એ રહસ્યમય વ્યક્તિ મહિલા હતી કે કોઇ જાણભેદુ?:એક ઇન્સ્ટા રીલ અને રાત્રે બુરખાધારીની એન્ટ્રી, ચેમ્બરમાં એવી ચિઠ્ઠી છોડી કે પોલીસ પણ ચકરાવે ચડી

Gujarat5/19/2026, 12:30:00 AM
એ રહસ્યમય વ્યક્તિ મહિલા હતી કે કોઇ જાણભેદુ?:એક ઇન્સ્ટા રીલ અને રાત્રે બુરખાધારીની એન્ટ્રી, ચેમ્બરમાં એવી ચિઠ્ઠી છોડી કે પોલીસ પણ ચકરાવે ચડી
કોઇપણ વસ્તુનું વેચાણ વધારવા માટે જાહેરાત કરવી જરૂરી છે. તેના માટે ઘણાં રસ્તાઓ છે. રેડિયો, અખબાર, ટીવી, હોર્ડિંગ્સ, પેમ્ફ્લેટ આવા માધ્યમો તો પહેલેથી જ હતા પણ હવે સમય બદલાતા જાહેરાતની નવી રીત પણ વધી છે. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો સોશિયલ મીડિયામાં રીલ બનાવીને કે બીજી રીતે જાહેરાત કરતાં હોય છે. આવી જાહેરાતોમાં મહિલાઓને લગતી ચીજવસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમને લગતી જાહેરાત વધુ હોય છે. સુરતની કંપનીએ સાડીઓની આવી જ એક જાહેરાત પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર મૂકી હતી. આ જાહેરાત અજાણતામાં જ કંપની માટે માથાનો દુખાવો બની ગઇ. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત સુરતની આ કંપની અને બુરખાધારી રહસ્યમય વ્યક્તિની. મૂળ રાજસ્થાનના પીપરાળી તાલુકાના વતની સજ્જનકુમાર ખૈતાન વર્ષોથી સુરતના કેનાલ રોડ પર ભરથાણા વેસુમાં આવેલા કેપિટલ ગ્રીન્સમાં રહે છે. તેમણે 2019થી ઉધનામાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં ખાતા નં. F-60થી 63માં રઘુપતિ ફેશન નામથી કાપડનો વેપાર કરવાની શરૂઆત કરી હતી. જેમ જેમ દિવસો વિતતા ગયા હતા તેમ તેમ તેમનો ધંધો વધતો ગયો. સવારે 10:30 વાગ્યાથી કામકાજ ચાલુ થાય તો છેક રાત્રે 9 વાગ્યા સુધી ધમધમતું રહે. શેઠના ધંધાને આગળ વધારવા માટે 80 જેટલા કારીગરો તનતોડ મહેનત કરે. પવન શરાફ અહીંના મેનેજર હતા. જ્યારે પ્રવીણ ચેન્નોરી એકાઉન્ટનું કામકાજ સંભાળતા. રૂપિયાની ઉઘરાણીની જવાબદારી અભયસિંહ અને મિતુલ પટેલ નામના કર્મચારીઓ પર રહેતી. તારીખઃ 9 જાન્યુઆરી, 2025 સમયઃ સવારે 11 વાગ્યે રઘુપતિ ફેશનમાં રાબેતા મુજબનું કામકાજ ચાલી રહ્યું હતું. હાજર કારીગરો ઓર્ડર પૂરો કરવાની ઉતાવળમાં હતા. બધી બાજુથી મશીનનો અવાજ આવી રહ્યો હતો. આ અવાજ એટલો મોટો હોય છે કે બાજુ બાજુમાં ઊભેલી 2 વ્યક્તિ પણ એકબીજાના શબ્દો સ્પષ્ટ રીતે સાંભળી ન શકે. આવામાં શેઠ સજ્જનકુમારની એન્ટ્રી થઇ. તે આવીને સીધા પોતાની ચેમ્બરમાં ગયા. થોડી વારમાં બહાર આવ્યા અને બે હાથ પાછળની તરફ રાખીને આખા ખાતા (ફેક્ટરી)માં આંટો મારવા નીકળી પડ્યા. કામકાજ કેવું ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કર્યું. મેનેજરને બોલાવી અમૂક જરૂરી સૂચનાઓ આપી અને પછી પાછા પોતાની ચેમ્બરમાં જતાં રહ્યાં. ચેમ્બરમાં જઇને તેમણે એકાઉન્ટન્ટ પાસેથી ચોપડા મગાવ્યા અને હિસાબ કિતાબ ચેક કર્યો. કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના નીકળે છે, કોને કેટલા રૂપિયા આપવાના છે તે જોયું. થોડીવારમાં તેમની ચેમ્બરના દરવાજા પર ટકોરા પડ્યા. ચોપડામાંથી નજર ઉપર કર્યા વગર જ શેઠ બોલ્યા, હા, આવી જાઓ અંદર. અભયસિંહ અને મિતુલ હાથમાં એક થેલી સાથે અંદર દાખલ થયા. તેમણે થેલી શેઠને આપતા કહ્યું- શેઠ, આમાં 11.85 લાખ રૂપિયા છે. અલગ અલગ દિવસોમાં આટલું કલેક્શન થયું છે. શેઠે તેમની પાસેથી થેલી લઇ લીધી અને કહ્યું- વાંધો નહીં, તમે જાઓ. અભયસિંહ અને મિતુલ ગયા પછી શેઠે રૂપિયા ભરેલી થેલી ખોલી. તેમાં 500, 200, 100 અને 50 એમ અલગ અલગ દરની રોકડ હતી. શેઠે થેલી ફરીથી બંધ કરીને પોતાના ટેબલના ખાનામાં મૂકી લોક મારી દીધું. આના પછી શેઠ ફરીથી પોતાના બીજા કામમાં પરોવાઇ ગયા. જોતજોતામાં રાત પડી ગઇ. ઘડિયાળનો કાંટો હવે સવા આઠ વાગ્યાનો સમય બતાવી રહ્યો હતો એટલે શેઠે ઘરે જવાનું નક્કી કર્યું. તે ખુરશી પરથી ઊભા થયા પણ તેમને યાદ આવ્યું કે ટેબલના ખાનામાં રૂપિયા પડ્યા છે એટલે તે ફરીથી ખુરશી પર બેઠા અને ખાનાને એકવાર ખેંચીને ખાતરી કરી લીધી કે લોક તો સરખું લાગેલું છે ને. ખાતરી થયા પછી તે નિશ્વિંત થઇને પોતાના જવા નીકળી ગયા. રાતે 9 વાગ્યે બધા કારીગરો છૂટ્યા અને જતાં રહ્યાં. જેના પછી અંદાજે 9:15 વાગ્યા આસપાસ મેનેજરે ફેક્ટરી બંધ કરી હતી. તારીખઃ 10 જાન્યુઆરી, 2025 સમયઃ બપોરે 2 વાગ્યે શેઠ ફેક્ટરી પર આવ્યા. દરરોજની જેમ આવીને સીધા ચેમ્બરમાં ગયા. તેમને રૂપિયાની જરૂર હતી એટલે જે ટેબલના ખાનામાં રૂપિયા મૂક્યા હતા. તે ખાનું ચાવીથી ખોલવાનો પ્રયાસ કર્યો પણ ખાનું ખૂલ્યું નહીં. શેઠે બીજીવાર, ત્રીજીવાર પ્રયાસ કર્યો પણ દરેક વખતે નિષ્ફળતા મળી. હવે તેમણે મનોમન નક્કી કરી લીધું કે આ છેલ્લીવાર પ્રયાસ કરીશ. જો હવે તાળું નહીં ખૂલે તો ખાનું તોડાવ્યા સિવાય કોઇ છૂટકો નથી. આમ વિચારીને તેમણે ફરીથી ચાવી લગાવી. આ પ્રયાસમાં તેમને નસીબ તો સાથ આપવાનું હતું પણ એક ચોંકાવનારી ઘટના પણ ઘટવાની હતી. શેઠે ચાવી લગાવતાં જ ખાનું ખૂલી ગયું પણ આ ખૂલેલા ખાનાએ શેઠને એક આંચકો આપ્યો. આગલા દિવસે શેઠે જે 11.85 લાખ રૂપિયા તેમાં મૂક્યા હતા તે અત્યારે નહોતા. રૂપિયા ગાયબ થઇ જતાં શેઠ ગભરાઇ ગયા. તેમણે 2-3 વાર આખું ખાનું ચેક કર્યું પણ હકીકત એ જ હતી કે તેમાં રૂપિયા નહોતા. તેમણે તરત જ મેનેજર, એકાઉન્ટન્ટ અને બીજા કર્મચારીઓને બોલાવીને આખી વાત કહી પણ કોઇને કંઇ ખબર નહોતી. આના પછી શેઠે કારીગરોને પણ બોલાવીને પૂછપરછ કરી પરંતુ તેમાંથી પણ કોઇ કડી ન મળી. હવે શેઠ પાસે એક જ રસ્તો બચ્યો હતો-CCTV. તેમણે સ્ટાફને ખાતામાં લગાવેલા CCTVના એકેએક ફૂટેજ ચેક કરવાનું કહ્યું. શેઠનો આદેશ છૂટતાં સ્ટાફ CCTV ચેક કરવામાં લાગી ગયો. CCTV ફૂટેજમાં દેખાયું કે 9મી તારીખે રાત્રે જ્યારે ફેક્ટરી બંધ હતી, ચોતરફ સન્નાટો હતો ત્યારે 11:40 વાગ્યે બુરખો પહેરેલી એક વ્યક્તિ ફેક્ટરીમાં પ્રવેશે છે. તેણે આમ તેમ નજર ફેરવીને જોઇ લીધું કે અહીં કોઇ હાજર તો નથીને. આના પછી તે વ્યક્તિ બધે આંટા મારે છે અને કંઇ મળી જાય તે માટે જે ખાનું દેખાય તે ફંફોસે છે પણ તેને કંઇ મળતું નથી એટલે હવે તે વ્યક્તિ શેઠની ચેમ્બરમાં ગઇ. તેણે શેઠની ચેમ્બરમાં આવેલા ટેબલનું ખાનું પોતાની પાસે રહેલા સાધનોથી ખોલી નાખ્યું અને તેમાં રહેલા 11.85 લાખ રૂપિયા લઇને નીકળી ગઇ. જ્યારે આ વ્યક્તિ નીકળી ત્યારે રાતના 1:16 વાગી ચૂક્યા હતા. નીકળતા પહેલાં તેણે એક ચિઠ્ઠી મૂકી હતી. આ CCTV ફૂટેજ જોઇને શેઠ તો ઠીક બાકીનો સ્ટાફ પણ સ્તબ્ધ થઇ ગયો. કેમ કે આ પહેલા ક્યારેય તેમને ત્યાં આવી કોઇ ઘટના બની નહોતી. એ વ્યક્તિએ જે જગ્યાએ ચિઠ્ઠી મૂકતી દેખાઇ હતી ત્યાં જોયું તો ત્યાંથી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે.... શેઠ, મેં મારી મજબૂરીમાં આ ચોરી કરી છે. મારે હોસ્પિટલમાં રૂપિયાની જરૂરત હતી એટલે મેં ચોરી કરી છે. જ્યારે મને પૈસા પાછાં મળશે ત્યારે તમને આ બધાં રૂપિયા હું ચુકવી દઇશ. તમે આ ચોરી વિશે કોઇ પોલીસ ફરિયાદ ન કરતા. ચિઠ્ઠી વાંચ્યા બાદ સ્ટાફે તરત આસપાસ તપાસ ચાલુ કરી કે આ વ્યક્તિ ખાતામાં ક્યાંથી આવી હતી? ચેક કરતાં ખબર પડી કે ખાતાના પાછળના ભાગે આવેલા બાથરૂમની બારીમાંથી લોખંડની જાળી કાપીને આ વ્યક્તિ ખાતામાં ઘૂસી હતી. હવે સૌથી મોટો સવાલ એ હતો કે બુરખો પહેરેલી આ વ્યક્તિ કોણ હતી? શું તે કોઇ મહિલા હતી? કોઇ જાણભેદુ હતી? શું આ ખરેખર કોઇ મજબૂર કર્મચારી હતો કે પછી કોઇ રીઢો ગુનેગાર? આ સવાલોના જવાબ પોલીસની તપાસ વગર મળે તેમ નહોતા. શેઠે ઉધના પોલીસ સ્ટેશન જઇને ફેક્ટરીમાં થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવી. પોલીસ માટે આવા ગુનાઓ શોધવા ઘાસમાંથી સોંય શોધવા જેવું કપરૂં કામ હોય છે. તેમાંય વળી આ કેસમાં તો એ વ્યક્તિએ બુરખો પહેર્યો હોવાથી તેની ઓળખ પણ થતી નહોતી. જેથી આ ગુનો ઉકેલવો તો પોલીસ માટે પડકારરૂપ હતો. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં જાણો કે ચોરી કર્યા બાદ ચિઠ્ઠી મૂકનારી એ વ્યક્તિ કોણ હતી અને પોલીસે કેવી રીતે તેના પર સકંજો કસ્યો.
Read Original Article →