આજનું એક્સપ્લેનર:હાર્દિક, પંત, રહાણે... IPL 2026 કેપ્ટનો પર કેમ ભારે પડ્યું? શું આગામી સિઝનમાં 50% કેપ્ટન બદલાશે? કયા નવા ચહેરાઓને તક મળશે

Sports5/31/2026, 1:32:52 PM
આજનું એક્સપ્લેનર:હાર્દિક, પંત, રહાણે... IPL 2026 કેપ્ટનો પર કેમ ભારે પડ્યું? શું આગામી સિઝનમાં 50% કેપ્ટન બદલાશે? કયા નવા ચહેરાઓને તક મળશે
IPLની આ સિઝન ઘણા કેપ્ટનો માટે સારી રહી નથી. પહેલા હાર્દિક પંડ્યા અને ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ સમાપ્ત થવાના સમાચાર આવ્યા, પછી રિષભ પંતનું રાજીનામું આવી ગયું... આ યાદીમાં બીજા પણ ઘણા નામ સામેલ છે. આખરે આ કેપ્ટનો સાથે આવું શા માટે થયું, પ્રદર્શન આડે આવ્યું કે ટીમોને નવા ચહેરાઓની શોધ હતી, જાણીશું આજના એક્સપ્લેનરમાં… રિષભ પંત: 27 કરોડમાં વેચાયો, LSG પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને, રાજીનામું આપ્યું IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ, એટલે કે LSG પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી. 30 મેના રોજ LSGએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે ફ્રેન્ચાઇઝીએ રિષભની કેપ્ટનશીપ છોડવાની વિનંતી સ્વીકારી લીધી છે. LSGના ક્રિકેટ ડાયરેક્ટર ટોમ મૂડી અનુસાર, ‘પંતે પોતે કેપ્ટનશીપ પરથી હટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ફ્રેન્ચાઇઝીએ તેમના નિર્ણયને સન્માનપૂર્વક સ્વીકારી લીધો. આવો નિર્ણય લેવો ક્યારેય સરળ હોતો નથી.’ પંતના રાજીનામા પાછળ 3 મોટા ફેક્ટર હોઈ શકે છે… 1. ટીમનું ખરાબ પ્રદર્શન, પંત પ્રેશર મેનેજ ન કરી શક્યા 2. IPLના સૌથી મોંઘા ખેલાડી, પરંતુ પરફોર્મન્સ અપેક્ષા કરતાં ઓછું 3. LSG ના માલિક સંજીવ સાથે અણબનાવના સમાચાર હાર્દિક પંડ્યા: કોચની વાત ન માની, મુંબઈ ઈન્ડિયન્સ 9મા સ્થાને રહી 28 મેના રોજ ઈન્ડિયન એક્સપ્રેસે રિપોર્ટ કર્યો કે મુંબઈ ઈન્ડિયન્સ, એટલે કે MIના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો કાર્યકાળ પૂરો થવાનો છે. ટીમમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. તેની શરૂઆત કેપ્ટનથી થશે. અખબારે ટીમ સાથે જોડાયેલા 3 સૂત્રોને ટાંકીને જણાવ્યું, ‘ટીમનું મેનેજમેન્ટ હાર્દિકને આગળ કેપ્ટન તરીકે જાળવી રાખવા માંગતું નથી. આવનારા દિવસોમાં આત્મનિરીક્ષણ થશે. ઘણા સવાલોના જવાબ આપવા પડશે. તે પછી નક્કી થશે કે શું હાર્દિક કેપ્ટન રહેશે કે માત્ર ખેલાડી તરીકે ટીમમાં રહેશે?’ હાર્દિકની કેપ્ટનશીપ જવા પાછળ 3 મોટા કારણો હોઈ શકે છે… 1. MIનું ખરાબ પ્રદર્શન, સિનિયર ખેલાડીઓ પણ નિષ્ફળ રહ્યા 2. મિડલ-ઓર્ડરમાં હાર્દિકનું પ્રદર્શન સારું રહ્યું નહીં 3. કોચ સાથે આંતરિક વિવાદ ઋતુરાજ ગાયકવાડ: 3 સિઝનથી કેપ્ટન, CSK 8મા સ્થાને રહી પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ 19 મેના રોજ ક્રિકબઝને કહ્યું, 'IPL 2027માં ઋતુરાજ જ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન હશે, તે કહી શકાય નહીં. CSK માટે રમી ચૂકેલા ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ વર્તમાન સિઝનમાં ગાયકવાડના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, 'કેપ્ટનશીપના દબાણને કારણે તેઓ બેટિંગમાં પણ કંઈ ખાસ કરી શકતા નથી.' ઋતુરાજની કેપ્ટનશીપ જતી રહેવાના 3 મોટા કારણો હોઈ શકે છે… 1. CSKનું નબળું પ્રદર્શન, ગાયકવાડ ખેલાડીઓને મેનેજ કરી શક્યા નહીં 2. ઓપનર તરીકે ઋતુરાજનું પ્રદર્શન ખરાબ રહ્યું 3. ત્રણ સિઝનથી કેપ્ટન, એક પણ વાર પ્લેઓફ સુધી લઈ જઈ શક્યા નથી અજિંક્ય રહાણે: KKR બીજી વાર પ્લેઓફ સુધી ન પહોંચી, 7મા સ્થાને ફિનિશ 15 મે 2026ના રોજ આઉટલુક ઇન્ડિયા મેગેઝિને સૂત્રોને ટાંકીને ત્રણ IPL કેપ્ટનોના નામ આપ્યા, જેમની પાસેથી કેપ્ટનશીપ છીનવી શકાય છે. આ રિપોર્ટમાં ઋતુરાજ ગાયકવાડ, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણેનું નામ હતું. આઉટલુક મુજબ, ‘રહાણેને KKRની કેપ્ટનશીપ મળવી એ 'ફોર્સ્ડ કોલ' એટલે કે મજબૂરીમાં લેવાયેલો નિર્ણય હતો, કારણ કે ટીમ પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો.’ KKR એ 2024 માં શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળ 10 વર્ષના ઇંતજાર પછી IPL ખિતાબ જીત્યો. જોકે, 2025 માં ઐયર પંજાબ કિંગ્સમાં સામેલ થઈ ગયા હતા. 3 પરિબળો જેના કારણે રહાણેની કપ્તાની છીનવાઈ શકે છે… 1. KKR ની નિરાશાજનક સિઝન, સતત બીજી વાર પ્લેઓફમાંથી બહાર 2. ઉંમરનું પરિબળ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂરી 3. ધીમી બેટિંગ અને સ્ટ્રાઈક રેટ પર સવાલ આ 4 કેપ્ટનો ઉપરાંત દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન અક્ષર પટેલની કેપ્ટનશીપ પર પણ સવાલો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ‘અક્ષર કેપ્ટન તરીકે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. નિર્ણયો લેવા માટે તેઓ મોટાભાગે કોચ હેમાંગ બદની અને વેણુગોપાલ રાવ પર નિર્ભર રહે છે. આવા સંજોગોમાં જો આવતા વર્ષે તેમની કેપ્ટનશીપ જાળવી રાખવામાં આવે તો તે એક ચમત્કાર જ હશે.’ પ્રશ્ન-1: આ ટીમોના નવા કેપ્ટન કોણ હોઈ શકે છે? જવાબ: 5 ટીમોના નવા કેપ્ટન માટે સૌથી મોટા દાવેદારો છે… LSG : મિશેલ માર્શ ESPN અનુસાર, LSGના આગામી કેપ્ટનની રેસમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મિશેલ માર્શનું નામ સૌથી આગળ છે. માર્શ છેલ્લા બે સિઝનથી ટીમના ટોપ સ્કોરર પણ રહ્યા છે. આ ઉપરાંત ભારતીય યુવા ખેલાડી આયુષ બડોનીના નામની પણ ચર્ચા છે. MI: તિલક વર્મા MI પાસે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવનો વિકલ્પ છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, મેનેજમેન્ટ યુવા બેટ્સમેન તિલક વર્મા પર દાવ લગાવી શકે છે. CSK: સંજુ સેમસન પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી અનુસાર, 'CSK IPL 2027 માટે સંજુ સેમસનને પસંદ કરશે. તેમની પાસે RRની કેપ્ટનશીપનો અનુભવ છે અને તેઓ ઋતુરાજ કરતાં વધુ સારા ફોર્મમાં છે.' KKR: રિંકુ સિંહ ક્રિકટ્રેકરના રિપોર્ટ અનુસાર, 'KKR મેનેજમેન્ટ 2027માં ટીમની કેપ્ટનશીપ રિંકુ સિંહને સોંપી શકે છે. ટીમના CEO વેંકી મૈસૂરે IPL 2026 પહેલા તેમને વાઇસ-કેપ્ટન બનાવીને તેનો સંકેત આપી દીધો હતો.' DC: ટ્રિસ્ટન સ્ટબ્સ DC પાસે હાલના વાઇસ-કેપ્ટન કેએલ રાહુલનો વિકલ્પ છે. જોકે, તેઓ પહેલાથી જ કેપ્ટન બનવાની ના પાડી ચૂક્યા છે. IPL 2026 માં અક્ષરની ગેરહાજરીમાં ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સે કપ્તાની સંભાળી. સ્ટબ્સ યુવાન છે, ટીમ તેમને કેપ્ટન બનાવી શકે છે. ***** સંશોધન સહયોગ - પ્રથમેશ વ્યાસ
Read Original Article →