મિત્ર પાસે શૈલેન્દ્રની પત્નીના પર્સનલ ફોટો હતા:પોલીસને કહ્યું- એ દોસ્ત નહોતો, દગાબાજ હતો; બજારમાંથી આરી લાવી લાશના 9 ટુકડા કર્યાં
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે ભરૂચ શહેરમાંથી ઉપરા છાપરી 3 દિવસ સુધી માનવ અંગો મળી આવ્યા હતા. ગટરમાંથી મળેલી કાળી થેલીમાં ટુકડા કરીને આ અંગે ફેંકી દેવાયા હતા. એક શ્વાન કપાયેલું માથું ખેંચીને બહાર લાવ્યું અને આખી ઘટના સામે આવી હતી. પોલીસ મૃતકની ઓળખ મેળવવાની કાર્યવાહી કરી રહી હતી ત્યારે શહેરની વેદાંત સોસાયટીમાંથી એક યુવક ગુમ 3 દિવસથી ગુમ થયો હોવાની ફરિયાદ મળી હતી. પોલીસે જ્યારે મૃતકના ભાઇ મોહિતને બોલાવીને માનવ અંગો દેખાડ્યા ત્યારે તેણે ઓળખ કરી. આ લાશ સચિન ચૌહાણની હોવાનું ખૂલ્યું હતું. મોહિતે શકમંદ તરીકે સચિનના જીગરજાન મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણનું નામ આપ્યું હતું. આના પછી પોલીસે શૈલેન્દ્રની શોધખોળ શરૂ કરી હતી. હવે આગળ વાંચો.... પોલીસ શૈલેન્દ્રને શોધી રહી હતી એ દરમિયાન એક અચરજભરેલી ઘટના બની. પહેલા તો મૃતક સચિનનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો પણ પછી તેના વોટ્સએપમાંથી કોઇ સચિનના પરિવારના સભ્યો સાથે મેસેજથી વાત કરી રહ્યું હતું. જાણે કે સચિન પોતે જ વાત કરી રહ્યો હોય તે રીતે મેસેજ આવતા હતા. જેમાં સચિન તેની કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેંગ્લોર જાય છે. મારાથી ભૂલ થઇ ગઇ છે અને એક વ્યક્તિની હત્યા થઇ ગઇ છે. મને મારી પત્ની ગમતી નથી, છુટાછેડા આપી આપી બીજા લગ્ન કરી લેવા છે.... આવા મેસેજ આવતા હતા. સચિનની તો હત્યા થઇ ગઇ હતી એટલે કોઇ વ્યક્તિ તેના મોબાઇલમાંથી મેસેજ કરી રહી હોવાનું નક્કી હતું. બીજીતરફ શૈલેન્દ્ર ભરૂચ છોડીને જતો રહ્યો હતો એટલે પોલીસે તેને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. જેમાં ખૂલ્યું કે શૈલેન્દ્ર દિલ્હી આસપાસના વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી LCB PSI આર.કે.ટોરાણીની ટીમને તાત્કાલિક દીલ્હી ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. શૈલેન્દ્રનું વતન ઉત્તર પ્રદેશમાં આવેલું હતું એટલે પોલીસે ત્યાં પણ વોચ ગોઠવી હતી. એક દિવસ પોલીસને સફળતા મળી. શૈલેન્દ્ર UPના બિજનોરમાં હોવાની જાણ થતાં પોલીસ ત્યાં ત્રાટકી અને શૈલેન્દ્રને પકડી લીધો. તેને પકડીને ભરૂચ લવાયો હતો. અહીં તેની પૂછપરછ શરૂ કરી હતી. આ પૂછપરછમાં દોસ્તી, દગો, આશંકા અને અદાવતનો ખુલાસો થવાનો હતો. પોલીસ સ્ટેશનના એક રૂમમાં શૈલેન્દ્ર અને કેટલાક પોલીસ અધિકારીઓ હાજર હતા. પોલીસે પૂછ્યું- બોલ તે સચિનની હત્યા કેમ કરી? આ સવાલ સાંભળીને શૈલેન્દ્ર પહેલાં તો ચૂપ રહ્યો પણ પછી ધીમેથી હસ્યો. તેણે કહ્યું- એ મિત્ર નહોતો, દગાબાજ હતો. પોલીસના મનમાં પણ સવાલ હતો કે શું કોઇ મિત્ર જ પોતાના મિત્રની આવી ક્રૂર રીતે હત્યા કરી શકે? પણ શૈલેન્દ્ર જેમ જેમ બોલતો ગયો તેમ તેમ આ ઘાતકી હત્યા પાછળના એક પછી એક કારણ સામે આવતા ગયા. મૃતક સચિનના મોબાઇલમાં આરોપી શૈલેન્દ્રની પત્નીના અંગત ફોટો હતા. આ જ સચિનની હત્યા પાછળનું મુખ્ય કારણ હતું. આની સાથોસાથ સચિનના નામે શૈલેન્દ્રએ લીધેલી લોન પણ જવાબદાર હતી. શૈલેન્દ્રએ સચિનના નામે 4 લાખ રૂપિયાની લોન લીધી હતી. શૈલેન્દ્ર ઘણીવાર હપ્તા ભરતો તો ઘણીવાર ચૂકી પણ જતો. જેથી સચિન અને શૈલેન્દ્ર વચ્ચે આ મામલે ઝઘડો ચાલતો હતો. સચિન અને શૈલેન્દ્ર કોલેજકાળથી એકબીજાના સારા મિત્રો હતા. બન્ને ભરૂચમાં 10 વર્ષથી રહેતા હતા અને દહેજમાં આવેલી અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા. બન્ને વચ્ચે સુખ-દુઃખની વાતો થતી રહેતી. બન્ને એકબીજાના એટલા ખાસ હતા કે તેમના મોબાઇલના પાસવર્ડ પણ એકબીજા પાસે રહેતા. એક દિવસ સચિને શૈલેન્દ્રનો મોબાઇલ લઇ તેમાં પાસવર્ડ નાખી તેની પત્નીના અંગત ફોટો પોતાના મોબાઇલમાં લઇ લીધા હતા. પહેલાં તો શૈલેન્દ્રને આ વાતની ગંધ પણ નહોતી આવી. બાદમાં સચિને તેને ધીમે-ધીમે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જેથી શૈલેન્દ્ર કોઇપણ ભોગે સચિનના મોબાઇલમાંથી પોતાની પત્નીના ફોટો ડિલીટ કરવા માંગતો હતો. શૈલેન્દ્રએ ઘણીવાર આવા પ્રયાસ કર્યા હતા પણ તે સફળ થઇ શક્યો નહોતો. 24મી માર્ચે શૈલેન્દ્રએ સચિનને પોતાના તુલસીધામ ખાતેના ઘરે જમવા માટે બોલાવ્યો હતો. હકીકતમાં આ શૈલેન્દ્રનો એક પ્લાન હતો. તે સચિનને પોતાને ત્યાં બોલાવીને રાત્રે તેના મોબાઇલમાંથી પોતાની પત્નીના અંગત ફોટો ડિલીટ કરી નાખવા માગતો હતો. રાત્રે જ્યારે સચિન શૈલેન્દ્રના ઘરે જમવા આવ્યો ત્યારે બન્ને મિત્રો ખુશીથી એકબીજાની સાથે જમ્યા. શૈલેન્દ્રએ સચિનને આગ્રહ કરી-કરીને જમાડ્યો હતો. આના પછી બન્નેએ થોડી ઘણી વાતો કરી. રાત્રે 10:30 વાગ્યા આસપાસ બન્ને મિત્રો સૂઇ ગયા હતા. શૈલેન્દ્રને ઊંઘ નહોતી આવી, તે ફક્ત સૂવાનો ડોળ કરી રહ્યો હતો. જ્યારે સચિન ઘસઘસાટ ઊંઘી ગયો હતો. સચિનને ભર નિંદ્રામાં જોઇને શૈલેન્દ્રને મનમાં થયું કે મારા પ્લાનને પાર પાડવાનો આ જ યોગ્ય સમય છે એટલે તેણે હળવેકથી સચિનનો મોબાઇલ લીધો. પાસવર્ડ તો તે જાણતો જ હતો. જેવો તેણે મોબાઇલમાં પાસવર્ડ નાખ્યો કે સચિનની આંખ અનાયાસે ખૂલી ગઇ. તે પડખું ફર્યો. ઊંઘ ભરેલી આંખોથી તેણે જોયું તો શૈલેન્દ્રના હાથમાં મોબાઇલ હતો અને તે કંઇક કરી રહ્યો હતો. સચિન સફાળો બેઠો થઇ ગયો. તેણે શૈલેન્દ્રના હાથમાંથી પોતાનો મોબાઇલ ઝૂંટવી લીધો અને પૂછ્યું- શૈલેન્દ્ર, આ તુ શું કરે છે? ગુસ્સા સાથે શૈલેન્દ્રએ જવાબ આપ્યો- મારી પત્નીના અંગત ફોટો ડિલીટ કરી રહ્યો હતો. શૈલેન્દ્રના આ જવાબથી સચિન ભડક્યો અને બન્ને વચ્ચે ઝઘડો થયો. ઝઘડો ઝપાઝપી સુધી પહોંચી ગયો. હવે શૈલેન્દ્રના ગુસ્સાનો પાર નહોતો. તે ભાન ભૂલી ગયો હતો. તે એકદમથી ઊભો થયો અને રસોડામાં જતો રહ્યો. સચિન આ દૃશ્ય જોઇ રહ્યો હતો. બીજી જ ક્ષણે શૈલેન્દ્ર રસોડામાંથી દોડીને સીધો સચિન પાસે પહોંચી ગયો. તેના હાથમાં છરી હતી. સચિન તેના ઇરાદા ઓળખે અને કંઇ સમજે તે પહેલાં જ શૈલેન્દ્ર છરી વડે તેના પર તૂટી પડ્યો. ગળા પર એક પછી એક ઘા મારીને તેનું ખૂન કરી નાખ્યું. સચિનની લોહીથી લથબથ લાશ રૂમમાં પડી હતી. લાશનો કેવી રીતે નિકાલ કરવો તે શૈલેન્દ્રએ નક્કી કરી લીધું હતું. આખા ભરૂચને હચમચાવી નાખનારો ઘટનાક્રમ અહીંથી જ શરૂ થયો હતો. રાતના અંધારામાં ખેલાયેલા આ ખૂની ખેલ બાદ હવે બીજા દિવસનો સૂરજ ઊગી નીકળ્યો હતો. જાણે કે કંઇ જ ન બન્યું હોય તેમ શૈલેન્દ્ર કંપનીમાં નોકરી પર જતો રહ્યો હતો. આખો દિવસ તેણે કંપનીમાં કામ કર્યું. નોકરી પરથી છૂટીને ઘર પાછા આવતા પહેલાં તે બજારમાં ગયો. તેણે બજારમાંથી આરી, મહિલાને પહેરવાનું ગાઉન અને પ્લાસ્ટિકની કાળા કલરની મોટી ગાર્બેજ બેગ ખરીદી હતી. આ બધી વસ્તુઓ લઇને તે ઘરે પહોંચ્યો હતો. રૂમ બંધ કરીને તે સચિનની લાશ પાસે આવ્યો અને આરીથી તેના શરીરના 9 અલગ અલગ ટુકડા કર્યા. બંધ રૂમમાં લોહી, દુર્ગંધ અને ભયંકર દૃશ્યો વચ્ચે તે કલાકો સુધી કામ કરતો રહ્યો. સૌથી પહેલાં તો તેણે માથું કાપ્યું પછી 2 હાથ, 2 પગ, કમરથી ઉપરનો ભાગ કાપ્યા. આ ટુકડાઓને અલગ અલગ ગાર્બેજ બેગમાં ભરી લીધા. હવે તેનું સૌથી કપરૂં કામ શરૂ થવાનું હતું. જો તે એકસાથે આટલી બધી ગાર્બેજ બેગ લઇને જાય તો કોઇ જોઇ જાય, કોઇને શંકા થાય તેવી શક્યતા હતી એટલે તેણે એક બાદ એક ટુકડા ફેંકવાનું નક્કી કર્યું. આમાં પણ શૈલેન્દ્રએ યુક્તિ વાપરી હતી. તેને ખબર હતી કે શહેરમાં સીસીટીવી લાગેલા છે એટલે જો ક્યાંય પણ નાની એવી ચૂક થઇ જશે તો તે તરત પકડાઇ જશે. જેથી તે ગાઉન પહેરીને સચિનના કાપેલા અંગોનો નિકાલ કરવા જતો. જ્યારે તે અંગો ફેંકવા જતો ત્યારે સચિનનું એક્ટિવા લઇને જ નીકળતો. દરરોજ એક કે બે અંગનો નિકાલ કરતો. આમ તેણે નવે-નવ ટુકડાનો નિકાલ કર્યો હતો. તેને લાગતું હતું કે ગટરમાં નાખેલા અંગો વિશે કોઇ ખબર નહીં પડે પણ એક શ્વાને તેના પ્લાન પર પાણી ફેરવી દીધું. જ્યારે શૈલેન્દ્રને ખબર પડી કે આટલી સાવધાની રાખી હોવા છતાં પોલીસને ગટરમાંથી કપાયેલું માથું મળી ગયું છે ત્યારે તે ગુજરાત છોડીને ફરાર થઇ ગયો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા તેણે સચિનના ATM કાર્ડથી પૈસા ઉપાડ્યા હતા અને છેલ્લે તે ATM કાર્ડને ટ્રેનમાં છોડી દીધું હતું. સચિનનો ફોન ચાલુ કરીને વોટ્સએપમાંથી સચિનના પરિવારજનો સાથે બીજું કોઇ નહીં પણ શૈલેન્દ્ર જ વાત કરતો હતો. જેથી તેના પરિવારને એવું લાગે કે સચિન જીવતો છે અને કોઇ કારણોસર ઘરેથી ચાલ્યો ગયો છે. તપાસ દરમિયાન પોલીસને બીજી એક ચોંકાવનારી માહિતી મળી. શૈલેન્દ્ર રોજ ક્રાઇમ પેટ્રોલ જેવી ક્રાઇમ સિરીઝ જોતો હતો. તે એવું માનવા લાગ્યો હતો કે તે પોલીસ કરતાં વધુ ચાલાક છે. જો કે વાસ્તવિક જીવનમાં ગુનો કોઇ ફિલ્મ કે વેબ સિરીઝમાં બતાવાય છે તેટલો સરળ નથી હોતો. એક નાનો એવો પુરાવો પણ આરોપીને પકડવા માટે પૂરતો હોય છે. આમ એક મિત્રએ જ બીજા મિત્રની કરેલી ઘાતકી હત્યાનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. બજારમાંથી આરી લાવી લાશના 9 ટુકડા કર્યાં, વાંચો પાર્ટ-1
Read Original Article →