પ્રેમી બોલ્યો- આ મારો છોકરો નથી, આપણાં સંબંધોમાં નડતર છે:પથ્થરદિલ જનનીએ પુત્રને પલંગ પર પછાડી મોતને ઘાટ ઉતાર્યો, ક્રૂરતાની સાક્ષી બની ઓરડી
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે રાજકોટમાં રહેતી હુસેના નામની યુવતીના નિકાહ સાવરકુંડલાના સલીમ સાથે થયા હતા. દામ્પત્યજીવન દરમિયાન તેમના ઘરે 2 સંતાનોનો જન્મ થયો હતો. બીજા સંતાનના જન્મ બાદ હુસેનાના સ્વભાવમાં અચાનક પરિવર્તન આવ્યું હતું. તે વારંવાર પતિ અને સાસરિયાઓ સાથે ઝઘડો કરતી અને પિયર રહેવા જતી રહેતી હતી. એક દિવસ આવો જ ઝઘડો કરીને તે પિયર જતી રહી. આ વખતે તે પાછી આવવા નહોતી માગતી. તેણે પતિને ચોખ્ખી ના પાડી દીધી. જેના પછી તેનો પતિ સલીમ રાજકોટમાં હુસેનાના ઘરની બાજુમાં રહેવા જતો રહ્યો હતો. હુસેના પોતાના માસૂમ બાળકોને મારઝૂ઼ડ કરતી એ સલીમથી જોવાતું નહોતું એટલે તે 6 મહિના બાદ રાજકોટ છોડીને મોટા દીકરા રેહાનને પોતાની સાથે લઇ ફરી પાછો વતન સાવરકુંડલા આવી ગયો હતો. આ તરફ હુસેના ઝાકીર નામના એક યુવાન સાથે પ્રેમમાં પડી હતી અને સુરેન્દ્રનગરના વઢવાણ રહેવા જતી રહી હતી. એક દિવસ સલીમ પર તેના સાળાનો ફોન આવ્યો કે સૌથી નાના દીકરા આર્યનનું મોત થઇ ગયું છે. આના પછી સલીમ રાજકોટ પહોંચ્યો હતો. જ્યાં તેને આર્યનના મોત અંગે શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું કે આર્યનની હત્યા બીજા કોઇએ નહીં પણ તેની જ સગી માતા હુસેનાએ કરી હતી. હવે આગળ વાંચો.... હવે પોલીસે એ શોધવાનું હતું કે હુસેનાએ આર્યનની હત્યા શા માટે કરી હતી? કેવા સંજોગોમાં કરી હતી? સલીમે નોંધાવેલી ફરિયાદના આધારે PSI એમ.બી.વીરજાએ તપાસ માટે એક ટીમ બનાવી. તેમણે ટીમને સૂચના આપી કે તમે બાળકની માતા હુસેનાની તમામ ગતિવિધિઓ પર નજર રાખો. આ આદેશ બાદ ટીમે પોતાનું કામ શરૂ કરી દીધું. પોલીસે હુસેના અને ઝાકીર વઢવાણમાં જે ઓરડીમાં રહેતા હતા તેની આસપાસના લોકોને બોલાવીને પૂછપરછ કરી. જેમાં જાણવા મળ્યું કે હુસેનાની ઓરડીમાંથી અવાર નવાર બાળકનો રડવાનો અવાજ આવતો હતો. પાડોશીઓએ આપેલા આ નિવેદન બાદ પોલીસની શંકા હવે વધારે દ્રઢ થવા લાગી એટલે હુસેનાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે તેના પ્રેમી ઝાકીર વિશે પણ પૂછપરછ કરી. પોલીસે હુસેના પાસે ઝાકીરનું એડ્રેસ માંગ્યું. શરૂઆતમાં તો હુસેનાએ નનૈયો જ ભણ્યો કે મને કંઇ જ ખબર નથી, ઝાકીર તો મારા કોન્ટેક્ટમાં પણ નથી પરંતુ જ્યારે પોલીસે આકરી પૂછપરછ કરી તો હુસેના ફફડી ગઇ. તેણે તરત જ પ્રેમી ઝાકીરનું એડ્રેસ આપી દીધું. મળેલા એડ્રેસના આધારે પોલીસે ઝાકીરની શોધખોળ શરૂ કરી. ઝાકીર પણ હોંશિયાર હતો. પોલીસ પહોંચે તે પહેલાં જ તે ત્યાંથી ફરાર થઇ ગયો પણ જૂની હિન્દી ફિલ્મોમાં બહુ બોલાતો એક ડાયલોગ છે- કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ.... આ કેસમાં પણ કંઇક આવું જ થવાનું હતું. ઝાકીર પોલીસ સાથે સંતાકૂકડી રમતો હતો. જો કે તે આમાં વધુ સમય સુધી સફળ ન થઇ શક્યો. સાંજ પડતાં સુધીમાં તો તે પોલીસના સકંજામાં આવી ગયો. પોલીસે હુસેના અને ઝાકીરને પકડીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ દરમિયાન ઝાકીર અને હુસેના ભાંગી પડ્યા અને એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ કરવા લાગ્યાં. બન્નેની કબૂલાત પ્રમાણે, હુસેનાને ઝાકીર સાથે ગળાડૂબ પ્રેમ થઇ ગયો હતો. શરૂઆતમાં તો ઝાકીર હુસેના સાથે પ્રેમથી રહેતો હતો પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ 2 વર્ષનો આર્યન ઝાકીરને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો હતો. આર્યન સલીમનો દીકરો હોવાથી ઝાકીર તેને કોઇપણ રીતે સ્વીકારવા તૈયાર નહોતો. ઝાકીર અવાર નવાર કહેતો- આ મારો છોકરો નથી હો. મારે તેને રાખવો જ નથી. આ આપણાં સંબંધોમાં નડતરરૂપ છે. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. ઝાકીરના પ્રેમમાં હુસેના પોતાની મમતા ભૂલી ગઇ. ઝાકીરને ખુશ રાખવા માટે તે પોતાના વ્હાલસોયા આર્યન સાથે મારઝૂડ કરતી રહેતી. હજુ તો જેને દુનિયાની કંઇ ગતાગમ નહોતી પડતી તે આર્યનને તો એ પણ ખબર નહીં હોય કે વગર વાંકે તેની સગી માતા કેમ આવું કરી રહી છે. કેટલીકવાર આ ઘટનાક્રમ મકાન માલિક ધર્મેશે પણ જોયો હતો એટલે તે પણ હુસેનાને કહેતો કે બાળકને આવી રીતે ન મરાય પણ હુસેના સુધરવાનું નામ નહોતી લેતી. હવે એ કાળમુખો દિવસ આવવાનો હતો જે આર્યનને ભરખી જવાનો હતો. તારીખઃ 8 માર્ચ,2023
ઝાકીર અને હુસેના કંઇક વાતચીત કરી રહ્યાં હતા તેમાંથી બન્ને વચ્ચે આર્યન અંગે ભયંકર ઝઘડો થયો. આ ઝઘડાએ હદ તો ત્યારે વટાવી જ્યારે ઝાકીરે ગુસ્સામાં કહ્યું- હુસેના, હવે બહુ થઇ ગયું. મારાથી હવે તારું આ બાળક સહન નથી થતું. આના પછી હુસેના અને ઝાકીરે નક્કી કરી લીધું કે આપણે ગમે તેમ કરીને આર્યનનો કાંટો કાઢી નાખવો છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સલીમના બાળક પ્રત્યેની નફરતમાં ઝાકીર અને હુસેના એ ભૂલી ગયા કે તેમણે જેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો છે તે આર્યન તો હજુ બાળક છે. બન્ને ઓરડીમાં દાખલ થયા.તેમના આ જીવલેણ પ્લાનથી અજાણ માસૂમ આર્યન તો રમકડાંથી રમી રહ્યો હતો. ઓરડીમાં લાકડાની પટ્ટી અને સાવરણી પડ્યાં હતા. જે આ બન્ને માટે હથિયાર બન્યાં. ઝાકીરે આર્યનના હાથમાંથી રમકડું છીનવી લીધું અને તેનો દૂર ઘા કરી દીધો. આના પછી આર્યનને પકડ્યો અને હુસેના તેના પર લાડકાની પટ્ટીથી ફટકા વરસાવવા લાગી. વચ્ચે વચ્ચે ઝાકીરે પણ સાવરણીથી આર્યનને માર માર્યો. જરા કલ્પના કરો કે કોઇ મોટી ઉંમરની વ્યક્તિને પણ બળપૂર્વક જો લાકડીનો એક ફટકો પડે તો તે કેવી ચીસ પાડી ઉઠે છે. આ તો કોમળ ફૂલ જેવું નાનકડું બાળક હતું. તેની શું હાલત થઇ હશે. 2 વર્ષનું બાળક તો પોતાનો બચાવ કઇ રીતે કરી શકે? અસહ્ય મારના કારણે આર્યન જોરજોરથી રડવા લાગ્યો, ચીસો પાડવા લાગ્યો. તેને ખબર નહોતી પડતી કે તેની સાથે આ શું થઇ રહ્યું છે. તે વારંવાર પોતાની માતા તરફ જોઇ રહ્યો હતો. તેની આંખોમાં એક આશા હતી કે કદાચ માતા મને આ પીડાથી બચાવી લેશે પણ પથ્થર દિલના બની ગયેલા આ પ્રેમી પંખીડાઓને એ માસૂમ પર જરાય દયા ન આવી. આ બન્નેએ એવું કૃત્ય કર્યું જે સાંભળીને પાષાણ હૃદયનો માનવીની આંખમાં પણ આંસુ આવી જાય. હુસેના અને ઝાકીરે આર્યનને પકડીને દૂરથી લોખંડના પલંગ પર છૂટ્ટો ઘા કર્યો. પલંગ પર ગાદલું કે ગોદડું કંઇ પાથરેલું નહોતું. આર્યન સીધો પલંગ પર પડીને લોખંડ સાથે અથડાયો અને તેનું પ્રાણપંખેરૂં ત્યાં ને ત્યાં જ ઊડી ગયું. આમ તો પોલીસને આવી ઘટનાઓનો રોજબરોજ સામનો કરવાનો હોય છે એટલે તેમને કોઇ નવાઇ નથી લાગતી પણ હુસેના અને ઝાકીર પાસેથી આ ભયાનક વાસ્તવિકતા જાણીને પોલીસ પણ હચમચી ઉઠી. કેસને વધુ મજબૂત બનાવવા પોલીસ બન્નેને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન માટે તેમની ઓરડી પર લઇ ગઇ. જેવી પોલીસ ત્યાં પહોંચી કે આસપાસના લોકો ટોળે વળ્યાં. બધા ગણગણાટ કરવા લાગ્યા. પોલીસના કેટલાક જવાનો આગળ આવ્યા અને ટોળાને દૂર ખસેડી ઓરડીમાં જવા માટેનો રસ્તો કર્યો. આના પછી પોલીસ બન્નેને લઇને ઓરડીમાં દાખલ થઇ. ઓરડીની છત સિમેન્ટના પતરાંવાળી હતી, તળિયું પણ સિમેન્ટનું જ બનેલું હતું. ઓરડીમાં લોખંડનો એક પલંગ પડ્યો હતો. જ્યારે બાકીની ઘરવખરી અને સામાન વેર વિખેર હાલતમાં હતો. ઓરડીની હાલત ગરીબીની ચાડી ખાડી હતી. પોલીસે હુસેનાને પૂછ્યું કે આર્યનને શેનાથી માર માર્યો હતો ત્યારે હુસેનાએ તરત જ એ લાલ હાથાવાળી પ્લાસ્ટિકની સાંવરણી કાઢીને બતાવીને કહ્યું- સાહેબ, આ એ જ સાંવરણી છે. જ્યારે ઝાકીરે બ્લૂ કલરની ખિલ્લીવાળી લાકડાની પટ્ટી કાઢીને બતાવી. આના પછી પોલીસે તમામ પુરાવા કબજે કર્યા હતા. પોલીસે મકાન માલિકની પણ પૂછપરછ કરી. જેમાં જાણવા મળ્યું કે ઝાકીર અને હુસેના કોઇપણ ભાડા કરાર કર્યા વગર જ મકાનમાં ભાડેથી રહેતા હતા. હુસેના અને ઝાકીર વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો જેના કારણે તેઓ બાળકને મારતાં હતા. આ દરમિયાન હુસેનાએ મગરના આંસુ સારતાં પોતાના પ્રેમી ઝાકીરને કહ્યું હતું તે મારું બાળક લઇ લીધું અને દુનિયા સામે મને બદનામ કરી નાંખી. જીવવાલાયક ન રાખી ટકા, તારું કંઇ ભલું નહીં થાય, તને જીવડાં પડશે ટકા, દુનિયામાં કોઇ આવો બદલો ન લે તેવો બદલો તે લીધો છે. આર્યનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે જે ક્રૂરતા થઇ હતી તેનો ઉલ્લેખ હતો. રિપોર્ટ પ્રમાણે આર્યનના આખા શરીર પર કુલ 13 જેટલી ઇજાઓ થઇ હતી. મોટા ભાગની ઇજાઓ ચકામા સ્વરૂપે હતી. કેટલીક ઇજાઓ તો એટલી ગંભીર હતી કે છેક હાડકાંઓ સુધી પહોંચી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ પણ હતી કે તેના મોટા મગજની આખી ડાબી બાજુની સપાટી પર લાલ રંગનું સબડ્યુરલ હેમરેજ જોવા મળ્યું હતું. મગજ ઉપર પણ સોજો જોવા મળ્યો હતો. રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે બન્નેને કોર્ટમાં રજૂ કર્યાં હતા બાદમાં બન્ને પર કેસ ચાલ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ઝાકીરે દાવો કર્યો કે આખા મામલામાં હુસેના અને પોતે નિર્દોષ છે. તેણે કહ્યું કે, હુસેનાના પતિએ તેના બાળકો સાથે તેને તરછોડી દીધી હતી. જેના પછી મને હુસેના સાથે પ્રેમ થયો અને અમે બન્ને એકબીજા સાથે લગ્ન કરવાના હતા. બીજી તરફ હુસેનાનું બાળક પણ બહું જ બીમાર રહેતું હતું. આ બિમારીના કારણે જ તેનું મૃત્યું થયું છે પણ હુસેનાના પતિને આ વાત પચતી નથી એટલે તેણે અમારા પર ખોટો આરોપ લગાવ્યો છે. જો કે ઝાકીરની આવી દલીલોનો છેદ પોલીસની મજબૂત તપાસ દરમિયાન એકઠા થયેલા પુરાવાએ ઉડાડી દીધો. પોલીસે રજૂ કરેલા પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આર્યનની હત્યા બદલ હુસેના અને ઝાકીરને દોષિત જાહેર કર્યા. બન્નેને આજીવન કેદની સજા ફટકારી અને 20 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ આપ્યો હતો.
Read Original Article →