'પોલીસ શિકારીની જેમ પાછળ પડી છે, હું કટાળી ગયો છું':લાલો ગેટ પર 5 લાખ ભરેલું પોટલું મૂકી ભાગ્યો, ખાખીથી બચવા પરિવારને ફ્લાઇટમાં મોકલ્યો પણ અંતે ઝડપાઇ ગયો
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે સુરતના ઉધનામાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં ફેક્ટરી ચલાવતા સજ્જનકુમાર ખૈતાનને ત્યાં 11.85 લાખ રૂપિયાની ચોરી થાય છે. CCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું કે બુરખો પહેરેલી એક વ્યક્તિ ફેક્ટરીમાં ઘૂસી હતી અને શેઠની ચેમ્બરમાં રહેલા ટેબલના ખાનામાંથી ચોરી કરી હતી. જતી વખતે તે વ્યક્તિએ હાથેથી લખેલી ચિઠ્ઠી પણ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે શેઠ, મેં મારી મજબૂરીમાં આ ચોરી કરી છે. મારે હોસ્પિટલમાં રૂપિયાની જરૂરત હતી એટલે મેં ચોરી કરી છે. જ્યારે મને પૈસા પાછાં મળશે ત્યારે તમને આ બધાં રૂપિયા હું ચુકવી દઇશ. તમે આ ચોરી વિશે કોઇ પોલીસ ફરિયાદ ન કરતા. આ ચોરી અંગે શેઠે નોંધાવેલી ફરિયાદ બાદ ઉધના પોલીસે તપાસ શરૂ કરી હતી. હવે આગળ વાંચો.... આ ચોરી કોણે કરી? તેને કેવી રીતે ખબર પડી કે ઓફિસમાં રૂપિયા છે? આ પ્રશ્નોનો ભેદ ઉકેલવો પોલીસ માટે કોયડા સમાન હતો. ઘરફોડ ચોરીના ગુનાઓને ઉકેલવા માટે ગુજરાતના દરેક મેટ્રો શહેરના પોલીસ કમિશનર પોતાના તાબા હેઠળની પોલીસ ફોર્સમાં દોડધામ કરાવી મૂકે છે. આ જ રીતે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, સેક્ટર-1ના ખાસ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર, ઝોન-2ના ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર પિનાકીન પરમાર તથા સી ડિવીઝનના મદદનીશ પોલીસ કમિશ્નર ચિરાગ પટેલે આવા ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીઓને પકડી લેવાનો ખાસ ઓર્ડર આપ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ઉધના પોલીસ સ્ટેશનના તત્કાલીન PI એસ.એન.દેસાઇએ સર્વેલન્સ PSI એચ.જે.મચ્છરની આગેવાનીમાં સર્વેલન્સ સ્ક્વોડને આ ગુનો ઉકેલવાનો આદેશ આપ્યો હતો. જેથી હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ લીલાભાઇ અને ચિરાગભાઇ પિતાંબરભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ દુલાભાઇ, મયુરસિંહ જોરૂભા, નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા જયેશભાઇ ખીમજીભાઇની ટીમે કામ તો શરૂ કરી દીધું પણ ચોરી કરવા આવેલી વ્યક્તિએ બુરખો પહેર્યો હોવાથી તેની ઓળખ થઇ શકે તેમ નહોતી. પોલીસે ફેક્ટરી પર જઇને તપાસ કરી તો CCTVમાં એક નહીં પણ બે વ્યક્તિ દેખાઇ. જેમાંથી બુરખો પહેરેલી વ્યક્તિ અંદર ઓફિસમાં પ્રવેશ કરે છે અને ચોરી કરે છે. ચોરે જે ચિઠ્ઠી મૂકી હતી તે પણ પોલીસે મેળવી લીધી. જેને જોતાં લાગ્યું કે આમાં ફેક્ટરીના અંદરના જ કોઇ કર્મચારીનો હાથ હશે પણ પોલીસ એમ સરળતાથી આ ધારણા બાંધી લે તેમ નહોતી. ગોથે ચડવાને બદલે પોલીસે ફરીવાર CCTV ચેક કર્યા. જેમાં આ બન્ને વ્યક્તિ ફેક્ટરીની બહાર જતી દેખાઇ હતી એટલું જ નહીં પરંતુ બાઇક પર જતી હોવાનું પણ સ્પષ્ટ દેખાતું હતું. જેથી પોલીસે રસ્તામાં આવતા બધા CCTV ચેક કરીને બાઇકને સતત ફોલો કરવાનું નક્કી કર્યું. પોલીસે ઘટનાસ્થળથી અંદાજે 12થી 13 કિલોમીટર દૂર સુધી આશરે 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં પોલીસ આશાની પહેલી કિરણ મળી. સીસીટીવીના આધારે પોલીસ આરોપીના ઘર સુધી પોલીસ પહોંચી ગઇ હતી એટલે હવે તેની ઓળખ કરવાની કંઇ મોટી વાત નહોતી. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી. આ આરોપી કોઇ મહિલા નહોતી પણ પુરૂષ હતો અને તેનું નામ લાલો ઉર્ફે રાજુ ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા હતું. તેની ઉંમર 32 વર્ષ હતી. હવે પોલીસે તેને ઝડપીને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવાનો હતો. પોલીસે લાલાની કરમકુંડળી કાઢી તો તેની સામે 35થી 40 જેટલાં ચોરીના ગુના નોંધાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી એ નક્કી થઇ ગયું કે લાલો રીઢો ગુનેગાર હતો અને તે સહેલાઇથી પોલીસના હાથે લાગે તેમ નહોતો. PI દેસાઇ પણ સ્વભાવગત તેને છોડે તેમ નહોતા. તેમણે તપાસ આગળ વધારી. દરમિયાન પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે લાલો રાત્રે જ ચોરી કરતો હતો અને વળી પાછું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એટલે કે ફેક્ટરીમાં જ ચોરી કરતો હતો. તેણે મકાન કે દુકાનમાં ક્યારેય ઘરફોડ ચોરી કરી નથી. લાલો આ ચોરી પણ મહિનાની શરૂઆતના દસ દિવસો એટલે કે 1થી 10 તારીખની વચ્ચે જ કરતો હતો. જેનું કારણ હતું કે એ સમયગાળામાં ફેક્ટરીમાં સ્ટાફનો પગાર કરવા માટે બેંકમાંથી કે વેપારીને ત્યાંથી ઉઘરાણીની મોટી રકમ આવી હોય છે. પોલીસને તેનો મોબાઇલ નંબર પણ મળી ગયો હતો. જેથી તેના સીડીઆર સહિતની વિગતો મેળવી હતી. કહેવત છે કે ધણીની નજર એક, ચોરની નજર ચાર. કંઇક આ પ્રમાણે જ ચોર પણ પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતા હોય છે. લાલાને ખબર પડી ગઇ હતી કે પોલીસ તેના ઘર સુધી પહોંચી ગઇ છે એટલે તે સુરતથી તેના પરિવારને લઇને ટ્રેઇનમાં મુંબઇ ગયો હતો અને મુંબઇથી પરિવારના સભ્યોને હવાઇ માર્ગે પોતાના વતન ઓડિશા ખાતે મોકલી આપ્યા હતા. પરિવારને ઓડિશા મોકલ્યા બાદ તે પાછો સુરત આવીને પોલીસથી છૂપાઇને જૂના મકાનમાં રહેવા આવી ગયો હતો. પોલીસે જ્યારે તેના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેમાંથી સાડીઓનો જથ્થો ઉપરાંત ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂ ડ્રાઇવર, લોખંડની જાળી કાપવાનું કટર, લોખંડની નરાજ તથા લોખંડની હથોડી મળી આવ્યાં હતા. પોલીસને બાતમી મળી ગઇ હતી કે લાલો તેના જૂના ઘરે રહે છે. આ દરમિયાન લાલાએ એક વખત ફોન ચાલુ કર્યો હતો. જેથી તેનું લોકેશન ઉધના વિસ્તારમાં ટ્રેસ થયું હતું એટલે કે તેણે જ્યાં ચોરી કરી હતી તે વિસ્તારમાં જ ટ્રેસ થયું હતું. જેથી પોલીસ પણ એક સમયે વિમાસણમાં મૂકાઇ ગઇ હતી કે શું લાલો ફરીવાર હાથ સાફ કરવા આવ્યો છે? પોલીસની એક ટીમ તાબડતોબ તે લોકેશન પર પહોંચી પરંતુ લાલો ત્યાંથી નીકળી ગયો હતો. વળી પાછું બીજા દિવસે પણ લાલાનું લોકેશન એ જ વિસ્તારમાં ટ્રેસ થયું એટલે ફરી પોલીસ તેને પકડવા માટે ત્યાં દોડી ગઇ હતી. અહીં પોલીસનો સામનો આંચકા અને અનુમાન સામે થવાનો હતો. પોલીસનું અનુમાન સાચું પડ્યું. લાલાએ જે ફેક્ટરીમાં ચોરી કરી હતી તે જ ફેક્ટરી તે ફરીથી આવ્યો હતો પણ તેની પાછળનું કારણ જાણીને પોલીસને પણ આંચકો લાગવાનો હતો. લાલો ફેક્ટરી પર આવ્યો હતો અને કોઇને ખબર ન પડે તે રીતે તેણે એ ફેક્ટરીના ગેટ પર સાડી-કપડાંનું એક પોટલું બાંધી દીધું હતું અને પછી ત્યાંથી ચૂપચાપ ફરાર થઇ ગયો હતો. જ્યારે ચોકીદારે આ પોટલું જોયું ત્યારે તેણે શેઠને જાણ કરી હતી. શેઠે ગેટ પર આવીને પોટલું ખોલીને જોયું તો 5 લાખ રૂપિયા હતા. આ વખતે લાલાએ રૂપિયાની સાથે બીજી એક ચિઠ્ઠી પણ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે.... સર, પોલીસ શિકારીની જેમ મારી પાછળ પડી છે. મેં તમને કહ્યું હતું કે તમે પોલીસ કેસ ન કરતા. હું તમારા બધા રૂપિયા પાછા આપી દઇશ. મેં મજબૂરીમાં ચોરી કરી છે. મહેરબાની કરીને તમે પોલીસ કેસ પાછો લઇ લો. હું પોલીસથી કંટાળી ગયો છું. આ ચિઠ્ઠી અને લાલાએ પાછા આપેલા રૂપિયા પોલીસે રિકવર કર્યાં. 4 દિવસ સુધી પોલીસ ફરીથી લાલાની પાછળ તો પડી પણ તે હાથમાં આવતો નહોતો. પાંચમા દિવસે પોલીસને બાતમી મળી કે લાલો મૂળ ઓડિશાનો રહેવાસી હોવાના કારણે ઇડલી-ઢોંસાનો નાસ્તો કરવાનો શોખીન હતો. આ માટે તે નાસ્તો કરવા રેગ્યુલર વરાછા રોડ પરના આઇ માતાના મંદિર પાસે લારીએ આવતો હતો. આટલી બાતમી મળ્યાં બાદ પોલીસે એ લારી પર વોચ ગોઠવી દીધી. જેવો લાલો ત્યાં આવ્યો કે પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં લાલો એવા ખુલાસા કરવાનો હતો જે નવાઇ પમાડે તેવા હતા. લાલો નોકરી-ધંધાની શોધમાં જ્યારે વતન ઓડિશાથી સુરત આવ્યો ત્યારે શરૂઆતમાં તો તે સંચા મશીન પર કામ કરતો હતો. ત્યારબાદ તે સાડીઓના માર્કેટિંગના કામમાં જોડાયો હતો પણ પછી તે ચોરીના રવાડે ચડી ગયો હતો. પહેલાં તો તે સાડીઓ ચોરીને ભેગી કરીને ઓનલાઇન વેચી નાખતો હતો. આ માટે તેણે પોતાની એક ફર્મ પણ બનાવી હતી. લાલો ઇન્સ્ટાગ્રામ પર સાડીઓની જાહેરાત કરતી કંપનીઓના એડ્રેસ શોધીને તે જગ્યાની રેકી કરતો અને સ્કૂલ બેગ લઇને ત્યાં પહોંચી જતો. સ્કૂલ બેગમાં મોંઢા પર પહેરવાનું માસ્ક, હેન્ડગ્લોઝ, કમરમાં વિંટાળવા માટે સાડીનો ટુકડો, સ્ક્રૂ ડ્રાઇવર, લોખંડની જાળી કાપવાનું કટર, લોખંડની નરાજ તથા લોખંડની હથોડી જેવા સાધનો રાખતો. સાંજે જ્યારે કોઇ ફેક્ટરીમાં ગ્રાહકોનો ધસારો હોય ત્યારે તે ફેક્ટરીમાં ઘૂસી જતો અને છૂપાઇને તેના ધાબા પર જઇને સૂઇ જતો. જ્યારે ફેક્ટરી બંધ થાય એટલે મોડી રીતે તે નીચે ઉતરતો અને ચોરી કરીને રાતના અંધારામાં જ પલાયન થઇ જતો. લાલાએ ચોરી કરતી વખતે મૂકેલી ચિઠ્ઠીએ શેઠ સજ્જનકુમાર અને પોલીસને અચરજમાં મૂકી દીધા હતા. જો કે આ ચિઠ્ઠીથી શેઠ પિગળ્યા નહીં અને પોલીસ ફરિયાદ કરી એટલે ફરી પોલીસ અને શેઠને ગેરમાર્ગે દોરવા તે અમૂક રકમ અને બીજી ચિઠ્ઠી મૂકી ગયો હતો. આમ ચિઠ્ઠી લખવાની નવતર સ્ટાઇલ પોલીસને આ ગુનામાં જોવા મળી હતી. લાલો ફક્ત ફેક્ટરીઓને જ ટાર્ગેટ કરતો હતો. તેણે ક્યારેય કોઇ દુકાન કે મકાનમાં ચોરી નહોતી કરી. ફેક્ટરીમાંથી મોટો દલ્લો હાથ લાગે એટલે તે સીધો હવાઇ માર્ગે જ વતન જતો રહેતો હતો. આ ગુનામાં પોલીસે લાલાની સાથે 36 વર્ષના ગિરીશ ઉર્ફે ધીરજ પાટીલની પણ ધરપકડ કરી હતી. સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ હતી કે લાલાએ અત્યારસુધીમાં ચોરી કરીને ભેગા કરેલા રૂપિયામાંથી પોતાના વતનમાં જમીન ખરીદી હતી અને તેમાં પાણીનો બોર પણ બનાવ્યો હતો. જમીન ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું હતું. તેણે ચોરીના રૂપિયામાંથી બે મકાન પણ ખરીદ્યાં હતા. આટલો વેલસેટ થઇ જવા છતાં સરળતાથી પૈસા મળી જતાં હોવાથી તેણે ચોરી કરવાનું છોડ્યું નહોતું. સજ્જનકુમારને ત્યાં કરેલી ચોરીના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરી તેણે ચોરી કરવાનું ચાલુ રાખ્યું હતું. ફરીવાર તે પોલીસના હાથે ઝડપાયો હતો. જો કે હાલમાં તે ક્યાં છે તેની પોલીસને ખબર નથી. 'પોલીસ શિકારીની જેમ પાછળ પડી છે, હું કટાળી ગયો છું', વાંચો પાર્ટ-1
Read Original Article →