ખેલ મહાકુંભમાં જીતેલા ખેલાડીઓના રૂપિયા ક્યાં ગયા?:અંડર 15થી 60 વર્ષના સ્પર્ધકોને છેતરપિંડીનો અહેસાસ, ઘણાએ રમવાનું છોડ્યું, અધિકારીનો દાવો- 52 કરોડ તો આપ્યા
ગુજરાતમાં ખેલ મહાકુંભમાં મોટી લાલિયાવાડી ચાલી રહી છે. દરવર્ષે રાજ્યભરમાં લાખો ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થાય છે, સ્પર્ધા યોજાય છે અને વિજેતા જાહેર થાય છે પણ છેલ્લે ખેલાડીઓ સાથે જ રમત કરી નાખવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર વધ્યું છે. મોટા શહેરોની સ્કૂલોમાં તો સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે, આ ઉપરાંત ખાનગી એકેડમીમાં પણ બાળકોની સંખ્યા વધતી જઈ રહી છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક કક્ષાની રમતોના આયોજનના સપના જોતા ગુજરાતમાં ચાલતી મોટી ગડબડી પર દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું. ખેલાડીઓના ઇન્ટરવ્યૂ કર્યા, ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કર્યો અને અધિકારીઓ સાથે પણ વાતચીત કરી. જેના પરિણામે જે હકીકત સામે આવી એ એકદમ ચોંકાવનારી છે. જીતેલા ખેલાડીઓને ઇનામની રકમ અપાતી નથી. આ રૂપિયા ક્યાં જાય છે? તેની અધિકારીઓથી માંડીને મંત્રી સુધી, કોઈને ખબર નથી અવ્યવસ્થાથી કંટાળેલા ખેલાડીઓએ ખેલમહાકુંભમાં ભાગ લેવાનું છોડ્યું
નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે વિવિધ રમતોમાં ગુજરાતના ખેલાડીઓ આગળ વધે એવા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. સરકાર ખેલ મહાકુંભ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને દર વર્ષે ખેલાડીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે પણ રાજ્યભરમાંથી 72.58 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીને કારણે અનેક ખેલાડીઓને ઇનામની રકમ મળતી નથી. કેટલાક ખેલાડીઓ તો એ હદે નિરાશ થયા કે તેમણે રમતોમાં ભાગ લેવામાં બંધ કરી દીધું છે. ભૂતકાળમાં વિજેતા ખેલાડીઓને ઇનામની રકમ અન્ય કોઈને આપી દેવામાં આવી હોવાના કિસ્સા સામે આવ્યા હતા. એટલે ઇનામની રકમ જે તે વિજેતાઓને જ મળે તે માટે સરકારે બેંક ખાતામાં જ રકમ જમા કરાવવાનો નિર્ણય કર્યો હતો. ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાના વિજેતાઓને મળતા ઇનામની રકમ
1. વ્યક્તિગત રમતો
બેડમિન્ટન (સિંગલ્સ), લોન ટેનિસ (સિંગલ્સ), ટેબલ ટેનિસ (સિંગલ્સ), સ્વિમિંગ અને ચેસ જેવી રમતોમાં અંડર-13, 15 અને 17 કેટેગરીના રાજ્ય કક્ષાના વિજેતાઓને 5થી 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ વિજેતા: 10,000
દ્વિતીય વિજેતા : 7000
તૃતીય વિજેતા: 5,000 2. ટીમ ઇવેન્ટ્સ
વ્યક્તિગત રમતો ઉપરાંત ફૂટબોલ જેવી ટીમ ઇવેન્ટ્સમાં આખી ટીમના પ્રદર્શનના આધારે સામૂહિક ઇનામ આપવામાં આવે છે. આ રકમ ટીમના તમામ ખેલાડીઓ વચ્ચે સરખા ભાગે વહેંચીને તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. પ્રથમ વિજેતા ટીમ: 36,000
દ્વિતીય વિજેતા ટીમ: 27,000
તૃતીય વિજેતા ટીમ: 18,000 છેલ્લા 10 વર્ષથી સતત ફરિયાદો મળી રહી છે કે ઘણા ખેલાડીઓને ઇનામની રકમ મળતી નથી અથવા તો આપવામાં મોડું કરવામાં આવે છે. છ મહિના, એક વર્ષ કે બે વર્ષ પછી કેટલાકને ઇનામની રકમ મળી હોવાના દાખલા છે. કેટલાક વિજેતાઓનો પ્રથમ નંબર આવ્યો હોવા છતાં તેમને રનર્સ-અપ ગણીને ઓછી રકમ ચૂકવવામાં આવી છે. સામાન્ય નિયમ મુજબ, ફાઇનલ મેચના દિવસે ખેલાડીઓ પાસેથી ફોન નંબર અને બેંક એકાઉન્ટ સહિતની વિગતો લેવામાં આવે છે. મેચ પૂર્ણ થયા બાદ ત્યાંના કોચ દ્વારા એક ફોર્મ ભરાવવામાં આવે છે, પછી ખેલાડીઓએ કંઈ કરવાનું રહેતું નથી. થોડા દિવસોમાં તેમના બેંક ખાતામાં ઇનામની રકમ જમા થઈ જવી જોઈએ. અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા 65 વર્ષના ભાઈલાલ વાણંદ અને સેટેલાઇટમાં રહેતા જયંત રજની બેડમિન્ટનના ખેલાડીઓ છે. અમદાવાદમાં યોજાયેલા જિલ્લા સ્તરના ખેલ મહાકુંભની ટૂર્નામેન્ટમાં આ બંને ખેલાડીઓ ડબલ્સ ઇવેન્ટમાં પ્રથમ આવ્યા હતા. ત્યારબાદ માર્ચ 2025માં તેમણે રાજકોટમાં સ્ટેટ લેવલની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં મેન્સ ડબલ્સની 60 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મેચ જીત્યા પછી તેમને મેડલ અને ટ્રેકસૂટ આપી સન્માનિત કરાયા હતા અને પ્રત્યેક ખેલાડીને 5,000 રૂપિયા ઇનામ બેંક ખાતામાં જમા થશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી ઇનામ મળ્યું નથી. ગાંધીનગરથી ખેલાડીઓને જવાબ મળ્યો- તમારું રિઝલ્ટ યોગ્ય ફોર્મેટમાં નથી આવ્યું
ગોલ્ડ મેડલ જીતેલા આ વિજેતા સિનિયર સિટીઝન ખેલાડીઓએ ઇનામની રકમ મેળવવા માટે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની કચેરીના અત્યાર સુધીમાં પાંચ ધક્કા ખાધા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યાંથી તેમને એવો જવાબ મળ્યો કે હજુ સુધી તમારું રિઝલ્ટ આવ્યું નથી. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે રિઝલ્ટ આવી ગયું છે, પણ તે યોગ્ય ફોર્મેટમાં નથી. ખરેખર તો રાજકોટ જિલ્લા રમતગમત કચેરી દ્વારા ગાંધીનગર મુખ્ય કચેરીને રિઝલ્ટ મોકલવાનું હોય છે, જેમાં વિજેતા ખેલાડીઓએ કંઈ કરવાનું હોતું નથી અને આ એક સામાન્ય વહીવટી પ્રક્રિયા છે. આમ છતાં, બંને વિભાગો વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન ન હોવાને કારણે ખેલાડીઓ તેનો ભોગ બની રહ્યા છે. ઇનામની રકમ લેવા ગયા તો અધિકારીઓએ પુરાવા માગ્યાનો આરોપ
આ બંને સિનિયર સિટીઝન ખેલાડીઓ જ્યારે ગાંધીનગરમાં આવેલી SAGની મુખ્ય કચેરીના અધિકારીઓને મળ્યા, ત્યારે અધિકારીઓએ કહ્યું, તમે જ વિજેતા થયા છો તેના પુરાવા આપો. વિજેતા ખેલાડીઓ પાસેથી આવી વિગતો ફરીથી માગી શકાય નહીં. આમ છતાં, ખેલાડીઓએ પુરાવા રજૂ કર્યા હતા, ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટમાં ગોલ્ડ મેડલ મેળવનારા બેડમિન્ટન ખેલાડી જયંતીભાઈ કહે છે કે, “એક વર્ષ પછી પણ ઇનામની રકમ મળી નથી. અમે ગાંધીનગરની SAG કચેરીમાં અનેક ફોન કર્યા હતા, પરંતુ કોઈ ફોન ઉપાડતું નથી અને જો ક્યારેક ફોન ઉઠાવે, તો પણ યોગ્ય જવાબ આપતા નથી. એટલે ગાંધીનગર રૂબરૂ જવાની ફરજ પડી હતી. અમે રાજકોટમાં તમામ વિગતો આપી હતી. શરૂઆતમાં અમને એવા જવાબો આપવામાં આવ્યા કે તમે ચિંતા ન કરો, થોડા દિવસોમાં ઇનામની રકમ જમા થઈ જશે. ત્યાર બાદ એવું બહાનું કાઢવામાં આવ્યું કે તમારી વિગતોમાં ભૂલ છે અથવા અમને તમારું રિઝલ્ટ મળ્યું નથી.” વિજેતા ખેલાડીને બદલે રનર-અપને ઇનામ આપી દીધું
તેઓ વધુમાં ઉમેરે છે કે, "આ વર્ષે સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ વ્યારામાં યોજાઈ હતી, તેના ટ્રેકસૂટ અને ઇનામની રકમ હજી સુધી મળ્યા નથી. વળી, હું અમદાવાદમાં સિંગલ ઇવેન્ટમાં પ્રથમ આવ્યો હોવા છતાં, રનર્સ-અપ બનેલા અશોક ગંગવાણીને પ્રથમ ઇનામની રકમ આપી દેવામાં આવી અને મને રનર્સ-અપ ગણીને ઓછી રકમ ચૂકવવામાં આવી." ખોટા બેંક ખાતાની વિગતો અધિકારીઓ સુધી કેવી રીતે પહોંચી?
રાજકોટમાં ગોલ્ડ મેડલ મેળવનારા અન્ય એક ખેલાડી ભાઈલાલ વાણંદ જણાવે છે કે, "વર્ષ 2018માં હું સિંગલની મેચમાં ફર્સ્ટ આવ્યો હતો, જેથી મને 10,000 રૂપિયાનો પુરસ્કાર મળવાપાત્ર હતો. મેં મારા SBIના ખાતાની વિગતો આપી હતી. ઇનામના રૂપિયા જમા ન થતાં હું વડોદરા ઓફિસે ગયો. ત્યાંથી જણાવવામાં આવ્યું કે તમારા પૈસા HDFC બેંકના ખાતામાં જમા થઈ ગયા છે. મેં તેમને સ્પષ્ટતા કરી કે મારું ખાતું તો સ્ટેટ બેંકમાં છે, HDFCમાં મારું ખાતું જ નથી. ત્યાર બાદ મેં ગાંધીનગરમાં રજૂઆત કરી એટલે SBIના ખાતામાં ત્રણ દિવસમાં ઇનામની રકમ જમા થઈ ગઈ હતી." ખેલ મહાકુંભમાં વિજેતા થયેલા અનેક ખેલાડીઓની માગણી છે કે ભૂતકાળની જેમ જ વિજેતા બનતા ખેલાડીઓને રમત પૂરી થતાં સ્થળ પર ઇનામની રકમના ચેક આપી દેવા જોઈએ, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય. કારણ કે બેંક ખાતામાં રકમ આપવામાં ઘણી સમસ્યાઓ આવી રહી છે. શું અધિકારીઓ નેતાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે?
ખેલ મહાકુંભના અનેક વિજેતા ખેલાડીઓને ઇનામની રકમ ન મળવાના સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ જણાવ્યું હતું કે, "આ બાબત મારા ધ્યાનમાં આવતા જ મેં અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, જે ખેલાડીઓ વિજેતા જ ન થયા હોય તેઓ ઇનામની રકમ માંગે તો તેમને કઈ રીતે આપી શકાય? આ ઉપરાંત, જે ખેલાડીઓને રકમ મળી નથી, તેઓએ પોતાના ફોર્મમાં બેંક એકાઉન્ટ કે અન્ય વિગતો ખોટી લખી હોવાને કારણે રકમ જમા થઈ શકી નથી." નાયબ મુખ્યમંત્રીના આવા જવાબથી જણાઈ આવે છે કે, SAGના અધિકારીઓએ પોતાનો બચાવ કરવા માટે તેમને ગેરમાર્ગે દોર્યા છે. જો બેંક એકાઉન્ટમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, તો પણ SAG પાસે ખેલાડીઓની તમામ વિગતો ઉપલબ્ધ હોય જ છે, જે તપાસીને સુધારી શકાય છે. વળી, કોઈ ખેલાડી વિજેતા ન હોય અને ઇનામ માંગવા આવે તો પણ SAG તેમને સત્તાવાર રિઝલ્ટ બતાવીને સ્પષ્ટતા કરી શકે છે. ખેલ મહાકુંભમાં તાલુકા-જિલ્લા કક્ષાના વિજેતાઓને મેડલ-ટ્રોફી આપવાનું બંધ
ખેલ મહાકુંભમાં સ્પર્ધાઓ બેથી ત્રણ તબક્કામાં રમાડવામાં આવે છે. પ્રથમ તબક્કામાં જિલ્લા કે તાલુકા સ્તરની ટુર્નામેન્ટ હોય છે અને તેમાં જીતનારા ખેલાડીઓ જ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે. સામાન્ય રીતે કોઈપણ સ્થાનિક ટુર્નામેન્ટમાં વિજેતા અને રનર્સ-અપ ખેલાડીઓને ટ્રોફી, મેડલ કે સર્ટિફિકેટ અપાય છે. પરંતુ ખેલ મહાકુંભમાં માત્ર રાજ્ય કક્ષાએ જીતનારાને આવા લાભ મળે છે. પરંતુ જિલ્લા કે તાલુકા કક્ષાના વિજેતાઓને મેડલ કે ટ્રોફી નથી મળતી. વર્ષોથી ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓનું કહેવું છે કે, અગાઉ જિલ્લા કક્ષાના વિજેતાઓને પણ ટ્રોફી અને મેડલ આપવામાં આવતા હતા, પરંતુ હવે શા માટે બંધ કરાયા છે તેની ખબર નથી. આ અંગે SAGના અધિકારીઓ સત્તાવાર રીતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેઓ ઓફ ધ રેકોર્ડ એવું કહે છે કે, જો જિલ્લા કક્ષાએ પણ મેડલ-ટ્રોફી આપવાનું રાખીએ તો અમારી વહીવટી કામગીરી ઘણી વધી જાય છે. જિલ્લા કક્ષાએ વિજેતા બનનારા ખેલાડીઓ કહે છે કે, "સરકાર ઇનામની રકમ ઘટાડી નાખે તો પણ અમને વાંધો નથી, પરંતુ જો અમને નાની ટ્રોફી કે મેડલ આપે તો અમારું ગૌરવ વધે." સરકાર ખેલ મહાકુંભના પ્રચાર-પ્રસાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે; જો ખેલાડીઓને મેડલ કે ટ્રોફી આપવામાં આવે, તો તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો મૂકશે, જેનાથી દેશ-દુનિયામાં ખેલ મહાકુંભનો પ્રચાર થશે. પરંતુ આટલી સરળ અને સીધી વાત ઉચ્ચ અધિકારીઓને કેમ સમજાતી નથી, તે એક મોટો પ્રશ્ન છે. હમીરસિંહ નામના એક ખેલાડીનું કહેવું છે, "હું છેલ્લા 10 વર્ષ દરમિયાન ત્રણ કેટેગરીમાં રમીને અનેક વખત વિજેતા બન્યો છું. પરંતુ આટલા વર્ષોમાં મને માત્ર બે જ વખત ઇનામની રકમ મળી છે. બે વર્ષ પહેલાં હું 60 વર્ષની કેટેગરીમાં વિજેતા થયો હતો, પરંતુ હજી સુધી ટ્રેકસૂટ કે ઇનામ મળ્યું નથી. હવે મેં ખેલ મહાકુંભમાં ભાગ લેવાનું જ બંધ કરી દીધું છે. એક વખત ખોખરામાં ડિસ્ટ્રિક્ટ લેવલની મેચ હતી, ત્યારે ત્યાં રમવા માટે શટલકોક પણ નહોતા. અમે જાતે શટલકોકની વ્યવસ્થા કરીને મેચ રમ્યા હતા." પ્રફુલ્લભાઈ કહે છે, “હું 10 વર્ષ પહેલાં ખેલ મહાકુંભમાં રમતો હતો. સિંગલ્સ ઇવેન્ટમાં એક વખત હું રનર્સ-અપ રહ્યો હતો, તો બીજી વખત મને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો; પરંતુ બેમાંથી એક પણ વખત મને ઇનામની રકમ મળી જ નહોતી. એટલું જ નહીં, ટુર્નામેન્ટમાં ફેધર (પીંછાવાળા) શટલથી રમવાનું છે કે પ્લાસ્ટિકના શટલથી તેની પણ ત્યાંના કોચ કે આયોજકોને કોઈ ખબર પડતી નહોતી. ઇનામની રકમ ન મળતા કંટાળીને હવે ખેલ મહાકુંભમાં ભાગ લેવાનું જ બંધ કરી દીધું છે.” અત્યારના સમયે બાળકો રમત ક્ષેત્રે આગળ વધે એ માટે વાલીઓ પણ ઝઝુમી રહ્યા છે. પરંતુ ખેલ મહાકુંભમાં ચાલતી આવી લાલીયાવાડીથી તેઓ પણ કંટાળ્યા છે. ધારાબહેને કહ્યું, "મારો દીકરો 11 વર્ષનો હતો ત્યારથી જ મેં તેને બેડમિન્ટનના કોચિંગ ક્લાસમાં મૂક્યો છે. હાલમાં તે અંડર-17 કેટેગરીમાં રમી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન અંડર-13 અને અંડર-15 કેટેગરીમાં સ્ટેટ ટુર્નામેન્ટમાં તેમજ ખેલ મહાકુંભની સ્ટેટ ટીમમાં પસંદ થયો હતો. આ ઉપરાંત, ગુજરાતની SGFI ટુર્નામેન્ટમાં પણ રાજ્ય સ્તરે પસંદગી પામ્યા બાદ તે નેશનલ લેવલ માટે પસંદ થયો હતો. આટલી સિદ્ધિઓ છતાં ખેલ મહાકુંભના વિજેતા તરીકેની રકમ તેને માંડ એકથી બે વખત જ મળી છે, જ્યારે SGFIના વિજેતાને મળતી રકમ તો ક્યારેય મળી જ નથી. અમે બાળકના કોચિંગ પાછળ ખૂબ જ મોટો ખર્ચ કરીએ છીએ તેમજ સમય આપીએ છીએ, પરંતુ સરકારી તંત્ર અને અધિકારીઓની બેદરકારીને કારણે ઇનામની રકમ મળી શકતી નથી." દીકરો ચાર વખત જીત્યો છતાં એકેય વખત ઇનામ ન મળ્યું
ઇલા શાહે જણાવ્યું, "મારો પુત્ર અંડર-15 કેટેગરીમાં રમી રહ્યો છે. ખેલ મહાકુંભમાં તે છેલ્લા ચારેક વર્ષથી અમદાવાદમાં જીતી રહ્યો છે, પરંતુ હજી સુધી એકેય વખત ઇનામની રકમ મળી નથી. આ ઉપરાંત, મારી દીકરીનો પણ ઓપન એજ કેટેગરીમાંથી ખેલ મહાકુંભમાં અમદાવાદમાં બીજો નંબર આવ્યો હતો, તેને પણ ઇનામની રકમ મળી નથી; ડબલ્સ ઇવેન્ટમાં પણ મારી દીકરી રનર્સ-અપ થઈ હતી, પરંતુ તેની રકમ પણ હજી બાકી છે. એટલું જ નહીં, મારા પતિ પણ ત્રણેક વર્ષ પહેલાં 45 વર્ષથી વધુની કેટેગરીમાં અમદાવાદમાં વિજેતા બન્યા હતા, પરંતુ તેમના ઇનામની રકમ પણ આજ દિન સુધી મળી નથી." આવા જ એક માતા છાયાબેન પટેલે કહ્યું, "મારો પુત્ર ધોરણ-8માં અભ્યાસ કરે છે અને અંડર-15 કેટેગરી માટેનું આ તેનું છેલ્લું વર્ષ છે. અમે તેને નિયમિત રીતે કોચિંગ કરાવીએ છીએ. ખેલ મહાકુંભની સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાંથી પસંદગી પામ્યા બાદ તે નેશનલ રમવા માટે પણ ગયો હતો, પરંતુ હજી સુધી તેના ઇનામની રકમ બેંક ખાતામાં જમા થઈ નથી. અમારા વાલીઓના ગ્રુપમાં આ બાબતે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. તંત્રના આવા ઉદાસીન વલણને કારણે હવે અમે ઇનામની રકમ મેળવવા માટે માથાકૂટ કરવાનું જ બંધ કરી દીધું છે." અધિકારી કહે છે, અમે તો ઇનામરૂપે 52 કરોડ આપી દીધા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર.આઈ.વાળા પાસે આ મુદ્દે દિવ્ય ભાસ્કરે ખુલાસો માગ્યો. તેમણે જણાવ્યું, ગઈ વખતના ખેલ મહાકુંભમાં 3 લાખ 46 હજાર ખેલાડીઓને તાલુકા કક્ષાથી માંડીને રાજ્ય કક્ષા સુધી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 3 લાખ 18 હજારથી વધુ વિજેતાઓને ઇનામની લગભગ 53 કરોડ રૂપિયા રકમ બેંક ખાતામાં જમા કરાવી દીધી છે. બાકીના 15થી 20 હજાર વિજેતાઓને રકમ આપવાની બાકી છે. જ્યારે બેંક એકાઉન્ટમાં તેમની ડિટેલ આપવામાં આવે છે ત્યારે બેંક ખાતાની વિગતમાં ભૂલ હોય તો બેંકમાંથી પાછું આવતું હોય છે, આવા કિસ્સામાં જિલ્લા અધિકારીઓ મારફતે ખેલાડીઓ પાસેથી માહિતી ફરીથી મંગાવવામાં આવે છે.
Read Original Article →