જૈન સાધુના ફોનમાંથી સાધ્વી સાથેના અશ્લીલ ફોટા ચોરાયાનો દાવો:વાયરલ કરવામાં મુંબઈની મહિલાની સંદિગ્ધ ભૂમિકા, 1 વર્ષ સુધી સાચવી રાખ્યાની 6 ઓડિયોમાં કબૂલાત

Gujarat5/23/2026, 12:30:00 AM
જૈન સાધુના ફોનમાંથી સાધ્વી સાથેના અશ્લીલ ફોટા ચોરાયાનો દાવો:વાયરલ કરવામાં મુંબઈની મહિલાની સંદિગ્ધ ભૂમિકા, 1 વર્ષ સુધી સાચવી રાખ્યાની 6 ઓડિયોમાં કબૂલાત
દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટના પહેલાં ભાગમાં તમે ગઇકાલે વાંચ્યું કે જૈન સાધુ-સાધ્વીઓના અશ્લીલ ફોટા વાયરલ થવા બાબતે બે કેસ થઈ ચૂક્યા છે. એક અમદાવાદ અને બીજો કેસ રાજસ્થાનના જોધપુરમાં. ચોંકાવનારી વાત એ છે કે જૈન આગેવાનોએ જ નોંધાવેલી ફરિયાદમાં જૈન સાધુ સાગરચંદ્ર સાગર ઉપરાંત વીડિયોમાં દેખાતી બે સાધ્વીઓને પણ આરોપી બનાવવામાં આવી છે. વળી, બન્ને ફરિયાદીઓએ દાવો કર્યો છે કે કેટલાક જૈન સાધુઓનું એક ગ્રુપ આવા અશ્લીલ કૃત્ય સાથે જોડાયેલું છે. જોધપુરના ફરિયાદીએ તો ત્યાં સુધી દાવો કર્યો કે અમુક સાધુઓએ બાળકોને પણ છોડ્યા નથી અને મારી પાસે પુરાવા પણ છે. એટલું જ નહીં, સાગરચંદ્ર સાગર વિરુદ્ધ ન બોલવા માટે તેમને મૈથિલ નામની એક વ્યક્તિએ 5 કરોડ રૂપિયામાં ડિલ થઈ ગઈ હોવાની વાત ફરિયાદીને કહી હતી. (ઇન્વેસ્ટિગેશનનો પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો.) જો કે આ સંવેદનશીલ મામલે હવે 3 મુખ્ય સવાલ ઊભા થયા. 1- જૈન સાધુ અને સાધ્વીઓના અશ્લીલ ફોટા કોના મોબાઇલમાં ક્લિક થયા હતા? 2- અશ્લીલ ફોટા કોણે અને શા માટે વાયરલ કર્યા હતા? 3- ફરિયાદી કલ્પેશ સિંઘવીને મોઢું બંધ રાખવા 5 કરોડ રૂપિયાની લાલચ આપનાર મૈથિલ કોણ છે? આ દિશામાં દિવ્ય ભાસ્કરે તપાસ આગળ વધારી તો સ્ફોટક ખુલાસા કરતી કુલ 6 ઓડિયો ક્લિપ મળી આવી. આ ઓડિયો ક્લિપ પણ જૈન સમાજના કેટલાક ગૃપમાં વાયરલ થયેલી છે. ઓડિયોમાં સંભળાય છે કે સાગરચંદ્ર સાગર કોઈક મહિલાને સવાલ કરે છે કે આ બધુ વાયરલ કેવી રીતે થયું? કેટલીક ઓડિયો ક્લિપમાં આ જ મહિલાને મૈથિલ નામનો એક શખસ પણ બેફામ ગાળો બોલીને અશ્લીલ ફોટો વાયરલ થવા પાછળના કારણ શોધવાનો અને મહિલાના ઘરે ગુંડા મોકલવાની વાતો કરે છે. વાયરલ ઓડિયો ક્લિપમાં વાત કરતી મહિલા જૈન સાધ્વી નથી વાયરલ ઓડિયો ક્લિપના કારણે ઘણાને એવું પણ લાગ્યું કે સાગરચંદ્ર સાગરની વાતચીત એ જ મહિલા એટલે કે જૈન સાધ્વી સાથે થઈ રહી છે, જેમના ફોટો વાયરલ થયા છે. જો કે હકીકત આનાથી કંઈક જુદી જ છે. ફોન પર વાત કરી રહેલી મહિલા જૈન સાધ્વી નથી, તે મુંબઈમાં રહે છે અને ફોટોગ્રાફ્સ વાયરલ થવામાં તેની ભૂમિકા પણ ઘણા સવાલો ઉભા કરે એવી છે. કાયદાકીય તેમજ ધાર્મિક રીતે સંવેદનશીલ મામલો હોવાના કારણે આ મહિલાની સાચી ઓળખ અમે નથી આપી રહ્યા. આ લેખમાં તેનું નામ બદલીને “અનુ” રાખવામાં આવ્યું છે. નીચેના આપેલા ગ્રાફિક્સથી સમજો કે અત્યાર સુધીની માહિતી અને દાવા પ્રમાણે ફોટોગ્રાફ્સ વાયરલ થવામાં કોનો શું રોલ છે? મૈથિલ અને સાગરચંદ્ર સાગર વચ્ચેનું કનેક્શન શું? જૈન સાધુ સાગરચંદ્ર સાગરના કૃત્ય વિશે અમદાવાદની મેટ્રો કોર્ટ સુધીની લડત લડનાર જગતભાઈ પરીખે જણાવ્યું, મૈથિલ સાગરચંદ્ર સાગરનો શિષ્ય હતો. તેણે દીક્ષા લીધી હતી. પણ થોડા જ સમયમાં સંસારમાં પાછો ફર્યો. પછી આવી બાબતોમાં તેમની ભાગીદારી કરતો હોય એવું દેખાય છે. જગતભાઈએ કહ્યું, વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે આ ફોટા અનુ પાસે હતા. એ બેને ફોટા વાયરલ કર્યા હોવાની સાગરચંદ્ર સાગરને પણ ખબર છે. એ બીજી બે-ત્રણ બહેનોનું નામ પણ બોલે છે. એટલે આખા ગૃપ સાથે સાગરચંદ્ર સાગરના કોઈકને કોઈ રીતે સંબંધ હશે, એ સંબંધો કેવા પ્રકારના હશે એના વિશે હું કાંઈ કહેવા નથી માગતો. પણ આવા સંબંધો સાધુ રાખે એ ખોટા જ હોય એમ માની શકાય. અનુએ પોતે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેણે જ ફોટા સાગરચંદ્ર સાગરના ફોનમાંથી લીધા છે. મુંબઈની યુવતીને કોઈકનો દોરીસંચાર! વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં સૌથી સ્ફોટક ઓડિયો ક્લિપ અનુ અને મૈથિલ વચ્ચેની વાતચીતની છે. જેમાં મૈથિલને કોન્ફરન્સ કોલ પર જોડવામાં આવે છે. એ પહેલાં અનુને કોઈક વ્યક્તિ સલાહ આપે છે કે “તારે ડરવાનું અને રડવાનું”. અનુ હા પાડે છે. ત્યાર પછી અનુ અને મૈથિલ વચ્ચે ફોન પર વાત શરૂ થાય છે. મૈથિલ જાણવા માગે છે કે આ ફોટો વાયરલ કેવી રીતે થયા. આ પ્રકરણમાં રાહુલ નામના એક શખસની શંકાસ્પદ ભૂમિકા હોવાનો આરોપ મૈથિલ લગાવે છે. વાંચો, ઘણા રહસ્ય ઉઘાડા પાડતી વાતચીતના અંશ. મૈથિલ: બોલો બેન, શું ડિટેલ મળી? અનુ: પ્લીઝ… હું બહાર છું… મારા કામ પર છું મૈથિલ: અરે %^^^* ગયું તમારું કામ અનુ: હું રિક્વેસ્ટ કરું છું તમને. મારા બાળકો ઘરે એકલા છે. પ્લીઝ. મૈથિલ: ફક્ત તમારી પાસે ફોટા હતા તો ગયા કેવી રીતે? અનુ: મારી પાસે હતા. મેં પછી સાહેબજીને એમના લોકલ નંબર પર પણ મોકલ્યા હતા. મેં (યુવતીનું નામ)ને મોકલ્યા છે અને (અન્ય યુવતીનું નામ)ને પણ એક જ ફોટો મોકલ્યો હતો. મેં ડિલીટ પણ મારી દીધો હતો. મને ખરેખર નથી ખબર. જ્યારથી મારો ફોન હેક થઈ રહ્યો છે, મને નથી ખબર કે શું થઈ રહ્યું છે. હું મારા એક પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ નથી. મૈથિલ: હમણા એક માણસ તમારા ઘરે આવશે. તમારા ઘરના જેટલા પણ ફોન, પેનડ્રાઇવ, લેપટોપ છે એ બધુ લઈને જતો રહેશે. તમે બધુ નવું કરી લો… બરાબર? અનુ: મારી વાત સાંભળો હું ઘરે નથી. રિક્વેસ્ટ કરું છું. મૈથિલ: તમે ઘરે આવશો ત્યારે લેશે. તમે 12 વાગ્યે ઘરે આવો, કાલે આવો, એ બેસશે ત્યાં. ચા-પાણી, નાસ્તાની સુવિધા છે ને ઘરે? શિવસેના ગલી ખબર છે ને? શિવસેના ગલીના છોકરાઓ આવે છે ત્રણ-ચાર. એ લોકોને ચા-નાસ્તો કરાવડાવજો. અનુ: તમે આવું ન કરો. મૈથિલ જ્યારે વારંવાર એક જ સવાલ કરે છે કે જ્યારે ફોટા માત્ર તારી પાસે જ હતા તો પછી વાયરલ કેવી રીતે થયા? ત્યારે અનુ પહેલીવાર "સાહેબજી"નું નામ લે છે. એટલું જ નહીં, તેણે ત્યાં સુધી કહી દીધું છે મારો ફોન હેક થયો હોવાની જાણ મને “સાહેબજી”એ જ કરી હતી. “સાહેબજી” એટલે કોણ એ વાતનો પણ અનુ ખુલાસો કરી નાખે છે. વાયરલ ઓડિયો ક્લિપમાં અનુ એ પણ કબૂલતી સંભળાય છે કે તેની પાસે આ ફોટોગ્રાફ્સ એક વર્ષથી હતા. જો વાયરલ કરવા હોત તો પહેલાં જ કરાવી દીધા હોત. આમ, આટલી વાતચીત પરથી સ્પષ્ટ થઈ જાય છે કે ફોટા તો માત્ર અનુ પાસે જ હતા. એટલે સવાલ એ પણ ઉઠ્યો કે અનુ પાસે સાગરચંદ્ર સાગરના આવા ફોટા આવ્યા કેવી રીતે? આ પ્રશ્ન મૈથિલે પણ કર્યો. તો અનુની જીભ થથરવા માંડે છે અને ઉતાવળમાં એક ચોંકાવનારી વાત બોલી દે છે. મૈથિલ: તે ફોટા લીધા ક્યાંથી, કોની પાસેથી લીધા? અનુ: લીધા હવે… આવ્યા… હતું… આવ્યા… મેં જ લીધા સાહેબજીના ફોનમાંથી. મૈથિલ: કયા સાહેબજીના ફોનમાંથી? અનુ: સાગર મહારાજના ફોનમાંથી મૈથિલ: કેમ લીધા હતા? બ્લેકમેલ કરવા જ લીધા હતા ને? અનુ: ના… ના… મૈથિલ: તો લીધા શું કામ? તે $%%^$ લીધા? જે હોય એ ફટાફટ બોલ. અનુ: મેં લીધા હતા કારણ કે મારે અમુક વસ્તુ એમના ફોનમાંથી ડિલીટ કરવી હતી. મને અચાનક આ બધા ફોટા મળ્યા એટલે મેં મારામાં લઈ લીધા હતા. મૈથિલ: એટલી લાગણી હતી તો તારે ડિલીટ જ કરવા જોઈએ ને. બ્લેકમેલ કરવા લીધા? અનુ: મેં આજ સુધી એમને બ્લેકમેલ નથી કર્યા. મૈથિલ: આ પેલો $#^%$^%$ રાહુલ છે ને… એના લેપટોપમાં છે ને? અનુ: ના… બાપા…ના.. કોઈ રાહુલ નથી. મૈથિલ: હું એટલો અંદર ઘુસેલો છું ને… બધાને ઉપાડી નાખીશ. અનુ: કોઈ રાહુલ નથી. શું તમે બોલો છો? રાહુલ મારો ફ્રેન્ડ જ છે. મારે એની સાથે એવા કોઈ રિલેશન નથી. મૈથિલ: મને તું હળવાશમાં લે છે? તારા ઘરેથી મોબાઇલ, લેપટોપ, પેનડ્રાઇવ હું લઈ જઈશ, પહેલાં તો રાહુલના ઘરે પહોંચશે. એના, એની પત્ની, મા-બાપ, બહેન-બનેવી બધાના મોબાઇલ લઈ લઈશ. અનુ: હું રિક્વેસ્ટ કરું છું. મેં સાહેબજીને પ્રોમિસ આપેલું છે કે…. છેલ્લે મૈથિલે વાત ટૂંકાવીને ફોન કાપી નાખ્યો. 9 મિનિટની અન્ય એક ઓડિયો ક્લિપમાં અનુ અને સાગરચંદ્ર સાગર વચ્ચે વાતચીત થાય છે. સાગરચંદ્ર સાગરને પણ ફોટા વાયરલ થઈ ગયા બાદ પરિસ્થિતિ કાબૂમાં રહી ન હોવાનો અહેસાસ થઈ ગયો હોય એમ લાગ્યું. સાગરચંદ્ર સાગર: આજે મારા પર બે-ત્રણ મિસકોલ આવ્યા છે એમના. અનુ: મને પણ ઘણી ધમકીઓ આવી છે. સાગરચંદ્ર સાગર: તને એ દિવસે કહ્યું હતું કે આ ફોટા… તું જે ગ્રુપ કહેતી હતી ને એમાં પહોંચ્યા છે. કેવી રીતે પહોંચ્યા એ મને કહે. મારી પાસે ફુલ્લી ઇન્ફર્મેશન છે. મને અત્યારે મૈથિલનો ફોન આવ્યો હતો. એના પર બધી માહિતી ગઈ છે. તે એને ફોન કર્યો હતો? અનુ: મેં એને બ્લોક કરી દીધો હતો. સાગરચંદ્ર સાગર: હું આગળ ઇન્ક્વાયરીમાં જાઉં છું. તેં મારી પાસે ફોન માગ્યો. તો મેં કીધુ કે તું હમણા…(વાત ટૂંકાવી દે છે) અનુ: સાહેબજી મારા ઘરે ગુંડા મોકલવાની વાતો થાય છે. હું મારા કામ પર છું. મારા ઘરે બાળકો એકલા છે. સાગરચંદ્ર સાગર વારંવાર અનુને સવાલ કરે છે કે ફોટા માત્ર તારા ફોનમાં જ હતા તો વાયરલ કેવી રીતે થયા? સામા છેડે અનુ પોતાનો બચાવ કરીને અલગ-અલગ લોકો તરફથી ધમકીઓ મળતી હોવાનું કારણ ધરે છે. આ ફોનકોલમાં જ અન્ય બે યુવતીઓના પણ નામ ચર્ચાય છે. સાગરચંદ્ર સાગર: તારા ફોનમાંથી આ બધા (ફોટા) આગળ ગયા ક્યાં? અનુ: મને નથી ખબર. મેં ક્યારેય કોઈને એક ફોટો નથી મોકલ્યો. એક (યુવતીનું નામ લે છે)ને મોકલ્યો અને એક (અન્ય યુવતીનું નામ લે છે)ને મોકલ્યો હતો. સાગરચંદ્ર સાગર: આ ફોટા અત્યારે એ લોકો પાસે પહોંચ્યા છે. એ ગ્રુપમાં 20 લોકો છે. એમાંથી એક જણે માહિતી આપે. અનુ: તમને લાગે છે હું વાયરલ કરીશ? સાગરચંદ્ર સાગર: મેં તપાસ કરાવડાવી. પછી મને ખબર પડી એટલે મેં રાહુલની ચેટ કઢાવી. એટલે કન્ફર્મ થયું કે તારો ફોન આખો એની પાસે છે. અનુ: મેં તમને શાંતિથી કહ્યું હતું કે સાહેબજી મારો ફોન બીજી વખત હેક થયો છે. પ્લીઝ તમે મને નવો ફોન અપાવો એવું કિધું હતું ને? હું આ ફોન વાપરીશ જ નહીં. સાગરચંદ્ર સાગર: તે કોઈને મોકલ્યા નથી ને? અનુ: 101 ટકા સાહેબજી, મેં કોઈને નથી મોકલ્યા. આ સમગ્ર પ્રકરણમાં મૈથિલનું નામ વારંવાર ઘણા લોકોના મોઢે ચર્ચાય છે. અનુ પણ સાગરચંદ્ર સાગરને અજીજી કરે છે કે મૈથિલન તમે સમજાવો, એ મારા ઘરે ગુંડા મોકલવાની વાતો કરે છે. જો કે સામા છેડે સાગરચંદ્ર સાગર પણ કહે છે કે “મૈથિલ મારું કોઈ સાંભળે એમ નથી. બધાને પૈસા જોઈએ છે.” આ જ ઓડિયો ક્લિપમાં સાગરચંદ્ર સાગર એક ગંભીર વાત બોલી જાય છે. તેઓ અનુને કહે છે, મેં તને ઘણી વખત કહ્યું કે ડિલીટ મારી દે, આ કાંઈ કામનું નથી. ગુસ્સામાં ગમે તે થઈ જાય. તું કાંઈ સાંભળતી નથી. આજે મોટા ડિલિંગમાં મારી પાસે આવી રહ્યું છે. એમાં બધાને મોટાપાયે રૂપિયા જોઈએ છે. અનુ: મેં ગુસ્સામાં એક વખત (યુવતીનું નામ બોલે છે)ને મોકલ્યો હતો. સાગરચંદ્ર સાગર: તે (અન્ય યુવતીનું નામ બોલે છે)ને પણ મોકલ્યા છે. એની પાસે બધા ફોટા હતા. અનુ: મેં તેને મોકલ્યા. પણ એણે કહ્યું કે મારે એમાં ઇન્વોલ્વ નથી થવું એટલે મેં ડિલીટ મારી દીધા હતા. સાગરચંદ્ર સાગર: મારાથી વધારે વાત થાય એમ નથી હું વિહારમાં છું. મેં તને કહી દીધું કે તું સાચવીને રહેજે. ગમે એટલું હશે એ બધુ ફરીને તારા મોબાઇલ પર આવવાનું છે. તું મને એટલું શોધી આપ કે તારા ફોનમાંથી એ ફોટા કેવી રીતે ગયા? અનુ: નથી ખબર મને. એક શોકિંગ ઓડિયો ક્લિપ રાહુલ અને અનુ વચ્ચેની છે. જેમાં રાહુલ અનુને સમજાવે છે કે આ બધો ઠીકરો કેવી રીતે કોઈ એક સાધ્વીજીના માથે ફોડી દેવો. શરૂઆતમાં અનુ આ ષડયંત્રમાં સામેલ થવાનો ઇન્કાર કરે છે. પણ છેલ્લે એ પણ માની જાય છે. રાહુલ: જુઓ, હવે તમે 110 ટકા સેફ થઈ ગયા બરાબર? અનુ: એમને વિશ્વાસ આવ્યો ને? રાહુલ: હા આવી ગયો. હવે બીજો કોઈ કોલ આવે આવી રીતે… મારી વાઇફના નંબર પરથી પણ આવે ત્યારે તમારે સ્ટોરી કરવાની કે (સાધ્વીનું નામ બોલે છે)ને સમજાવેલું. અનુ: ના… હું સાધ્વીજી મહારાજ સામે સાહેબજીનું નામ નહીં લઈ શકું. રાહુલ: નામ નહીં લેતા ને… સાધ્વીજી મહારાજને હું ઓળખી લઈશ. તમે નામ ન લેતા, ફોનમાં હું નામ નહીં બોલું. પણ (સાધ્વીનું નામ) તો નામ લઈ શકશો ને? અનુ: શું નામ લઉં એમનું? રાહુલ: એણે જ કરાવ્યું હશે. એ કોઈ સાધ્વી મહારાજ જોડે પ્રતિબોધ પામી કે કાંઈ પણ XYZ કરજો. અનુ: કોન્ટેક્ટ જ નથી. વાત જ નથી કરતી ક્યારેય. સાહેબજીએ એને ના પાડી રાખી છે. રાહુલ: તો સારું છે ને. તમારે એનું નામ ઢોળી કાઢવાનું હવે. 99.99 ટકા તમને ફોન નહીં આવે. અનુ: અને (અસ્પષ્ટ નામ બોલે છે) એ તમને શું કહ્યું? રાહુલ: તમારો ફોન મૂક્યો ને પછી મને કહ્યું કે, અનુ ન હોઈ શકે. આટલું રડે છે એ… એ ન હોઈ શકે. અનુ: પાક્કું બોલ્યા ને એવી રીતે? રાહુલ: હા… એમના માઇન્ડમાં મેં ક્લિયર કરાવી દીધું છે. હવે હું કહું એ જ સ્ટેપ તમારે લેવાનો. અનુ: મને સાગર મહારાજનો ફોન આવે છે, હું તમને પછી કરું. એક સમય એવો આવ્યો જ્યારે આ મામલો ચરમસીમાએ પહોંચી ગયો. ઓડિયો ક્લિપથી માલુમ પડે છે કે મૈથિલથી કંટાળીને અનુએ તેનો નંબર બ્લોક કરી દીધો. એટલે અન્ય કોઈના ફોનકોલ દરમિયાન મૈથિલ કોન્ફરન્સથી જોડાય છે. આ વખતે મૈથિલ એકદમ ગુસ્સામાં હતો અને કોઈપણ જાતની પરવાહ કર્યા વગર અનુને ગાળો આપી. તેણે પોતાની રાજકીય ઓળખાણો બતાવી અને અનુને સવાલો કર્યા કે ફોટો કેવી રીતે વાયરલ થયા એનો જવાબ આપ. ઉગ્ર વાતચીત દરમિયાન અનુ કંઈક એવું બોલી જાય છે જે ઘણા ગંભીર સવાલો પેદા કરે છે અને આ પ્રકરણ અંગે કેટલાક જવાબો પણ આપી જાય છે. મૈથિલ: હેલ્લો… અનુબેન… મૈથિલ વાત કરું છું. ઓળખાણ પડી કે નહીં? અનુ: હા.. હા.. બોલો… મૈથિલ: બોલો…બોલો… છોડો તમે. %^%^ મારો નંબર કેમ બ્લોક કર્યો? હું ^%^*$ છું? તમે અમને ફોન કરીને કામ આપો અને પછી બ્લોક કરી દો. અનુ: મૈથિલભાઈ ગાળાગાળી ન કરો. શાંતિથી વાત કરો. મૈથિલ: આ મારી નોર્મલ ભાષા છે. શાંતિ ગઈ તેલ લેવા. જો મારી સાથે મગજમારી કરવાની નહીં. મેં તમને કહ્યું હતું કે કોઈ ડિટેલ કોઈની પાસે જવી ન જોઈએ. તો કેમ ડિટેલ બહાર પહોંચી? અનુ: મૈથિલભાઈ મને કહો તો ખરા શું થયું છે? મૈથિલ: ફોટો વાયરલ થયા છે. અનુ: મને કાંઈ નથી ખબર મૈથિલ: %#%$#% મારી સાથે ગોળગોળ વાતો નહીં કરવાની. તમારા ફોનમાં તો બધા પડ્યા છે. કોને-કોને ફોટા મોકલ્યા છે મને ક્લિયર કહી દે. મને બ્લોક કરવાનું કારણ શું? અનુ: નથી પડવું મારે આ બધામાં. મને હતું સાગરચંદ્ર મહારાજ મને સપોર્ટ કરશે. એમણે પહેલા કહ્યું પછી હાથ ઉપર કરી દીધા. મારે હવે આ મેટરમાં પડવું નથી. એ લોકો રૂપિયાવાળા માણસો છે, બધા સમેટી લેશે, બદનામ હું થઈ જઈશ. મૈથિલ: હું તમને કાલે સવારે 10 વાગ્યા સુધીનો સમય આપું છું. કોણે શું પહોંચાડ્યું છે એ મને અનબ્લોક કરીને મારા નંબર પર મોકલજો. અનુ: મેં કોઈને કાંઈ નથી મોકલ્યું. મારો ફોન મૂકીને તમે સાગર મહારાજને ફોન કરો. એમને પૂછજો. મેં એમને કહ્યું હતું કે તમારા ફોટા હું ક્યારેય, ક્યાંય વાયરલ નહીં કરું. એનું એક કારણ પણ છે. એ રિઝન હું તમને નહીં આપી શકું. મેં મહારાજને પણ પ્રોમિસ કર્યું હતું. મેં એક વખત એક ફોટો ગુસ્સામાં સાધ્વીજીની બેનને મોકલ્યો હતો. બહુ ટાઇમ પહેલાં મેં ફોટા (યુવતીનું નામ) કરીને એક છોકરી છે એને મોકલ્યા હતા. મૈથિલ: એ કોણ છે? અનુ: સાહેબજીના કોન્ટેક્ટમાં છે એક છોકરી. મૈથિલ: એને શું કામ મોકલ્યા હતા? અનુ: બસ, મને ગુસ્સો આવ્યો હતો એટલે. એના સિવાય મેં કોઈને નથી મોકલ્યા. મૈથિલ: કાલે 10 વાગ્યા સુધી અપડેટ જોઈએ. શોધો… ફોટા તમારા સિવાય કોઈની પાસે નહોતા તો #$% ગયા ક્યાં? અનુ: મને નથી ખબર. મારા ફોનમાંથી બધુ ઉડી ગયું છે. મૈથિલ: તમે A વિચારશો તો હું Z સુધી પહોચી જઈશ. ચાલ મુક, મને સવારે ડિટેલ જોઈએ. મૈથિલની ભૂમિકા અંગે રાજસ્થાનના ફરિયાદીએ શું કહ્યું? જૈન સાધુઓના અશ્લીલ ફોટો તેમજ વીડિયો મુદ્દે રાજસ્થાનના જોધપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવનાર કલ્પેશ સિંઘવીએ ઘણા સનસનીખેજ આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું, મૈથિલ સાગરચંદ્ર સાગરનો દલાલ છે. મૈથિલે દીક્ષા લીધી હતી પણ સંસારમાં પરત ફર્યો. હવે દુષ્કર્મ જેવા કેસમાં સાગરચંદ્ર સાગરને બચાવવા માટે કામ કરે છે. અનુ નિર્દોષ છે, એ પોતે જ દીક્ષા લેવા માગતી હતી પણ જ્યારે આ મામલો સામે આવ્યો એટલે તેણે નિર્ણય બદલી નાખ્યો. મારી જાણકારી પ્રમાણે જે બે યુવતીઓના નામ બોલે છે એ કોઈ સાધ્વીની બહેનો છે. અમદાવાદમાં રહેતા ફરિયાદી અને જૈન સમાજના આગેવાન જગતભાઈ પરીખે જણાવ્યું, જૈન સમાજના સાધુઓ મોબાઇલ ન રાખી શકે. પરંતુ આ સાધુઓ એન્ડ્રોઇડ મોબાઇલ વાપરીને આખી દુનિયાનો કચરો મગજમાં ભરે છે. પછી જ્યારે અનુકૂળતા મળે ત્યારે આવા કામોમાં તેનો ઉપયોગ કરે છે. તેમણે ડાટ વાળ્યો છે. ગચ્છાધિપતિ મહારાજ સમક્ષ પણ પહોંચ્યો મામલો જગતભાઈ કહે છે, હું નેતૃત્વ સમિતિની આચાર્ય અભયદેવ સૂરી સાહેબને રૂબરૂ મળ્યો છું. એમના ગચ્છાધિપતિ મહારાજને પણ રૂબરૂ મળ્યો. બે-બે કલાક સુધી ચર્ચા કરી, પેનડ્રાઇવમાં પુરાવા આપ્યા. ઘણાની દુખતી નસો હોય એટલે પગલા લેવાતા નથી. અમારા માગણી છે કે નેતૃત્વ બદલો. જિન શાસન ગૌરવવંતુ છે. વિશ્વમાં સાયન્ટિફિક ધર્મ જૈન ધર્મ છે. તેનો ગૌરવ જળવાઈ રહે એ માટે નબળુ નેતૃત્વ બદલવું જોઈએ. સાગરચંદ્ર સાગરે ગંભીર આરોપો પર ખુલાસો આપ્યો તેમણે કહ્યું, આ બહુ જૂની વાત છે અને તમામ આરોપોના જવાબ મારા ગુરુ મહારાજે આપી દીધેલા છે. અમારા 1 હજાર સાધુ-સાધ્વીઓ આ મુદ્દે સહમત છે. અત્યારે હું વિહારમાં છું અને ગુરુ મહારાજ પણ સાથે જ છે. અમારા પરિવારમાંથી 22 લોકોએ દીક્ષા લીધી છે. અમે વ્યવસ્થિત રીતે ધર્મનો પ્રચાર અને અમારી આત્મસાધના કરીએ છીએ. સાગરચંદ્ર સાગરને સવાલ કરવામાં આવ્યો કે શું આ ફોટો તમારા છે?, જેના જવાબમાં તેમણે કહ્યું, 100 ટકા આ ફોટો મારા નથી, બનાવેલા છે. તેમણે વાયરલ તસવીરોમાં દેખાતા સાધ્વી ઓળખ વિશે કબૂલ્યું કે એ અમારા સમુદાયના જ સાધ્વી છે અને અમારી સાથે કામ કરે છે. એમાં એ લોકોને મળી ગયું કે આ ચગાવાય એવું છે. પછી ગમે ત્યાંથી ફોટા ક્રિએટ કર્યા. દિવ્ય ભાસ્કર સમક્ષ સાગરચંદ્ર સાગરે વાયરલ ઓડિયો ક્લિપ બાબતે પણ ખુલાસો કર્યો નોટિસ મળશે એટે વકીલ જવાબ આપી દેશે- સાગરચંદ્ર સાગર સાગરચંદ્ર સાગરે વળતા આરોપ લગાવતા કહ્યું, આ લોકો કેમ મને ટાર્ગેટ કરી રહ્યા છે, તેનો જવાબ મારી પાસે નથી. જગતભાઈને સંઘના પ્રમુખ અને સભ્ય પદેથી હટાવી દેવામાં આવેલા છે. એમણે ખોટી એફિટેવિટ કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મને હજુ સુધી નોટિસ નથી મળી, નોટિસ મળશે એટલે વકીલ જવાબ આપી દેશે. અમારી પાસે બધા જ ખુલાસા છે. આ લોકો ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. અમને હતું કે બે દિવસ બોલશે અને પછી ચૂપ થઈ જશે. પણ એમની માગ અને ઇચ્છા પ્રમાણે કંઈ પૂરું ન થાય તો આ લોકો પાછળ પડી જાય છે. સાગરચંદ્ર સાગરના સમર્થનમાં ગચ્છાધિપતિએ એક પત્ર બહાર પાડ્યો હતો. તેમણે આ પત્ર દિવ્ય ભાસ્કરને પણ આપ્યો. તેમણે વધુમાં જણાવ્યું, અમે કલ્પેશ સિંઘવી અને જગત પરીખને વકીલ મારફતે 3-3 નોટિસ આપી, ગચ્છાધિપતિએ પણ કાગળો લખ્યા કે તમારી પાસે સાચા મુદ્દા હોય તો લઈને આવો. એ લોકોએ FSL રિપોર્ટ કરાવ્યો છે તો એના કાગળ અમને આપે. રિપોર્ટમાં સહી-સિક્કા નથી. સાગરચંદ્ર સાગરે દાવો કર્યો કે તેમણે પણ સુરતમાં ફોરેન્સિક લેબમાં આપ્યા હતા. જેમાં વાયરલ ફોટો એડિટેડ હોવાનો રિપોર્ટ આવ્યો છે. તેમણે કહ્યું, સુરતમાં બહેનોને પૈસા આપીને તેમજ ખોટા કારણ આપીને ઉભી રાખવામાં આવી હતી. પણ જ્યારે હકીકતની જાણ થઈ તો ઘણી બહેનો ત્યાંથી હટી ગઈ હતી. આ લોકો વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ પણ કરી છે. દિવ્ય ભાસ્કરે સાગરચંદ્ર સાગરની વાયરલ તસવીરો તપાસ કરી. જે દરમિયાન સમાજના આગેવાનો તેમજ પોલીસની માંડીને વિવિધ સરકારી ઓફિસમાં થયેલી ફરિયાદી વિશેની માહિતી મેળવી. આ પ્રકરણમાં બન્ને પક્ષો હજુ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ધાર્મિક રીતે અતિશય સંવેદનશીલ અને ગંભીર બનેલા આ મુદ્દા અંતિમ સત્ય શું છે તેનો નિર્ણય હવે જૈન સમાજે જ લેવો રહ્યો.
Read Original Article →