યુવતી સાથે પતિના ચક્કરની પત્નીને ખબર પડી:મોબાઇલમાંથી પ્રેમની વાતો, મુલાકાતના મેસેજ મળ્યાં, એક દિવસ અણધારી ઘટના બની

Gujarat6/9/2026, 12:30:00 AM
યુવતી સાથે પતિના ચક્કરની પત્નીને ખબર પડી:મોબાઇલમાંથી પ્રેમની વાતો, મુલાકાતના મેસેજ મળ્યાં, એક દિવસ અણધારી ઘટના બની
આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ બને છે જેની શરૂઆત તો પ્રેમથી થાય છે પણ જ્યારે અંત આવે છે ત્યારે તે લોહિયાળ હોય છે. આવી જ એક ઘટના થોડા દિવસો પહેલાં ખેડા તાલુકાના કઠલાલમાં બની હતી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં જાણો બહારથી સામાન્ય લાગતી પણ અંદરથી વિશ્વાસઘાત, એકસ્ટ્રા મેરિટલ અફેર, શંકા, ગુસ્સો અને છેવટે હત્યા સુધી પહોંચેલી એક ભયાનક ઘટના. કપડવંજ તાલુકાનું ગરોડ ગામ. અહીં નરેશ પોતાની પત્ની લક્ષ્મી અને બે સંતાનો સાથે રહેતો હતો. 10 વર્ષ પહેલા નરેશના લગ્ન લક્ષ્મી સાથે થયા હતા. નરેશના પરિવારમાં માતા-પિતા, બહેન ઉપરાંત ભાઇ અને તેની પત્ની પણ હતા. નરેશ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. છેલ્લા 2 મહિનાથી તે ક્યારેક ડ્રાઇવિંગ કરવા પણ જતો હતો. ગામની નજરોમાં તે સામાન્ય વ્યક્તિ હતો. ઘરમાં એકમાત્ર કમાનાર નરેશ જ હતો. આ પરિવારના જીવનમાં કોઇ ખાસ વૈભવ જેવું નહોતું. સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર. શાંત સ્વભાવ તેમની ઓળખ હતી. જો કે બહારથી શાંત દેખાતો આ પરિવાર ધીમે ધીમે અંદરથી તૂટી રહ્યો હતો. નરેશ જ્યારે ઘરે મોડો આવતો ત્યારે તેને લક્ષ્મી સાથે ઝઘડો થતો. જેવો તે ઘરમાં પગ પૂછે એટલે લક્ષ્મી તેને પૂછતી કે ક્યાં ગયા હતા? કેમ મોડા આવ્યા? રોજરોજ આવા સવાલોના મારાથી નરેશ કંટાળી ગયો હતો. લક્ષ્મીના આ સવાલ પણ કંઇ એમને એમ નહોતા. આવા સવાલોની પાછળ એક કારણ છૂપાયેલું હતું અને એ કારણ હતું નરેશના એક યુવતી સાથેના સંબંધ. પરિણીત હોવા છતાં નરેશ એક યુવતી સાથે સંબંધ ધરાવતો હતો. આવા સંબંધોને દુનિયાએ એકસ્ટ્રા મેરિટલ અફેર નામ આપેલું છે. નરેશ અને લક્ષ્મીના લગ્ન થયાના 2 વર્ષ પછી જ આ પરણેતર સંબંધોની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં માત્ર ઓળખાણ પછી વાતચીત પછી મિત્રતા અને ત્યારબાદ એવો સંબંધ જે સમાજની નજરમાં ગુનો હતો. પહેલાં તો બધું ગુપ્ત રહ્યું. મોબાઇલ પર વાતો થતી. તક મળે ત્યારે મુલાકાતો થતી. બંનેને લાગતું કે દુનિયા સામે તેઓ બધું છુપાવી લેશે. પણ છાનેખૂણે ચાલુ થયેલા આવા સંબંધો બહુ લાંબો સમય સુધી ખાનગી નથી રહી શકતા. આજથી 6 મહિના પહેલાં લક્ષ્મીને તેની ખબર પડી ગઇ હતી. જેના કારણે લક્ષ્મી અને નરેશ વચ્ચેના ઝઘડાનું પ્રમાણ વધી ગયું હતું. “કોણ છે એ છોકરી?” લક્ષ્મી બૂમ પાડતી. “તારે જે સમજવું હોય એ સમજી લે,” નરેશ જવાબ આપતો. બે બાળકો વચ્ચે ઊભા રહીને માતા-પિતાનો ઝઘડો જોતા અને પછી સૂનમૂન બની જતા. ઘરમાં પ્રેમની જગ્યાએ કંકાસ વધતો ગયો. આમને આમ દિવસો પસાર થતા ગયા. એક રાત્રે લક્ષ્મીના હાથમાં નરેશનો મોબાઇલ આવી ગયો. સ્ક્રીન પરના મેસેજોએ તેની દુનિયા હચમચાવી નાખી. પ્રેમની વાતો, મળવાની તાલાવેલી, એકબીજા વિના ન જીવી શકવાના વચનો હતા. બસ આ જ ઘડીએ લક્ષ્મીએ નક્કી કરી લીધું કે હવે મારે નરેશ સાથે નથી રહેવું. તે પોતાના પિયર રિસામણે જતી રહી. થોડા દિવસ તો નરેશે પત્ની વગર ચલાવ્યું પણ સમાજની શરમના લીધે છેવટે તે પત્નીને તેડવા ગયો. અત્યાર સુધી તો નરેશ અને લક્ષ્મીના પરિવારને નરેશના અન્ય યુવતી સાથેના સંબંધની કોઇ ખબર નહોતી પણ તે લક્ષ્મીના ઘરે ગયો ત્યારે બન્ને પરિવારોને આ અંગે જાણ થઇ. લક્ષ્મીના પરિવારે નરેશને આ સંબંધો પર પૂર્ણ વિરામ મૂકવા સમજાવ્યો. નરેશને પણ જાણે કે પોતાની ભૂલનું ભાન થયું હોય તેમ તેણે કહ્યું- હું હવેથી આવું નહીં કરૂં. લક્ષ્મીના પરિવારને લાગ્યું કે નરેશને ખરેખર પોતાના કર્યા પર અફસોસ થઇ રહ્યો છે એટલે લક્ષ્મીને સમજાવી અને નરેશ સાથે પાછી તેના ઘરે મોકલી. ઘરે આવ્યા બાદ નરેશ અને લક્ષ્મી શાંતિથી સાથે રહેવા લાગ્યા પણ આ શાંતિ અજંપાભરી હતી. ભવિષ્યમાં એક એવી ઘટના બનવાની હતી જેની લક્ષ્મીને ખબર નહોતી. તારીખઃ 14 મે, 2026 સમયઃ સાંજે 5:30 વાગ્યે નરેશે પોતાના મોબાઇલથી 108ને ફોન કર્યો કે મારૂં એક્સિડન્ટ થયું છે. પિકઅપ ડાલાએ ટક્કર મારી એટલે મારી વાઇફ સીધી કેનાલમાં પડી ગઇ છે. 108ને આ ફોન કર્યા બાદ નરેશે પોતાની નજીકના મિત્રોને પણ આવો જ ફોન કર્યો હતો. જેના પગલે પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન નરેશના સગાવ્હાલાને પણ જાણ થઇ જતાં તે બધા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં આવેલી પોલીસ અને 108ની ટીમે લક્ષ્મીની લાશને કેનાલમાંથી બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે ત્યાં જ નરેશને અકસ્માત વિશે બધું પૂછ્યું હતું. જેમાં તેણે કહ્યું કે તે તેની પત્ની સાથે બાઇક પર જઇ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક પિકઅપ ડાલાના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકની પાછળ બેસેલી લક્ષ્મી રોડની બાજુમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં પડી ગઇ હતી. ટક્કરના કારણે નરેશ દીવાલ સાથે અથડાયો હતો અને બેભાન થઇ ગયો હતો. અંદાજે અડધો કલાક બાદ તે ભાનમાં આવ્યો હતો. ભાનમાં આવીને તેણે લક્ષ્મીને બચાવવાની કોશિષ તો કરી પણ તે બચાવી ન શક્યો. ડૂબી જવાથી લક્ષ્મીનું મોત નિપજ્યું હતું. પોલીસે નરેશની વાત સાંભળી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી. નરેશ પોતે જ ફરિયાદી બન્યો અને જે કંઇ થયું હતું તેની ઝીણામાં ઝીણી વિગતો પોલીસને લખાવીને ફરિયાદ નોંધાવી. તેની આ ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઘવાયેલા નરેશને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે પિકઅપ ડાલુ શોધવાની કોશિષ કરી પણ એવું કોઇ વાહન ત્યાં હતું નહીં. ઘટનાસ્થળે જે પરિસ્થિતિ હતી તે કોઇ રીતે અકસ્માતની થિયરીને સમર્થન નહોતી આપતી પણ પોલીસે તપાસ આગળ વધારી. કેનાલની આસપાસ ક્યાંય સીસીટીવી નહોતા એટલે પોલીસ ક્લૂ લેસ હતી. કેનાલ થોડી અંદરની સાઇડ હતી એટલે ત્યાં મુખ્ય રસ્તો નહોતો. ગામડાના રડ્યા ખડ્યા માણસો જ આવતા જતાં હતા. શરૂઆતમાં તો પોલીસે પિકઅપ ડાલાની ઘણી શોધ કરી પણ કોઇ કડી ન મળી. આ રસ્તેથી નીકળનારા લોકોની પૂછપરછ કરી. પિકઅપ ડાલા ચલાવનારા ડ્રાઇવરને બોલાવ્યા. તેમને પણ પૂછ્યું પરંતુ કોઇ પાસેથી અકસ્માત સર્જાયાનું જાણવા ન મળ્યું. હવે પોલીસને આ મામલો શંકાસ્પદ લાગવા લાગ્યો હતો. તમે ઘણા એવા કેસ જોયા હશે, સાંભળ્યા હશે જેમાં ખુદ ફરિયાદીએ જ આખું કાવતરૂં રચ્યું હોય છે અને પોલીસ તપાસમાં તેનો ભાંડો ફૂટી જાય છે. શું આ ખરેખર એક અકસ્માત હતો કે પછી નર્મદા કેનાલના વહેતા પાણીમાં વહાવી દેવાયેલું પૂર્વઆયોજિત કાવતરૂં હતું? પોલીસ સામે અત્યારે જે વાત આવી હતી. તે એક લાચાર અને આઘાતમાં સરેલા પતિની હતી. એક એવો પતિ જેણે થોડા દિવસ પહેલાં જ પત્નીને સુધરી જવાની ખાતરી આપી હતી. પરિવારની હાજરીમાં પોતાના અફેર પર પૂર્ણવિરામ મૂકવાનું વચન આપ્યું હતું. પિકઅપ ડાલાના ચાલકને સજા અપાવવા માટે એ પોતે જ ફરિયાદી બન્યો હતો. ક્રાઇમની દુનિયાનો એક વણલખ્યો નિયમ છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય તે કોઇને કોઇ એવી ભૂલ જરૂર કરે છે જે તેની આખી રમત ઊંધી વાળી દે છે! કેનાલનો એ સૂમસામ રસ્તો જ્યાં કોઇ પ્રત્યક્ષદર્શી નહોતો. માત્ર સન્નાટો હતો. શરૂઆતમાં તો પોલીસે પણ નરેશની અકસ્માતની થિયરી સાચી માની લીધી હતી પણ જેમ-જેમ પોલીસે ઘટનાસ્થળનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું તેમ-તેમ વણઉકેલાયેલા સવાલોના જવાબ મળતા ગયા. જો પિકઅપ ડાલાએ મારેલી ટક્કર એટલી જોરદાર હતી કે લક્ષ્મી સીધી કેનાલમાં ફેંકાઇ ગઇ તો બાઇક પર તેની આગળ બેઠેલો નરેશ કેનાલની બહાર રોડ પર કેવી રીતે સુરક્ષિત રહી ગયો? સૌથી મોટો સવાલ એ કે આસપાસના તમામ ગામડાંઓ ખૂંદી વળવા છતાં એ રહસ્યમય પિકઅપ ડાલું ક્યાં ગાયબ થઇ ગયું હતું કે પછી એવું કોઇ વાહન ક્યારેય ત્યાં આવ્યું જ નહોતું? આ કિસ્સામાં જે રહસ્ય ખુલવાનું હતું તે કલ્પના બહારનું હતું. આ રહસ્ય શું હતું તે જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
Read Original Article →