'બા, અમે જઇએ છીએ....':પૌત્રીના છેલ્લા શબ્દો પછી રકઝક શરૂ થઇ, 100 નંબર પર એક ફોન આવ્યો ને PIનો રજાનો પ્લાન ખૂનની તપાસમાં ફેરવાઇ ગયો
બા, અમે જઇએ છીએ...
આ શબ્દો પામુબેન માટે છેલ્લા સાબિત થશે એવી કોઇએ કલ્પના પણ નહોતી કરી. ભાવનગરમાં નોકરી કરતા દીકરાએ વ્હાલથી દીકરી-જમાઇને બાની ખબર કાઢવા મોકલ્યા હતા પણ એ જ મુલાકાત જીવલેણ સાબિત થઇ. નજીવી રકઝક, પત્નીને પિયરમાં ન રોકાવા દેવાની જીદ અને પછી પડેલો એક લાફો.... કેવી રીતે એક ક્ષણના આવેશે દીકરીને તેના જ પિતા સામે ગુનેગાર બનાવી દીધી? વાંચો, ગુજરાતના ગામડાંથી ચંદીગઢ સુધી લંબાયેલા ગુનાની વાત આજની ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં. પ્રેમ, તિરસ્કાર અને બદલાની રૂંવાડા ઊભા કરી દેતી સત્ય ઘટનાના મુખ્ય પાત્રો આ છે. પામુબેનઃ જેની હત્યા થઇ તે વૃદ્ધા જોરૂભાઇઃ પામુબેનના પુત્ર નીકિતાઃ જોરૂભાઇની પુત્રી મુમણઃ નીકિતાનો પતિ અત્યારનો 112 નંબર ત્યારે હજુ 100 નંબર હતો. કોઇએ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો અને કહ્યું.... 'સાહેબ, ગોરાડના બેલદારવાસમાં એક ડોસીમાની હત્યા થઇ છે, જલ્દી આવો.' કન્ટ્રોલ રૂમમાંથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનને જાણ કરાઇ. તારાપુરના PI કે.ડી.બ્રહ્મભટ્ટ રજા પર જવાની તૈયારી કરતા હતા ત્યાં તેમને ખબર પડી કે તેમના પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં આવો બનાવ બન્યો છે. નાનકડાં ગામમાં હત્યા થતાં પીઆઇ બ્રહ્મભટ્ટે પોતાનો પ્લાન બદલી દીધો. તેમણે વાન ઘર તરફ વાળવાના બદલે ગોરાડ ગામ તરફ વાળવાનો આદેશ આપ્યો. ગામમાં એક્ઝેટ કઇ જગ્યાએ જવાનું છે તેની ખબર નહોતી પણ બેલદારવાસમાં એક ઘર પાસે ભીડ જામી હતી. વાનના ડ્રાઇવરે સ્ટિયરિંગને ભીડની દિશામાં વાળ્યું. ઘરની બરાબર સામે જ જઇને વાન ઊભી રહી. તેમાંથી પોલીસ ઉતરીને ભીડને ચીરતી ઘરમાં પ્રવેશી. ઘરમાં જઇને જોયું તો વૃદ્ધાની લાશ નીચે જમીન પર પડેલી હતી. મૃતકની ઉંમર અંદાજે 60 વર્ષ હશે. માથામાંથી લોહી નીકળતું હતું. ઘરમાં બધી વસ્તુઓ તેની જગ્યાએ સહી સલામત પડી હતી, કશું જ અસ્તવ્યસ્ત નહોતું એટલે પોલીસને એટલો તો ખ્યાલ આવી ગયો કે ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની શક્યતા બહુ ઓછી છે. ઘરમાં બીજું કોઇ હાજર નહોતું. પોલીસે રૂટિન કાર્યવાહી શરૂ કરી ત્યાં જ એક પોલીસકર્મીની નજર વૃદ્ધાના હાથ પર પડી. હાથની એક આંગળી છૂટી પડી ગયેલી હતી અને બીજી ચગદાયેલી હાલતમાં હતી. પોલીસે ઘરની બહાર ઊભેલી ભીડ અને આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી. સૌથી પહેલાં તો વૃદ્ધાના પરિવાર અંગે જાણવું જરૂરી હતું એટલે તેવા જ સવાલો પૂછવાનું ચાલુ કર્યું. પૂછપરછમાં ખબર પડી કે મૃતકનું નામ પામુબેન છે અને તેમને જોરૂભાઇ નામનો 43 વર્ષનો એક દીકરો છે. જે ભાવનગરમાં નોકરી કરે છે. જો કે પોલીસ પહેલાં કોઇએ જોરૂભાઇને જાણ કરી દીધી હતી. જેથી તે પણ ભાવનગરથી તારાપુર આવવા નીકળી ગયો હતો. જોરૂભાઇની પત્નીનું અવસાન થઇ ગયું હતું. તેને સંતાનમાં નીકિતા નામની એક દીકરી હતી. જોરૂભાઇએ પત્નીની ગેરહાજરીમાં જ નીકિતાને લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી અને પાંચેક વર્ષ પહેલાં તેના લગ્ન ધોળકાના ત્રાસદ ગામે રહેતા મુમણ બેલદાર ઉર્ફે બોઘા સાથે કરાવ્યા હતા. નીકિતાના એક કાકા પણ હતા. જેની સાથે મુમણની બહેનના લગ્ન સાટા પદ્ધતિમાં થયા હતા. આમ મુમણની બહેન નીકિતાની નણંદ હોવા ઉપરાંત સગી કાકી પણ થતી હતી. નીકિતાને પતિ મુમણ સાથે સારૂં બનતું હતું પણ નીકિતાના કાકા-કાકીને એટલું સારૂં નહોતું બનતું. બન્ને વચ્ચે કોઇને કોઇ કારણોસર ઝઘડા થતાં રહેતા હતા જેથી નીકિતાના કાકી સાસરૂં છોડીને પોતાના ભાઇ મુમણ સાથે પિયરમાં જ રહેતી હતી.
નીકિતાનો પરિવાર તેને ઘણીવાર કહેતો કે તારા કાકી આપણી સાથે નથી રહેતા તો પછી તુ પણ કેમ મુમણ સાથે રહે છે? તુ તેને છોડીને અહીં રહેવા આવતી રહે. જો કે નીકિતા મુમણને છોડવા તૈયાર નહોતી. તે પરિવારની વાતને બહુ ધ્યાને નહોતી લેતી. તારીખઃ 15 એપ્રિલ, 2025
સમયઃ સવારે અંદાજે 11:45 મુમણ અને નીકિતાએ જોરૂભાઇને ખબર અંતર પૂછવા ફોન કર્યો હતો. સામાન્ય વાતચીત થયા બાદ જોરૂભાઇએ પોતાના મમ્મી પામુબેન (નીકિતાના દાદી)ની તબિયત સારી રહેતી ન હોવાનું કહ્યું હતું. જોરૂભાઇઃ નીકિતા બેટા, ગોરાડ જઇને બાની ખબર કાઢતી આવજે.
નીકિતાઃ હા, પપ્પા અમે લોકો જઇ આવીશું. પપ્પાએ આ રીતની વાત કરતાં નીકિતાએ મુમણને પૂછ્યું..... નીકિતાઃ આપણે ગોરાડ જઇએ? પત્નીની આ વાત મુમણ ટાળી ન શક્યો. તેણે તરત જ હા પાડી દીધી.
આના પછી નીકિતા અને મુમણ ત્રાસદથી ગોરાડ જવા નીકળ્યાં હતા. બન્ને ગામ વચ્ચેનું અંતર અંદાજે 54 કિલોમીટર થાય. લગભગ બપોરે 3:30 વાગ્યા પહેલાં તો બન્ને ત્યાં પહોંચી ગયા હતા. ઘરમાં ચા-પાણી પીવાયા, ખબર-અંતર પૂછાયા. પામુબેને દીકરા જોરૂભાઇને ફોન કર્યો અને નીકિતા-મુમણ ઘરે આવ્યા હોવાની જાણ કરી હતી. જોરૂભાઇએ માતા પામુબેનને કહ્યું કે હવે આપણે નીકિતાને ઘરે જ રાખીશું. તેને મુમણ સાથે સાસરીમાં પાછી નથી જવા દેવી. પામુબેને દીકરાની વાત સાંભળી, હા પાડીને ફોન કટ કર્યો. તેઓ જાણતા હતા કે આ વાત મુમણને કહેશે એટલે ઝઘડો શરૂ થઇ જશે. પામુબેન અને દીકરા જોરૂભાઇ વચ્ચે થયેલી વાતચીતથી નીકિતા અને તેનો પતિ મુમણ અજાણ હતા. તેમને ખબર નહોતી કે નીકિતાને પિયરમાં જ રોકી દેવાની પ્લાન ઘડાઇ રહ્યો છે. હવે સાંજ થવા આવી હતી. મુમણે ઊભા થતાં કહ્યું, ચાલ નીકિતા, હવે નીકળીએ. રાત પડી જશે તો ત્રાસદ પહોંચતા મોડું થશે. પતિની વાત સાંભળી નીકિતાએ બા પાસે રજા માંગી. નીકિતાઃ બા, અમે જઇએ છીએ. રાત પડતાં પહેલાં ઘરે પહોંચી જઇએ તો સારૂ.
પામુબેનઃ બેટા, મારી તબિયત ખરાબ છે. તુ રોકાઇ જાને. નીકિતા અસમંજસમાં હતી. એક તરફ બીમાર દાદી હતા અને બીજી તરફ પતિ મુમણ હતો. નીકિતાઃ ના, બા. અમે જઇએ છીએ. પછી આવીશું નિરાંતે. નીકિતાનો આ જવાબ સાંભળીને પામુબેનના હૈયાની વાત હોંઠ પર આવી ગઇ. થોડા ગુસ્સા સાથે તેઓ બોલ્યા. 'તારી કાકી આપણા ઘરે ઓછી અવર જવર કરે છે તો પછી હવે તુ શું કામ ત્યાં જાય છે?' દાદીના સવાલના જવાબમાં નીકિતાએ ફરીથી ના પાડી. જેના પછી પામુબેન, નીકિતા અને મુમણ વચ્ચે રકઝક ચાલુ થઇ ગઇ.
નીકિતા અને મુમણ ઘરે જતાં રહેવા માંગતા હતા પણ પામુબેન કોઇપણ ભોગે નીકિતાને રોકી રાખવા માંગતા હતા. પામુબેનને અંદાજો આવી ગયો કે બન્ને ગમે તેમ કરીને જતાં રહેશે એટલે બાજી હાથમાંથી જતી જોઇને તેમણે તરત જ જોરૂભાઇને ફોન લગાવ્યો અને કહ્યું... 'જમાઇ નીકિતાને અહીંયા ઘરે રહેવાની ના પાડે છે.' પામુબેનની વાત સાંભળીને જોરૂભાઇએ મુમણને ફોન આપવા કહ્યું. જોરૂભાઇઃ જમાઇ, નીકિતા ભલે અમારે ઘરે રહેતી. તમે પણ આજની રાત રોકાઇ જાઓ. 1-2 દિવસ પછી નીકિતાને તેડી જજો.
મુમણઃ ના એવું શક્ય નથી. હું નીકિતાને મારી સાથે લઇ જઉં છું. આટલું કહીને મુમણે ફોન પામુબેનના હાથમાં પકડાવી દીધો. આ તરફ ફોન ચાલુ હતો અને બીજીતરફ પામુબેન અને મુમણ વચ્ચે રકઝક ચાલુ થઇ ગઇ. જોરૂભાઇ ફોન પર આ બધું સાંભળી રહ્યા હતા. આ રકઝક એવા અંજામ સુધી પહોંચવાની હતી જે કલ્પનાતિત હતી. આ ઘટનામાં આગળ શું-શું થયું તે જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
Read Original Article →