પ્રેમીના પ્રેમમાં યુવતી પાગલ બની:જિંદગીમાંથી પતિની એક્ઝિટ અને લવરની એન્ટ્રી થઇ, 2 વર્ષના માસૂમ આર્યનની હત્યા કોણે કરી?

Gujarat5/26/2026, 12:30:00 AM
પ્રેમીના પ્રેમમાં યુવતી પાગલ બની:જિંદગીમાંથી પતિની એક્ઝિટ અને લવરની એન્ટ્રી થઇ, 2 વર્ષના માસૂમ આર્યનની હત્યા કોણે કરી?
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત એક એવી જનેતાની જે પોતાના 8 વર્ષના દાંપત્ય જીવનને છોડીને પ્રેમીના પ્રેમમાં આંધળી બની. એટલું જ નહીં પ્રેમમાં તે એટલી પાગલ બની ગઇ કે તેના પુત્રનું નિર્દોષ હાસ્ય પણ તેને ડંખવા લાગ્યું અને એક દિવસ ગુસ્સે થઇને તેણે પોતાની કૂખે જન્મેલા વ્હાલસોયા બાળકને પ્રેમી સાથે મળીને લાકડા અને સાવરણીના ફટકા મારીને પતાવી દીધો. અમરેલીથી લગભગ 34 કિલોમીટર દૂર સાવરકુંડલા શહેર આવેલું છે. અહીં અન્ય લોકોની જેમ સલીમ રફઇ પણ પોતાના પરિવાર સાથે ખૂબ જ આનંદથી રહેતાં હતા. ધીરે ધીરે તેની ઉંમર વધતી હતી એટલે પરિવાર તેના નિકાહ માટે એક સારી છોકરીની શોધમાં હતો. પરિવારે તેના માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું. આ દરમિયાન સલીમને રાજકોટની હુસેના ગમી જતાં પરિવારે આજથી 11 વર્ષ પહેલાં ધામધૂમથી સામાજિક રીત રિવાજ પ્રમાણે બન્નેના નિકાહ કરાવી દીધાં. પરિવારનું ગુજરાન ચલાવવા માટે સલીમ કેટરર્સનું કામકાજ કરતો હતો પણ હવે તેના દામ્પત્યજીવનની નવી શરૂઆત થઇ રહી હતી. સલીમ અને હુસેના સુખેથી એકબીજાની સાથે રહેતા હતા. આમ કરતાં કરતાં સમય વિતતો જાય છે. તેમને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. બન્નેએ તેનું નામ રેહાન પાડ્યું હતું. પુત્રના જન્મથી સલીમ અને હુસેના સહિત આખો પરિવાર ખૂબ ખુશ હતો. જેમ સોનામાં સુગંધ ભળે તેમ તેમની ખુશીમાં વધારો થયો. તેમના ઘરે બીજા સંતાનની કિલકારીઓ ગૂંજી. આ વખતે પણ તેમને એક પુત્ર થયો હતો. જેનું નામ તેમણે આર્યન રાખ્યું હતું. એક સમયે ખુશીથી સાથે હળી મળીને રહેનારા આ પરિવારને જાણે કે કોઇની નજર લાગી ગઇ હોય તેમ અચાનક હુસેનાના સ્વભાવમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ગઇ. પહેલાં જે હુસેના શાંત હતી તે હવે વિચિત્ર બનતી ગઇ. અવાર નવાર નાની નાની વાતોમાં ઝઘડો કરીને તે પોતાના બાળકો સાથે પોતાના પિયર રાજકોટ જતી રહેતી. શરૂઆતમાં તો સલીમને પણ આ વાત સામાન્ય લાગતી હતી એટલે તે પોતાના સાસરે જઇને પત્નીને સમજાવતો હતો. 'હુસેના... આવા નાના-મોટા તો ઝઘડાં ચાલ્યા કરે. આમ આવી રીતે રિસાઇને થોડું જતું રહેવાય? તું આવું કરીશ તો આપણાં પરિવારનું શું થશે? આપણાં આ બે નાના બાળકોનું શું થશે? ચાલ હવે હું તારી માફી માંગુ છું. હું તને આપણાં ઘરે લેવા આવ્યો છું.' હુસેનાના આ સ્વભાવથી સલીમ પણ ખૂબ જ દુઃખી થતો હતો. તે પોતાના પરિવારને સુખી રાખવા માટે ખૂબ જ મથામણ કરતો પણ હુસેનાના મનમાં તો જાણે કે કંઇક બીજું જ રંધાઇ રહ્યું હતું. ઝઘડો કરીને પિયર જતું રહેવું એ હુસેના માટે હવે સામાન્ય બની ગયું હતું અને આવા મનામણાં જાણે કે કાયમના થઇ ગયા હતા. આમ કરતાં કરતાં તેમના લગ્નને આઠેક વર્ષ જેટલો સમય વિતી ગયો. હવે એક દિવસ એવો આવવાનો હતો જેના વિશે સલીમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એકવખત અચાનક હુસેનાએ સાસરિયામાં મોટો ઝઘડો કર્યો અને પોતાના બન્ને સંતાનોને લઇને પિયરમાં ચાલી ગઇ. દરવખતની જેમ સલીમ આ વખતે પણ તેને મનાવવા અને તેડવા માટે જાય છે. 'હુસેના, તું આવું કેમ કરે છે? તને મારાથી કે પરિવારથી શું તકલીફ છે? તું આવુંને આવું કરતી રહીશ તો પછી આપણાં પરિવારનું અને આ બાળકોનું શું થશે? ચાલને હવે માની જા.' બીજી તરફ હુસેનાએ કહ્યું... 'સલીમ, હવે હું કંટાળી ગઇ છું. મારે હવે એ ઘરે નથી આવવું અને મારે તારી સાથે પણ નથી રહેવું. હું બસ હવે મારા અમ્મીના ઘરે જ રહેવા માંગુ છું. મને અહીં રહેવા દો પ્લીઝ.' આમ કહીને આ વખતે હુસેનાએ સલીમને ઘસીને તેની સાથે આવવાની ના પાડી દીધી. આ ઘટનાથી સલીમ ભાંગી ગયો. તેને પોતાના બન્ને બાળકોની ચિંતા થઇ. એટલે તેણે નક્કી કર્યું કે હુસેના મારા ઘરે આવવા તૈયાર નથી તો કંઇ નહીં, હું હુસેનાના ઘરની આસપાસ રહું. જેથી બન્ને બાળકોનું ધ્યાન તો રાખી શકું. આ વિચાર પછી સલીમે પોતાની સાસરીની નજીક જ એક ઘર ભાડે રાખીને રહેવાની શરૂઆત કરી. બાજુમાં જ રહેતો હોવાથી તે હુસેના અને બન્ને સંતાનોનું સારી રીતે ધ્યાન રાખી શકતો હતો. સલીમના મનમાં હતું કે મારા આ વ્યવહારથી કદાચ હુસેનાનું દિલ પિગળી જશે. તેને પસ્તાવો થશે અને તે મારી સાથે સાવરકુંડલા રહેવા આવવા માટે તૈયાર થઇ જશે પણ હુસેનાના સ્વભાવમાં જરાપણ બદલાવ ન આવ્યો. તે કોઇપણ કારણ વગર અવાર નવાર પોતાના બાળકો પર ગુસ્સો ઉતારતી અને તેમની સાથે મારઝૂડ કરતી હતી. સલીમે ઘણીવાર હુસેનાને આવું ન કરવા માટે સમજાવી પણ હુસેના પર કોઇ અસર થતી નહોતી. આખરે રોજ રોજનો કંકાસ અને બાળકોને વગર વાંકે માર ખાતાં જોઇ હવે સલીમનું હૈયું ભરાઇ આવ્યું. તેનાથી આ બધું હવે સહન નહોતું થતું એટલે તેણે મનોમન જ નક્કી કરી લીધું કે બસ હવે મારાથી આ સહન નહીં થાય. મારા વ્હાલસોયા દીકરાઓને હું આવી રીતે માર ખાતા નહીં જોઇ શકું. આના પછી સલીમ કંટાળીને 6 મહિનામાં જ પોતાના માતા પિતા સાથે સાવરકુંડલા પાછો ફરે છે. એકતરફ સલીમની રાજકોટમાંથી એક્ઝિટ થાય છે ને બીજીતરફ હુસેનાના જીવનમાં ઝાકીર નામની વ્યક્તિની એન્ટ્રી થાય છે. હુસેનાની ઝાકીર સાથે આંખો મળી જાય છે. તે ઝાકીરના પ્રેમમાં પડી જાય છે. થોડા સમય પછી તે બન્ને નક્કી કરે છે કે બસ હવે આપણે એકબીજાના થઇ જવું છે. હુસેના ઝાકીરના પ્રેમમાં એટલી ગળાડૂબ થઇ ગઇ કે તેણે પોતાના પતિ અને સંસારની ચિંતા કર્યા વગર 2 વર્ષના પુત્ર આર્યનને લઇને પ્રેમી ઝાકીર સાથે સુરેન્દ્રનગરના વઢવાણ રહેવા જવાનું નક્કી કર્યું. આ બન્ને પ્રેમી પંખીડાઓએ વઢવાણમાં રહેવા માટે મકાનની શોધખોળ કરી. તેમને શ્રદ્ધા હોટલ પાસે એક ઓરડી મળી ગઇ. ઝાકીર અને હુસેના તો એવી રીતે એકબીજા સાથે રહેવાં લાગ્યાં કે પાડોશીઓ અને મકાન માલિક પણ એવું થયું કે આ બન્ને પતિ-પત્ની છે અને આ સંતાન તેમનું જ હશે. આ તરફ હુસેના પ્રેમી ઝાકીર સાથે વઢવાણ રહેવા જતી રહી હોવાના સમાચાર સલીમને તેના સંબંધીઓ પાસેથી મળ્યાં હતા. લગભગ દોઢેક મહિના જેટલો સમય વિત્યોને 8 માર્ચ, 2023નો દિવસ આવ્યો. ભરબપોરે અંદાજે દોઢેક વાગ્યાની આસપાસ સલીમ પર તેમના સાળા નાજાનો ફોન આવે છે. નાજાઃ હેલ્લો, સલીમ? સલીમઃ હા, બોલો ભાઇ નાજાઃ અરે, તમારા દીકરા આર્યનની તબિયત બહુ ખરાબ થઇ ગઇ હતી. હુસેના તેને સુરેન્દ્રનગરથી રાજકોટ હોસ્પિટલમાં બતાવવા માટે જઇ રહી હતી ને અચાનક તેનું રસ્તામા જ મૃત્યુ થઇ ગયું છે તો તેની દફનવિધિ કરવાની છે. જલ્દી આવી જજો. આ શબ્દો સાંભળીને સલીમના પગ નીચેથી જમીન સરકી ગઇ. છતાં તે હિંમત એકઠી કરીને ફક્ત એટલું જ બોલ્યો કે હા, હું આવું છું. સલીમે તરત જ પોતાના માતા-પિતાને આખી વાત કરી અને રાજકોટ જવા નીકળી ગયો. આ સમયે તેના પર માસીજી રેશ્માબેનનો ફોન આવે છે.. રેશ્માબેનઃ સલીમ, તારો છોકરો આર્યન મરી ગયો છે. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જઇએ છીએ. જલ્દી સિવિલ હોસ્પિટલમાં આવો. સલીમઃ હા, અમે રસ્તામાં જ છીએ અને જલ્દીથી રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચીએ જ છીએ. લગભગ સાંજના સાતેક વાગ્યાની આસપાસ સલીમ અને તેનો પરિવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચે છે. પહોંચતાં જ હાંફળા ફાંફળા થયેલા સલીમે પૂછ્યું... મારો આર્યન ક્યાં છે? અચાનક તેને શું થઇ ગયું? દીકરાને ક્યાં રાખ્યો છે? સલીમના આ બધા સવાલોનો એક જ જવાબ મળ્યો... આર્યનને ચિલ્ડ્રન વોર્ડમાં રાખ્યો છે. આ શબ્દો સાંભળીને સલીમે ચિલ્ડ્રન વોર્ડ તરફ દોટ મૂકી. જેવો તે વોર્ડમાં પહોંચ્યો કે ત્યાં આર્યનનો નિશ્ચેતન દેહ પડ્યો હતો. બાજુમાં જ તેની પત્ની હુસેના, સાસુ મરિયમ, માસીજી રેશ્માબેન, સાળો નાજા અને બીજા સંબંધીઓ હાજર હતા. ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું. સલીમ પોતાના બાળકની પાસે જાય છે તેને વ્હાલથી એક વાર જોવે છે. આ દરમિયાન આર્યનના ચહેરા, પીઠના ભાગે અને પેટ ઉપર કાળા અને લાલ રંગના ડાઘના નિશાન પર તેની નજર જાય છે. જેને જોઇને તેના મનમાં શંકા જાય છે કે નક્કી આ ઘટનામાં દાળમાં કંઇક તો કાળું છે જ. સલીમને મનમાં શંકા હતી એટલે તેણે ડોક્ટર અને પોલીસને જાણ કરીને કહ્યું કે મારે દીકરા આર્યનની લાશનું ફોરેન્સિક પી.એમ. કરાવવું છે. એ પછી ડોક્ટર અને પોલીસે જરૂરી કાગળિયા તૈયાર કર્યાં અને ફોરેન્સિક મેડિકલ વિભાગમાં આર્યનની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે સલીમની શંકા સાચી ઠરી. રિપોર્ટમાં સ્પષ્ટપણે લખાઇને આવ્યું કે આર્યનનું મૃત્યુ બીમારી કે અન્ય રીતે નહીં પરંતુ કોઇ વ્યક્તિએ ક્રૂરતા પૂર્વક માર માર્યો હોવાના લીધે થયું છે. આ રિપોર્ટ બાદ નક્કી થઇ ગયું કે આર્યનની હત્યા થઇ હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો અને લાશને દફનવિધિ માટે પરિવારજનોને સોંપી દીધી. ભારે હૈયે પરિવારજનોએ આર્યનની દફનવિધિ પૂર્ણ કરી. આર્યનની હત્યા માટે શંકાની સોય સલીમની પત્ની હુસેના અને તેના પ્રેમી ઝાકીર તરફ જઇ રહી હતી. સલીમે સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પત્ની હુસેના અને ઝાકીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ ઘટનામાં પોલીસ માટે પહેલો પડકાર એ હતો કે ખરેખર હુસેના અને તેના પ્રેમી ઝાકીરે જ આર્યનની હત્યા કરી છે કે પછી બીજી કોઇ વ્યક્તિનો હાથ છે. જો કે પોલીસ તપાસમાં જે ઘટસ્ફોટ થયો તે ચોંકાવનારો હતો. આર્યનની હત્યા બીજા કોઇએ નહીં પણ તેની જ જનેતા હુસેનાએ કરી હતી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં વાંચો કે હુસેનાએ જ પોતાના 2 વર્ષના માસૂમ બાળક આર્યનની શા માટે હત્યા કરી?
Read Original Article →