જૈન સાધુ-સાધ્વીના અશ્લિલ ફોટો વાયરલ થવાનું ચોંકાવનારું સત્ય:ફરિયાદીને ધમકી-‘બોલતા નહીં, 5 કરોડમાં ડિલ થઈ છે’; તપાસમાં 4 રાજ્યોના 15થી વધુ લોકોના નામ ખૂલ્યા
“એમના વર્તન વિશે તો બોલતા પણ મને શરમ આવે છે. જૈન સાધ્વીઓ અમારા માટે સન્માનનીય વ્યક્તિ કહેવાય, એમની સાથે દુષ્કર્મ કરીને સુરતમાં આવ્યા, એમને સુરતમાં પગ મૂકવા જ ન દેવો જોઈએ. અમારા ભાઈઓ શું કરે છે એ ખબર નથી, અમારે જૈન બહેનોએ આગળ આવવું પડ્યું છે. તેઓ ઉપાશ્રયમાં પ્રતિષ્ઠા કેવી રીતે કરાવી શકે? એ અમારા ભગવાનને સ્પર્શ પણ ન કરી શકે.” ન્યાયની માગ કરતા પોસ્ટર સાથે “વી વોન્ટ જસ્ટિસ”ના નારા બોલતી લગભગ 35થી 40 મહિલાઓનું ટોળું થોડા દિવસ પહેલાં સુરત પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યું હતું. તેમનો વિરોધ જૈન ધર્મના જ જાણીતા સાધુ સાગરચંદ્ર સાગર સામે છે. ત્યારે નિકિતાબેન નામની મહિલાએ આક્રોશ સાથે ઉપર મુજબનું નિવેદન આપ્યું. વાત એમ છે કે સોશિયલ મીડિયા અને ખાસ કરીને જૈન સમાજના વિવિધ વ્હોટ્સએપ ગૃપમાં છેલ્લા કેટલાક સમયથી 20થી વધુ અશ્લીલ ફોટા ફરતા થયા છે. જેમાં એક પુરુષ અને બે મહિલાઓ જોવા મળે છે. વાયરલ તસવીરોમાં દેખાતા લોકોની નામજોગ ઓળખ સમાજના આગેવાનોએ કરી
કેટલાક ફોટો મોબાઇલના કેમેરાથી લેવામાં આવ્યા છે, તો કેટલાક વીડિયો કોલના સ્ક્રીનશોટ્સ છે. જેમાં જૈન સાધુ સાગરચંદ્ર સાગર આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હોવાના દાવા જૈન આગેવાનોએ જ કર્યા. તેમની સાથે દેખાતી મહિલાઓ પણ જૈન સાધ્વી હોવાની નામજોગ ઓળખ પણ કરી હોવાની વાતો વહેતી થઈ છે. જૈન ધર્મમાં માનનારા લોકોની ભાવનાઓનું સન્માન જાળવીને દિવ્ય ભાસ્કરે કેટલીક તસવીરો પબ્લિશ નથી કરી. આ આખું પ્રકરણ બ્રહ્મચર્યની વાતો કરતા સાધુઓને શોભે એવું જરાય નથી. એટલે જ જૈન ધર્મના જ આગેવાનો દ્વારા ધાર્મિક અને કાયદાકીય રીતે સાગરચંદ્ર સાગર અને અન્ય લોકો સામે જે લડત શરૂ કરી છે એના વિશે આ લેખમાં લખ્યું છે. જૈન સમાજના વિરોધ પ્રદર્શનને હવા ત્યારે મળી જ્યારે સાગરચંદ્ર સાગર આવા ગંભીર આરોપો લાગ્યા બાદ પહેલીવાર માર્ચ મહિનામાં સુરત આવ્યા. સુરતના પોશ વિસ્તાર એવા વેસુમાં ધાનેરા નિવાસ ઉપાશ્રય આવેલું છે. જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવનું આયોજન હતું, જેમાં ખાસ આમંત્રણ આપીને સાગરચંદ્ર સાગરને બોલાવાયા. 28 માર્ચે પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલી મહિલાઓએ માગ કરી હતી કે, હાલ આ મુનિ સુરતમાં જ હોવાથી તેમને તાત્કાલિક ઉપાશ્રયમાંથી બહાર લાવવામાં આવે. તેમને જૈન મુનિના પદ પરથી હટાવી (દીક્ષા મુકાવી) સંસારના કપડાં પહેરાવવામાં આવે. દરેક સિક્કાની બે બાજુ હોય એમ ધાર્મિક બાબતે એકદમ આઘાતજનક અને સંવેદનશીલ મામલામાં કેટલાક વ્યાજબી સવાલો ઉભા થયા. એટલે દિવ્ય ભાસ્કરે આ મુદ્દે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને તલસ્પર્શી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. વાયરલ તસવીરો બાબતે પ્રાથમિક તબક્કે 4 મુખ્ય સવાલો હતા.
1- ધર્મભીરુ પ્રજાનું શરમથી માથું ઝુકાવી દે એવા ફોટા-વીડિયો જૈન સાધુના જ છે એની સાબિતી શું?
2- જો આ વાત સાચી હોય તો ફોટો અને વીડિયો કેવી રીતે વાયરલ થયા?
3- અશ્લીલ ફોટો વાયરલ કરવા પાછળ કોનો શું રોલ હતો?
4- શું ધર્મને બદનામ કરવા માટે આવું કૃૃત્ય થયું કે પછી બ્લેકમેઇલિંગનો ગંદો ખેલ ચાલી રહ્યો છે? આ સવાલોના જવાબની શોધમાં દિવ્ય ભાસ્કરે પાલિતાણાથી માંડીને સુરત અને મુંબઈથી લઈને રાજસ્થાનના જોધપુર સુધી તપાસ કરી. જેમાં આ કોન્ટ્રોવર્સી સાથે સંકળાયેલા 15થી વધુ લોકોના નામ ખૂલ્યા. આ તપાસમાં જે જાણકારી સામે આવી એ ચકરાવે ચડાવી નાખે એવી છે. ઇન્વેસ્ટિગેશનના પહેલાં પડાવમાં એ જાણવું હતું કે ફોટા અને ઓડિયો વાયરલ થવાની વાત માત્ર સોશિયલ મીડિયા પુરતી જ સિમિત છે કે પછી પોલીસ ચોપડે પણ કાંઈ નોંધાયું છે? કારણ કે AIના જમાનામાં તો કાંઈ પણ થઈ શકે… ક્યાંક એવું તો નથી ને કે કોઈ જૈન સમાજના સાધુઓને ખોટી રીતે બદનામ કરવામાં લાગ્યો હોય? અમને જાણકારી મળી કે આવી અશ્લીલ હરકતોના પુરાવા ફરતા થવાથી જૈન ધર્મમાં આસ્થા રાખતા ઘણા આગેવાનોમાં નારાજગી વ્યાપી છે. જેમાં બે મોટા નામ છે. બે રાજ્યમાં FIR, CMથી લઈ PM સુધી પત્ર
જૈન ધર્મમાં આસ્થા ધરાવતા આ બન્ને વડીલો અશ્લીલ ફોટા વાયરલ થવા બાબતે કાયદાકીય લડત લઈ રહ્યા છે. 61 વર્ષીય જગતભાઈએ તો અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં સાગરચંદ્ર સાગર સામે FIR નોંધાવવાના પ્રયાસો કર્યા. પોલીસે ફરિયાદ ન લીધી તો સીધા કોર્ટમાં પહોંચ્યા અને આ પ્રકરણમાં તપાસની માગી કરી. આવી જ રીતે કલ્પેશ સિંઘવી પણ જોધપુરમાં મહામહેનતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં સફળ રહ્યા. એટલું જ નહીં, તેમણે સાગરચંદ્ર સાગર સામે કાર્યવાહી કરવા માટે છેક વડાપ્રધાન મોદીને પણ પત્ર લખ્યો અને સાથે પુરાવા પણ જોડ્યા. અમે બન્ને ફરિયાદી જગત પરીખ અને કલ્પેશ સિંઘવીને મળ્યા. તેમની પાસેથી જાણ્યું કે સાગરચંદ્ર સાગરના અશ્લીલ ફોટા વાયરલ થવા પાછળનો ઘટનાક્રમ શું છે? જગતભાઈ પરીખના મોબાઇલ પર વ્હોટ્સએપના માધ્યમથી 31 જાન્યુઆરી, 2025ના રોજ અશ્લીલ ફોટા આવ્યા હતા. જેમાં દેખાતા પુરુષ જૈન સાધુ સાગરચંદ્ર સાગર અને બે મહિલાઓ પણ જૈન સાધ્વી હોવાનું તેમને લાગ્યું. એટલે ફોટા સાચા છે કે એડિટેડ છે એ જાણવા માટે તેમણે પ્રિયાંક શાહ નામના તેમના સાથીદાર મારફતે ઇન્ડિયન ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન લેબોરેટરીના પ્રાઇવેટ એક્સપર્ટનો અભિપ્રાય લીધો હતો. FSL રિપોર્ટમાં શું સામે આવ્યું?
2 એપ્રિલ, 2025ના રોજ ફોરેન્સિક એક્સપર્ટે તસવીરોનું એનાલિસિસ કરીને અભિપ્રાય આપ્યો હતો કે ફોટા એડિટેડ નથી અને તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. જગતભાઈ પરીખે ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટની કોપી પણ દિવ્ય ભાસ્કરને આપી છે. પોલીસે કહ્યું- અહીં ફરિયાદ નહીં થાય, કોર્ટમાં જાઓ
FLS રિપોર્ટમાં ફોટો સાચા જ હોવાનું સામે આવતા જૈન સમાજમાં અતુટ શ્રદ્ધા ધરાવતા જગતભાઈ માટે આ ઘટના એકદમ આંચકાજનક હતી. એટલે તેમણે સાગરચંદ્ર સાગર સામે કાયદાકીય લડત લડવાનું નક્કી કર્યું. પરંતુ કામ એટલું સરળ નહોતું. આગળ જતા તેમના આ પ્રયાસમાં અણધાર્યા ઉતારચડાવ આવ્યા. 2025ના એપ્રિલ મહિનાની 10 તારીખે જગત પરીખે સાગરચંદ્ર સાગરના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાની અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જગત પરીખે દિવ્ય ભાસ્કરને જણાવ્યું, મને કોઈક અજાણ્યા નંબરથી ફોટા મળ્યા. એ નંબર અત્યારે બંધ થઈ ગયો છે. પાલડી પોલીસે કહ્યું હતું કે આ ગુનો અમારા વિસ્તારમાં નથી બન્યો. તમે આ ફરિયાદ કોર્ટમાં જ કરી શકો છો. જગતભાઈએ સાગરચંદ્ર સાગર વિરુદ્ધની અરજી અમદાવાદના DCP સેક્ટર-7ને પણ મોકલી હતી. ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ, ક્રાઇમ બ્રાંચના પીઆઈ, ગાંધીનગરમાં મહિલા આયોગ તેમજ ગુજરાત હ્યુમન રાઇટ્સ કમિશનને પણ અરજીઓ મોકલી હતી. છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા. કોર્ટના ઓર્ડર બાદ આરોપીઓને નોટિસ ઇશ્યૂ થઈ
આખરે 23 એપ્રિલ, 2025ના જગતભાઈ પરીખે અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ કેસમાં સાગરચંદ્ર સાગર અને વાયરલ ફોટામાં જોવા મળતી બે સાધ્વીઓને આરોપી બનાવવામાં આવી છે અને તેમના વિરુદ્ધ નોટિસ પણ ઈશ્યુ થઈ છે. સાધ્વીઓને આરોપી કેમ બનાવાઈ?
વાયરલ ફોટોમાં દેખાતી સાધ્વીઓને પીડિતા ન ગણીને આરોપી બનાવવાના સવાલ પર તેમણે કહ્યું, સંસાર છોડ્યા પછી પણ સાધ્વીઓ આવી પ્રવૃત્તિમાં હોય અને આપત્તિજનક ફોટા પોતે પાડીને મોબાઇલ પર ચેટ કરે તો એમને પીડિતા ન કહેવાય. 2025ના જાન્યુઆરી મહિનામાં જો આ ફોટો વાયરલ થયા હતા તો અચાનક સવા વર્ષ બાદ મુદ્દો કેમ ગરમાયો? આ સવાલના જવાબમાં જગતભાઈ પરીખે કહ્યું, સાગરચંદ્ર સાગર મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. થોડા સમય પહેલાં તેઓ સુરત આવ્યા અને ત્યાં મોટાપાયે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાની તૈયારીમાં છે. એના વિરોધમાં અત્યારે લોકો ફરી વિરોધમાં ઉતર્યા છે. સાગરચંદ્ર સાગર સામે કડક કાર્યવાહી ન થવા પાછળનું જગતભાઈએ કારણ આપ્યું
જગતભાઈ પરીખનો દાવો છે કે સાગરચંદ્ર સાગરનું મૂળ વતન વડોદરાનું છાણી છે. એમના કુટુંબના 32થી 35 ભાઈ-બહેનોએ દીક્ષા લીધી છે. બધા સાગરજી સમુદાયમાં જ છે. એમના સપોર્ટમાં સાધુ સમાજ જ વધારે છે. એમના કાકા-મામા મહારાજ બચાવમાં ઉતર્યા છે. તેમણે આગળ જણાવ્યું, સાગરચંદ્ર સાગરને દીક્ષા લીધે 48 વર્ષ થઈ ગયા છે. એટલે મોટો ભક્તવર્ગ ઉભો કર્યો છે. ભક્તવર્ગ પાસેથી જે રૂપિયા આવી ગયા છે તેનો મોટો વહીવટ એમની પાસે છે. સુરતમાં 30થી 40 કરોડ રૂપિયાના ખર્ચે dVS મહારાષ્ટ્રના કોંકણ રોડ પર 50-55 કરોડ રૂપિયાનો ઉપાશ્રય બનાવ્યો છે. આ બધી મિલકત તેમના કંટ્રોલમાં હોવાથી પૈસાનો પણ પાવર છે. અમારે ત્યાં જૈન સાધુઓના કપડાં ખિસ્સા વગરના છે પણ ઘણા પાસે કરોડો રૂપિયાનો વહીવટ છે. અમુક મહાત્મા તો 24 કલાક રૂપિયાના વહીવટમાં જ પડ્યા રહે છે. જગતભાઈના દાવા પ્રમાણે બ્રહ્મચર્ય ભંગની વાત માત્ર સાગરચંદ્ર સાગર પુરતી સિમિત નથી. જગતભાઈ પરીખ સાથેની મુલાકાત અને તેમની પાસેથી મળેલા ફોરેન્સિક રિપોર્ટ સહિતના ડોક્યુમેન્ટથી ઘણા સવાલોના જવાબ મળ્યા. પરંતુ આવા કૃત્યમાં માત્ર સાગરચંદ્ર સાગર જ નહીં અન્ય ઘણા સાધુઓ સામેલ હોવાનો તેમણે દાવો કર્યો. અમદાવાદના જગતભાઈ પરીખની માફક જ જોધપુરના જૈન આગેવાન કલ્પેશ સિંઘવીએ સાગરચંદ્ર સાગર સહિત ઘણા જૈન સાધુઓ સામે અવાજ ઉઠાવ્યો છે. અમે કલ્પેશ સિંઘવીને મળ્યા તો અશ્લીલ સામગ્રી વાયરલ થવાના પ્રકરણમાં લગભગ પંદરેક નામો ખૂલ્યા. કલ્પેશ સિંઘવીએ જણાવ્યું કે તેમને પણ અજાણ્યા નંબર પરથી મોબાઈલ પર વોટ્સએપ દ્વારા કોઈકે ફોટા મોકલ્યા હતા. જેમાં જૈન સાધુઓ અને સાધ્વીઓ જાતીય પ્રવૃત્તિઓ તેમજ પ્રેમસંભોગમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સામે ચાલીને ફોટોની ખરાઈ કરવાનો નિર્ણય કલ્પેશ સિંઘવી માટે મુશ્કેલી લઈને આવ્યો. હવે, આગળનો ઘટનાક્રમ કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં સાક્ષીની હાલત હોય એવો હતો. કલ્પેશભાઈએ જણાવ્યું, જૈન સાધુઓ અને સાધ્વીઓનો મોબાઇલ ફોન પર સંપર્ક કર્યાના થોડા સમય પછી મને વિવિધ નંબરો પરથી ઘણા વ્યક્તિઓના ફોન આવવા લાગ્યા. “ફોન કરનારા લોકોએ પોતાના નામ બકુલેશ જૈન, જયેશ કોઠારી, નીતિન જૈન, કમલ જૈન, અભય ચોપરા, વિરાગ સાગર જણાવ્યા. 9 ફેબ્રુઆરી, 2025 પછી મને સતત ડરાવવામાં આવ્યો. આ લોકોએ મને ધમકી પણ આપી હતી કે મને ઘણી સ્ત્રીઓ દ્વારા ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવશે. એટલું જ નહીં, જો હું અમારા સાધુઓ અને સાધ્વીઓ સામે કેસ દાખલ કરીશ તો મારા પર પણ સાધુઓ અને સાધ્વીઓની બદનામીનો, માનહાનિનો તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ કરવામાં આવશે. જો આ અશ્લીલ ફોટોગ્રાફ્સ વાયરલ કરવામાં આવશે તો મને મારી નાખવામાં આવશે. તેમણે મને એવી પણ ધમકી આપી કે સાગરચંદ્ર સાગર આચાર્ય ખૂબ જ શક્તિશાળી માણસ છે અને તેમના ઘણા રાજકીય સંબંધો છે.” કલ્પેશભાઈને ફોન આવ્યો- તમારા નામે 5 કરોડમાં ડિલ થઈ ગઈ છે
અત્યાર સુધી જેટલી પણ ધમકી આવી એમાં એક કોલ સ્તબ્ધ કરી દેનારો હતો. કલ્પેશભાઈએ જણાવ્યું, મૈથિલ નામના વ્યક્તિએ મને સુરતથી વ્હોટ્સએપ કોલ કરીને ધમકી આપી હતી. તેણે કહ્યું, “તમારા નામે 5 કરોડ રૂપિયામાં ડિલ થઈ ગઈ છે. જો તમે સાગરચંદ્ર સાગર વિરુદ્ધ કોઈ નિવેદન કે ફોટોગ્રાફ નહીં આપો તો હું તમને 5 કરોડ રૂપિયા આપીશ.” પરંતુ આટલી મોટી રકમની ઓફર થયા પછી પણ મારી નૈતિકતા ડગમગી નથી અને હું આ ધમકીઓથી હાર્યો નથી. રાજસ્થાનમાં 7 ગુજરાતીઓ સહિત 13 સામે પોલીસ ફરિયાદ
કલ્પેશ સિંઘવીએ જોધપુરમાં કુલ 13 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે બે સાધ્વીઓના પણ નામ છે જેઓ વાયરલ તસવીરોમાં આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે. એટલું જ નહીં, 13 આરોપીઓમાં મુખ્ય આરોપી સાગરચંદ્ર સાગર સહિત ગુજરાત વતની હોય એવા 7 લોકો, મધ્યપ્રદેશના 3 તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણાના 1-1 આરોપી છે. ધમકીઓ બંધ ન થતાં કલ્પેશ સિંઘવીએ PM મોદીની ઓફિસમાં ફોન કરી દીધો
ઘણા દિવસો સુધી ધમકીનો સિલસિલો બંધ ન થયો. એટલે કલ્પેશ સિંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યલય પર જ સીધો ફોન કરી દીધો અને સમગ્ર માહિતી ત્યાં પહોંચાડી દીધી. PMOમાંથી તેમને કહેવામાં આવ્યું કે આ બાબતે એક પત્ર પણ મોકલો. ગુજરાતના નેતાઓના નામે ધમકી મળ્યાનો કલ્પેશ સિંઘવીનો દાવો
10 ફેબ્રુઆરી, 2025ના રોજ કલ્પેશ સિંઘવીએ વડાપ્રધાન મોદીને મોકલેલા પત્રમાં ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે લખ્યું કે, મને ગુજરાતના ગૃહ મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામે પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળી છે. આ સાધુઓ ગુજરાતના છે. આરોપીઓ કહે છે કે અમારી પાસે ભાજપના તમામ મંત્રી અને મુખ્યમંત્રી આવે છે. કોઈ અમારું કાંઈ બગાડી નહીં શકે. એટલે આ કેસની તપાસ માટે ગુજરાતમાં એક SITની રચના કરો. પોલીસે ફરિયાદીના નિવેદન લીધા, એકપણ આરોપીની ધરપકડ નથી થઈ
કલ્પેશ સિંઘવીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું, જોધપુર પોલીસે મારું નિવેદન લીધું છે. મેં FSL રિપોર્ટ, વીડિયો સહિતના પુરાવા પોલીસને આપ્યા. પરંતુ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે 13માંથી એકપણ આરોપીનું નિવેદન નથી લીધું. તેઓ માત્ર એટલું જ કહે છે કે અમે આરોપીઓને નોટિસ આપી દીધી છે. કલ્પેશ સંઘવીએ વધુમાં જણાવ્યું, સાગરચંદ્ર સાગરની ધરપકડ મુદ્દે ACP કહે છે કે, "આ ઘટના જોધપુરની નથી. પરંતુ આ તો ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોવાનો કેસ છે." પરંતુ ACP ઇચ્છે તો ધરપકડ થઈ શકે છે. સાગરચંદ્ર સાગર પોતાના ફોનની DPમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ફોટો લગાવીને સમાજને ગુમરાહ કરતા હતા. અન્ય મોટા નેતાઓના નામે ડરાવતા હતા. રૂપિયાવાળા લોકોનું એમને પીઠબળ છે. 30 વર્ષ પહેલાં રૂપિયા આપીને કેસ દબાવી દેવાનો ગંભીર આરોપ
કલ્પેશ સિંઘવીએ આરોપ લગાવ્યો કે જ્યારથી દીક્ષા લીધી ત્યારથી ઘણા લોકોને સાગરચંદ્ર સાગરે ફસાવ્યા છે. 30 વર્ષ પહેલાં તેમણે નવસારીમાં એક મહિલાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. બોરીવલી સહિત અનેક જગ્યાએ આવા કેસ સામે આવ્યા છે, જેને રૂપિયા આપીને સાગરચંદ્ર સાગરે દબાવી દીધા છે. કલ્પેશ સંઘવીએ કહ્યું, અમારી માગ છે કે સાગરચંદ્ર સાગર સામે નરદેવ સાગર પગલાં લે. તેઓ સાગરચંદ્ર સાગરને સાંસારિક કપડા પહેરાવીને સંસારમાં પાછા મોકલે. તેમની સામે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો કેસ ચાલે અને ધરપકડ થાય. કલ્પેશ સિંઘવી અને જગત પરીખ એમ બે જૈન આગેવાનોએ એક સરખી વાત કહી કે તેમને જૈન સાધુઓના અશ્લીલ ફોટા વ્હોટ્સએપ પર મોકલ્યા હતા. વળી તેમને પોતાની રીતે ફોટોગ્રાફ્સની ખરાઈ પણ કરાવી. હવે ત્રણ ગંભીર સવાલ ઊભા થયા… આ દિશામાં દિવ્ય ભાસ્કરે તપાસ આગળ વધારી તો સ્ફોટક ખુલાસા કરતી કુલ 6 ઓડિયો ક્લિપ મળી આવી. આ સમગ્ર ઘટનાક્રમમાં મુંબઈની એક મહિલાની મોટી ભૂમિકાનો પણ ખુલાસો થયો. દિવ્ય ભાસ્કરે સાગરચંદ્ર સાગરનો પણ પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો. વાંચો આવતીકાલે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટનો બીજો અને અંતિમભાગ.
Read Original Article →