8 રાજ્યોના લોકોના રૂપિયા પડાવનાર ઉત્પલના ઉદયપુરમાં તાગડધિન્ના:ભવ્ય રિસોર્ટ ખરીદ્યું, ઝૂમ મિટિંગમાં રોકાણકારોને FIR ન કરવા ધમકાવ્યા, નવી સ્કીમ પણ લાવ્યો
ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ કંપનીઓની વચ્ચે ઓફિસ ખોલીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર ઉત્પલ પટેલ હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. માત્ર ગુજરાત જ નહીં, લગભગ 8 રાજ્યોના 35 હજારથી વધુ ઇન્વેસ્ટર્સ પાસેથી તેણે 400 કરોડ રૂપિયાથી પણ વધુનું રોકાણ લીધું હોવાનો આરોપ છે. 1- લોકો પાસેથી આટલા બધા રૂપિયા લઈને ઉત્પલ પટેલે ક્યાં ઇન્વેસ્ટ કર્યા?
2- રિર્ટન આપવાનું ગણિત કેમ બગડ્યું અથવા તો જાણી જોઈને બગાડવામાં આવ્યું? આ મહત્વના બે સવાલો પર દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું, જેમાં ઘણા મોટા ઘટસ્ફોટ થયા છે. ઉત્પલ પટેલ અત્યારે અંડરગ્રાઉન્ડ છે. પરંતુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ઉત્પલ પટેલે ઇન્વેસ્ટર્સ સાથે કરેલી ઝૂમ મિટિંગના સાક્ષી બનવાનો પણ મોકો મળ્યો. એટલું જ નહીં, જે એપ્લિકેશન દ્વારા તમામ ઇન્વેસ્ટમેન્ટનો ડેટા જોવા મળતો હતો, તેની ડિટેલ અને રોકાણકારો સાથે કરેલા એગ્રિમેન્ટની કોપી પણ અમે મેળવી શક્યા. આ એગ્રિમેન્ટમાં એક એવી શરત છે, જેના કારણે ઉત્પલને લાગી રહ્યું છે કે તે કાયદાકીય સાણસામાં આવવાથી બચી જશે. એક સમય એવો હતો જ્યારે ઉત્પલ પટેલ ફાર્મસીમાં બેચલરની ડિગ્રી મેળવીને પોતાના વતન સાબરકાંઠાના ઇસરી ગામે મેડિકલ સ્ટોર ચલાવતો હતો. પરિવાર પાસે વધારે સંપત્તિ નહોતી પરંતુ હજારો લોકોને રાતા પાણીએ રડતા મૂકીને ફરાર થઈ જનારા ઉત્પલ પટેલે થોડા સમય પહેલાં જ ઉદયપુર નજીક એક ભવ્ય રિસોર્ટ ખરીદ્યો છે. ઉત્પલ પટેલે રોકાણકારોના રૂપિયે જે રીતે ભવ્ય રિસોર્ટની ખરીદી કરી એ પાછળનો ઘટનાક્રમ દર્શાવે છે કે આ વ્યક્તિ કેટલી પહોંચેલી હશે!!! વાત એમ છે કે ઉત્પલે શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેલ લિમિટેડ કંપનીના નામે લોકો પાસેથી ટેરાબાઇટના નામે રોકાણ કરાવ્યું છે. જેમાં એક ટેરાબાઈટની કિંમત 38 હજાર રૂપિયા રાખવામાં આવી હતી, જેના બદલામાં તે રોકાણકારોને 1650 રૂપિયા મહિના ભાડું આપતો હતો. એક જ સરનામે બે કંપની…. મોટો ભાંડો ફૂટ્યો
ઉત્પલની શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ગિફ્ટ સિટીના સરનામે રજિસ્ટર છે. જ્યારે અમે ઇન્વેસ્ટિગેશનમાં આગળ વધ્યા તો જાણવા મળ્યું કે આ જ સરનામે બીજી એક કંપની પણ રજિસ્ટર છે. આ કંપનીનું નામ છે હેરી હોસ્પિટાલિટી એન્ડ લેઇઝર લિમિટેડ. આ કંપનીનું નામ જેટલું ફેન્સી છે, તેના કામ એટલા જ નીચલી કક્ષાના હોવાનું જાણવા મળ્યું. રજિસ્ટ્રાર ઓફ કંપનીના ડેટા પ્રમાણે હેરી હોસ્પિટાલિટી એન્ડ લેઇઝર લિમિટેડ કંપની 5 જાન્યુઆરી, 2026ના રોજ અસ્તિત્વમાં આવી. જેમાં ચાર ડિરેક્ટર છે. આ ચારમાંથી બે ચહેરાની ઓળખ જરા અલગ અને ચોંકાવનારી છે. ધ્રુવ ચૌધરી શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટમાં પણ ડિરેક્ટર છે. લગભગ 25 વર્ષની ઉંમર ધરાવતો ધ્રુવ ચૌધરી ઉત્પલ પટેલનો ભાણ્યો છે. જ્યારે ભૂમિ પટેલ એ ઉત્પલની પત્ની હોવાનું જાણવા મળ્યું છે. રિસોર્ટની વાસ્તવિક કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન
ગત જાન્યુઆરીમાં બનેલી આ કંપનીએ ઉદયપુર પાસે આવેલા ચાંદની ગામ નજીક થોડા સમય પહેલાં જ રિવેરા રોયલ રિસોર્ટની ખરીદી કરી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રિસોર્ટની કિંમત 100 કરોડ રૂપિયા કરતા પણ વધુની હોવાનું માનવામાં આવી રહ્યું છે. રિસોર્ટ ખરીદ્યા પછી ભવ્ય ઓપનિંગ સેરેમની પણ રાખવામાં આવી હતી, જેમાં ઉત્પલ પટેલ અને ધ્રુવ ચૌધરી ઘણી આગળપડતી ભૂમિકામાં જોવા મળ્યા હતા. જાન્યુઆરી પછી જે સમયગાળામાં ઉત્પલ પટેલની પત્ની અને ભાણેજની કંપનીના નામે રિસોર્ટની ખરીદી થઈ ત્યાર પછી જ આખી ફાયનાન્સિયલ સાયકલ બગડવા લાગી. 2026ની શરૂઆતમાં ઉત્પલની મુખ્ય કંપની શૂટ સ્પેસ ડિજિટલને 3 વર્ષ પૂરા થયા. એ સમયે ઉદયપુરમાં મોટી પાર્ટીનું આયોજન કર્યું. આ સમયે ઉત્પલે ઘણા બધા ઇન્વેસ્ટર્સ અને એજન્ટોને જલસા કરાવ્યા. પરંતુ આ પાછળ એક લાંબી રણનીતિ હતી. પાર્ટી દરમિયાન તેણે લોકોને સંબોધતા કહ્યું, આગામી સમયમાં TBમાં રોકાણના ભાવ વધી જશે. એ પહેલાં જેને પણ ઈન્વેસ્ટ કરવું હોય તેના માટે અત્યારે ઉત્તમ તક છે. લોભમાં આવેલા લોકો ઉત્પલની વાતોમાં આવી ગયા અને ભાવ વધે એ પહેલાં આડેધડ રોકાણ કરવા લાગ્યા. કંપનીએ આ બે મહિનામાં બહું મોટું કલેક્શન કર્યું. જાન્યુઆરીમાં 45 કરોડ અને ફેબ્રુઆરીમાં 15 કરોડ રૂપિયાનું ફંડ શૂટ સ્પેસ પાસે આવ્યું અને પછી ગડબડની શરૂઆત થઈ. ફોરેક્સમાં રૂપિયા રોક્યા અને દાવ ઊંધો પડ્યો
એક ઈન્વેસ્ટરની પ્રમાણે ઉત્પલે રોકાણકારોના રૂપિયા ફોરેક્સમાં રોક્યા અને મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હતા. પરંતુ યુદ્ધ દરમિયાન તેની તમામ ગણતરી ઊંધી પડી અને તેની ફાયનાન્સિયલ સિસ્ટમ ખોરવાઈ ગઈ. ભાસ્કરના રિપોર્ટરની નજર સામે જ ઉત્પલ પટેલ ઝૂમ મિટિંગમાં જોડાયો
ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમે કેટલાક ઇન્વેસ્ટર્સને રૂબરૂમાં મળ્યા અને કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અત્યારે શું ચાલી રહ્યું છે એ સમજવાનો પ્રયાસ કર્યો. અમને જાણવા મળ્યું કે પરિસ્થિતિ કાબૂમાં લાવવા માટે ઉત્પલ પટેલ મથામણ કરી રહ્યો છે. તેણે ઇન્વેસ્ટર્સને સમજાવવા માટે એક ઝૂમ મિટિંગ ગોઠવી હતી. અમારી હાજરીમાં જ એક રોકાણકાર આ મિટિંગમાં જોડાયા. આ દરમિયાન ઉત્પલ પટેલના કેટલાય રૂપ જોવા મળ્યા!!! ઝૂમ મિટિંગમાં ઉત્પલે પોતાનો કેમેરો શરૂઆતથી માંડીને અંત સુધી બંધ જ રાખ્યો. સાતેક મિનિટ સુધી તે મિટિંગમાં હાજર રહ્યો અને મિટિંગ દરમિયાન તેણે હિન્દી ભાષામાં જ વાતચીત કરી. કારણ કે ઘણા બધા રોકાણકારો અન્ય રાજ્યોના પણ છે. વાંચો… ચારે બાજુથી ઘેરાયેલા ઉત્પલ પટેલે રોકાણકારોને શું-શું કહ્યું. ઉત્પલ બોલ્યો, “મેં ઝૂમ મિટિંગ એટલે બોલાવી કે એકબીજાથી કનેક્ટ રહીશું તો દરેક અપડેટ મળતી રહેશે.” આ પછી તે સીધો મુદ્દા પર આવી ગયો. તે રોકાણકારો માટે 10 ડૉલર ઇન્વેસ્ટ કરવાની નવી સ્કીમ લઈને આવ્યો હતો. લોકોના 400 કરોડ પાછા ન આપનાર ઉત્પલ પટેલે ઝૂમ મિટિંગમાં રોકાણકારો પાસે દરેક TB દીઠ 10-10 ડોલરની માગ કરી. તેણે દાવો કર્યો, “જો મારા હાથમાં કેપિટલ આવશે તો તે લોકોના પૈસા પરત કરી શકશે. તમે મને 10 ડોલર આપો, હું તમને પહેલાં મહિનાના ભાડે પાટે 383 રૂપિયા અત્યારે જ આપી દઈશ.” ઉત્પલે કહ્યું, “નવી સ્કીમ પ્રમાણે 35 લોકોએ TB દીઠ ડોલર ચૂકવી દીધા છે. આ વોલેટ એડ્રેસ અપડેટ કરીને પેમેન્ટ કર્યું, તેમને 24 કલાકમાં જ પહેલું રેન્ટ તો મળી ચૂક્યું છે. એ લોકોએ સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા હશે. બીજા કોઈને આ અંગે વધુમાં માહિતી જોઈતી હોય તો આવા રોકાણકારોને ફોન કે મેસેજ કરીને તેમની પાસેથી માહિતી લઈ શકો છો.” ટૂંકમાં માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે, છતાં રૂપિયા પાછા આપવાને બદલે ઉત્પલ નવી સ્કીમ લાવીને રોકાણકારો પાસે વધુ રોકાણ લેવા મથામણ કરી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચામાં આવેલા આ કૌભાંડમાં ઘણા રોકાણકારો ગાંધીનગર પોલીસની માંડીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સુધીના ધક્કા ખાઈ રહ્યા છે. આ કેસમાં ગમે ત્યારે FIR થઈ શકે છે એ વાતનો અંદાજો ઉત્પલને પણ છે. એટલે જ તેણે ઝૂમ મિટિંગમાં રોકાણકારોને એગ્રિમેન્ટની શરતોની યાદ અપાવીને રીતસરની ધમકી આપી દીધી. તેણે કહ્યું, “અનેક રોકાણકારોએ પોતાના વકીલ સાથે પણ વાત કરી હશે. તેમને એગ્રિમેન્ટ પણ બતાવ્યો હશે. પણ કોઈની વાતમાં આવ્યા વગર તમે જ પહેલાં એગ્રિમેન્ટ વાંચી લો.” ઉત્પલે કહ્યું કે, અમારા એગ્રિમેન્ટમાં ચોખ્ખું જ લખેલું છે કે,
તમે ઈન્વેસ્ટર નથી. તમે એસેટ ઓનર છો જેમાં તમને 7 વર્ષ સુધી તેનું ભાડું મળશે.
તમે ક્યારેય તમારી મૂડી પાછી ન માગી શકો.
ક્રાઈસિસ દરમિયાન કંપની વિરામ લઈ શકે છે. અત્યારે એ ત્રણ મહિનાનો વિરામ ચાલી રહ્યો છે. 8 પાનાના એગ્રિમેન્ટમાં 23 નંબરની શરતે ચિંતા વધારી
શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડ અને રોકાણકારો વચ્ચે કુલ 8 પાનાનો કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવતો હતો. જેમાં કુલ 26 શરતો રાખી છે. આ શરતોમાં 23 નંબરની શરતમાં કયા સંજોગોમા રોકાણનું ભાડું ન મળી શકે એનો ઉલ્લેખ કર્યો છે. કદાચ એવું પણ બની શકે કે દર મહિને રૂપિયા મેળવવાની લાલચમાં ઘણા રોકાણકારોએ આ બાબતે ધ્યાન નહીં આપ્યું હોય. તમારા વતી લડતા લોકોને કહો કે ગેરંટી આપે- ઉત્પલ
ઝૂમ મિટિંગમાં જ ઉત્પલે રોકાણકારો વતી લડાઈનો મોરચો સંભાળી રહેલા મેહુલ શાહને પણ ચેતવી દીધા. તેણે રોકાણકારોને કહ્યું, “મેં તમારા લીડર મેહુલ શાહ સાથે પણ વાત કરી હતી. તેઓ કરે તેમ કરવાથી જો પૈસા મળવાના હોય તો ભલે કરે. પરંતુ એવું નહીં થાય. તેમને મારું રેકોર્ડિંગ પણ ઊંધુ સીધું કરી વાયરલ કરી દીધું. આવું કરવાથી ન તમને ફાયદો થાય કે ન મને થાય.” ઉત્પલ ઈમોશનલ અને સાઈકોલોજીકલ ગેમ રમતો હોય એમ તેણે કહ્યું કે, “જો મારી સામે FIR થશે તો હું જેલમાં જતો રહીશ અને એ પછી તમને તમારા પૈસા કોણ આપશે? જેના પર લિગલ એક્શન લેવાયા હોય એવી કોઈપણ કંપનીએ પૈસા પાછા આવ્યા હોય એવો એકપણ દાખલો નહીં મળે. જો તમે લિગલ એક્શન લેશો તો આમાં પણ એવું થશે.” તેણે કેશવ રાવત અને ડૉ.ગુલાટી નામના પણ કોઈ બે લોકોનો વાતચીતમાં ઉલ્લેખ કર્યો. ઉત્પલે રોકાણકારોને ઉશ્કેરતા કહ્યું, “તમારા વતી લડત-લડતા ત્રણ લોકોને કહો કે લખીને આપો કે જો FIR થશે તો અમારા રૂપિયા પાછા મળશે જ.” અંતે ઉત્પલે દાવો કર્યો કે ત્રણ મહિનામાં બધુ સરખું થઈ જશે. રોકાણકારો એક થઈને કોઈ મોટી કાર્યવાહી ન કરે એવો પણ પૂરતો પ્રયાસ કર્યો. તેણે એક પણ રોકાણકારનો સવાલ ન સાંભળ્યો અને પોતાની વાત પૂરી કરીને ઓનલાઈન મિટિંગમાંથી નીકળી ગયો. એક ક્લિક પર ઇન્વેસ્ટમેન્ટનો બધો ડેટા મળી જાય એવી એપ્લિકેશન
અત્યાર સુધીમાં જે પણ લોકો શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરતા હતા તેમને મોબાઇલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવતી હતી. જેમ બેંકની એપ્લિકેશનમાં બેંક બેલેન્સ, લોનની વિગતો, રોકણ વગેરેની જાણકારી આપવામાં આવતી હોય છે એવી રીતે જ શૂટ સ્પેસની એપ્લિકેશન પણ જે તે રોકાણકારને આપવામાં આવી હતી. ઉત્પલે ઝૂમ મિટિંગમાં દરેક ઈન્વેસ્ટરને પોતાનું એડ્રેસ અપડેટ કરવાનું કામ સોંપી દીધું. આ એડ્રેસ એક એપ્લિકેશનમાં અપડેટ કરવાનું હોય છે. શૂટ સ્પેસની એપમાં દરેકની પ્રાઈવેટ ID હોય છે. જેનાથી એપ્લિકેશન ખોલતા જ જે તે વ્યક્તિએ કેટલા રૂપિયા રોક્યા છે અને તેનું કેટલું ભાડું મળ્યું છે તેની તમામ વિગત દેખાય છે. અમારી સામે રોકાણકારે પોતાના મોબાઇલમાં આ એપ્લિકેશન ખોલી. જેમાં કોઈ મોટા બેંકિંગ સેક્ટરની કંપની હોય એવી રીતે ડેટાની ગોઠવણ જોવા મળી. ગુજરાતના ત્રણ જિલ્લાના રોકાણકારો સૌથી વધુ
મેહુલ શાહને તેમણે કરેલા રોકાણ પ્રમાણે હેરાલ્ડની પોઝિશન આપવામાં આવી હતી. તેમના દાવા મુજબ ગુજરાતમા 20 હજારથી પણ વધુ લોકોએ શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કર્યું છે, જેમાં સૌથી વધુ રોકાણકારો અમદાવાદ, રાજકોટ અને મોરબીના છે. ઉત્પલે અન્ય રાજ્યોમાં સૌથી વધુ જમ્મુ-કાશ્મીરના લોકોને ભરમાવ્યા હતા. ત્યાં ઓફિસ ખોલી અને હોટેલ્સમાં મિટિંગો પણ રાખતો હતો, જમ્મુ-કાશ્મીરમાંથી પણ 5 હજાર લોકોએ રોકાણ કર્યું હોવાની જાણકારી મળી છે. આ ઉપરાંત દિલ્હી, હરિયાણા અને પંજાબમાંથી 2-2 હજાર લોકોએ રૂપિયા રોક્યા છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાંથી પણ 1-1 હજાર લોકોએ રૂપિયા રોક્યા હોવાનો દાવો મેહુલ શાહ કરી રહ્યા છે. એકબાજુ પોતાની મરણમૂળી ખોવાથી અનેક લોકો ચિંતામાં આવી ગયા છે. પરંતુ ઉત્પલે 100 કરોડનો રિસોર્ટ બનાવી પોતાની લાઈફ સેટ કરી લીધી છે. અમને એક સૂત્રએ એવું પણ કહ્યું કે તે હાલ મલેશિયા ભાગી ગયો છે, જ્યારે એનો પાર્ટનર ધ્રુવ ચૌધરી હજુ અહીંયા જ રહીને ઉત્પલના ઇશારે વિવાદને સંકેલવા માટે મથી રહ્યો છે. ============================ જો તમારી પાસે પણ કોઈ જગ્યાએ ચાલતા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે, કાર્યવાહી નથી થઈ રહી, તેમને કોઈના દ્વારા છાવરવામાં આવી રહ્યા હોય તો દિવ્ય ભાસ્કરને ઇ-મેલના માધ્યમથી પુરાવા સાથે જાણ કરો. dvbbhaskar123@gmail.com
Read Original Article →