રાજભા ગઢવીની વગ સામે વનવિભાગના નિયમો ટૂંકા પડ્યા:ગીરમાં માલધારી તરીકે વસવાટની તરત મંજૂરી આપી, 2023માં તેમના પિતાની આવી જ અરજી ફગાવી હતી

Gujarat5/25/2026, 12:30:00 AM
રાજભા ગઢવીની વગ સામે વનવિભાગના નિયમો ટૂંકા પડ્યા:ગીરમાં માલધારી તરીકે વસવાટની તરત મંજૂરી આપી, 2023માં તેમના પિતાની આવી જ અરજી ફગાવી હતી
ગીરના સિંહોની સલામતીના સરકાર ઘણા દાવા કરે છે. પણ કલાકારોની વગ સામે અધિકારીઓ કેવી રીતે નતમસ્તક થઈને જાય છે અને ગીરની સુરક્ષા માટે બનાવેલા નિયમોને નેવે મૂકી દેવાય છે તેનો જીવતો જાગતો પુરાવો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યો છે. જાણિતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી આ વિવાદના કેન્દ્રમાં છે. થોડા દિવસો પહેલાં રાજભાએ વનવિભાગમાં અરજી કરી હતી. તેમણે અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ અને આ સાથે જ વનવિભાગની બેવડી નીતિનો પર્દાફાશ થયો. કારણ કે રાજભાના જ પિતાએ 3 વર્ષ પહેલાં કંઈક આવી જ અરજી કરી હતી, અને આ જ વિભાગે સજ્જડ કારણો ધરીને પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દિવ્ય ભાસ્કર પાસે આ બન્ને અધિકારીઓના લેખિત નિર્ણયના ડોક્યુમેન્ટ્સ છે. રાજભા ગઢવીને પિતાએ કેવા કારણો આપીને ગીરમાં જમીન માગી હતી? વાત જાણે એમ છે કે જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીના પિતા ગોવિંદભાઈ કરશનભાઈ ચારણે 8 ઓગસ્ટ, 2023ના રોજ વન વિભાગને એક અરજી કરી હતી. તેમની રજૂઆત હતી કે આજથી અંદાજે 13 વર્ષ પહેલાં ગીરના જંગલમાં ઘાસની તંગી હતી. એટલે માટે તેઓ માલઢોર લઈને લીલાપાણી નેસ છોડીને બહાર જતા રહ્યા હતા. પરંતુ હવે ફરીથી લીલાપાણી નેસમાં પરત આવવા પરવાનગી મળવી જોઈએ. જો કે નોંધવી જેવી વાત એ છે કે જે તે સમયે વન વિભાગના અધિકારીએ આ રજૂઆતને ફગાવી દીધી હતી. એટલું જ નહીં, અરજી નામંજૂર કરવા પાછળ નક્કર કારણો પણ ધર્યા હતા. અરજી નામંજૂર કરતાની સાથે જ આ અધિકારીએ જે મુદ્દા ટાંક્યા હતા એ હાલના વિવાદ પછી ફરી એકવાર ધ્યાને લેવા જેવા છે. અધિકારીએ અભિપ્રાય આપ્યો હતો કે… ગીરમાંથી વર્ષો પૂર્વે અન્ય સ્થળે રહેવા જતા રહેલા માલધારીઓને પરત મંજૂરી આપવા માટે સરકારે નિયમ બનાવેલા છે. જેમાં 4 નિયમો અત્યંત મહત્વના ગણી શકાય. હવે, ઉપરના નિયમો જાણીને સવાલ ઉભો થાય છે કે શું રાજભા ગઢવીના કિસ્સામાં આ નિયમોનું પાલન થયું છે કે નહીં? આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક ઘટના બની. ગત 19મી તારીખે રાજભા ગઢવી ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઓફિસે પહોંચ્યા હતા, તેમની સાથે કીર્તિદાન ગઢવી અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ હતા. ઇશ્વરસિંહ પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મુલાકાતના ફોટા અપલોડ કર્યા છે. જેમાં તેમણે અંકલેશ્વર GIDCના આગેવાનો પણ મિટિંગમાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તો શું વન વિભાગમાં મંજૂરી માટે કરેલી અરજી સમયે આ મુલાકાત સંયોગ માત્ર હતી એવું માની શકાય? સરકારે રાજભાના પિતાને સાંથણીમાં જમીન આપી હતી, આ વાત અત્યારના અધિકારી ભૂલી ગયા? વર્ષ 2023માં અરજી નામંજૂર કરતી વખતે અધિકારીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે અરજદાર એટલે કે રાજભા ચારણના પિતા ધારી તાલુકાના ચાંચઇ ગામે સરવે નંબર 42/11 અને 59/ પૈ.2/ પૈ.1 હેઠળ સરકાર તરફથી સાંથણીમાં ફાળવેલી ખેતીની જમીન ધરાવે છે. આમ, જંગલ બહાર સરકારી લાભ મેળવ્યા બાદ ફરીથી જંગલમાં વસવાની માગને વન વિભાગે અગાઉ ગેરવ્યાજબી ઠેરવી હતી. રાજભા માટે હવે DCFએ કેવી રીતે રસ્તો કાઢ્યો? અગાઉ પિતાની અરજી ફગાવી દીધા બાદ, આ વખતે રાજભા ગઢવી અને તેમના કાકા હરસુરભાઈ કરસનભાઈ ધાનતા (ચારણ) દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અંદાજીત 16 વર્ષ પહેલાં તેઓ વાંઢીયું (માલઢોર) લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારથી રજીસ્ટરમાં તેમની નોંધ બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેમનો રોજગારનો હક છીનવાઈ ગયો છે. આથી પાણીયા રેન્જના કરકડી નેસમાં ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવે. આ અરજી પર ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવની સૂચના હેઠળ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા કારણ-તારણ સામે આવ્યા. એક સમયે ઘણા બધા નિયમોનો હવાલો આપીને ગીરમાં વસવાટની અરજી નામંજૂર કરવાના દાવા કરતા વનવિભાગે હવે અરજી મંજૂર કરતા લખ્યું છે…. વન વિભાગના રેકોર્ડ મુજબ અરજદારોને આ વિભાગ તરફથી કોઈ જમીન આપવામાં આવી નથી. પાણીયા રેન્જની કચેરીના માલધારી રજીસ્ટરની ખરાઈ કરતા માલૂમ પડ્યું કે તારીખ 24 જુલાઈ, 2005ના રોજ રાજાભાઈ ગોવિંદભાઈના ઘરે પુત્રી (સોનલ)નો જન્મ થયો હતો, જેની નોંધ તારીખ 27 જુલાઈ, 2005ના રોજ તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કરી હતી. આ જૂની નોંધ અને પુરાવાને આધારે વર્તમાન અધિકારીઓએ લીલાપાણી નેસમાં અરજદારના સીધી લીટીના વારસદારોને પશુધન સાથે ઝૂંપડા બાંધીને રહેવાની કાયદેસરની પરવાનગી આપી દીધી છે. આમ, આ સમગ્ર પ્રકરણમાં DCF વિકાસ યાદવની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. DCFના નિર્ણયથી વન વિભાગના કર્મચારીઓ પણ અચરજમાં મૂકાયા એક જ મામલે અલગ-અલગ સમયે બેવડા નિર્ણયોને કારણે ગીર વન વિભાગના સ્થાનિક કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે આંતરિક કકળાટ શરૂ થયો છે. દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે સ્પષ્ટતા મેળવવા માટે ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. જ્યારે ACF દીપક ચૌધરીનો ફોન પણ સ્વીચ ઓફ આવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક રેન્જ ઓફિસર મોહન બાંભણીયાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, "મારી પાસે ડોક્યુમેન્ટ્સ આવ્યા હતા, પરંતુ મંજૂરી આપવી એ મારી સત્તામાં નથી. આ મંજૂરી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે." જે જંગલમાંથી માલધારીઓને બહાર કાઢવા સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યાં જ એક સેલિબ્રિટી અને લોકસાહિત્યકારના પરિવારને કયા આધારે ફરી પ્રવેશ અપાયો? આ સવાલ હાલ સમગ્ર અમરેલી જિલ્લા અને વન વિભાગમાં ચર્ચામાં છે. દિવ્ય ભાસ્કરે આ મુદ્દે રાજભા ગઢવીનો પણ ટેલિફોનિક સંપર્ક કરીને પક્ષ જાણ્યો હતો. રાજભા ગઢવીએ આ મુદ્દે ખુલાસો આપતા જણાવ્યું, આ તો અમારી નોર્મલ પ્રક્રિયા છે. મારા બાપ-દાદા ત્યાં પશુપાલન કરતા હતા, અમારે ત્યાં કોઈ બંગલા બનાવવાના નથી. આ તો અમારો હક છે. શું મારું નામ છે, હું કલાકાર છું એટલે આ બધુ થઈ રહ્યું છે? ત્રણ વર્ષ અગાઉ અરજી નામંજૂર થવા મુદ્દે રાજભાએ ખુલાસો આપ્યો. તેમણે આગળ જણાવ્યું, ક્યારેક નબળુ વર્ષ હોય ત્યારે માલધારી ઢોર લઈને ગીરમાંથી બહાર નીકળી જાય, પછી 10-12 વર્ષે પાછા ફરવું હોય તો અધિકારીને અરજી કરે. પણ કોઈ સાહેબ એવો હોય તો ના પાડે. આવા હજારો દાખલા હોય. ઉચ્ચ અધિકારીઓનું આ મુદ્દે મૌન અને સ્થાનિક તંત્રની લાચારી એ વાત તરફ ઇશારો કરે છે કે આ મામલામાં કંઈક એવું છે જેને છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજભા ગઢવી ભલે અરજીની મંજૂરીને પોતાનો પરંપરાગત હક ગણાવતા હોય, પરંતુ સવાલ એ રહે છે કે શું વનવિભાગના કાયદાનો ઉપયોગ ચહેરો જોઈને થઈ રહ્યો છે? શું 2023માં વન અધિકારીએ અરજી નકારી કાઢવાનો કરેલો નિર્ણય ખોટો હતો? હવે જોવાનું એ રહેશે કે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બેવડા ધોરણો સામે કોઈ તપાસના આદેશ આપે છે કે પછી સિંહોની ધરા પર સેલિબ્રિટી પાવર સામે કાયદો ઘૂંટણ ટેકી દેશે? રાજભા ગઢવીની અરજી પર સહી કરીને મંજૂરી આપનાર નાયબ વનસંરક્ષક વિકાસ યાદવ થોડા દિવસ પૂર્વે પણ વિવાદિત રીતે ચર્ચામાં આવ્યા હતા. જાફરાબાદના બાબરકોટ પાસે આવેલા ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના અનામત જંગલની કિંમતી જમીન પર એક ખાનગી કંપની છેલ્લા 12 વર્ષથી ડોળો માંડીને બેઠી છે. 2016થી અત્યારસુધીના અનેક વન અધિકારીઓએ સિંહોની સુરક્ષાને ધ્યાને રાખી આ માઇનિંગ પ્રોજેક્ટને નકારી કાઢ્યો હતો. જોકે, હાલમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટ માટે 'હકારાત્મક અભિપ્રાય' આપી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વન વિભાગના જ કર્મચારીઓમાં ચાલતી ચર્ચા મુજબ, આ જમીન હવે ટૂંક સમયમાં જ માઇનિંગ માટે સોંપી દેવામાં આવશે. જે વિસ્તારમાં માઇનિંગની મંજૂરી આપ્યાની વાત ઉડી ત્યાં 50 જેટલા સિંહોની અવરજવર છેલ્લી સિંહ વસતિ ગણતરી મુજબ આ વિસ્તારમાં 40 સિંહ નોંધાયા હતા. જ્યારે છેલ્લા ત્રણ મહિનાના 'પૂનમ અવલોકન' મુજબ, બાબરકોટ અને આસપાસના વિસ્તારમાં હાલ 51 જેટલા સિંહ વિચરી રહ્યા છે. વળી જો માઇનિંગની મંજૂરી મળશે તો 20 જેટલી વિવિધ પ્રજાતિના અંદાજે 5500 વૃક્ષનું નિકંદન નીકળી જાય એવી સંભાવના છે. બાબરકોટ સરપંચ પ્રતિનિધિ અનેક સાંખટએ જણાવ્યું હતું કે, બાબરકોટ ગામમાં ખાનગી કંપની નજીક સિંહો માટે રિઝર્વ જમીન 70 હેક્ટર આવલી છે. આ જમીન માઇનિંગ માટે કંપનીને સોંપવા માટે કાગળ ઉપર કામગીરી થઈ રહી છે એવા સમાચાર અમને મળ્યા છે. અત્યારસુધીમાં વનવિભાગના તમામ અધિકારીઓને નેગેટીવ રિપોર્ટ આપવામાં આવ્યા હતા પરંતુ, અમને જાણવા મળ્યું છે કે, ધારી વનવિભાગના અધિકારીઓએ પોઝિટિવ અભિપ્રાય આપ્યો છે. હીરા સોલંકીએ પણ પ્રશ્ન ઉઠાવ્યો, મોઢવાડિયાએ ખુલાસો આપ્યો રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, જો દરિયાઈ પટ્ટીની આ રિઝર્વ જમીન માઇનિંગ માટે અપાશે તો વન્યપ્રાણીઓનું અસ્તિત્વ જોખમાશે. જે પ્રોજેક્ટને અગાઉના અધિકારીઓએ નકારી કાઢ્યા હતા, તેમાં અત્યારે અચાનક હકારાત્મક અભિપ્રાય કેમ આપવામાં આવ્યો? તેમણે આ મામલે તાત્કાલિક ખુલાસો કરવાની માગ કરી છે. જોકે, આ મુદ્દે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરી છે કે, અમારા ધ્યાને આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. અમે કોઈપણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી આપતા નથી અને આપવાના પણ નથી. હવે રાજભા ગઢવીની અરજી અને ગીરની જમીન બાબતે કેવા પડઘા જોવા મળે છે અને અધિકારીઓ પાસે ખુલાસો માગવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું.
Read Original Article →