પ્રેમમાં જીત્યા પણ પિતા સામે હાર્યા:જમાઇ, વેવાઇ-વેવાણને ઘરમાંથી ઉઠાવી ગયા, નવપરિણીત પ્રેમી યુગલની લવ સ્ટોરીનો અણધાર્યો અંત આવ્યો

Gujarat5/13/2026, 12:30:00 AM
પ્રેમમાં જીત્યા પણ પિતા સામે હાર્યા:જમાઇ, વેવાઇ-વેવાણને ઘરમાંથી ઉઠાવી ગયા, નવપરિણીત પ્રેમી યુગલની લવ સ્ટોરીનો અણધાર્યો અંત આવ્યો
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે સુરતના દેવધ ગામની એક સોસાયટીમાં આવેલા આલીશાન બંગલામાં અનાજ મૂકવા ગયેલા કેટલાક શ્રમિકોએ એક યુવાનની લાશ પડેલી જોઇ હતી. આ વાત લિંબાયત પોલીસ સુધી પહોંચી અને પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે આ બંગલામાં પહેલા રાકેશ નામનો એક યુવાન રહેતો હતો. જે છેલ્લા 2 મહિનાથી બીજે ક્યાંક રહેવા જતો રહ્યો હતો. પોલીસે રાકેશની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેના મામા કિશને એક દિવસ રોકાવા માટે બંગલાની ચાવી મગાવી હતી. કિશન અમદાવાદમાં રહેતો હતો એટલે લિંબાયત પોલીસની એક ટીમ અમદાવાદ આવી હતી અને કિશનની પૂછપરછ કરી હતી. જેમાં ખુલાસો થયો કે જે યુવાનની લાશ મળી હતી તેનું નામ જૈનિલ હતું અને તે કિશનનો જમાઇ થતો હતો. જૈનિલની હત્યામાં તેના જ સસરા કિશનનો હાથ હતો. હવે આગળ વાંચો.... કિશને જૈનિલની હત્યા શા માટે કરી તે જાણવા માટે થોડું ફ્લેશબેકમાં જવું પડશે. જૈનિલ અમદાવાદમાં રહેતો હોવાનો અને એક સાધારણ પરિવારનો યુવાન હતો. જૈનિલને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. આ યુવતી એટલે બીજું કોઇ નહીં પણ કિશનની પુત્રી ડિમ્પલ (બદલેલું નામ) હતી. બન્નેએ સાથે જીવવા-મરવાના કોલ આપ્યા હતા પણ આ પ્રેમની વચ્ચે સમાજ અને જ્ઞાતિની દીવાલ ઉભી હતી. બન્નેના ઘરે આ વાતની ખબર પડી ગઇ હતી. જૈનિલના માતા-પિતા લગ્ન માટે રાજી હતા. કિશનભાઇ પ્રતિષ્ઠિત હતા અને તેમને પોતાની પુત્રી અન્ય જ્ઞાતિના છોકરા સાથે પરણે તે જરાય મંજૂર નહોતું. યુવતીના પરિવારે આ લગ્ન માટે ઇન્કાર કરી દીધો હતો. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. બન્નેએ પરિવારની મરજી વિરૂદ્ધ જઇને પ્રેમ લગ્ન કરી લીધા હતા. પ્રેમ લગ્ન બાદ પ્રેમી અને પ્રેમિકામાંથી પતિ-પત્ની બની ગયેલા બન્નેએ સાથે મળીને સંસાર માંડ્યો હતો. આંખોમાં એકબીજાના સાથે જિંદગીભર રહેવાના સપના હતા અને દિલમાં એક નવો જ ઉત્સાહ હતો. ખુશીથી દિવસો પસાર કરી રહ્યા હતા પણ તેમની આ ખુશી બહુ લાંબો સમય ટકવાની નહોતી. બન્નેને લાગતું હતું કે દુનિયા સામે તેઓ જીતી ગયા છે પણ કાળના ગર્ભમાં શું રહેલું છે તે કોઇ જાણી શકતું નથી. બસ આ જ રીતે જૈનિલ અને ડિમ્પલનો સુખી સંસાર વેર વિખેર થઇ જવાનો હતો. હવે સૌથી મોટો સવાલ એ હતો કે અમદાવાદમાં રહેતો જૈનિલ સુરત કેવી રીતે પહોંચ્યો? તેની હત્યા કોણે અને શા માટે કરી હતી? પોલીસ આ ભેદ ઉકેલવા માટે મથી રહી હતી. ડિમ્પલના પરિવારને તેના પ્રેમ લગ્ન મંજૂર ન હોવાથી સ્વભાવિક છે કે પોલીસના રડારમાં તે જ આવે. પોલીસે ડિમ્પલના પરિવાર વિશે માહિતી એકઠી કરી. જેમાં પણ ખૂલ્યું કે ડિમ્પલ-જૈનિલના પ્રેમલગ્નથી પરિવાર નારાજ હતો. ડિમ્પલના પિતા કિશનભાઇ કોઇપણ ભોગે પોતાની દીકરીના પ્રેમલગ્ન તોડાવવા માગતા હતા. તે ઇચ્છતા હતા કે ડિમ્પલ જૈનિલને છૂટાછેડા આપી દે અને પાછી પોતાના પિયરમાં આવી જાય. કિશને વારંવાર દીકરી ડિમ્પલને મનાવવાનો પ્રયાસ કર્યો પણ તે જૈનિલને છોડવા તૈયાર નહોતી. હવે કિશનને સમાજમાં પોતાની બદનામીનો ડર સતાવ્યા કરતો હતો એટલે તેણે બીજો રસ્તો અપનાવ્યો. કિશને ડિમ્પલના બદલે જૈનિલને મનાવવાના પ્રયાસ કર્યા. તેને ઘણું સમજાવ્યો કે તુ ડિમ્પલને છોડી દે, છૂટાછેડા આપી દે. લોભ-લાલચ પણ આપી જોઇ પરંતુ જૈનિલ ટસનો મસ ન થયો. તેણે ડિમ્પલને છોડવાની ચોખ્ખી ના પાડી દીધી. તે પોતાની પત્નીને કોઇપણ ભોગે છોડવા તૈયાર નહોતો. આ મક્કમતા જ તેના માટે કાળ સાબિત થઇ. હવે કિશનની મૂંઝવણ વધતી જતી હતી. તે ગમે તેમ કરીને ડિમ્પલ અને જૈનિલના છૂટાછેડા કરાવવા માગતો હતો. તેણે પરિવારના 10થી 12 લોકોની એક મિટિંગ બોલાવી. જેમાં વાત કરી કે ડિમ્પલ અને જૈનિલ છૂટા પડવા નથી માગતા તો આપણે તેમના ડિવોર્સ કરાવવા માટે શું કરી શકીએ. આ મિટિંગમાં આંચકાજનક નિર્ણય લેવાયો હતો. બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે સમજાવટના બહાને જૈનિલનું અપહરણ કરી લઇશું અને બળજબરીથી ડિવોર્સ પેપર પર તેની સહી કરાવી લઇશું. આના ડિમ્પલને ઘરે લાવીને એક રૂમમાં પૂરી દઇશું અને થોડા જ સમયમાં ડિમ્પલ જૈનિલને ભૂલી જશે. કિશન અને તેના પરિવારજનો હકીકતથી ઘણી દૂર એવી કલ્પનાઓમાં રાચતા હતા. તેમને લાગતું હતું કે આ કામ તો ચપટી વગાડતા થઇ જશે. પ્લાન પ્રમાણે કિશન અને તેના પરિવારના લોકો જૈનિલના ઘરે પહોંચ્યા હતા. આ સમયે ઘરમાં જૈનિલ, ડિમ્પલ અને જૈનિલના માતા-પિતા હાજર હતા. આટલા બધા લોકોને એકસાથે આવેલા જોઇને જૈનિલના ઘરના લોકો ડરી ગયા. તેમને લાગ્યું કે નક્કી હવે કંઇક બનવાનું છે. કિશન અને તેના પરિવારે ઘરમાં જઇને ડિમ્પલને ડિવોર્સ આપી દેવા માટે જૈનિલ અને તેના માતા-પિતાને સમજાવ્યા હતા. જૈનિલના માતા-પિતાએ પૂછ્યું કે હવે તો બન્નેના લગ્ન થઇ ગયા છે. બન્ને એકબીજા સાથે ખુશ છે તો પછી તેમને શા માટે છૂટા પાડવા છે. આ સવાલનો જવાબ દેવાને બદલે કિશન અને તેના પરિવારે ધાકધમકી આપી. હવે વાત વણસવાની અણીએ હતી. કિશન અને તેની સાથે આવેલા લોકોએ ધાર્યું ન થતાં જૈનિલ, ડિમ્પલ અને જૈનિલના માતા-પિતાને તેમના જ ઘરમાંથી ઉઠાવી લીધા. તેમનું અપહરણ કરીને સુરતના દેવધ ગામે લઇ આવ્યા. સુરત આવવાનું કારણ એ હતું કે અહીં કોઇ તેમને ઓળખતું નહોતું અને રાકેશનો ખાલી બંગલો સુરક્ષિત ઠેકાણું હતું. કિશન જાણતો હતો તે તેનો ભાણિયો રાકેશ હાલ બીજી કોઇ જગ્યાએ રહે છે. આ પહેલા તે દેવધની જે સોસાયટીમાં રહેતો હતો તે બંગલો ખાલી પડ્યો છે એટલે તેણે પોતાના ભાઇ જયેન્દ્રને રાકેશના ઘરે મોકલ્યો અને અમારે એક રાત રોકાવું છે તેવું બહાનું કરીને રાકેશ પાસેથી તેના ખાલી બંગલાની ચાવી લઇ મગાવી લીધી. બંગલો ખોલાવ્યા બાદ જૈનિલ અને તેના પરિવારજનોને તેમાં ગોંધી રાખ્યા. પ્લાન પ્રમાણે જ કિશન પોતાની સાથે ડિવોર્સ પેપર લાવ્યો હતો. તેણે જૈનિલને એક રૂમમાં પૂરી દીધો અને તેની સામે ડિવોર્સના કાગળો મૂકીને સહી કરવા કહ્યું પણ જૈનિલે ના પાડી દીધી. હવે કિશન અને તેના પરિવારજનોએ જૈનિલને માર મારવાનું ચાલુ કર્યું. તેમને એમ હતું કે જૈનિલને થોડો ફટકારીશું તો તે સહી કરી દેશે. ચારેતરફથી જૈનિલ પર લાત-મુક્કાનો વરસાદ થઇ રહ્યો હતો. કોઇના હાથમાં લાકડી હતી તો તે પણ મારતા હતા. ઢોરમારથી જૈનિલને ફેફસામાં ઇજા પહોંચી હતી. આમને આમ ડિવોર્સ પેપરમાં સહી કરાવવા માટે જૈનિલને એ હદે માર માર્યો કે તેનું મોત નીપજ્યું. તેણે પ્રેમની કિંમત પોતાના જીવથી ચુકવવી પડી. જૈનિલનું પ્રાણપંખેરૂં ઊડી જતાં કિશન અને તેના પરિવારજનો ગભરાઇ ગયા. તે બધા ત્યાંથી ભાગી ગયા. ભાગતા પહેલાં તેમણે જૈનિલના માતા-પિતાને પણ બાંધીને માર માર્યો હતો એટલે જૈનિલના માતા-પિતા પણ ગભરાયેલા હતા. તેઓ સુરતથી સીધા જ અમદાવાદ આવી ગયા. દીકરાની લાશ લેવા માટે ન રોકાયા અને પોલીસને જાણ પણ ન કરી. જ્યારે લિંબાયત પોલીસની એક ટીમ તેમના ઘરે ગઇ ત્યારે એ બંગલામાં શું-શું બન્યું હતું એ જણાવ્યું હતું. જ્યારે ડિમ્પલને ખબર પડી કે તેના જ પિતાએ તેના પતિની હત્યા કરી છે ત્યારે તેના પર જાણે કે આભ તૂટી પડ્યું હતું. કુદરતનો ન્યાય અનોખો હોય છે. શ્રમિકો એ બંગલામાં ગયા અને આખા કાવતરાનો પર્દાફાશ થયો. શ્રમિકોએ જોયેલી એ લાશ માત્ર એક વ્યક્તિનું મોત નહોતું પણ સમાજની સંકુચિત માનસિકતાનું વરવું પ્રદર્શન હતું. આમ પોલીસે થોડા જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને મોડી રાત્રે જ કિશન, તેના ભાઇ જયેન્દ્ર સહિત કુલ 3ની ધરપકડ કરી હતી. જેમાં વધુ 8 લોકોના નામ ખૂલ્યા હતા. એટલે પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જૈનિલ આજે આ દુનિયામાં નથી પણ તે પોતાની પાછળ અનેક સવાલો છોડતો ગયો છે. પ્રેમમાં જીત્યા પણ પિતા સામે હાર્યા, વાંચો પાર્ટ-1
Read Original Article →