ગિફ્ટ સિટીના નામે કૌભાંડ કરનાર ઉત્પલ પટેલની વૈભવી જલસાપાર્ટી:પોતે 6 કરોડ એડવાન્સ પગાર લીધો, પત્નીને 50 લાખ પગારે નોકરીએ રાખી, બનેવીના સ્ફોટક ખુલાસા

Gujarat5/26/2026, 12:30:00 AM
ગિફ્ટ સિટીના નામે કૌભાંડ કરનાર ઉત્પલ પટેલની વૈભવી જલસાપાર્ટી:પોતે 6 કરોડ એડવાન્સ પગાર લીધો, પત્નીને 50 લાખ પગારે નોકરીએ રાખી, બનેવીના સ્ફોટક ખુલાસા
ગિફ્ટ સિટીના નામે શરૂ થયેલું અને આખા ગુજરાતને હચમચાવી મૂકનાર 400 કરોડ રૂપિયાનું ડેટા સેન્ટર કૌભાંડની અત્યારે ભારે ચર્ચા છે. હાલમાં પોલીસ કૌભાંડનો કેસ સોલ્વ કરવા અને રોકાણકારો રૂપિયા પાછા મેળવવા માટે માસ્ટરમાઇન્ડ ઉત્પલ પટેલને શોધી રહ્યા છે. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. પણ એવા બે લોકો છે, જેને ઉત્પલની કંઈક અલગ જ કારણોસર રાહ છે, ઉત્પલ પટેલના બહેન અને બનેવી. રૂબરૂ મુલાકાતમાં આ દંપત્તિએ દાવો કે કૌટુંબિક મામા ઉત્પલે જ અમારા સંતાનોને જ અંધારામાં રાખીને છેતર્યા છે. ઉત્પલે પોતાની બહેનના જ દીકરા અને દીકરીને બે અલગ-અલગ કંપનીમાં પાર્ટનર અને ડિરેક્ટર બનાવ્યા. આ જ લોકોને કૌભાંડની સૌથી પહેલાં ગંધ આવી ગઈ હતી. દિવ્ય ભાસ્કરે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઉત્પલ પટેલની માલિકીની કંપની શૂટસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ અને તેની પત્ની જે કંપનીમાં ડિરેક્ટરના હોદ્દા પર છે તેવી હેરી હોસ્પિટાલિટી એન્ડ લેઈઝર લિમીટેડના સત્તાવાર ફાયનાન્સિયલ દસ્તાવેજો મેળવ્યા. આ ઉપરાંત ઉત્પલ પટેલ સહિત જે પણ લોકોના નામ કૌભાંડમાં ઉછળ્યા છે તેમના ઘરે જઈને તપાસ કરી. આ દરમિયાન કેટલાક લોકો સાથે રૂબરૂ મુલાકાત થઈ અને ઘણા નવા ઘટસ્ફોટ પણ થયા. અત્યાર સુધીમાં આ કૌભાંડમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી અરૂણ પટેલ ઉત્પલ પટેલે જ ઊભી કરેલી અન્ય એક કંપની ક્લાઉડ ડિજિટલ પ્રા.લિ.માં ડિરેક્ટર છે. જ્યારે બીજો આરોપી સચિન પટેલ શૂટસ્પેસ ડિજિટલ કંપનીમાં ઝોનલ મેનેજરના પદે હતો. શૂટસ્પેસ ડિજિટલે જ્યારે 3 વર્ષ પૂરા કર્યા ત્યારે સચિન પટેલ જ ઉદેપુરમાં યોજાયેલી ભવ્ય જલસા પાર્ટીમાં ઉત્પલ પટેલને ખભે ઉપાડીને નાચતો જોવા મળ્યો હતો. ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કાગળોની ઊંડી તપાસથી થઈ. દસ્તાવેજોની લાઈન-બાય-લાઈન ચકાસણીમાં ઉત્પલ પટેલ અને તેના સાગરિતોએ આચરેલા કૌભાંડની 6 પ્રકારની મોડ્સ ઓપરેન્ડીનો ખુલાસો થયો. જેનાથી ખ્યાલ આવે છે કે ઉત્પલનો ધંધો અચાનક નથી ડૂબ્યો, પરંતુ પદ્ધતિસર આચરેલું એક બહુ મોટું આર્થિક કૌભાંડ છે. 1: રોકાણકારોના પૈસે જલસા અને અધધ એડવાન્સ સેલેરી સામાન્ય રીતે કોઈ કંપની નફામાં આવે ત્યારે તેના પ્રમોટર્સ કે ડિરેક્ટર્સ ઊંચા પગાર મેળવતા હોય છે, પરંતુ ‘શૂટ સ્પેસ’ કંપનીમાં તો ઉલ્ટી ગંગા જેવી સ્થિતિ હતી. કંપનીના સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે ઉત્પલ પટેલ પોતે જ કંપનીમાંથી ડિરેક્ટર તરીકે દર વર્ષે 15 લાખ રૂપિયાનો પગાર લેતો હતો. એટલું જ નહીં, હજુ કંપની બરાબર પગભર થાય તે પહેલાં જ તેણે 6 કરોડ રૂપિયા એડવાન્સ પગાર પેટે ઉપાડી લીધા હતા. ઉત્પલની પત્ની ભૂમિ પટેલને પણ જેકપોટ ભૂમિ પટેલ પોતે હેરી હોસ્પિટાલિટી કંપનીની પણ મુખ્ય ડિરેક્ટર છે, તેને શૂટ સ્પેસ કંપનીમાં વાર્ષિક 50 લાખ રૂપિયાના તોતિંગ પગાર સાથે ઓન-બોર્ડ કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે ભૂમિ પટેલને પણ એડવાન્સ પગાર એટલે કે 2 કરોડ રૂપિયા એડવાન્સમાં ચૂકવી દેવાયા હતા. ધ્રુવ ચૌધરી પહેલાં જે વ્યક્તિ ડિરેક્ટરના પદ પર રહી ચૂક્યો હતો, તે અરૂણ રાય પણ વાર્ષિક 12 લાખ રૂપિયાનો પગાર આ જ કંપનીમાંથી ખંખેરતો હતો. આમ, રોકાણકારોના લોહી-પરસેવાના પૈસા લઈને ડેટા સેન્ટર ઊભું કરવાને બદલે પ્રમોટર્સ પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ અને એડવાન્સ પગારો ચૂકવવામાં વાપરી રહ્યા હતા. 2: ઈવેન્ટ્સ અને માર્કેટિંગના નામે 'માયાજાળ' અને વિદેશ પ્રવાસો ઇન્વેસ્ટિગેશન દરમિયાન જ્યારે અમે ‘શૂટ સ્પેસ’ના ખર્ચના કાગળો જોયા ત્યારે મોટો ભાંડો ફૂટ્યો. કંપનીએ માત્ર એક જ નાણાકીય વર્ષમાં માર્કેટિંગ અને ઈવેન્ટ્સ પાછળ 3 કરોડ રૂપિયાથી વધુનો ધુમાડો કરી નાખ્યો હતો. આ કોઈ સામાન્ય ખર્ચ નહોતો. ભવ્ય અને લક્ઝુરિયસ ઈવેન્ટ્સ યોજીને, ફાઈવ-સ્ટાર હોટેલોમાં પ્રોગ્રામ કરીને નવા રોકાણકારોને અંજાઈ દેવાની આ એક સુનિયોજિત ચાલ હતી. ગુજરાતીમાં કહેવત છે કે ચળકે તે બધું સોનું નથી હોતું, પણ રોકાણકારો ઉત્પલ પટેલની વાતો અને ઇન્વેન્ટનો ભપકો જોઈને ભરમાઈ ગયા. અમારા આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્પલ પટેલ આ જ પૈસાના જોરે સતત વિદેશ પ્રવાસો કરતો હતો અને રોકાણકારોના પૈસે જલસા કરતો હતો. 3: ગિફ્ટ સિટીની ઓફિસ, લોનનું નેટવર્ક અને રૂપિયા ફેરવવાની માયાજાળ જ્યાં ગુનાહિત માનસ હોય ત્યાં મિલકતો અને લોનની હેરાફેરી હોય જ. શૂટ સ્પેસ કંપનીના રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન પણ શંકાના દાયરામાં છે. કંપનીએ 9 ડિસેમ્બર, 2024ના રોજ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે પોતાની એક ઓફિસનો દસ્તાવેજ કર્યો હતો, જેની સરકારી જંત્રી મુજબની કિંમત 1 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી. આ ઓફિસ ખરીદવાના પ્રકરણમાં તેના પર લોન લેવાની રમત શરૂ થઈ. લોકોને કરોડપતિ બનાવી દેવાના સપના બનાવતી ઉત્પલ પટેલની કંપની પર બે મોટી લોન ચાલી રહી છે. કંપનીની વેલ્યુએશનમાં અચાનક મોટો ઉછાળો અમારા સૂત્રોએ આપેલી માહિતી સરકારી દસ્તાવેજોમાં અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. વર્ષ 2024 સુધી શૂટ સ્પેસ કંપનીની સત્તાવાર વેલ્યુએશન માત્ર 5 કરોડ રૂપિયા હતી. પરંતુ, કૌભાંડની જાળ વધુ મજબૂત થતાં જ વર્ષ 2025 પછી કંપનીની વેલ્યુએશનમાં અચાનક ઉછાળો આવ્યો અને 17 કરોડ રૂપિયા થઈ ગઈ. આ અચાનક આવેલો ઉછાળો જ શંકાસ્પદ આવક અને રોકાણ તરફ ઈશારો કરે છે. 4: ડિરેક્ટરના સરનામા પણ સવાલોના ઘેરામાં શૂટ સ્પેસની કુંડળી ખોલ્યા બાદ અમે ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલ ડિરેક્ટર છે એ કંપની એટલે કે હેરી હોસ્પિટાલિટી એન્ડ લેઈઝર લિમીટેડના દસ્તાવેજો તપાસ્યા, જેમાં વધુ એક મોટો ભાંડો ફૂટ્યો. આ કંપનીમાં કુલ 6 ડિરેક્ટર્સ નોંધાયેલા છે. કંપનીમાં સૌથી મોટો હિસ્સો ભૂમિ પટેલ પાસે છે. તેમનું હોલ્ડિંગ બાકીના તમામ ડિરેક્ટર્સ કરતાં લગભગ ત્રણ ગણું વધારે છે. બાકીના તમામ ડિરેક્ટર્સ સરખો હિસ્સો ધરાવે છે. ભૂમિ પટેલનું ઘર 1 કરોડની લોન સામે ગીરો મૂક્યું જ્યારે અમે આ તમામ ડિરેક્ટર્સના એડ્રેસ તપાસ્યા ત્યારે સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખવાનો કિસ્સો સામે આવ્યો. હેરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર ભૂમિ પટેલનું જે ઘરનું સરનામું છે, એ જ મકાન શૂટ સ્પેસ કંપનીએ પ્રોટિયમ ફાયનાન્સમાંથી 1 કરોડની લોન લેવા માટે ગીરો મૂક્યું હતું. એટલે કે બંને કંપનીઓ આર્થિક રીતે એકબીજા સાથે જોડાયેલી હતી. ડિરેક્ટર અરૂણ બાંબોડા અને મુકુલ ચતુર્વેદીના દસ્તાવેજોમાં તેમનું વતન એક જ ગામ દર્શાવ્યું છે. ગામનું નામ છે નિમબહેરા. પરંતુ, ચોંકાવનારી વિગત એ છે કે મુકુલ ચતુર્વેદીના કાગળોમાં આ નિમબહેરા ગામ રાજસ્થાનમાં હોવાનું બતાવાયું છે, જ્યારે અરૂણ બાંબોડાના કાગળોમાં આ જ ગામ ગુજરાતમાં હોવાનું દર્શાવાયું છે. એક જ નામના બે ગામ હોવા એ નવી વાત નથી. પરંતુ એક જ કંપનીના ડિરેક્ટરના ગામના નામ સરખા હોય અને રાજ્ય અલગ હોય તો તપાસનો વિષય તો કહી જ શકાય. 5: રોકાણકારોના પૈસે કંપનીના નામે લક્ઝરી કારની સવારી હેરી હોસ્પિટાલિટી કંપનીના નામે એક બ્રાન્ડ ન્યૂ ઇલેક્ટ્રિક કાર ટાટા કર્વ ખરીદવામાં આવી હતી. આ લક્ઝુરીયસ કારનો ઉપયોગ કંપનીના ડિરેક્ટર મુકુલ ચતુર્વેદી કરતા હતા. આ કાર ખરીદવા માટે પણ HDFC બેંકમાંથી 13 લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી. 6: ડેટા સેન્ટરના નામે કંઈક અલગ જ બિઝનેસની શંકા ઉત્પલ પટેલ માર્કેટમાં અને રોકાણકારો સામે સતત એવો દાવો કરતો હતો કે તે હાઈ-ટેક ‘ડેટા સેન્ટર’ચલાવે છે અને તેમાંથી થતી જંગી કમાણીમાંથી લોકોને ભાડે પેટે ઊંચું વળતર આપે છે. પરંતુ જ્યારે કંપનીની વાસ્તવિક આવકની વિગતો અને રેકોર્ડ તપાસ્યા, ત્યારે કંઈક અલગ જ જાણકારી સામે આવી. કંપનીએ પોતાના કાગળોમાં અંદાજે 95 કરોડ રૂપિયાની આવક દર્શાવી છે. પરંતુ આ આવક ડેટા સેન્ટરમાંથી નહીં, પણ "ટેલિકોમ્યુનિકેશન બ્રોડકાસ્ટિંગ એન્ડ ઇન્ફોર્મેશન સપ્લાય સર્વિસ" મારફતે થઈ હોવાનું રેકોર્ડ પર બતાવવામાં આવ્યું છે. આ વિરોધાભાસ ઘણા ગંભીર સવાલ ઉભા કરે છે. શું ડેટા સેન્ટરનો વ્યવસાય તો માત્ર લોકોને બતાવવા પુરતો હોઈ શકે છે, પડદા પાછળ ખેલ કંઈક જુદો જ ચાલતો હતો? હેરી હોસ્પિટાલિટી અને શૂટ સ્પેસના તમામ મહત્વના કાગળો, મિનિટ્સ બુક અને બેંકિંગ વ્યવહારો પર ડિરેક્ટર તરીકે માત્ર ને માત્ર ભૂમિ પટેલની સહીઓ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે શૂટ સ્પેસનો કર્તાહર્તા જો ઉત્પલ પટેલ હતો, તો તેની પત્ની ભૂમિ પટેલ હેરી હોસ્પિટાલિટી એન્ડ લેઈઝર લિમીટેડની મુખ્ય સૂત્રધાર હતી. બંને કંપનીઓ કાગળ પર અને નાણાકીય વ્યવહારોમાં એકબીજા સાથે ગહન રીતે જોડાયેલી હતી. પતિ-પત્નીએ ભેગા મળીને એડવાન્સ પગારોના નામે, લોનના નામે અને શંકાસ્પદ સરનામા ઊભા કરીને ફાયનાન્સિયલ શીટમાં જે માહિતી આપી છે તેની તપાસ હવે એજન્સીઓ દ્વારા કડક રીતે થાય તે જરૂરી છે. 400 કરોડના આ મેગા કૌભાંડના કાગળો પરથી સનસનીખેજ ખુલાસાઓ મેળવ્યા બાદ, અમારી ઇન્વેસ્ટિગેટિવ ટીમે આ કેસની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનું નક્કી કર્યું. કાગળ પર જે નામો ડિરેક્ટર્સ તરીકે ચમકતા હતા, હકીકતમાં તેમની સ્થિતિ શું છે? શું તેઓ આ કૌભાંડમાં સક્રિય ભાગીદાર છે કે પછી મોહરા? આ સવાલોના જવાબો મેળવવા અમારી ટીમ શૂટ સ્પેસ અને હેરી હોસ્પિટાલિટી કંપનીના ડિરેક્ટરોના ઘર સુધી પહોંચી. ગ્રાઉન્ડ ઝીરો પરથી થયેલા આ રિયાલિટી ચેક દરમિયાન અમારી સામે ક્યાંક તાળા લટકતા જોવા મળ્યા, ક્યાંક પરિવાર આક્રમક મૂડમાં જોવા મળ્યો, તો ક્યાંક ઘરના સભ્યોએ રડીને પોતાની આપવીતી સંભળાવી. તપાસ દરમિયાન ટીમને થયેલા ચોંકાવનારા અનુભવોનો આંખે દેખ્યો અહેવાલ વાંચો. મામાએ અંધારામાં રાખીને ભાણિયા છેતર્યો અમે સૌથી પહેલા અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોપલ વિસ્તારમાં પહોંચ્યા. અહીં શૂટ સ્પેસ અને હેરી હોસ્પિટાલિટી બંને કંપનીઓમાં ડિરેક્ટર એવા ધ્રુવ ચૌધરીનું ઘર આવેલું છે. તેની બહેન તાન્વી ચૌધરી, જે હેરી હોસ્પિટાલિટીમાં ડિરેક્ટર છે તે પણ આ જ ઘરમાં રહે છે. કૌભાંડની મહત્વની કડી સમાન ભાઈ-બહેનના બંગલા બહાર જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો. અમે "કોઈ છે?" એવી બૂમો પાડી, થોડી મિનિટો સુધી રાહ જોયા બાદ અંદરથી એક પ્રૌઢ વ્યક્તિ બહાર આવ્યા. તેમણે પોતાની ઓળખ ધ્રુવ ચૌધરીના પિતા તરીકે આપી. તેમના ચહેરા પર ચિંતા અને ડર સ્પષ્ટ દેખાતા હતા. કેમેરા સામે સત્તાવાર રીતે કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો, પણ ઑફ-ધ-કેમેરા તેમણે જે વાતો કરી તેનાથી ઘણા ખુલાસા થયા. 19 એપ્રિલે જ ઉત્પલની હરકતોનો અંદાજો આવી ગયો હતો ધ્રુવના પિતાએ કહ્યું, "મારા સાળાએ જ અમને અંધારામાં રાખીને અમારા આખા પરિવારની મુશ્કેલી વધારી દીધી છે." વાસ્તવમાં, મુખ્ય કૌભાંડી ઉત્પલ પટેલ એ ધ્રુવના કુટુંબી મામા થાય છે. મામાના સંબંધે જ ઉત્પલે ધ્રુવને વિશ્વાસમાં લઈને કંપનીમાં ડિરેક્ટર પદ સ્વીકારવા કહ્યું હતું. પરિવારના દાવા પ્રમાણે ધ્રુવ ચૌધરીએ LLBનો અભ્યાસ કર્યો છે. પરંતુ તે ઉત્પલની કંપનીના કાળા કારોબાર વિશે કશું જ જાણતો નહોતો. મામા ઉત્પલની પ્રસંગમાં ગેરહાજરીથી શંકા ગઈ ધ્રુવના પિતાએ આખા ઘટનાક્રમની વિગત આપતા જણાવ્યું કે, "ગત 19 એપ્રિલના રોજ અમારા ઘરે એક કૌટુંબિક પ્રસંગ હતો. અમે બધા ધ્રુવના મામા (ઉત્પલ)ની રાહ જોઈ રહ્યા હતા, પણ તે ન આવ્યો. એ જ વખતે અમને શંકા ગઈ કે કંઈક ગડબડ છે.” “પ્રસંગ પત્યાના એક-બે દિવસમાં જ કોઈક રીતે અમને માઠા સમાચાર મળવા લાગ્યા. અમે તાત્કાલિક 24 એપ્રિલે ઉત્પલને મળવા ગાંધીનગર દોડ્યા. અમે તેને સ્પષ્ટ કહી દીધું કે અમારે આ કંપનીમાં રહેવું નથી, ધ્રુવે રાજીનામું આપી દેવું છે. ઉત્પલે હા પાડી, રાજીનામાના કાગળ પર સહી પણ કરી આપી, પણ પછી બોલ્યો, કંપનીનો સિક્કો અત્યારે મારી પાસે નથી. એટલે સિક્કો ન માર્યો. એ મુલાકાતના થોડા જ દિવસોમાં જ શૂટસ્પેસનું કૌભાંડ બહાર આવ્યું અને ઉત્પલ ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયો." તેમણે ઉમેર્યું કે ઉત્પલ હવે અમારો પણ ફોન ઉપાડતો નથી. આ આખી ઘટનાથી પરિવાર પર મુસીબતો આવી પડી છે. ધ્રુવે સત્તાવાર રીતે શૂટ સ્પેસમાંથી રાજીનામું પણ ધરી દીધું છે. હેરી હોસ્પિટાલિટી વિશે પૂછતા તેમણે જણાવ્યું કે ઉત્પલે પોતાના જ પૈસા રોકીને ધ્રુવને નામ પુરતો પાર્ટનર તરીકે રાખ્યો હતો, અંદર શું રંધાતું હતું તેની પરિવારને લેશમાત્ર ખબર નહોતી. બોપલથી નીકળી દિવ્ય ભાસ્કરની ટીમ સીધી ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા ઉત્પલ પટેલના ઘરે પહોંચી. જેનું સરનામું હેરી હોસ્પિટાલિટીની ડિરેક્ટર ભૂમિ પટેલના દસ્તાવેજોમાં પણ નોંધાયેલું છે. આ જ મકાનને મોર્ગેજ મૂકીને શૂટ સ્પેસ કંપનીએ 1 કરોડ રૂપિયાની મોટી લોન લીધી હતી. બે માળના આ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર તાળું લટકી રહ્યું હતું. આખું ઘર સુમસામ જોવા મળ્યું. તપાસ કરતા ખબર પડી કે ગ્રાઉન્ડ ફ્લોર પર ઉત્પલ અને ભૂમિ રહેતા હતા જ્યારે ઉપરના માળે કોઈ ભાડૂઆત રહે છે, પરંતુ તે સમયે તેઓ પણ હાજર નહોતા. અમે ભાડૂઆતનો ફોન નંબર મેળવીને તેમની સાથે સીધી વાતચીત કરી. ભાડૂઆતે ફોન પર જણાવ્યું કે ઉત્પલ પટેલે આ આખું મકાન આશરે 2થી 3 વર્ષ પહેલાં ખરીદ્યું હતું. ઉત્પલ પોતે આ ઘરે ક્યારેક-ક્યારેક જ આવતો હતો, પણ તેની પત્ની ભૂમિ પટેલ અને તેની માતા કાયમી આ જ મકાનમાં રહેતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 25 દિવસથી આ ઘરે તાળુ લાગી ગયું છે. ઉત્પલ કે તેના પરિવારના કોઈ સભ્ય અહીં દેખાયા નથી અને હાલમાં તમામના ફોન નોટ રિચેબલ આવી રહ્યા છે. અમદાવાદનો સાબરમતી વિસ્તાર... જ્યાં હેરી હોસ્પિટાલિટી કંપનીના અન્ય એક ડિરેક્ટર બિપિનચંદ્રભાઈનું ઘર આવેલું છે. ત્યાં ડિરેક્ટર પોતે તો હાજર ન હતા પણ અમારી મુલાકાત તેમના ભાભી બહાર આવ્યા. પછી તેમણે જ બિપિનચંદ્ર સાથે ફોન પર અમારી વાત કરાવી. બિપિનચંદ્રએ ફોન પર કહ્યું, "તમે લોકો સૌ પહેલાં મારા ઘરથી દૂર જતા રહો. તમે મારો નંબર લઈ લો અને સોસાયટીની બહાર જઈને મને કોલ કરો.” બિપિનચંદ્રના કહેવા મુજબ અમે ત્યાંથી નીકળી ગયા અને થોડીવાર પછી ફોન લગાવ્યો. બિપિનચંદ્રએ ફોન રિસિવ પણ કર્યો અને ટૂંકમાં પતાવતા કહ્યું, "હું તમને બરાબર પાંચ મિનિટમાં સામેથી કોલ કરીને બધી વિગત આપું છું." પરંતુ, આ વાતને દિવસો વીતી ગયા હોવા છતાં, આ રિપોર્ટ લખાવા સુધી બિપિનચંદ્રનો કોઈ પરતો ફોન આવ્યો નથી કે ન તો હવે તેઓ અમારો ફોન ઉપાડી રહ્યા છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન પરથી બે બાબતો સ્પષ્ટ થાય છે. કાં તો ઉત્પલ પટેલે પોતાના જ સગા-સંબંધીઓ અને ઓળખીતાઓને ડિરેક્ટર પદની લાલચ આપી, અંધારામાં રાખીને મોહરા તરીકે વાપર્યા છે. અથવા કૌભાંડની વિગતો બહાર આવી જતાં હવે તમામ સહ-આરોપીઓ અને ડિરેક્ટર્સ કાયદાના સિકંજાથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અથવા મોઢું છુપાવી રહ્યા છે. પોલીસની તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે શૂટસ્પેસ અને હેરી હોસ્પિટાલિટી નાણાકીય રીતે એકબીજા સાથે જોડાયેલા છે. કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઈન્ડ ઉત્પલ પટેલ દેશ છોડીને વિદેશ ભાગી ગયો હોવાનું ચર્ચાય છે. પોલીસ તેનું લોકેશન મેળવવા માટેના પ્રયાસો કરી રહી છે. આ કેસમાં ઉત્પલને કાયદાની આંટીમાં લેવા માટે ટૂંક સમયમાં જ તેની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
Read Original Article →