની લપટની ચિનગારી સીધી આપણા રસોડા સુધી પહોંચી. જેના કારણે… $105ને પાર ગયેલું ક્રૂડ, પેટ્રોલ 107/L, સોનું તોલે 1.66 લાખે, ચાંદી કિલોએ 3 લાખ પાર, ઉપરથી ખાવાનું તેલ, દૂધ, ડુંગળી, બટાકા બધા જ અડ્ડો જમાવીને બેઠા છે. આ કોઈ સામાન્ય યુદ્ધ નથી, આ મિડલ ક્લાસના ખિસ્સા પર થયેલી ઈન્ટરનેશનલ સર્જિકલ સ્ટ્રાઈક છે. પડદા પાછળનો ખેલ તો જુઓ… ટ્રમ્પે જેને હેલહોલ કહ્યું તે બેઇજિંગના લાલ દરવાજે જ તંબૂ તાણીને બેઠા છે. તે શી જિનપિંગ સાથે સીક્રેટ ડીલ પાર પાડી રહ્યા છે. ચીન ચૂપ છે પણ ચાલાક છે, રશિયા હરખાઈ રહ્યું છે અને ભારત વેઈટ એન્ડ વૉચમાં છે. અને ત્યાર બાદ જ અસલ ખેલ શરૂ થાય છે. આજે વાત કરીશું એ આર્થિક ચક્રવ્યૂહની, જે બોમ્બથી નહીં, તમારી થાળીમાં ફૂટ્યો છે. નમસ્કાર... 28 ફેબ્રુઆરી 2026નો એ દિવસ કોઈ ભૂલી નહીં શકે. ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું અને જોતજોતામાં ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કરી દીધા. એટલું જ નહીં, ઈરાનના ટોચના નેતા અલી ખામેની પણ આ જંગમાં માર્યા ગયા. આ ઘટનાએ આખા મિડલ ઈસ્ટમાં એવો ભૂકંપ લાવી દીધો કે જેની ધ્રુજારી હજી પણ આપણે અનુભવી રહ્યા છીએ. અત્યારે મે મહિનો ચાલે છે અને સ્થિતિ એવી છે કે કોઈ નમતું જોખવા તૈયાર નથી. ઈરાને ભલે અત્યારે શાંતિ રાખી હોય, પણ એ અંદરખાને પોતાની તાકાત ભેગી કરી રહ્યું છે. હવે વાત કરીએ જમીની હકીકતની. ભલે થોડો સમય માટે યુદ્ધવિરામ થયો હોય, પણ અંદખાને એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે ઈરાને પોતાના મિસાઈલ અડ્ડાઓનો મોટો ભાગ ફરી તૈયાર કરી લીધો છે. એનો સીધો મતલબ એ છે કે, આ શાંતિ માત્ર તોફાન પહેલાની શાંતિ છે. રશિયા જે રીતે ડ્રોન અને હાઈપરસોનિક ટેકનોલોજી ઈરાનને આપી રહ્યું છે, એ જોતા લાગે છે કે આ જંગ હજી લાંબો ચાલશે. દુનિયાને લાગે છે કે આ મિસાઈલનો ખેલ છે, પણ અસલમાં આ સત્તાનો ખેલ છે જેમાં સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. તેલનું ગણિત અને વધતી મોંઘવારી તમને એમ થશે કે ઈરાનના કિનારે આવેલી આ હોર્મુઝની સામુદ્રધુની એટલે કે એ સાંકડો સમુદ્રી રસ્તો આપણા માટે કેમ મહત્વનો છે? તો સાંભળો, દુનિયાનું 20-22% તેલ આ જ રસ્તેથી જ નીકળે થાય છે. ઈરાને અને અમેરિકાએ હવે આ રસ્તા પર પોતાનો પંજો કસી લીધો છે. એ લોકોએ નવા કાયદા બનાવ્યા છે કે કયું જહાજ નીકળશે અને કયું નહીં. આને કારણે તેલની સપ્લાય ખોરવાઈ છે. જ્યારે દુનિયામાં તેલ ઓછું આવે, ત્યારે એના ભાવ આસમાને ચઢે જ, એ સીધું ગણિત છે. વિચારવા જેવી વાત એ છે કે, ઈરાને માત્ર તેલ જ નહીં, પણ સમુદ્રના તળિયે રહેલા ઈન્ટરનેટના કેબલ્સ પર પણ પોતાનો દાવો ઠોકી દીધો છે. જો આ કેબલ્સ કાપી નાખવામાં આવે, તો આખી દુનિયાનું ડિજિટલ કામકાજ ઠપ્પ થઈ જાય. આ એક એવું આર્થિક હથિયાર છે જે અણુબોમ્બ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. ભારત જેવા દેશો જે મોટાભાગનું તેલ આયાત કરે છે, એમના માટે તો આ ગળાફાંસો ખાવા જેવી સ્થિતિ છે. ભાવ વધારો એ તો માત્ર શરૂઆત છે, અસલ આફત તો હજી હવે આવશે. હવે તમે વિચાર કરો કે જ્યારે દુનિયાનો સૌથી મેઈન રસ્તો બંધ થઈ જાય, ત્યારે શું થાય? સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોએ હવે નવા રસ્તા શોધવાનું શરૂ કરી દીધું છે. સાઉદી અત્યારે પોતાની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇનનો ભરપૂર ઉપયોગ કરીને યાનબુ બંદર સુધી તેલ પહોંચાડી રહ્યું છે, જેથી હોર્મુઝના રસ્તે જવું જ ન પડે. હોર્મુઝના ડબલ બ્લોકેજના કારણે સપ્લાય ચેઈન ઠપ્પ આ નવા રસ્તાઓ સાંભળવામાં ભલે સારા લાગે, પણ એની પાછળ જે મહેનત અને ખર્ચ છે એ સમજવા જેવો છે. ઓમાનના એક નાના બંદર પર પહેલા દિવસની માંડ 100 ટ્રકો આવતી હતી, ત્યાં અત્યારે 7 હજાર ટ્રકોની લાંબી લાઈનો લાગે છે. તમે વિચારી શકો છો કે ટ્રાફિક અને લોજિસ્ટિક્સની કેવી હાલત હશે! સીધી વાત છે કે જ્યારે રસ્તો લાંબો થાય અને મહેનત વધે, ત્યારે એનો ખર્ચ તો વધવાનો જ છે. આ વધારાનો ખર્ચ છેવટે તો કોના ગજવામાંથી જવાનો? આપણા જેવા સામાન્ય ગ્રાહકોના! શિપિંગ કંપનીઓએ હવે કોન્ફ્લિક્ટ સરચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે, એટલે કે યુદ્ધના નામે વધારાનો ટેક્સ. હવે આપણે આપણા દેશની વાત કરીએ. ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ તેલ બહારથી એટલે કે બીજા દેશોથી મંગાવે છે. એટલે જ્યારે પણ ખાડી દેશોમાં ફટાકડો ફૂટે, ત્યારે અહીં આપણા ખિસ્સામાં કાણું પડે. મે 2026ની સ્થિતિ જુઓ તો મુંબઈમાં પેટ્રોલ 103 રૂપિયે પહોંચી ગયું છે અને હૈદરાબાદમાં તો 107ને પાર કરી ગયું છે. સરકાર ભલે કહેતી હોય કે અમે ટેક્સ ઘટાડ્યો છે, પણ ઓઈલ કંપનીઓ જે નુકસાન વેઠી રહી છે એની ભરપાઈ તો આપણે જ કરવાની છે. તમે બજારમાં જશો તો ખબર પડશે કે માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પણ શાકભાજી અને ફળોના ભાવ પણ આસમાને છે. ડીઝલ મોંઘું થાય એટલે ટ્રકવાળા ભાડું વધારે, અને ટ્રકનું ભાડું વધે એટલે બટાકા-ડુંગળી મોંઘા થાય. આ એક એવું વિષચક્ર છે જેમાં સામાન્ય મિડલ ક્સાસનો માણસ ફસાયેલો છે. જો કે વાત ખાલી ગાડીમાં પેટ્રોલ પુરાવવાની નથી, વાત આપણા ઘરની થાળીની છે. છેલ્લા કેટલાક મહિનામાં ખાવાના તેલ અને દૂધના ભાવમાં જે રીતે વધારો થયો છે, એણે બહેનોનું રસોડાનું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે. સૂર્યમુખી અને પામ ઓઈલની ઈમ્પોર્ટ મોંઘી થવાથી રસોડામાં વપરાતું તેલ હવે મોંઘું થઈ ગયું છે. આ બધું જોઈને એમ લાગે છે કે આપણે એક એવા આર્થિક ચક્રવ્યૂહમાં છીએ જ્યાંથી નીકળવું મુશ્કેલ છે. સરકારના આંકડા ભલે એમ કહેતા હોય કે મોંઘવારી કાબૂમાં છે, પણ જ્યારે તમે કરિયાણાની દુકાને જશો ત્યારે જ તમને અસલી ગ્રાઉન્ડ રિયાલિટી સમજાશે. યુદ્ધ ભલે હજારો માઈલ દૂર લડાતું હોય, પણ એનો અસલી ઘા તો આપણા રસોડામાં પડ્યો છે. સોનું-ચાંદી ખરીદવું હવે સપનું મિત્રો, હવે થોડી વાત તેજી-મંદીની અને આપણા રોકાણની કરી લઈએ. તમે જોયું હશે કે જ્યારે પણ દુનિયામાં ક્યાંક યુદ્ધ થાય કે અશાંતિ ફેલાય, ત્યારે લોકો સૌથી પહેલા માર્કેટમાં પોતાના રૂપિયા બચાવવા દોડે છે. અત્યારે પણ એવું જ કંઈક થઈ રહ્યું છે. આજે તમે સોનાના ભાવ સાંભળશો તો કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જે સોનું-ચાંદી આપણે તોલાના ભાવે લેતા હતા, એ અત્યારે રેકોર્ડબ્રેક ઊંચાઈ પર છે. સમજવા જેવી વાત એ છે કે સોનું-ચાંદી કેમ આટલું મોંઘું થયું? એક તો દુનિયામાં યુદ્ધના ડરથી રોકાણકારોને શેરબજાર કે કરન્સી પર ભરોસો રહ્યો નથી, એટલે બધા ઉતાવળમાં સોનું ખરીદી રહ્યા છે. બીજું કારણ એ કે આપણી સરકારે સોનું ખરીદવાની ના પાડી દીધી છે અને લોકો ખરીદી પણ ન શકે તેના માટે સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 15% કરી દીધી છે. આને કારણે રાતોરાત સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ભાવ વધારો કોઈ નાની વાત નથી. મધ્યમ વર્ગનો માણસ જે દીકરીના લગ્ન માટે સોનું લેવાનું વિચારતો હતો, એના માટે તો હવે આ બધું સપના જેવું થઈ ગયું છે. ચાંદીના ભાવ પણ જે રીતે કિલોના પોણા ત્રણ લાખથી 3 લાખ વચ્ચે પહોંચ્યા છે, એ જોતા લાગે છે કે મોંઘવારી માત્ર ખાવા-પીવાની વસ્તુઓ પૂરતી જ લિમિટેડ નથી. હવે જરા શેરબજાર તરફ નજર નાખીએ. જો તમે શેરબજારમાં પૈસા રોક્યા હોય તો તમને અત્યારે ઊંઘ નહીં આવતી હોય. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી વિદેશી રોકાણકારો ભારતમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે. એ લોકોએ અત્યાર સુધીમાં લગભગ ₹1.71 લાખ કરોડની વેચવાલી કરી નાખી છે. જો આપણા દેશના રોકાણકારોએ ₹8.50 લાખ કરોડ ન રોક્યા હોત, તો અત્યારે બજાર ક્યાં હોત એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બજારમાં અત્યારે જે ડર છે એનું મુખ્ય કારણ અનસ્ટેબિલિટી છે. યુદ્ધ ક્યારે પૂરું થશે એ કોઈને ખબર નથી. બીજી બાજુ ડોલર મજબૂત થતો જાય છે અને આપણો રૂપિયો ઘસાતો જાય છે. જ્યારે રૂપિયો નબળો પડે, ત્યારે આપણે જે કઈ બહારથી મંગાવીએ એ બધું મોંઘું પડે. એટલે જ પેટ્રોલથી લઈને મોબાઈલ સુધીની દરેક વસ્તુના ભાવ વધતા જાય છે. 2026ની સૌથી મોટી ડિપ્લોમેટિક ગેમ પણ આ બધું ચાલી રહ્યું છે ત્યારે તેના જે કર્તાહર્તા છે તે શું કરે છે એ જાણવું જરૂરી બની જાય છે. આખી દુનિયાની નજર અત્યારે ચીનના બેઇજિંગ પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ મુલાકાત 2026ની સૌથી મોટી ડિપ્લોમેટિક ગેમ છે. કારણ કે અમેરિકાનો કોઈ રાષ્ટ્રપતિ 9 વર્ષ બાદ ચીન પહોંચ્યો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ચીન ઈરાન પર દબાણ લાવે જેથી સમુદ્રનો રસ્તો ખુલી જાય અને તેલના ભાવ ઘટે. પણ ચીન મફતમાં કશું કરતું નથી, એ બદલામાં અમેરિકા પાસે હાઈ-ટેક ચિપ્સ પરના પ્રતિબંધો હટાવવાની માંગણી કરી રહ્યું છે. હવે એક ઈન્ટ્રેસ્ટિંગ વાત કરીએ જેની ચર્ચાઓ બહુ ઓછી થઈ રહી છે. જે છે G2. એટલે સીધી વાતમાં કહીએ તો દુનિયાના બે સૌથી શક્તિશાળી દેશો, અમેરિકા અને ચીન. જો બંને ભેગા થાય તો આખી દુનિયાની ઈકોનોમીને સંભાળવાની તાકાત રાખે છે. આ વિચાર 2005માં આવ્યો ત્યારે તેનો આઈડિયા એવો હતો કે બંને મહાસત્તાઓ ભેગી થઈને ગ્લોબલ માર્કેટને સ્ટેબલ અને કન્ટ્રોલ કરે. US-ચીન ભેગા મળે તો શું થાય? પણ અત્યારે 2026માં મિડલ ઈસ્ટના યુદ્ધ અને તેલના સંકટને લીધે જ્યારે દુનિયાની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે, ત્યારે ટ્રમ્પ અને શી જિનપિંગ ફરી આ રસ્તે ચાલે તેવા સંકેત છે. આની જરૂર એટલા માટે છે કે સ્પર્ધા ભલે રહે પણ એ ખુલ્લા યુદ્ધમાં ના ફેરવાય. જોકે, આમાં એક મોટું જોખમ પણ છે; ભારત અને યુરોપ જેવા દેશોને ડર છે કે આ બેઉ મોટા ભાઈઓ મળીને દુનિયાના નિયમો આપણા હિતો પૂછ્યા વગર જ પોતાની રીતે નક્કી કરી નાખશે! US-ચીનનો ભેટો ભારત માટે બેધારી તલવાર ભારત માટે આ મુલાકાત બેધારી તલવાર જેવી છે. જો અમેરિકા અને ચીન વચ્ચે દોસ્તી વધશે, તો ભારત તરફ આવતું વિદેશી રોકાણ ચીન તરફ વળી શકે છે. આપણે ચીન પ્લસ વનની જે વાત કરતા હતા, એ જોખમમાં આવી શકે. જોકે, જો આ મીટિંગથી તેલના ભાવ ઘટે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે. અત્યારે તો આપણે બસ વેઈટ એન્ડ વોચવાળી સ્થિતિમાં છીએ. આ આખી રમત એવી છે કે જેમાં કોણ કોનો મિત્ર છે અને કોણ દુશ્મન, એ સમજવું બહુ અઘરું છે. આંકડા અને ગ્રાઉન્ડ રિયાલિટી અલગ પણ અત્યારે જે સૌથી મોટી ચર્ચા ચાલી રહી છે ને, એ છે સરકારના આંકડા અને આપણી જમીની હકીકત વચ્ચેનો તફાવત. સરકાર અને રિઝર્વ બેંક આપણને એવા આંકડા બતાવે છે કે બધું બરાબર છે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. વાત સાચી પણ છે, આપણો GDP ગ્રોથ દર 7.6% રહ્યો છે. પણ તમે વિચાર કરો, શું આ આંકડા તમારા ઘરના બજેટમાં દેખાય છે? ના, કારણ કે અહીં એક મોટી ન્યુમેરિકલ ઇલ્યુઝન ગેમ એટલે કે આંકડાકીય માયાજાળ કામ કરી રહી છે. જ્યાં જુઓ ત્યાં બધા જ મોંઘવારી સરકારી ગણતરી મુજબ મોંઘવારી 3.48% ની આસપાસ છે, પણ તમે કરિયાણાની દુકાને જાવ ત્યારે દૂધ, દાળ અને તેલના ભાવમાં તમને વધારો દેખાશે. આનું કારણ એ છે કે સરકારી ફુગાવાની ગણતરીમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેના ભાવ સ્થિર રહે છે, પણ જે વસ્તુઓ આપણે રોજ ખાઈએ છીએ એના ભાવ તો આસમાને પહોંચી ગયા છે. તમે જુઓ, એપ્રિલ 2026માં GST કલેક્શન ₹2.43 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. સરકાર આને મોટી સફળતા માને છે, પણ અસલમાં જ્યારે વસ્તુઓ મોંઘી થાય ત્યારે એના પર લેવાતો ટેક્સ પણ વધે છે. એટલે કે તમારી પાસેથી વધુ પૈસા વસૂલાયા એટલે કલેક્શન વધ્યું છે. આ એક એવું ચક્ર છે જેમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે અને સરકારી તિજોરી ભરાઈ રહી છે. ભીષણ ગરમી પછી વરસાદ પણ ઓછો બીજી બાજુ, 2026નો આ ઉનાળો ખેડૂતો માટે કાળ સાબિત થઈ રહ્યો છે. મે મહિનામાં જે ભીષણ ગરમી પડી રહી છે, એને કારણે ખેતીના પાકને ભારે નુકસાન જાય તેવી શક્યતા છે. ખાસ કરીને આપણા વિસ્તારમાં કેરી અને શાકભાજીના પાકને જે નુકસાન થઈ શકે છે, એની અસર આવનારા દિવસોમાં બજારમાં દેખાશે. ગરમીને કારણે પાક વહેલો સુકાઈ રહ્યો છે, જેને ખેતીના એક્સપર્ટ્સ ટર્મિનલ હીટ સ્ટ્રેસ કહે છે. મોંઘવારી વચ્ચે ખેતી પણ દગો દેશે? હવે સૌથી મોટી ચિંતા એ છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે? ભારતીય હવામાન વિભાગ IMDએ જે આગાહી કરી છે એ બહુ સારી નથી. 2026માં ચોમાસું સામાન્ય કરતા ઓછું એટલે કે 92% રહેવાની શક્યતા છે. ઉપરથી અલ-નીનો ની અસર પણ વર્તાઈ શકે છે. અલનીનો થશે એટલે ચોમાસાની હવાઓ નબળી પડશે, વરસાદની પેટર્ન બદલાશે. જો આગાહી મુજબ વરસાદ ઓછો પડશે, તો મોંઘવારીનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ શકે તેમ છે. વિચારવા જેવી વાત એ છે કે જો ખેતી ફેલ જાય, તો ગ્રામીણ ભારતની માંગ ઘટી જશે. ગામડાના લોકો પાસે પૈસા નહીં હોય તો એ લોકો બજારમાંથી વસ્તુઓ નહીં ખરીદે, અને એની અસર છેવટે આખા દેશના વેપાર-ધંધા પર પડશે. આ એક એવી સાંકળ છે જે ખેતરથી શરૂ થઈને સીધી શેરબજાર સુધી પહોંચે છે. 2026નું વર્ષ ભારત માટે અગ્નિપરીક્ષા આ બધી મુશ્કેલીઓ વચ્ચે ભારત માટે 2026નું વર્ષ એક મોટી અગ્નિપરીક્ષા જેવું છે. એક બાજુ દુનિયામાં યુદ્ધ ચાલે છે, બીજી બાજુ મોંઘવારી છે અને ત્રીજી બાજુ કુદરત પણ રૂઠી છે. પણ શું આનો કોઈ રસ્તો છે? હા, ચોક્કસ છે. જો સરકાર અને RBI અત્યારે આપણા પર બધો ભાર થોપવાના બદલે સમજદારીથી સાવચેતીભર્યા પગલાં લે, તો આપણે આ કટોકટીમાંથી હેમખેમ બહાર નીકળી શકીએ છીએ. ભારતે રૂપિયો ગગડતો અટકાવવો જ પડશે સૌથી પહેલા તો સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ જેટલો છે તેટલો જ રાખવો પડશે. જો આવું થાય તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું નહીં થાય અને ચીજવસ્તુઓના ભાવ કન્ટ્રોલમાં રહેશે. બીજું, આપણે માત્ર તેલ માટે ખાડી દેશો પર નિર્ભર રહેવાને બદલે બીજા ઓપ્શન્સ શોધવા પડશે. રિઝર્વ બેંકે પણ પોતાના વિદેશી હૂંડિયામણનો ઉપયોગ કરીને રૂપિયાને વધુ ગગડતો અટકાવવો પડશે. અંતે તો એટલું જ છે કે 2026નું વર્ષ સાવચેતી રાખવાનું વર્ષ છે. યુદ્ધ ગમે ત્યારે પૂરું થઈ શકે છે, પણ એની આર્થિક અસરો લાંબો સમય રહેશે. ટ્રમ્પ અને ચીન વચ્ચેની ડીલ જો સફળ થાય, તો કદાચ તેલના ભાવ ઘટે અને આપણને રાહત મળે. ત્યાં સુધી આપણે આપણી સ્ટ્રેટેજીક ઓટોનોમી જાળવી રાખીને આપણા આંતરિક બજારને મજબૂત કરવા પર જ ધ્યાન આપવું પડશે. આ સમય ગભરાવાનો નથી, પણ સમજી-વિચારીને આર્થિક નિર્ણયો લેવાનો છે. અને છેલ્લે… બંગાળની ચૂંટણી પહેલા શાહ અને મોદીએ ધમાકેદાર પ્રચાર કર્યો અને એસઆઈઆરની પ્રોસેસ થઈ ત્યારથી મમતા બેનરજીના કોર્ટના આંટા વધી ગયા છે. એવામાં તેઓ કાળો કોટ પહેરીને કોલકાતા હાઈકોર્ટમાં દલીલો કરવા પહોંચ્યાં હતાં. આ કહી જાય છે કે તમે ગમે એટલી સત્તાના શિખરે પહોંચી જાવ પણ ન્યાયથી મોટું કોઈ પદ નથી. જો કે દલીલો કરીને પાછા નીકળ્યા ત્યારે પાછળથી ચોર-ચોરના પણ નારા લાગ્યા હતા. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →